ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભા આગામી તા.૨૩મી જૂનના રોજ મળનાર છે, જે માટે બોર્ડના સભ્યોએ સામાન્ય સભામાં ધ્યાન દોરી શકાય તેવા પ્રશ્નો બોર્ડને મોકલી આપ્યા છે. જેનો જવાબ બોર્ડ દ્વારા સામાન્ય સભામાં આપવામાં આવશે. જેમાં સૌથી મહત્વના પ્રશ્નો તાજેતરમાં જ બોર્ડની પરીક્ષા પૂર્ણ થઇ હોવાથી પરીક્ષાને લગતા તથા સેમેસ્ટર પધ્ધતિ રદ કરવામાં આવી હોવાના મુદ્દાને લગતા છે. ઉપરાંત નવી સ્કૂલોની મંજૂરી સહિતની વિગતો પણ સામાન્ય સભામાં માંગવામાં આવી છે. સભ્યોના પ્રશ્નોને લઇ બોર્ડની સામાન્ય સભા તોફાની બનવાની શકયતા છે. બોર્ડના સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, બોર્ડની સામાન્ય સભા તા.૨૩મી જૂને મળનારી છે, જેમાં બોર્ડના તમામ સભ્યોને બોલાવાયા છે. સામાન્ય સભામાં સામાન્ય રીતે સભ્યો દ્વારા કરવામાં આવતા પ્રશ્નોના જવાબ બોર્ડ દ્વારા અપાતા હોય છે. જેથી બોર્ડના પાંચ જેટલા સભ્યો ડો.પ્રિયવદન કોરાટ, ડો.નિદત બારોટ, કે.એ.બુટાણી, નરેન્દ્ર વાઢેર અને હરદેવસિંહ રાણા તરફથી પોતાના પ્રશ્નો બોર્ડને મોકલી અપાયા છે. ડો.પ્રિયવદન કોરાટે સાયન્સમાં સેમેસ્ટર સીસ્ટમ અંગેનો પ્રશ્ન કર્યો છે, જેમાં આ પધ્ધતિ રદ કરવામાં બોર્ડની ભૂમિકા અને હાલમાં કઇ પધ્ધતિ અમલમાં છે તે સહિતની માહિતી મંગાઇ છે. આ સિવાય વેરાવળની સ્કૂલની મંજૂરી અંગેનો પ્રશ્ન અને રાજયમાં સ્કૂલોની નોંધણી બાકી હોય તેની વિગતો પણ મંગાઇ છે. બોર્ડના અન્ય સભ્ય ડો.નિદત બારોટે રાજયમાં જૂન-૨૦૧૬માં કેટલી સ્કૂલોની માંગણી કરાઇ હતી અને તેમાંથી કેટલી મંજૂર કરાઇ તેની વિગતો માંગતો પ્રશ્ન પૂછાયો છે. તો, કે.એ.બુટાણીએ પરિણામને લઇ મહત્વની વિગતો માંગતા પ્રશ્ન કર્યો છે કે, ધોરણ-૧૦ના માર્ચ-૨૦૧૭ના પરિણામમાં મોરબી જિલ્લાના માળિયા કેન્દ્રનું પરિણામ અનામત રાખેલ છે કે કેમ? જો અનામત રખાયું છે તો કયા કારણથી અને કયારે જાહેર કરાશે તેનો જવાબ પણ માંગવામાં આવ્યો છે. નરેન્દ્ર વાઢેરે સેમેસ્ટર સીસ્ટમમાં પાસ-નાપાસ અંગેની વિગતો માંગી છે અને ૧૩૨ ગુણ સાથે પાસ થવાના નિયમની જાણકારી માંગી છે. ઉપરાંત ધોરણ-૧૦માં બે વિષયની પૂરક પરીક્ષા લેવાય છે તો ધોરણ-૧૨માં સામાન્ય પ્રવાહમાં એક વિષયની પરીક્ષા કેમ લેવાય છે તે અંગે પ્રશ્ન કરાયો છે. જયારે બોર્ડના સભ્ય હરદેવસિંહ રાણાએ જે મકાન કે સંકુલમાં ગ્રાન્ટેડ ગુજરાતી સ્કૂલ ચાલતી હોય ત્યાં નોન ગ્રાન્ટેડ સ્કૂલ શરૂ કરી શકાય કે કેમ તેની વિગતો માંગી છે. આમ, બોર્ડના સભ્યોએ તેમના જુદા જુદા પ્રશ્નો થકી બોર્ડને ઘેરવાની પહેલેથી જ તૈયારી કરી હોય તેમ જણાય છે. હવે સામાન્ય સભાની બેઠક પર સૌની નજર છે.
આગળની પોસ્ટ