Aapnu Gujarat
ગુજરાત

જુનિયર વકીલોને સ્ટાઇપેન્ડ માટે હવે ઝુંબેશ હાથ ધરાશે

ગુજરાત બાર કાઉન્સીલની આવતીકાલની ચૂંટણીને લઇ વકીલ ઉમેદવારોના હૃદયના ધબકારા તેજ બન્યા છે અને વધી ગયા છે તો બીજીબાજુ, વકીલ મતદારોએ પણ આ વખતે સારા અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા વકીલોને તેમની માતૃસંસ્થા એવી ગુજરાત બાર કાઉન્સીલમાં મોકલવાનું મન બનાવ્યું છે. વકીલ ઉમેદવારો દ્વારા વકીલઆલમના તેમના મતદારોને આકર્ષવા માટે અનેકવિધ હૈયાધારણ, મોટા વચનો અને જાહેરાતો કરવામાં આવી છે, જેને લઇને પણ વકીલઆલમમાં ભારે ચર્ચા અને ઉત્સાહ જોવા મળી રહ્યા છે. ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લાએ જુનીયર વકીલો માટે સ્ટાઇપેન્ડ, વૃધ્ધ વકીલોને પેન્શન અને મૃત્યુ સહાયમાં વકીલોના પરિવારજનોને અપાતી રકમમાં નોંધપાત્ર વધારો કરતી દસ લાખ સુધીની સહાય કરવા માટે અસરકારક ભૂમિકા ભજવવાની ખાતરી ઉચ્ચારી છે. ગુજરાત બાર કાઉન્સીલની પ્રતિષ્ઠાભરી અને ઇજ્જતના સવાલ સમી આ વખતની ચૂંટણીમાં વકીલ ઉમેદવારો દ્વારા રાજયભરના વકીલઆલમને આકર્ષવા ડિનર ડિપ્લોમસીથી લઇ વન ટુ વન બેઠકોના દોર સહિતના પ્રચાર દોર ચાલ્યા હતા. રાજયના વકીલો માટે હરહંમેશ કલ્યાણકારી પ્રવૃત્તિઓમાં સક્રિય અને મહત્વની ભૂમિકા અદા કરનાર ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લાએ ફરી એકવખત વકીલોના હિત માટે તમામ પ્રકારે સેવા કરવાની ખેવના વ્યકત કરી હતી. નોંધનીય છે કે, બાર કાઉન્સીલમાં અનિલ કેલ્લાએ તેમના કાર્યકાળ દરમ્યાન વકીલોની માંદગી સહાય અને મૃત્યુ સહાયની રકમમાં વધારો કરવા માટે અસરકારક અને કારગત ભૂમિકા ભજવી હતી, જેને લઇ તેમને સમગ્ર વકીલઆલમમાં ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અમદાવાદ ક્રિમીનલ કોર્ટસ બાર એસોસીએશનના જોઇન્ટ સેક્રેટરી અને ઘીકાંટા ફોજદારી કોર્ટના સિનિયર એડવોકેટ ગુલાબખાન પઠાણે પણ વકીલોના મૃત્યુના કિસ્સામાં તેમના પરિવારજનોને અપાતી મૃત્યુ સહાયની રકમમાં વધારો કરવાની સાથે સાથે વકીલોના અધિકાર પર તરાપ મારતા લો કમીશને એડવોકેટ એકટમાં સૂચવેલા સુધારા બીલને પસાર થતુ અટકાવવા, વકીલાતના વ્યવસાય પર જીએસટી લાગુ ના પડાય, પોલીસ દ્વારા વકીલો સાથે ગેરવર્તણૂંક અટકાવવા, મહિલા વકીલોને મેટરનીટી લીવ દરમ્યાન ચોક્કસ લાભો, વકીલોને પીએફ-ગ્રેજયુઇટી સહિતના મુદ્દાઓ પર અસરકારક ભૂમિકા ભજવવાની કટિબધ્ધતા વકીલઆલમને વ્યકત કરી છે. અમદાવાદ ક્રિમીનલ કોર્ટસ બાર એસોસીએશનના પૂર્વ જોઇન્ટ સેક્રેટરી અને વકીલોના પ્રશ્નો કે આંદોલન સમયે હંમેશા આગળ પડતી અને સક્રિય ભૂમિકા ભજવનાર સિનિયર એડવોકેટ ગુલાબખાન પઠાણે જો તેઓ ચૂંટાશે તો બાર કાઉન્સીલમાંથી કોઇ ભાડા-ભથ્થાની રકમ નહી લેવાની મહત્વની જાહેરાત પણ કરી હતી. આ જ પ્રકારે બાર કાઉન્સીલની ચૂંટણીમાં ઝંપલાવનાર વિવિધ ઉમેદવારોએ પણ પોતપોતાની રીતે વચનો, હૈયાધારણ અને જાહેરાતો મારફતે વકીલઆલમને રીઝવવાના મરણિયા પ્રયાસો કર્યા હતા. જેના કારણે આ વખતની બાર કાઉન્સીલની ચૂંટણીમાં ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગનો ખરો કશ્મકશ અને ગળાકાપ સ્પર્ધાનો માહોલ જોવા મળી રહ્યો છે.

Related posts

યુવકનું અપહરણ કર્યા બાદ હત્યા : ચારની ધરપકડ થઇ

aapnugujarat

વિદેશથી ઇમ્પોર્ટ થયેલ નેતા મોદીને પ્રશ્ન પુછવા નીકળ્યા : જીતુ વાઘાણી

aapnugujarat

સરખેજના ઇમામને મારી નાંખવાની ચીમકી અપાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1