Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપ અધ્યક્ષ તરીકે ત્રણ વર્ષ પૂરાં કરનાર અમિત શાહને વડાપ્રધાન મોદીનાં અભિનંદન

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અમિત શાહનાં આજે ત્રણ વર્ષ સમાપ્ત થતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટિ્‌વટ કરીને તેમને શુભ કામનાઓ પાઠવી હતી અને તેમનાં યોગદાનની પ્રશંસા કરી હતી. ભારતના વર્તમાન રાજકીય માહોલમાં ભાજપના ચાણક્ય તરીકે ઓળખાતા અમિત શાહને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જમણા હાથ સમાન માનવામાં આવે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમિત શાહને ભાજપના પ્રમુખ તરીકે ત્રણ સફળ વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન આપતાં જણાવ્યું હતું કે અમિત શાહના પ્રમુખપદ હેઠળ ભારતમાં અનેક વિસ્તારોમાં ભાજપે પોતાનો વ્યાપ વધાર્યો છે અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યે સંનિષ્ઠ કામગીરી બજાવી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે ભાજપને એવી ઊંચાઈએ પહોંચાડ્યો છે કે જેની ૨૦૧૪ની લોકસભા ચૂંટણી પહેલાં ભાગ્યે જ કોઈને કલ્પના હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકે એનડીએને ૭૩ બેઠક અપાવનાર અમિત શાહને સમગ્ર ચૂંટણીના મેન ઓફ ધ મેચ ગણાવ્યા હતા.
અમિત શાહના પ્રમુખપદે ભાજપનો ઝડપથી વિકાસ અને વિસ્તાર થયો હતો અને ગોવા, મણિપુર તથા અરુણાચલ પ્રદેશ જેવાં રાજ્યોમાં બહુમતી નહીં હોવા છતાં રાજકીય સંખ્યાબળથી સત્તા હાંસલ કરી હતી. આજે દેશના ૧૩ રાજ્યમાં ભાજપની સરકાર છે અને અન્ય પાંચ રાજ્યમાં ભાજપ શાસક ગઠબંધનના ભાગરૂપ છે.આજે ભાજપ ૧૧ કરોડ સભ્ય સાથે દુનિયાનો સૌથી મોટો રાજકીય પક્ષ છે.
મીડિયાની લોબીમાં એક ચર્ચા ખાસ ચાલે છે કે અમિત શાહ જે પણ બીનભાજપી રાજ્યોમાં પહોંચે છે ત્યાં કોઈને કોઈ રાજકીય ઊથલપાથલ થતી જોવા મળે છે. અમિત શાહના પ્રયાસો અને વ્યૂહાત્મક કૌશલ્યનાં પરિણામે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પ્રચંડ જીત મળી હતી.જુલાઈ ૨૦૧૪માં તત્કાલિન ભાજપ અધ્યક્ષ રાજનાથસિંહ મોદી કેબિનેટમાં જોડાતાં અમિત શાહને પક્ષના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. ૫૨ વર્ષના અમિત શાહ હવે પક્ષ પ્રમુખ તરીકે ચોથા વર્ષમાં પ્રવેશ સાથે રાજ્યસભાના સાંસદ તરીકે નવી ઈનિંગ્સ પણ શરૂ કરનાર છે.

Related posts

પતંજલિ આર્યુવેદની શરતો માનવા યોગી સરકાર તૈયાર

aapnugujarat

રાજસ્થાનમાં ક્ષેત્રીય પક્ષનું પ્રભુત્વ : સચિન પાયલોટ

aapnugujarat

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા અને રાહુલ ગાંધી સામે કેસ ખોલવા આઈટીને બહાલી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1