Aapnu Gujarat
ગુજરાત

વિદ્યાર્થીનીને ઉઠબેસ કરાવવા મામલે લલીતા ગ્રીન લોન સ્કૂલના ટ્રસ્ટી વિરૂદ્ધ ફરિયાદ

શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી લલીતા ગ્રીન લોન સ્કૂલમાં ધોરણ-૫ની એક વિદ્યાર્થીનીને એક પિરિયડ સુધી સતત ઉઠબેસ કરાવવાના ચકચારભર્યા પ્રકરણમાં આખરે લલીતા ગ્રીન લોન્સ સ્કૂલના ટ્રસ્ટી વિનીતા અંકલેશ્વરિયા વિરૂધ્ધ મણિનગર પોલીસમથકમાં ફરિયાદ દાખલ થઇ છે. વિદ્યાર્થીનીના પિતા પ્રવીણભાઇ પ્રજાપતિએ આ સમગ્ર મામલે સ્કૂલના ટ્રસ્ટી વિનીતા અંકલેશ્વરિયા વિરૂધ્ધ જુવેનાઇલ જસ્ટિસ એકટની કલમ-૭૫ સહિતની કલમો હેઠળ ફરિયાદ આપતાં પોલીસને વિધિવત્‌ ફરિયાદ દાખલ કરવી પડી હતી. આ ફરિયાદના આધારે મણિનગર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે, શહેરના મણિનગર વિસ્તારમાં જવાહર ચોક પાસે આવેલી લલીતા ગ્રીન લોન અંગ્રેજી સ્કૂલમાં ધોરણ-૫માં અભ્યાસ કરતી હની પ્રજાપતિ તેને કપાળના ભાગે ગૂમડું થયું હોવાથી માથામાં વાળમાં એક ચોટલી વાળીને ગઇ હતી. વાસ્તવમાં સ્કૂલમાં વિદ્યાર્થીનીઓ માટે બે ચોટલી વાળીને આવવાનો નિયમ છે. બધી વિદ્યાર્થીઓ તેનું પાલન પણ કરે છે પરંતુ હનીને ગુમડું થયું હોવાથી તે એક ચોટલી વાળીને ગઇ હતી. સ્કૂલ ટીચરે આ મામલે સ્કૂલ સંચાલકનું ધ્યાન દોર્યું હતું. જેના લીધે ઉશ્કેરાઇ ગયેલા સ્કૂલ સંચાલક દ્વારા હનીને સમગ્ર એક પિરિયડ સુધી સતત ઉઠબેસ કરવાની સજા ફરમાવવામાં આવી હતી. સ્કૂલ સંચાલક દ્વારા સતત એક પિરિયડ સુધી નાનકડી હનીને ઉઠબેસ કરાવવામાં આવી હતી, જેમાં ૨૦૦ જેટલી ઉઠબેસ કરતા સુધીમાં તો હનીની હાલત લથડી હતી…ડરના માર્યા તેણીએ ઉઠબેસ તો લગાવી પરંતુ તેની શારીરિક હાલત કથળી ગઇ. સ્કૂલ છૂટયા તે માંડ માંડે ઘેર પહોંચી.
ઘેર આવી તો તે રડી પડી હતી અને ઉભી રહી શકતી ન હતી કે, ચાલી પણ શકતી ન હતી. તેના પગે પણ સોજા આવી ગયા હતા. જેથી હનીના પિતા પ્રવીણભાઇએ તેને પૂછતાં તેણીએ સમગ્ર હકીકત જણાવી હતી. મામલાની ગંભીરતા સમજી તાત્કાલિક હનીને સારવાર અર્થે એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જયાં તેણીને ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરવામાં આવી હતી અને જરૂરી સારવાર આપવામાં આવી હતી.

Related posts

આવતીકાલે સવારે ૧૦.૦૦ કલાકે ‘‘શ્રી કમલમ્’’ ખાતે વિસ્તારકશ્રીઓની બેઠક યોજાશે

aapnugujarat

વોર્ડ પ્રમુખની બબાલમાં શહેર કોંગ્રેસમાં જોરદાર ભડકો

aapnugujarat

જુનિયર વકીલોને સ્ટાઇપેન્ડ માટે હવે ઝુંબેશ હાથ ધરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1