Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાજસ્થાનમાં ક્ષેત્રીય પક્ષનું પ્રભુત્વ : સચિન પાયલોટ

રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતપોતાની વ્યૂહરચના તૈયાર કરવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ રાજસ્થાનના નાના ક્ષેત્રીય પક્ષો સાથે કોઇપણ ચૂંટણી પહેલાના જોડાણનો ઇન્કાર કર્યો છે. જો કે, કોંગ્રેસ પાર્ટી સ્પષ્ટપણે માને છે કે, રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ઓછામાં ઓછી ૩૦ વિધાનસભા સીટો એવી છે જેના ઉપર નાના પક્ષોનું મહત્વ રહેલું છે જેમાં બહુજન સમાજ પાર્ટી, નેશનલ પીપલ્સ પાર્ટી, સીપીઆઈએમ અને રાષ્ટ્રીય લોકદળનો સમાવેશ થાય છે. આ તમામ નાના પક્ષો ચોક્કસ બેઠકો ઉપર પ્રભુત્વ ધરાવે છે. આવી સ્થિતિમાં કેટલાક મતવિસ્તારમાં આશ્ચર્યજનક પરિણામો આવી શકે છે. આ બેઠકો ઉપર પરિણામ ભાજપ અને કોંગ્રેસ બંનેની ગણતરી બગાડી શકે છે. ભાજપના બળવાખોર નેતા ઘનશ્યામ તિવારી દ્વારા હાલમાં જ રચવામાં આવેલી ભારત વાહીની પાર્ટીની કોઇપણ અસર દેખાઈ રહી નથી પરંતુ બાકીની અન્ય પાર્ટીઓ નોંધપાત્ર દેખાવ કરી શકે છે. કોંગ્રેસના રાજ્ય એકમના વડા સચિન પાયલોટે રાજ્યમાં બહુજન સમાજ પક્ષ સહિત કોઇપણ નાના પક્ષ સાથે ચૂંટણી જોડાણ કરવાનો હાલમાં સાફ ઇન્કાર કર્યો છે. તેમણે સાફ શબ્દોમાં કહ્યું છે કે, અમે તમામ ૨૦૦ સીટો ઉપર ભાજપ સામે ચૂંટણી મેદાનમાં ઉતરીશું. સચિન પાયલોટની આ જાહેરાતને બસપને મોટા ફટકા તરીકે ગણવામાં આવે છે. કારણ કે, બહુજન સમાજ પાર્ટીએ હાલમાં જ કહ્યું છે કે, ત્રણેય રાજ્યોમાં જોડાણ થશે તો જ બહુજન સમાજ પાર્ટી કોંગ્રેસ સાથે હાથ મિલાવશે. ૨૦૦૮માં જ્યારે કોંગ્રેસ પાર્ટી ૯૬ સીટ જીતી શકી હતી ત્યારે બહુજન સમાજ પાર્ટીના છ સભ્યોનો ટેકો પાર્ટીએ મેળવ્યો હતો. આ લોકો ગહેલોતના નેતૃત્વમાં સરકારમાં સામેલ થઇ ગયા હતા. વસુંધરા રાજેની આક્રમક ગૌરવ યાત્રા બાદ ભાજપ દ્વારા કેટલીક વિધાનસભા સીટોમાં શાસનવિરોધી લહેરને રોકવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વસુંધરા રાજે પોતે ૨૦૦૮માં હારી ગઈ હતી પરંતુ કોંગ્રેસને સ્પષ્ટ બહુમતિ મળી ન હતી. આ વખતે ભાજપની સ્થિતિ રાજસ્થાનમાં પ્રમાણમાં નબળી દેખાઈ રહી છે. રાજસ્થાનમાં એક વખત કોંગ્રેસ અને એક વખત ભાજપની સરકાર બનતી રહી છે. કેટલાક રાજકીય પંડિતો માને છે કે, રાજસ્થાનમાં કર્ણાટક જેવી સ્થિતિ ઉભી થઇ શકે છે જ્યારે કોંગ્રેસ પાર્ટી ભાજપ બાદ બીજા સ્થાને રહી હતી. ઓછામાં ઓછી ૩૦ સીટો ઉપર નાના પક્ષોની ભૂમિકા ચાવીરુપ રહી શકે છે. ભાજપને સત્તાથી દૂર કરવા માટે કોંગ્રેસ પાર્ટી સાવધાનીપૂર્વક પહેલાથી જ નાના પક્ષો સાથે જોડાણ કરી શકે છે.

Related posts

ન્યૂનત્તમ બેલેન્સ અંગે એસબીઆઈના ગ્રાહકો માટે ખરાબ સમાચાર

aapnugujarat

બંગાળમાં હિંસા બાદ ચૂંટણી પંચ દ્વારા અહેવાલની માંગ

aapnugujarat

Shashi Tharoor gets bail from Delhi court over his alleged ‘scorpion’ remarks referring PM Modi

aapnugujarat

Leave a Comment

UA-96247877-1