Aapnu Gujarat
બ્લોગ

મોટા ફોફળીયાના ભુપેન્દ્ર વણકરે તળાવની માટી ખેતરમાં પાથરી જમીન સમતળ બનાવી પાક ઉત્પાદન બમણું કર્યું

જળસંચયના લાભો અને અગત્યતા જાણવી હોય તો મોટા ફોફળીયાના એક સામાન્ય ખેડૂત ભુપેન્દ્ર વણકરને મળવું પડે. તેમનું ખેતર રસ્તાની સપાટીથી નીચું હતું. એટલે તેમના લગભગ અડધા ખેતરમાં કમરપુર પાણી ભરાય જતું. અન્ય જગ્યાઓએ પણ ખાડા ટેકરાવાળી અસમાન જમીન હતી વળી વર્ષોથી સતત ખેડાણને લીધે જમીન પાતળી થઇ ગઈ હતી. એટલે ખેત ઉત્પાદનમાં કોઈ ભલીવાર આવતો ન હતો.
જળસંચય અભિયાનના પહેલા વર્ષે મોટા ફોફળીયાનું ગામ તળાવ ખોદવામાં આવ્યું. ભુપેન્દ્ર વણકરે જાણ્યું કે તેની માટી ખેડૂતોને વિનામૂલ્યે ખેતરમાં પાથરવા માટે આપવામાં આવે છે. તેમણે આગેવાનોનો સંપર્ક કર્યો. બધાએ રાજીખુશીથી જોઈએ તેટલી માટી જાતે ખર્ચ કરીને લઇ જવાની સહર્ષ સંમતી આપી અને ભુપેન્દ્ર વણકર મંડી પડ્યા. એમણે લગભગ એક હજાર ટ્રેકટર જેટલી માટી પોતાના ખર્ચે ખેતરના ખાડાઓમાં પથરાવી દીધી. ખેતરના ખાડા પૂરાઈ ગયા અને જમીનની સપાટી રસ્તાને સમકક્ષ થઇ ગઈ. આ વર્ષે તેમણે વધુ ૮૦૦ ડમ્પર્સ જેટલી માટી ખેતરમાં પાથરી અને ખાડા ટેકરાવાળુ એમનું ખેતર આજે એકદમ સમતળ થઇ ગયું છે.
ભુપેન્દ્ર કહે છે કે ખેતર સમતળ થવાની સાથે, તળાવની કાંપવાળી માટીએ ચમત્કાર કર્યો છે. ગયા વર્ષે વાવેલા દિવેલામાં બમણો ઉતાર મળ્યો છે. માટી પાથરવા માટે કરેલો પરિવહનનો ખર્ચ જાણે કે વ્યાજ સહિત વળતર આપી રહ્યાં છે. આ વર્ષે હાલમાં કપાસનું વાવેતર કર્યું છે. અને પાક ખૂબ સારો ઊછર્યો છે. અગાઉ મારા ખેતરમાં ભરાતા પાણીને લીધે ચોમાસામાં ખેતરમાં પેસવું મુશ્કેલ હતું. હવે એની સરળતા થઇ છે. અને ખેતીના કામો સારી રીતે થઇ શકે છે.
ભુપેન્દ્રની સાફલ્ય ગાથા એવો બોધપાઠ આપે છે કે, જળસંચયના કામો ખેતી સુધારાનો એક અવસર લઈને આવે છે. ગામ તળાવોની માટી ખેતરમાં સોનાનું કામ કરે છે. સમતળ ખેતર અને ફળદ્રુપ જમીન ઘણી વધારે ઉપજ આપે છે. તેની સાથે તળાવોના માધ્યમોથી વરસાદનું પાણી જમીનમાં ઉતરે છે. અને ભૂગર્ભ પાણીની સપાટી ઉંચી આવે છે. પાણીની ખારાશ અને ટીડીએસ ઘટે છે. આમ, બહુવિધ લાભો જળસંચયના કામોથી ખેડૂત અને ખેતીને થાય છે.

Related posts

દુનિયાની ૨.૯૦ કરોડ મહિલાઓ આજે પણ આધુનિક ગુલામીની શિકાર

editor

સોનું ખરીદવામાં ઉતાવળ ન કરશો

aapnugujarat

जातीय जन-गणना : सोया भूत जगाया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1