Aapnu Gujarat
બ્લોગ

ખૂંખાર ખલનાયક : કે. એન. સિંઘ

ખૂંખાર ખલનાયક કે. એન. સિંઘ ખૂબ પ્રભાવશાળી પણ એક સામાન્ય વિલન હતો. ‘કે. એન.’નું આખું નામ ‘કૃષ્ણ નારાયણ’ હતું, એમાંથી ‘કેે.એન.’ કદાચ એટલે કરી નાંખવું પડ્યું હશે કે, દેખાવમાં, લક્ષણમાં કે ધંધામાં, ત્રણમાંથી એકે યમાં એમનામાં ન તો કૃષ્ણના કોઈ લક્ષણો મોજૂદ હતા કે ન નારાયણના. એ વાત જુદી છે કે, ગીત ગાવામાં ય કે. એન. સિંઘની બેનમૂન મિમિક્રી કરી શકતા કિશોરકુમારે ફિલ્મ ‘બઢતી કા નામ દાઢી’માં કે. એન. સિંઘના ભોડામાં મોરના પીંછા ખોસીને, પીળાં પીતામ્બર પહેરાવીને, હાથમાં બંસી પકડાવીને ‘શ્રી કૃષ્ણ’ તરીકે રજૂ કર્યા અને ડાન્સ કરાવ્યો, ત્યારે આ વિલને આખી કરિયરમાં કોઈને નહિ હસાવ્યા હોય, એટલા કૃષ્ણ બનીને હસાવ્યા હતા. (કેટલાકને મતે, એમનું નામ ‘કૃષ્ણ નિરંજન સિંઘ’ હતું.)અને જે બે વાત તમે નથી જાણતા, એમાંની પહેલી એ કે, આ સર્વશિક્ષિત માણસ અદાલતનો જસ્ટિસ (ન્યાયમૂર્તિ) હતો, એમાંથી રાજીનામું આપીને ખલનાયક બનવા ફિલ્મોમાં આવ્યો હતો. જસ્ટિસ કે વિલન, બન્નેએ આખરે ન્યાય તો સરખો જ કરવાનો હોય છે, એ ધોરણે કદાચ એણે ફિલ્મો પસંદ કરી હોય. પણ રાઝ કી આખરી બાત યે હૈ… જો મૈ ભી નહિ જાનતા થા કે… પેલી બહુ જાણિતી અભિનેત્રી પરવિન પૌલ કે. એન. સિંઘની વાઇફ થાય. એ પહેલી વારની હતી કે છેલ્લી વારની, એ બધી બબાલ છોડો, પણ આજન્મ અને એકદમ બુઢ્ઢા કે. એન.ની વાઇફ આટલી નાની હોય, એ જાણ્યા પછી ડોહા થયા પછી આપણું ભવિષ્ય સુધરી ગયું. આપણે બુઢાપામાં શું કરીશું, એ મામલે મૂંઝાવાની હવે જરૂર નથી. ઓળખી પરવિન પૌલને… ? ફિલ્મ ‘કાલાપાની’માં મઘુબાલાની કાકી બને છે એ. આમ તો કે. એન. સિંઘની તમામ ફિલ્મોમાં એ હતી જ. (આટલો મોટો વિલન હોવા છતાં કેવો મૂરખનો સરદાર કહેવાય… ? આપણા જેવા હોય તો, આપણી ફિલ્મમાંથી વાઇફને કઢાવીએ…! ઘરની બહાર નીકળ્યા પછી તો માણસને શાંતિ જોઈએ કે નહિ ? સુઉં કિયો છો ?) શાંતિ કે. એન. સિંઘની કુંડળીમાં નહોતી. (એની બાજુના બંગલામાં કામ કરીત શાંતિ પણ નહિ !) દરેક ફિલ્મોમાં એ હીરો- હીરોઇનનું જીવન હરામ કરી નાંખે. આ માણસ ક્યાંય હખણો રહ્યો નથી. યસ. બીજા વિલનો કરતાં એ જુદો ઘણી રીતે પડતો વિલનો રૂપાળા- દેખાવડા હોય, તો હીરોનો કોઈ ભાવ ન પૂછે. (આ અખતરો વિનોદ ખન્ના અને શત્રુધ્ન સિન્હા વખતે થઈ ગયો હતો !) વિલનનું વિકરાળ હોવું નિહાયત જરૂરી છે ને તો જ ભલે આપણે નહિ, કમ-સે-કમ હીરોઇનો તો એનાથી દૂર ભાગતી ફરે ! કે. એન. સિંઘને વિલન દેખાવા માટે જુદો