હાલમાં બિહારના શેખપુરા જિલ્લામાં પોતાનાં લગ્નના મંડપમાં ચોંકાવનારી ઘટના બની હતી. અહીં વરરાજાએ દારૂ પીને આવીને દુલ્હનના પપ્પા પાસે સ્કોર્પિયો કારની માગણી કરીને ધમાલ કરી હતી.
આ ઉપરાંત અન્ય માગણીઓ પૂરી કરી ન હોવાથી યુવતીના પપ્પા વરરાજાને મનાવવા તેમને પગે પડવા લાગતાં યુવતીથી પોતાના પપ્પાનું અપમાન સહન ન થવાથી તેણે લગ્ન માટે ઇનકાર કર્યો હતો.
વરરાજા આંધ્ર બેંકમાં પરચેઝ ઓફિસર હતો તેમ છતાં તેણે આવું વર્તન કર્યું હતું.દુલ્હનના નિર્ણયથી ભડકેલા વરરાજા અને તેના મિત્રો મારપીટ પર ઊતરી આવ્યા હતા. લગ્નમાં હાજર રહેલા લોકોએ વચ્ચે પડીને સમજૂતી કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવતી પોતાના નિર્ણયમાં અડગ રહી હતી.આ મામલામાં યુવતીએ ખુલાસો કર્યો હતો કે ‘હું બીટેક ફાઇનલ વર્ષની સ્ટુડન્ટ છું અને મને ખબર છે કે મને કેવો વર જોઈએ છે. જે માણસ લગ્નના દિવસે પણ દારૂ પીને આવે તો તે હંમેશાં દારૂના નશામાં રહેતો હશે. આવી વ્યક્તિ સાથે લગ્ન કરીને મારે મારી જિંદગી બરબાદ કરવી નથી. મને મારા નિર્ણય વિશે કોઈ પસ્તાવો નથી.’