Aapnu Gujarat
ગુજરાત

વડોદરા જિલ્લાના મેલેરિયા ભયગ્રસ્ત ગણાતા ૨૦ ગામોમાં મચ્છરનાશક દવાનો છંટકાવ કરાવાયો

મેલેરિયામુક્ત ગુજરાત અભિયાન તેમજ જુન મહિનામાં મેલેરિયા અટકાયત માસની ઉજવણીના ભાગરૂપે વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મેલેરિયા ભયગ્રસ્ત ગણવામાં આવેલા ૨૦ ગામોમાં મચ્છરનાશક દવાઓનો છંટકાવ પૂરો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અભિયાનના ભાગરૂપે હાથ ધરવામાં આવેલા તાવના કેસોની શોધ માટેના સઘન ઘર તપાસ અભિયાન દરમિયાન મળી આવેલા ૫૯ મેલેરિયાગ્રસ્તોને ઉચિત સારવાર આપવાની સાથે જે તે વિસ્તારોમાં સંપર્ક સારવાર અને સર્વેલન્સની કામગીરી કરવામાં આવી છે.

જિલ્લા મેલેરિયા અધિકારી શ્રી શર્માના જણાવ્યા પ્રમાણે જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં ઘર તપાસમાં ૧૫૮૦ જેટલા આરોગ્ય કર્મચારીઓનો સહયોગ મળ્યો હતો. ગ્રામ વિસ્તારની ૭૩૦ શાળાઓમાં ડેન્ગ્યુ-મલેરિયા અટકાયતની સાવચેતીના ભાગરૂપે મચ્છરોની ઉત્પતિના કારણો, મેલેરિયાના લક્ષણો, તબીબી સારવાર લેવાની અગત્યતા અને અનિવાર્યતા, મચ્છરોની ઉત્પતિ અટકાવવા માટેની સાવચેતી ઇત્યાદીને આવરી લેતુ આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યુ છે. મચ્છરોનો પોરાના તબક્કે જ નાશ કરવાની સાવચેતી દાખવવા જણાવાયુ છે.

શ્રી શર્મા જણાવે છે કે, જિલ્લાના તમામ સરકારી દવાખાનાઓમાં મેલેરિયાની તપાસ અને સારવાર કરવામાં આવે છે. ચોમાસામાં તાવ આવે તો મેલેરિયાની અસર થવાની સંભાવના હોય છે. એટલે ઘરગથ્થુ ઉપાયો ન કરતા દવાખાનામાં સારવાર લેવી હિતાવહ છે. ગ્રામ વિસ્તારમાં કાર્યરત ૧૧૧૦ જેટલી આશા બહેનો સારવાર લેવામાં મદદરૂપ બને છે એટલે તેમનો પણ લોકો સંપર્ક સાધી શકે છે. ઘરની આસપાસ કે ઘરમાં પાણી ન ભરાય, પીવાના પાણીની જગ્યા સ્વચ્છ અને સૂકી રહે, વરસાદી પાણી ભરાયેલા ખાડા પૂરી દઈને લોકો મચ્છરની ઉત્પતિ અટકાવવામાં સહયોગ આપે એવો તેમણે અનુરોધ કર્યો છે.

Related posts

એએમટીએસની આવકમાં થયો તોતિંગ ઘટાડો

editor

મેમનગર ફાયર સ્ટેશન પાસે લારી-ગલ્લાને ટોકન અપાયા

aapnugujarat

ભાવનગર પૂર્વ મેયર સનત મોદીનું અવસાન

editor

Leave a Comment

UA-96247877-1