Aapnu Gujarat
ગુજરાત

વડોદરા ખાતે શિક્ષણ મંત્રીએ શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો કરાવ્યો વિધિવત પ્રારંભ 

શિક્ષણ અને મહેસુલ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ બાંધકામ શ્રમયોગીઓને એક ટંકનું સાત્વીક ભોજન પૂરું પાડતી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હાલમાં બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ સંચાલિત આ યોજના હેઠળ વડોદરા શહેરમાં કડીયા નાકા તરીકે ઓળખાતા ૧૨ સ્થળોએ ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત છે અને માત્ર રૂા. ૧૦/-માં તાજુ, ગરમ અને પૌષ્ટિક ભોજન પૂરું પાડે છે. પ્રત્યેક કેન્દ્ર ખાતે સરેરાશ દૈનિક ૨૫૦ થી ૩૦૦ જેટલા બાંધકામ શ્રમિકો આ અન્ન આપૂર્તિ વ્યવસ્થાનો લાભ લે છે.

શ્રમિક અન્નપૂર્ણા યોજના સંવેદનાસભર સરકારની સહદયતાની પ્રતીતિ કરાવે છે અને રાજ્ય સરકાર તેના હેઠળ પીરસાતા પ્રત્યેક ભાણા (મીલ) દીઠ રૂા. ૧૯/-નો ખર્ચ ભોગવે છે એવી જાણકારી આપતાં મંત્રીશ્રીએ જણાવ્યુ કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ તેમના શ્રમ મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન બાંધકામ શ્રમિકો માટે કાર્ડની વ્યવસ્થા કરી હતી. આ એક જ કાર્ડના છત્ર હેઠળ શ્રમિક પરિવારોને સંતાનોના શિક્ષણ સહિતના અનેકવિધ લાભો આપવામાં આવે છે. તેમણે પ્રત્યેક લાયક શ્રમિક આ કાર્ડ માટે નોંધણી કરાવી લે એવી અપીલ કરી હતી.

તેમણે બાંધકામ શ્રમિકોને આ યોજનાથી ભોજન ખર્ચમાં જે બચત થાય તેનો ઉપયોગ સંતાનોના શિક્ષણ માટે કરવાનો ખાસ અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યુ કે, વિજયભાઇ રૂપાણીની સરકારે સામાન્ય માણસના કલ્યાણને હદયમાં રાખીને ૭મી ઓગસ્ટે પૂરા થનારા એક વર્ષના ૩૬૫ દિવસની સામે ૩૭૫થી વધુ કલ્યાણકારી નિર્ણયો લીધા છે. તેમણે શ્રમિક મા, બહેન, દિકરીઓની મળસ્કે વહેલા ઉઠીને ભોજન બનાવવાની વિપદા ટાળતી આ હદયસ્પર્શી યોજના માટે શ્રમ વિભાગને અભિનંદન આપ્યા હતા.

આ પ્રસંગે શ્રમયોગી કલ્યાણની નાનાજી દેશમુખ આવાસ યોજના, ભાગ્યલક્ષ્મી બોન્ડ અને પ્રસુતિ સહાય યોજના હેઠળ લાભાર્થીઓને સહાયતાની રકમનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ નિયામક મંડળના સદસ્યશ્રી પરાક્રમસિંહજી જાડેજાએ અન્નપૂર્ણા તેમજ શ્રમિક કલ્યાણની અન્ય યોજનાઓની રૂપરેખા આપી હતી અને જણાવ્યુ હતું કે, બાંધકામ શ્રમયોગીની વ્યાખ્યામાં ૩૫ જેટલા વ્યવસાયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વડોદરા અને આસપાસના વિસ્તારોમાં આવા બાંધકામ શ્રમયોગીઓની વધુ વસતિ છે. પ્રત્યેક શ્રમયોગી નોંધણી કરાવીને વિવિધ સહાય યોજનાઓનો લાભ લે તેવો અનુરોધ તેમણે કર્યો હતો.

રોજગાર વિભાગના નાયબ નિયામક (તાલીમ) શ્રી એસ.એ.પાંડવે સહુને આવકાર્યા હતા. ખેલ રાજ્યમંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદી, સંસદિય સચિવશ્રી જ્યંતીભાઇ રાઠવા, ધારાસભ્ય મનીષાબેન વકીલ, મેયરશ્રી ભરતભાઇ ડાંગર સહિત મહાનુભાવો, નગરસેવકો, જિલ્લા કલેકટર પી.ભારતી, આગેવાનો અને શ્રમયોગીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

પાવીજેતપુર ગામ બનશે કેમેરા અને સ્પીકરો સાથે પબ્લીક એડ્રેસિંગ સિસ્ટમથી સજ્જ

editor

અમદાવાદમાં ટીબીના દર્દીઓની સંખ્યામાં વધારો

aapnugujarat

લેખક જયંત પાઠકનુ સ્મારક બનાવવા જમીન ફાળવવા તંત્ર પાસે માંગ

editor

Leave a Comment

UA-96247877-1