Aapnu Gujarat
ગુજરાત

હુકકાબાર પર પ્રતિબંધ મૂકવાના ગુજરાત વિધાનસભાએ પસાર કરેલ સુધારા વિધેયકને રાષ્ટ્રપતિશ્રીએ આપી મંજૂરી : ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્‍યું છે કે, રાજ્યના યુવાધનને નશાખોરીની પ્રવૃત્તિમાંથી મુક્ત કરવા માટે મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મક્કમ નિર્ધાર કરીને કાયદામાં અનેકવિધ સુધારા કર્યા છે. હુક્કાબારના દૂષણને ડામવા માટે રાજકીય દ્રઢ ઇચ્છાશકિતથી કાયદામાં સુધારો કરીને હુક્કાબાર પર પ્રતિબંધ મુકવા ગુજરાત વિધાન સભામાં સુધારા વિધેયક પસાર કરીને રાજ્યપાલશ્રીને મોકલવામાં આવ્યુ હતું. રાજ્યપાલશ્રી દ્વારા આ સુધારા વિધેયકને રાષ્ટ્રપતિશ્રીને મોકલવામાં આવ્યું હતું. જેને રાષ્ટ્રપતિશ્રીએ મંજૂરીની મહોર મારી છે. જેના પરિણામ સ્‍વરૂપે રાજ્યમાં હુક્કાબાર પર પ્રતિબંધ મૂકવાનો આ મહત્‍વનો નિર્ણય કરાયો છે. હવેથી આ ગુનો કોગ્‍નીઝેબલ ગુનો ગણાશે અને હુક્કાબાર ચલાવનારાઓ સામે પણ કડક હાથે પગલાં લેવાશે.

તેમણે ઉમેર્યું કે, સીગારેટ અને અન્‍ય તમાકુના ઉત્‍પાદન(વિજ્ઞાપન નિષેધ તેમજ વેપાર અને વાણિજ્ય, ઉત્પાદન, પુરવઠા અને વહેચણી નિયંત્રણ) ધારો ૨૦૦૩માં હુક્કાબારની પ્રવૃત્તિને નિયંત્રીત કરી શકાતી હતી પરંતુ પ્રતિબંધ મૂકી શકાતો નહોતો યુવાનોને આ ચુંગાલમાંથી બહાર લાવવા માટે રાજ્ય સરકારે દ્રઢ ઇચ્‍છાશક્તિથી આ કાયદામાં સુધારો કર્યો છે અને કડક નિયંત્રણો જાહેર કર્યા છે. જેમાં હુક્કાબારને પ્રતિબંધિત જાહેર કરી હુક્કાબારમાં પ્રવેશ, તપાસ, ઝડતી, જપ્‍તીની સત્તા પોલીસ સબ ઇન્સ્પેકટર કે તેથી ઉપરના અધિકારીઓને આપવામાં આવી છે. આ કાયદાના ભંગ બદલ એક વર્ષ કરતાં ઓછી નહીં અને ૩ વર્ષ સુધીની કેદની સજા અને રૂ.૨૦ હજારથી ઓછો નહીં અને રૂ.૫૦ હજાર સુધીનો દંડ વસુલ કરવાની જોગવાઇ કરવામાં આવી છે. આ કોગ્‍નીઝેબલ ગુના અંતર્ગત પોલીસ અધિકારી વોરંટ વગર ધરપકડ કરી શકશે તેમજ ગુનાની એફ.આઇ.આર. દાખલ કરીને મેજીસ્‍ટ્રેટની પરવાનગી વગર તપાસ પણ હાથ ધરી શકશે.                                       

ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું હતુ કે, રાજ્યના કેટલાક શહેરી વિસ્‍તારોમાં આવેલ સાર્વજનિક, ખાનપાનની જગા (હોટેલ-રેસ્‍ટોરન્‍ટ)માં તમાકુ મિશ્રિત હુક્કાની સગવડો ગ્રાહકોને પૂરી પાડવાનું ચલણ વધ્‍યું છે. જેના કારણે આવી જગાઓ પર યુવાધન આકર્ષિત થાય છે અને નશાની લતમાં સપડાઇને શારીરિક તેમજ આર્થિક પાયમાલીનો શિકાર બનીને પોતાનું જીવન બરબાદ કરી દે છે તેને ધ્‍યાને લઇ રાજ્ય સરકારે આ મહત્‍વનો નિર્ણય કર્યો છે.

તેમણે ઉમેર્યું કે, રાજ્યનું યુવાધન નશાખોરી, ગુનાખોરીના રવાડે ચઢે છે અને આના કારણે સમગ્ર કુટુંબને સામાજિક, નૈતિક અને આર્થિક રીતે સહન કરવું પડે છે. યુવાધન આવી અનિષ્‍ટ પ્રવૃત્તિ પાછળ વેડફાય નહીં તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

અત્રે ઉલેખનીય છે કે, હુક્કામાં તમાકુને ગરમ કરવામાં કોલસો વપરાય છે જેના ધુમાડામાં વધારે પ્રમાણમાં કાર્બન મોનોકસાઇડ, મેટલ અને કેન્‍સર પેદા કરતા કેમિકલ્‍સ હોય છે. હુક્કાની તમાકુના સેવનથી જડબાનું, ફેફસાનું, ગળાનું, અન્‍નનળીનું કેન્‍સર તેમજ કીડની, લીવર, સ્‍વાદુપીંડને પણ નુકશાન થતું હોય છે. હુક્કાના સેવનથી રાજ્યના યુવાનોને શારીરિક બેહાલીથી બચાવવા રાજ્ય સરકાર સતત ચિંતિત છે અને આ સુધારો કરવાથી ચોક્કસ યુવા વર્ગોને આ દૂષણથી બચાવી શકાશે તેમ તેમણે ઉમેર્યું હતું.

Related posts

છેલ્લાં ૪૮ કલાકમાં અમદાવાદ શહેરમાં ત્રણ હત્યા

aapnugujarat

રાજ્યભરમાં ખાતર વિક્રેતાઓને ત્યાં રાજ્યવ્યાપી કાર્યવાહી, ૨૩૬ ડીલરો ઝપટે ચડ્યાં

aapnugujarat

સિંધી સમાજનું રવિવારે નૂતન વર્ષ : શોભાયાત્રાનું આયોજન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1