રાજસ્થાનના બાડમેરમાં ગૌરક્ષકોએ આતંક મચાવી ગાયો ભરીને તામિલનાડુ જતા ટ્રક ચાલકોની મારપીટ કરી પાંચ ટ્રકોમાં તોડફોડ કરતાં રોડ પર ભારે હંગામો મચી ગયો હતો. આ ટ્રકમાં તામિલનાડુ સરકારના અધિકારીઓ પણ હતા. આ બનાવમાં ચાર લોકોની ધરપકડ કરવામા આવી છે.
બાડમેરમાં ગઈ કાલે રાતે નેશનલ હાઈવે પરથી પસાર થતી પાંચ ટ્રક કે જેમાં ગાયો ભરીને તામિલનાડુ લઈ જવાતી હતી.ત્યારે કેટલાક ગૌરક્ષકોએ આ ટ્રકોને રોકી ટ્રકોના ચાલકને ટ્રકમાંથી ઉતારી તેમની સાથે મારપીટ કરતાં ડ્રાઈવરો લોહીલુહાણ થઈ ગયા હતા. જોકે આ દરમિયાન ટ્રકચાલકોએ ગૌરક્ષકોને સમજાવવા પ્રયાસ કર્યા હતી પરંતુ ગૌરક્ષકોએ તેમની વાત સાંભળી ન હતી. અને બેકાબુ બનેલા ટોળાએ ગાયો ભરેલી ટ્રકમાં આગ લગાવી દીધી હતી.
ગૌરક્ષકોને આ ટ્રક ચાલકો ગાયોને કતલખાને લઈ જતા હોવાની શંકાથી તેમણે આ રીતે ટ્રક ચાલકો પર હુમલો કર્યો હતો. આ બનાવથી આ વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
રાજસ્થાનમાં આ અગાઉ પણ એક વર્ષ પહેલા એપ્રિલ ૨૦૧૬માં અલવર પાસે હાઈવે પર પહલુખાન નામના એક શખ્સની ટોળાંએ મારપીટ કરી હત્યા કરી હતી.
પહલુખાન દૂધ માટે ગાયને લઈ જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.બાડમેર નજીકથી પસાર થઈ રહેલી ટ્રકોમાં ગાયો ભરીને લઈ જવાઈ રહી હતી ત્યારે તામિલનાડુ સરકારના અધિકારી પર ૫૦ જેટલા ગૌરક્ષકોએ હુમલો કર્યો હતો.