મેક-અપ નહિ કરવો પડતો હોય. સ્કૂટરની ડીકી જેવું અર્ધ- ગોળાકાર અને ઢળતું કપાળ, એના ઉપર છાકટી થઈને ફરવા નીકળેલી ગામની ગોરીઓ જેવી ફેલાતી વાળની લાંબી લટો, ‘લુકિંગ લંડન ટોકિંગ ટોક્યો’ જેવી આંખો અને આંખો ય પાછી આપણા બધાની નોર્મલ સાઇઝ કરતા ઘણી મોટી અને એમાંની પાછી એકે હખણી ન રહે… ઉંધી પડેલી હોડી ઉપર વારેઘડીએ પાણી આધુંપાછું થતું રહે, એમ એક આંખ ખૂલ-બંધ થયે રાખે, પણ બોડી જબરદસ્ત પ્રભાવશાળી. હાથમાં ચિરૂટ અથવા પાઇપ, મોઢા ઉપર મન ફાવે ત્યાં અને ત્યારે ચોંટાડેલો ખતરનાક કાળો મસો, આપણે ફોન કરીએ અને સામે છેડે ભૂલમાં એનો નંબર લાગી જાય તો એના પહાડી અવાજથી પણ થથરી જવાય….! સાઇઝમાં તો ભલભલો હીરો એની સામે છોકરૂં જ લાગે. ફિલ્મ ‘આવારા’માં રાજ કપૂર કે. એન. સિંઘને ઉઠાવીને હચમચાવી શકે, એ વાતમાં માલ નહિ ! કે. એન. સિંઘનો એક કીસ્સો એના સેન્ટીમેન્ટલ હોવાનો પુરાવો આપે છે. સિંઘ સાહેબ નરગીસના મધર જદ્દનબાઈની કોક ફિલ્મનું શુટિંગ કરી રહ્યા હતા. ત્યારે ફિલ્મના એક્સ્ટ્રાઓની લાઇનમાં એમણે જૂના જમાનાના બહુ પોપ્યુલર એક્ટર માસ્ટર નિસારને એ લાઇનમાં ઊભેલો જોયો એ ચોંકી ગયા. ગઈકાલ સુધી જેના ઓટોગ્રાફ્‌સ લેવા માટે પડાપડી થતી હતી, એ હીરોના દિવસો પૂરા થઈ ગયા પછી એની આવી હાલત કે, એક્સ્ટ્રાઓની લાઇનમાં રોજના બે રૂપિયા કમાવવા માટે ઊભા રહેવું પડે ? કે. એન. સિંઘ તરત જ જદ્દનબાઈ પાસે ગયા અને વાત કરી. જદ્દનબાઈ પોતે ય ચોંકી ગયા. સેટ પર આવ્યા અને મા. નિસારને બોલાવી પ્રોડક્શન મેનેજરને ત્યાં જ સૂચના આપી દીધી, જ્યાં સુધી આ ફિલ્મનું શુટિંગ ચાલે છે, ત્યાં સુધી નિસારને મહિને રૂા. ૩૦૦/- આપી દેવાના (મહિને રૂા. ૩૦૦/- અત્યારે લાગે છે, એટલી નાની રકમ નહોતી !) આશરે ૨૦૦ ફિલ્મોમાં કામ કરીને ઠેઠ- ૯૧મે વર્ષે ગુજરી ગયેલા. ૧૯૦૮માં ઉત્તર પ્રદેશના દહેરાદૂનમાં જન્મેલા કે. એન. સિંઘને ફિલ્મ ઉદ્યોગની બે વ્યક્તિઓ સાથે ‘ધી સખ્ખતેસ્ટ’ દોસ્તી હતી. એક કુંદનલાલ સાયગલ અને બીજા પૃથ્વીરાજ કપૂર. સાયગલની એક- બે ફિલ્મોમાં એમનો રોલ હતો. ફિલ્મ ‘આવારા’માં પૃથ્વીરાજ અને રાજ કપૂર બન્ને સાથે કામ કરતી વખતે એક વાતે તેઓ બહુ ખુશ થઈ ગયેલા કે જે રાજ કપૂરને એમણે ભાંખોડીયા ભરતા બાળક તરીકે જોયો હતો, તે આજે મોટો થઈને ખુદ પૃથ્વીરાજ જેવા મહાન કલાકારને ડાયરેક્શન આપી રહ્યો છે. સાયગલ સાથે બહુ બનવાનું વધારાનું કારણ એ પણ હોઈ શકે કે, પીવાના બન્ને શહેનશાહો હતા. ‘‘… બૈઠ ગયે… તો, બસ બૈઠ ગયે !’’ પૃથ્વીરાજ કપૂર પણ એ વખતે મુંબઈના કિંગ-સર્કલ ખાતે રહેત હતા આ પણ ત્યાં જ, એટલે રોજ સાંજે બેસવાનું સાથે થાય. યાદ હોય તો એ જમાનાની ફિલ્મોમાં કોઈને વિલન બતાવવાનો હોય, એટલે એનો ગેટઅપ નક્કી જ. માથા ઉપર ફેડોરા કૅપ, કાળો લોંગ-કોટ, હાથ ખિસ્સામાં, મોમાં ચિરૂટ અને અંધારૂ હોય તો ય ફાટી પડ્યાઓ કાળા ગોગલ્સ પહેરી રાખે. કે. એન. સિંઘે આટલા માલસામાનમાં વધારો કરાવીને નવું ય કંઈ ઉમેર્યું. એની આંખો અને નાકના ફાયણાં અસાધારણ મોટા હતા. આંક ઉપરની ભ્રમરો સાયકલના ડાબા- જમણા પૅડલની માફક ઊંચી નીચી થતી રહે… અને બાઈ સા’બ… હોઠ એમના કદી ઝાલ્યા રહ્યા નથી. ગુસ્સે થાય એટલે એ હોઠો એવી ખરાબ રીતે મચડે કે, હીરોઈનો એ હોઠ સામે પોલીસ ફરિયાદ કરવા જવાની હિંમત પણ ન કરે. એના અવાજમાં જો કે, કશિશ- ફશિશ કાંઈ નહોતું… સરકારી પ્રતિબંધિત ‘હશિશ’ જેવું કાંઈ ચોક્કસ હશે, જેનાથી આકર્ષાઈને મોટા ભાગના મિમિક્રી- આર્ટિસ્ટસ સ્ટેજ પર કે. એન. સિંઘના અવાજની મિમિક્રી કરે જ છે. કિશોરકુમારે લક્ષ્મી પ્યારેના સંગીતવાળા ગીત ‘પ્યાર બાંટતે ચલો…’માં ગાતા ગાતા ય સિંઘ સાહેબના અવાજની નકલ કરી છે… ‘હંસો… તુ લોગ રોના ચાહતે હો?’ અને એ જમાનામાં વિલન તરીકે સૌથી મોટું નામ યાકુબનું ગણાતું. એ યાકુબે કે. એન. સિંઘથી પ્રભાવિત થઈને કહી દીઘું હતું, ‘‘સિંઘ સા’બ… આપ કિંગ હૈ… અબ હમ તો ચલે કેરેક્ટર- રોલ કરને!’’ યાકુબની વાતમાંં દમ અને કદાચ પોતાની નબળાઈ વિશે જાણકારી હતી. યાકુબ ઘણી ઘુ્રણા ઉપજાવે એવો વિલન ખરો, પણ રહેનસહેન, દેખાવ અને અભિનયની રીતરસમના કારણે એ બહુ બહુ તો ગામઠી ખલનાયકોમાં ચાલે સોફિસ્ટીકેટેડ સમાજના વિલનમાં એ ન ચાલે કે. એન. સિંઘની તો પર્સનાલિટી જ ફાઇવ-સ્ટાર હોટલના રીસેપ્શન પર ઉભેલા કોઈ કરોડપતિની હતી. મોટે ભાગે એના શૂટ મોઘાદાટ કાપડમાંથી બનેલા હતા. હાથમાં પાઇપ પકડવાની કે હીરો ઉભો ને ઉભો સળગી જાય, એવા કટાક્ષો મારવાની એની પદ્ધતિ અજાયબ હતી. એક ફિલ્મમાં અવારનવાર પોતાનો તકિયા-કલામ ‘અપની બકવાસ બંદ કરો’ વાપરવાની સ્ટાઇલ કે. એન. સિંઘથી મશહૂર થઈ…! (‘મશહૂર’ કહેવાય કે ‘બદનામ’ થઈ કહેવાય ?) આ બકવાસનું મૂલ્યાંકન તમે ગમે તેટલું નીચું કરો, તો પણ એક વાર કે. એન. સિંઘ ભલે ફિલ્મનો હીરોઇન કે હીરોને બકવાસ બંધ કરવાનું કહે, એ સાંભળીને સાલી થીયેટરમાં બેઠેલા આપણી હાલત ડરના માર્યા એ થતી કે, આપણે ચૂપચાપ બેઠા બેઠા ફિલ્મ જોઈ રહ્યા હોવા છતાં, બકવાસ બંધ કરવાનું આપણને ય કીઘું લાગે છે, એવા ફફડી જઈને, પહેલેથી બકવાસ આપણે બંધ કરી દેતા…! આવો પ્રભાવ એની પર્સનાલિટીનો હતો.