Aapnu Gujarat
ગુજરાત

સાધ્વી જયશ્રીગીરીને જેલ હવાલે કરવા કોર્ટનો હુકમ

ઉદેપુરથી ઝડપાયા બાદ મહિલા ઠગ એવી સાધ્વી જયશ્રીગીરીને શહેર ક્રાઇમબ્રાંચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઘીકાંટા સ્થિત મેટ્રોપોલીટન કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરી હતી. જો કે, સાધ્વીએ કોર્ટ સમક્ષ ઉલ્ટાનું તપાસનીશ એજન્સી સામે જ ગંભીર આક્ષેપો કર્યા હતા. સાધ્વીએ આરોપ લગાવ્યો હતો કે, પોલીસે તેના પુત્ર રૂદ્ર ઉર્ફે રાગીનને બહુ માર્યો છે અને પોતે ફરાર થઇ ન હતી પરંતુ કેટલાક અજાણ્યા શખ્સો તેને કારમાં ઉઠાવી ગયા હતા અને પાંચ-છ દિવસ ઉદેપુર સહિતના સ્થળોએ રાખી પછી છોડી મૂકી હતી. પોલીસે તેને પણ બિભત્સ ગાળો બોલી માર માર્યો છે. સાધ્વીની આ ફરિયાદના આધારે કોર્ટે તેણીની સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવાનું કહી ત્યારબાદ જેલહવાલે મોકલી આપવા હુકમ કર્યો હતો. જયારે સાધ્વીના રિમાન્ડ અંગેની સુનાવણી આવતીકાલે હાથ ધરવાનો હુકમ કર્યો હતો. શહેર ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ આજે બપોરે સાધ્વી જયશ્રીગીરીને મેટ્રો કોર્ટમાં રજૂ કરી દસ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જો કે, કોર્ટે તેણીને પૂછયું કે, તમને કોઇ ફરિયાદ છે?, જેથી સાધ્વીએ ગંભીર આક્ષેપો કરતાં એવી ફરિયાદ કોર્ટ સમક્ષ કરી હતી કે, તે ભાગી નથી. તા.૧૪મી જૂને તેના હંગામી જામીનની મુદત પૂરી થતી હતી, તેથી જીવનજરૂરી ચીજવસ્તુઓ લેવા હિમાલયા મોલ ગઇ હતી અને તે દરમ્યાન વકીલ પાસેથી ફોન આવતાં કાગળો લેવા ગઇ હતી અને પાછી આવી ગઇ હતી. એટલામાં મહિલા કોન્સ્ટેબલે મને જણાવ્યું કે, જાપ્તાના જયંતિભાઇ તમારી વિરૂધ્ધ ફરિયાદ લખાવવા ગયા છે, તેથી મેં મારા વકીલના પત્ની દર્શનાબહેન પંડયાને જગન્નાથ મંદિર મૂકી જવા કહ્યું હતું, તેઓ મને ત્યાં મૂકી ગયા હતા એટલામાં અજાણ્યા શખ્સો તેમની કારમાં મને બળજબરીપૂર્વક ઉઠાવી ગયા હતા અને ઉદેપુર લઇ જઇ તારા દિકરાને બોલાવ એમ દબાણ કરતાં મેં મારા પુત્રને બોલાવ્યો હતો. આ શખ્સોએ પાંચેક દિવસ અમને ગોંધી રાખ્યા હતા અને ત્યારબાદ છોડી મૂકયા હતા. તેઓ કોણ છે તેની મને કંઇ ખબર નથી પરંતુ પછી અમે પોલીસ સમક્ષ પરત હાજર થવાના પ્રયાસમાં હતા, એ વખતે પોલીસે અમને ઉદેપુર પાસેથી પકડી લીધા હતા. જો કે, સાધ્વીએ આજે તપાસનીશ એજન્સીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહેલી વાતોથી તદ્દન વિરોધાભાસી વાતો કોર્ટ સમક્ષ કહી હતી. સાધ્વીની વિરોધાભાસી વાતોએ ચકચાર જગાવી હતી. કોર્ટે સાધ્વીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જઇ સારવાર કરાવ્યા બાદ તેણીને જેલહવાલે કરવા અને તેની રિમાન્ડ અરજીની વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરવાનો હુકમ કર્યો હતો.

Related posts

બોરસદમાં ૧૧ ઇંચ વરસાદ ખાબક્યો

aapnugujarat

મુળીના સરા ગામે પાણી નિકાલનો રસ્તો બંધ કરાતા ગ્રામજનોને હાલાકી

editor

બહેરામપુરામાં વૃક્ષારોપણ અને ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1