Aapnu Gujarat
ગુજરાત

સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલે રાજપીપલાની પ્રાથમિક શાળાના બાળકો સાથે કર્યો સીધો સંવાદ

ગુજરાતના સહકાર, રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે આજથી સમગ્ર ગુજરાતમાં “મિશન વિદ્યા” ના પ્રારંભાયેલા રાજ્યવ્યાપી અભિયાનના ભાગરૂપે નર્મદા જિલ્‍લામાં ઝાંસીની રાણી લક્ષ્‍મીબાઇ પ્રાથમિક શાળા ખાતે “મિશન વિદ્યા” ના યોજાયેલા કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકી જિલ્‍લામાં તેનો આજથી પ્રારંભ કરાવ્યો હતો. તા.૩૧ મી ઓગષ્‍ટ, ૨૦૧૮ સુધી જિલ્‍લામાં ધો- ૬ થી ૮ ધરાવતી ૩૬૭ જેટલી પ્રાથમિક શાળાઓમાં રાજ્યકક્ષાએથી ઉચ્ચાધિકારીઓ ઉપરાંત જિલ્લાના વરિષ્‍ઠ અધિકારીઓ શાળાઓની મુલાકાત લઇ ઉપચારાત્મક શિક્ષણકાર્યનું નિરીક્ષણ-મોનીટરીંગ કરશે.

જિલ્‍લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામા, જિલ્‍લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ, જિલ્‍લા શિક્ષણાધિકારીશ્રી ડૉ. નિપાબેન પટેલ, જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી બી.ડી. બારીયા, જિલ્‍લાના અગ્રણીશ્રી ગજેન્દ્રસિંહ જાડેજા અને શ્રી રમણસિંહ રાઠોડ વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલા “મિશન વિદ્યા” ના ઉક્ત કાર્યક્રમમા મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે ઉક્ત શાળાના ધો- ૬ થી ૮ ના વર્ગખંડોમાં જઇને શાળાના વિદ્યાર્થીઓ સાથે સહજ ભાવે સીધો સંવાદ કરી તેમના અભ્યાસ દરમિયાન વર્ગખંડમાં મેળવેલા જ્ઞાનની જાણકારી માટે વાર્તાલાપ કર્યો હતો અને વિદ્યાર્થીઓ પાસે વાંચન કરાવવા ઉપરાંત મૂકગણિતમાં સરવાળા, ગુણાકાર અને પલાખા પૂછ્યાં હતાં. મંત્રીશ્રી વર્ગખંડમાં વિદ્યાર્થીઓ પાસે બોર્ડ ઉપર પણ ગણિતના દાખલા કરાવ્યાં હતાં. વર્ગ ખંડમાં નબળા (પ્રિય) વિદ્યાર્થીઓ અંગે શિક્ષકો પાસેથી જરૂરી વિગતો મેળવવાની સાથોસાથ તેના ઉપચારાત્‍મક શિક્ષણકાર્ય અંગેની પણ જાણકારી મેળવી તેમણે જરૂરી સૂચનો કર્યા હતા. 

ત્યારબાદ મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ ઉપસ્થિત મહાનુભાવો સાથે રાજપીપલાની પ્રાયોગિક પ્રાથમિક શાળા ખાતે પહોંચ્યા હતાં. આ શાળામાં પણ મૂકગણિતમાં પ્રશ્નોત્તરી દ્વારા મંત્રીશ્રીએ બાળકો પાસેથી સંખ્યા જ્ઞાન અને દાખલાની પ્રક્રિયાનો ખ્યાલ મેળવ્યો હતો અને બાળકોના ઉત્સાહપૂર્વકના જવાબોથી સંતોષ વ્યક્ત કરી મંત્રીશ્રી પ્રભાવિત થયા હતાં અને બાળકોને બિરદાવ્યાં હતાં. શાળામાં ધો- ૬ અને ૭ ના વિદ્યાર્થીઅ પાસે વાંચન કરાવડાવ્યું હતું. મંત્રીશ્રી પટેલે દરેક બાળકને વાંચન માટેની તક આપી હતી અને વિદ્યાર્થીઓએ પણ આરોહ-અવરોહ સહિત ભાવવાહી વાંચન કર્યું હતું.

મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૨-૨૦૦૩ થી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી અને દેશના હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી રથયાત્રાના માધ્યમથી સમગ્ર સમાજમાં દિકરા-દિકરીઓને ભણાવવા માટેની લોકજાગૃત્તિ કેળવવાની કરાયેલી શરૂઆત અને ત્યારબાદ રાજ્યમાં ગુણોત્સવના માધ્યમથી બાળકો-શિક્ષકોમાં રહેલી કૌશલ્ય ક્ષમતા-સજ્જતા ચકાસણી અને હવે મિશન વિદ્યાના માધ્યમથી વાંચન, ગણન અને લેખનમાં હજી પણ કચાશ રહી હોય તેવા બાળકોને અન્ય બાળકોની હરોળમાં લાવીને આવા બાળકો પણ હોંશિયાર બને તે દિશાના સરકારના પ્રયાસો હોવાનું તેમણે ઉમેર્યું હતું. નર્મદા જિલ્‍લામાં ૩૬૭ જેટલી પ્રાથમિક શાળાઓમાં અંદાજે ૧૯ હજારથી પણ વધુ બાળકોને અલગ તારવીને તેમને સવિશેષ તાલીમ થકી વધુ પ્રેક્ટીસ થાય અને તેઓ પણ પોતાની રીતે સક્ષમ બને તે માટે રાજ્યકક્ષાએથી ઉચ્ચાધિકારીઓ અને સ્થાનિક કક્ષાએ જિલ્‍લાના ૧૦૨ જેટલા અધિકારીઓ – કર્મચારીઓ પણ ઉક્ત શાળાઓની મુલાકાત લઇ ઉપચારાત્મમક શિક્ષણકાર્યનું નિરીક્ષણ-મોનીટરીંગ કરશે.

જિલ્‍લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાએ જણાવ્યું હતું કે, ઉપચારાત્મક શિક્ષણ આપવાના કાર્યક્રમ અન્વયે જિલ્‍લામાં એવરેજ બાળકોની સરખામણીમાં થોડા નબળા છે તેવા બાળકોને અલગ તારવીને શાળા સમય દરમિયાન બે કલાક અને શાળા સમય બાદ એક કલાક જે તે શાળાના શિક્ષકો દ્વારા જ શિક્ષણ અપાશે.

ત્યારબાદ જિલ્‍લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામા અને જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડી.બી. બારીયાએ વીર બિરસા મુંડા પ્રાથમિક શાળા ખાતે પણ મિશન વિદ્યા ના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ મુલાકાત દરમિયાન જે તે શાળાના આચાર્ય શ્રી એમ.સી. સોલંકી, શ્રી કલ્પેશભાઇ ચૌહાણ અને શ્રીમતી નીલાબેન વસાવાએ જે તે શાળાની જરૂરી વિગતોથી મંત્રીશ્રી-મહાનુભાવોને વાકેફ કર્યા હતાં.  

Related posts

સોમનાથમાં આવેલાં હિંગળાજ માતાજીનાં મંદિરમાં ચમત્કાર સર્જાયો

aapnugujarat

સત્ય-અસત્ય વચ્ચેની લડાઇમાં સચ્ચાઇની જ જીત થશે :રાહુલ

aapnugujarat

પતંગમાં ૨૫ અને દોરીના ભાવમાં ૨૦%નો વધારો

editor

Leave a Comment

UA-96247877-1