Aapnu Gujarat
ગુજરાત

સાબરકાંઠા જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વિજય રથને લીલી ઝંડી અપાઈ

કોરોના સામેની લડાઇના આ નિર્ણાયક તબક્કામાં લોકોનો આત્મવિશ્વાસ વધુ બુલંદ થાય અને સાવચેતી રાખવામાં હજુ વધુ જાગૃતિ કેળવાય તેવા ઇરાદાથી રાજ્યમાં કોવિડ વિજય રથ દ્વારા કોરોના જાગૃતતા અભિયાન શરુ કરવામાં આવ્યું છે ત્યારે ઉત્તર ગુજરાત ઝોનના કોવિડ વિજય રથનું બનાસકાંઠા,પાટણ, મહેસાણા જિલ્લા બાદ સાબરકાંઠા જિલ્લામા આગમન થઈ ચુક્યુ છે.
આજ રોજ જિલ્લા પંચાયત સાબરકાંઠા, હિંમતનગર ખાતેથી સાબરકાંઠા અરવલ્લીના સાંસદ દીપસિંહ રાઠોડના વરદ હસ્તે લીલીઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી , સાબરકાંઠા ડો.રાજેશ પટેલ, ઈ.એમ.ઓ. તથા કોવિડ નોડલ ડોક્ટર ચિરાગ મોદી, પ્રકાશ વૈદ્ય , લાયન્સ કલબ ઓફ હિંમતનગરના પ્રમુખ તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયના ઉત્તર ગુજરાત ઝોન અધિકારી જે.ડી. ચૌધરી, અગ્રણી શહેરી જન ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ દીપસિંહ રાઠોડે રથ પ્રસ્થાનના પ્રસંગે કોવિડ વિજય રથ દ્વારા જનજન સુધી જાગૃતતા સંદેશ ફેલવવાના ભારત સરકારના આ અભિયાનની પ્રશંસા કરી હતી. સરકાર દ્વારા લોકોની જાગૃતિ માટે આ કોવિડ વિજય રથનું જે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તે અભિનંદનને પાત્ર છે. લોકોને સાચી જાણકારી મળે અને જાગૃતતા કેળવાય તે માટેની આ અનોખી પહેલ ખરેખર સરાહનીય છે. આ પ્રસંગે ઉત્તર ગુજરાત ઝોન અધિકારી જે. ડી.ચૌધરી દ્વારા કોવિડ વિજય રથ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે કોવિડ વિજય રથ જે મુખ્ય સંદેશ લોકોમાં આપશે તેમાં સોશ્યલ ડિસ્ટન્સ, માસ્કનો ફરજિયાત ઉપયોગ અને સેનેટાઇજેશન એટલે કે હાથને વારંવાર સાફ કરવા સાચા અર્થમાં ઉપયોગી સાબિત થશે, તેમણે વધુમાં જણાવ્યું કે કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો, પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો અને યુનિસેફ દ્વારા રાજ્યભરમાં પાંચ રથ દ્વારા આ અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન દ્વારા કોરોના જાગૃતિનો સંદેશ, સરકાર દ્વારા લોકો માટે કરવામાં આવેલી વિવિધ પહેલની માહિતી અને મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યને અનુલક્ષીને યોગ્ય પોષણની જાણકારી ગુજરાતના દરેક નાગરિક સુધી પહોંચાડવામાં આવી રહી છે.
કોવિડ વિજય રથ દ્વારા મફતમાં હોમિયોપેથીક તેમજ આયુર્વેદિક દવાઓનું વિતરણ દ્વારા ખરેખર અદભૂત સેવાકીય કાર્ય કરી રહ્યા છે, છેલ્લાં ત્રણ અઠવાડિયાથી ચાલતો આ કોવિડ વિજય રથ બનાસકાંઠા,પાટણ,મહેસાણા જીલ્લાના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં ફરી જાગૃતિ સંદેશ ફેલાવી રહ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં આજે ઇડર બાદ હિંમતનગર મુકામેથી કોવિડ વિજય રથના આ જનજાગૃતિ અભિયાનની શરૂઆત થઈ છે ત્યારે હિંમતનગર શહેરના વિવિધ વિસ્તારો જેવા કે બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, છાપરિયા ચાર રસ્તા, મહાવીરનગર, ટાવર ચોક, પોલો ગ્રાઉન્ડ, મેહતાપુરા સાથે આગામી દિવસોમાં સાબરકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જનજાગૃતિ ફેલાવશે. આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરો સહયોગ સાંપડી રહ્યો છે. સામાજિક અંતર જળવાય એનું ધ્યાન રાખીને રથ પર મર્યાદિત સંખ્યામાં માત્ર ૪ કલાકારો પોતાની વિવિધ કલા જેવી કે ભવાઈ, ડાયરો, નાટક , જાદુ વગેરે દ્વારા ખૂબજ સહજ રીતે અને સમજી શકાય તેવી હળવી શૈલીમાં જાગૃતતાના સંદેશ ફેલાવી રહ્યાં છે. રથમાં કોરોના વાયરસના સંક્રમણથી બચવાના ઉપાયો જણાવવાની સાથે રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુષ મંત્રાલયે પ્રમાણિત કરેલ આયુર્વેદિક તેમજ હોમિયોપેથી દવાનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારવા ઉપયોગી આ દવાઓ અભિયાન દરમિયાન લોકોમાં વિનામૂલ્યે પૂરી પાડવા સહયોગ આપવામાં આવ્યો છે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

મણિનગરમાં બાઇક ચાલકની હડફેટે વૃદ્ધાનું મોત

aapnugujarat

અમદાવાદમાં કોરોનાના 600 એક્ટિવ કેસ

aapnugujarat

कांग्रेस के प्रदेश अध्यक्ष अमित चावड़ा और विपक्ष के नेता परेश धानाणी ने दिया इस्तीफा

editor

Leave a Comment

UA-96247877-1