Aapnu Gujarat
ગુજરાત

સફળ સુશાસનની ત્રણ વર્ષની સિદ્ધિઓ-જનહિત કાર્યોમાં સૌના સાથ સૌના વિકાસ સાથે સૌનો વિશ્વાસ ભળ્યો છે : રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્તમાન સરકારના સફળ સુશાસનના ત્રણ વર્ષની સિદ્ધિઓ, જનહિત કાર્યોમાં સૌના સાથ સૌના વિકાસ સાથોસાથ સૌનો વિશ્વાસ પણ મૂર્તિમંત થયો છે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, સરકારે સત્તાને સેવાનું માધ્યમ બનાવી, પરિશ્રમની પરાકાષ્ટા સર્જીને પ્રામાણિકતાથી લોકોની આશા-અપેક્ષા-આકાંક્ષા સંતોષવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો તેનું આ પરિણામ છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિર્ણાયક નેતૃત્વના ત્રણ વર્ષની ઉજવણી કરતા ‘સંકલ્પથી સિદ્ધિ તરફ અગ્રેસર’ના ગૌરવપૂર્ણ સમારોહમાં મુખ્યમંત્રીશ્રી સંબોધન કરી રહ્યા હતા. મુખ્યમંત્રીએ આ અવસરે રાજ્ય સરકારની ચાર નવી યોજનાઓ મુખ્યમંત્રી સંશોધન પ્રોત્સાહન યોજના (શોધ), ખાનગી જમીન પર આવેલ ઝૂંપડપટ્ટીઓનું તે જ સ્થળે સુવિધાસભર પાકા મકાનોના રૂપાંતર માટેની પી.પી.પી. પૂનઃવસન નીતિ-ર૦૧૯, ઘર વપરાશ માટે સોલાર રૂફટોપ યોજના – સૂર્ય ગુજરાત અને મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકીકરણ યોજનાનો શુભારંભ પણ કરાવ્યો હતો.
મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓએ આ યોજનાના લાભાર્થીઓને સહાય-મંજૂરીપત્રનું વિતરણ કર્યુ હતું.મુખ્યમંત્રીએ કાશ્મીરમાંથી ૩૭૦ અને ૩પ-એ કલમ દૂર કરી કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવવાના ઐતિહાસિક નિર્ણય માટે સાડા ૬ કરોડ ગુજરાતીઓ વતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને હ્વદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. સમારોહમાં ઉપસ્થિત સૌએ આ અભૂતપૂર્વ નિર્ણય માટે ગુજરાતના આ બે સપૂતોને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.
પૂર્વ વિદેશ મંત્રી સ્વ. સુષ્મા સ્વરાજજીના દુઃખદ અવસાન અંગે બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ ‘‘પથ કા અંતિમ લક્ષ્ય નહિ હૈ સિંહાસન ચઢતે જાના, સબ સમાજ કો લિયે સાથ મે આગે હૈ બઢતે જાના’’ પંકિતઓનો વિશેષ ઉલ્લેખ કરતાં કહ્યું કે, પારદર્શિતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાના ચાર સુશાસન સ્તંભને આધાર બનાવી શાસનની જવાબદારી સંભાળી છે અને પદ કે પ્રતિષ્ઠા નહિ, જવાબદારીથી રાજ્યના વિકાસ માટે સમર્પિત થવા ક્ષણ-ક્ષણ પળ-પળ અર્પણ કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે જે પદ્ધતિઓ – ઇન્સ્ટીટયુશનલાઇઝડ શાસન વ્યવસ્થા -પ્રણાલિઓ પ્રસ્થાપિત કરેલી તેના પદચિન્હો પર ચાલવાનો પડકાર અમે વિનમ્રતાપૂર્વક પાર પાડયો છે. કપરા ચડાણો હતા રાજયની શાંતિ-સલામતિ-સમરસતાને ડહોળવાના કારસાઓ થયા એવા વાતાવરણમાં અમે સૌ એ સાથે મળીને અસ્થિરતામાંથી સ્થિરતાનું વાતાવરણ સર્જી ગુજરાતને વિકાસના રાહે અડીખમ રાખ્યુ છે એમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતના વિકાસની ચર્ચા દશેય દિશામાં – દુનિયામાં થાય છે ત્યારે એ વિકાસ અને સુશાસનના અમારા જનકલ્યાણ સંકલ્પોને સુપેરે પાર પાડવા આખું મંત્રીમંડળ એક પળનાય વિરામ-વિશ્રામ વિના સતત કર્તવ્યરત રહ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉમેર્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નયા ભારતના નિર્માણની જે સંકલ્પના કરી છે તેમાં ગુજરાત પ્રોએકટિવ – પ્રો પિપલ ગર્વનન્સથી અગ્રેસર રહેવાનુ છે. તેમણે રાજ્યના ભાવિ સુરેખ અને સુદ્રઢ વિકાસ સાથે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ દ્વારા જન-જનના કલ્યાણની સંકલ્પના વ્યકત કરી હતી. મુખ્યમંત્રીએ આ ધ્યેયને સાકાર કરવા ત્વરિત નિર્ણાયકતા – ‘નો પેન્ડન્સી’, ભ્રષ્ટાચારીઓ સામે કડક પગલાં લઇ પારદર્શી પ્રશાસન, આધુનિક શહેરી વિકાસ, ર૦રર સુધીમાં ગુજરાતને વોટર સરપ્લસ સ્ટેટ બનાવવાના આયોજનની વિશદ ભૂમિકા આપી હતી.
મુખ્યમંત્રી રૂપાણીએ ૩ વર્ષના સુશાસનમાં પ્રજાની પડખે રહીને, કિસાનો-ગરીબો-વંચિતોની પડખે રહીને જે કલ્યાણલક્ષી કામો કર્યા છે તેની વિગતો આપતાં ગરીબ પરિવારોને લગ્નની જાન માટે રાહત દરે બસ, વિધવા પેન્શન યોજનામાં સંતાનની પુખ્ત વયની મર્યાદા દૂર કરવી, દિકરી જન્મને વધાવતી વ્હાલી દિકરી યોજના, ગૌવંશ હત્યા કરનારાઓ તથા ચેન સ્નેચિંગ કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી, ખેડૂતોને ઝીરો ટકા વ્યાજ વગેરેની સિદ્ધિઓ વર્ણવી હતી.
મુખ્યમંત્રીએ રાજ્યની જનતા જનાર્દનને વિશ્વાસ આપ્યો કે પ્રજાજનોએ સરકારમાં મૂકેલો વિશ્વાસ, ભરોસો ઓછો ન થાય, ગુજરાતના વિકાસમાં જન-જનની સહભાગિતા થાય અને ગુજરાત દેશનું રોલ મોડેલ હરેક ક્ષેત્રે બને તેવી હરહંમેશ પ્રતિબદ્ધતા તેમની સરકારની રહેશે.

Related posts

સુરતમાં મંદિરના પૂજારીએ ત્રણ બાળકો સાથે કર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

aapnugujarat

૯૮ વર્ષના દાદાને પીપીઆઇ ગોઠવાયું :તબીબોને સફળતા

aapnugujarat

कोरोना काल में गरबा खेलने वालों के लिए खुशखबरी

editor

Leave a Comment

UA-96247877-1