અસ્તાનામાં શાંઘાઈ સહયોગ સંગઠનની શિખર બેઠકમાં પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફ સેનાના અધિકારી સાથે વાતચીત કરતા નજરે પડ્યા હતા. સેનાના અધિકારીએ નવાઝ શરીફના કાનમાં કેટલીક વાતો કરી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા. શુક્રવારના દિવસે સંમેલન દરમિયાન નવાઝ શરીફ સેનાના અધિકારીથી નિર્દેશ લેતા નજરે પડ્યા હતા. નવાઝ શરીફ સંમેલનને સંબોધન કરનાર હતા ત્યારે જ સેનાના અધિકારી તેમની પાસે આવ્યા હતા અને કાનમાં વાત કરી હતી. ખાસ બાબત એ છ ેકે, આ અધિકારીએ નવાઝ શરીફના ખભા ઉપર હાથ પણ મુક્યો હતો. નવાઝ શરીફે પણ સેનાના આ અધિકરીની વાતને ગંભીરતાથી સાંભળી હતી. નવાઝે ત્યારબાદ સંમેલનને સંબોધતા કહ્યું હતું કે, પાકિસ્તાન પોતે પણ આતંકવાદીગ્રસ્ત રાષ્ટ્ર છે. આ ચર્ચા બાદ એવો મુદ્દો ઉઠી રહ્યો છે કે, અસ્તાનામાં નવાઝ શરીફ સેનાના ઇશારે કામ કરી રહ્યા હતા કે કેમ. પાકિસ્તાનને લઇને એમ માનવામાં આવે છે કે, ત્યાં હમેશા સરકાર ઉપર સેનાનું પ્રભુત્વ રહ્યું છે. આવી સ્થિતિમાં સેનાના અધિકારીની નવાઝ શરીફ સાથે વાતચીતને પણ મહત્વ આપવામાં આવી રહ્યું છે. એસસીઓના સંપૂર્ણ સભ્ય તરીકે ભારત અને પાકિસ્તાનનો આજે સમાવેશ કરવામાં આવ્યો હતો. બેઠક શરૂ થાય તે પહેલા જ મોદી અને શરીફે એકબીજાનું અભિવાદન કર્યું હતું. સેનાના અધિકારીએ નવાઝ શરીફને કાનમાં કયા મુદ્દા ઉપર વાત કરી હતી તે અંગે હજુ કોઇ સ્પષ્ટતા થઇ શકી નથી પરંતુ નવાઝ શરીફ ફરી એકવાર ચર્ચાના ઘેરામાં આવી ગયા છે. બીજી બાજુ ચીની પ્રમુખ સાથે મોદીની વાતચીતને ભારતના વિદેશ સચિવ એસ જયશંકરે ખુબ જ સાનુકુળ અને રચનાત્મક ગણાવી છે. શ્રેણીબદ્ધ મુદ્દાઓ ઉપર મતભેદોને દૂર કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. બંને દેશો સ્થિરતા સાથે આગળ વધવા ઇચ્છુક છે. દ્વિપક્ષીય વાતચીત પર મંત્રણા કેન્દ્રિત હતી.