માર્કેટ રેગ્યુલેટર સેબી એફપીઆઈ નોંધણીના ધારાધોરણોને વધુ સરળ કરવાની યોજના ધરાવે છે. સાથે સાથે ફાસ્ટટ્રેક આઈપીઓ લિસ્ટિંગને લઇને પણ આશાસ્પદ છે. મળેલી માહિતી મુજબ સેબી મૂડીરોકાણકારોને આકર્ષિત કરવાના હેતુસર આ દિશામાં આગળ વધશે. વિદેશી મૂડીરોકાણકારોની સીધી નોંધણી માટેના નિયમોને હળવા કરવામાં આવશે. સાથે સાથે સ્ટાર્ટઅપ સહિત કંપનીઓ માટે લિસ્ટિંગ પ્રક્રિયાને ઝડપી કરવામાં આવશે. ભારતીય શેરબજાર સ્થાનિક અને વિદેશી મૂડીરોકાણ માટે વધુ આકર્ષિક અને આદર્શ બને તે હેતુ સાથે આ સુધારા અને નિયમો હળવા કરવામાં આવનાર છે.
મળેલી માહિતી મુજબ માર્કેટ રેગ્યુલેટર સેબી કોર્પોરેટ ગવર્નન્સના નિયમોને વધુ હળવા કરવા માંગે છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા છેલ્લા ઘણા સમયથી આને લઇને માંગણી કરવામાં આવી રહી હતી. પાર્ટીસિપેટરી નોટ મારફતે મૂડીરોકાણ ન થાય તેવો પણ હેતુ રાખવામાં આવ્યો છે. પાર્ટીસિપેટરી નોટનો બ્લેકમનીના લોન્ડરિંગ માટે દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોવાની ફરિયાદ વ્યાપકપણે ઉઠી રહી છે. સેબી બોર્ડ દ્વારા પી-નોટ રુટને લઇને પણ સૂચિત પગલાની મંજુરી આપી શકે છે. અન્ય દરખાસ્તો ઉપર પણ ચર્ચા હાથ ધરવામાં આવનાર છે. લિસ્ટિંગ સમયને પણ હાલમાં છ દિવસના બદલે ઘટાડીને ચાર દિવસ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત શેર વેચાણના સ્વરુપમાં અન્ય છુટછાટ પણ આપવામાં આવી શકે છે. સેબી દ્વારા કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં રોકાણ કરવા વૈકલ્પિક મૂડીરોકાણ ફંડને પણ મંજુરી આપી શકે છે. સ્ટાર્ટઅપને પણ તેમના પ્રવર્તમાન શેર હોલ્ડર્સ માટે નિયમો વધુ સરળ કરવામાં આવનાર છે. પીઢ બેંકર ઉદય કોટકના નેતૃત્વમાં ઉચ્ચસ્તરીય પેનલની રચના સેબી દ્વારા કરવામાં આવી ચુકી છે. સેબી દ્વારા કોર્પોરેટ ગવર્નન્સની પ્રથાને વધુ મજબૂત કરવાની તૈયારી કરી કરાઈ છે.