આ તો તકદીર એને ફિલ્મોમાં લઈ આવી, નહિ તો માનશો તમે ? ભારત તરફથી કે. એન.સિંઘ ‘શોટ-પટ’ નામની રમતમાં બર્લિન ઓલિમ્પિક (૧૯૩૬)માં જતા જતા સહેજમાં રહી ગયો. એ વેઇટ લિફિ્‌ટંગનો માસ્ટર હતો. મૂળ તો આ એથ્લિટ માણસ લશ્કરમાં જોડાવા તૈયાર થઈ ગયો હતો, પણ તકદીર એને ફિલ્મોમાં ખેંચી લાવ્યું. ફિલ્મોમાં એને પૃથ્વીરાજ કપૂર લાવ્યા. દેવકી બોઝ સાથે ઓળખાણ કરાવી અને દેવકીએ તેમને ફિલ્મ ‘સુનહરા સંસાર’(૧૯૩૬-માં) નાનકડો રોલ આપ્યો અને એક મોટા વિલનનો જન્મ થયો. આ લોકો ડોહાઓમાં ય સેન્સ ઓફ હ્યૂમર કાયમની ભરી પડેલી રહેતી. સિંઘ કોલકાતા શિફ્‌ટ થઈ ગયા હતા. ત્યાંથી ફિલ્મ ‘દિલ દિયા દર્દ લિયા’ વાળા એ. આર. કારદાર એમને મુંબઈ ખેંચી લાવ્યા, એટલા માટે કે શરૂઆતમાં સમજો ને ’૪૦ના દાયકામાં સિંઘે ‘હવાઈ ડાકૂ’ (જેમાં એ જીંદગીમાં પહેલી અને છેલ્લી વાર હીરો બન્યો !) ‘અનાથ આશ્રમ’, ‘વિદ્યાપતિ’ અને ‘મિલાપ’ જેવી ફિલ્મો કરી, એમાંની ‘મિલાપ’ જોઈને કારદાર સિંઘ ઉપર ઓળઘોળ થઈ ગયા. એ પછી એક ફિલ્મ ‘ઇશારા’માં કે. એન. સિંઘને ઉંમરમાં એમનાથી નાના પૃથ્વીરાજ કપૂરના પિતા બનવાનો રોલ આવ્યો. પૃથ્વીરાજે ફોર્સ કર્યો કે, ‘સિંઘ… તુમ યે રોલ બાકાયદા કરો… ઔર ઍક્ટિંગ મેં દિખાદો, તુમ મેરે બાપ ભી હો!’
ઍક્ટિંગ જો બતાડી જ દેવાની હોય, તો સિંઘને એકવાર છૂટો મૂક્યા પછી ઝાલી રાખવો મુશ્કેલ પડે. એ વખતની ફિલ્મ ‘લૈલા-મજનૂ’માં મજની બનતા હીરો નઝીરને લૈલાના બાપ બનતા કે. એન. સિંઘે લાફો મારવાનો હતો. નઝીર વળી કઈ ગોળીઓ ખ’ઈ ગયો હશે ને એને શું સૂઝ્‌યું કે, બદનનો એકોએક સ્નાયુ એથ્લેટિક ધરાવતા કે. એન. સિંઘને કહ્યું, ‘‘ઐસે નહિ સીન મેં રીયાલીટી આની ચાહિયે… આપ મુઝે સચમુત થપ્પડ મારીયે…’’ફિર ક્યા… ? પેલાએ એક અડબોથની ઝીંકી ને નઝીરનું જડબું ગમે તે એક બાજુ ખસી ગયું… અનિયત કાલ સુધી શુટિંગ બંધ ! કહે છે કે, એ પછી નઝીર બાકીની કારકિર્દીમાં કદાપિ રીયાલિટીનો આગ્રહ રાખ્યો નહોતો.સિંઘ સાહેબ આમ તો ભલે ૯૧ની ઉંમર સુધી જીવ્યા, પણ જીવનના છેલ્લા વર્ષોમાં આંખો સાવ ગઈ હતી અને એ કાંઈ જ દેખી શકતા નહોતા. વધારાના એક્સ્ટેન્શન માટે તો એ પરમેશ્વરને ય કાંઈ કહે એમ નહોતા.. રખે ને નીચેવાળા કૃષ્ણને ઉપરવાળો કૃષ્ણ કહી દે, ‘‘બકવાસ બંદ કરો !’’

Related posts

MORNING TWEET

aapnugujarat

જાણવા જેવું…

aapnugujarat

चलो चले प्रकृति की ओर… 135 करोड पौधे रोपे, वृक्ष महाकुंभ मनाये..!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1