Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેન્સેક્સમાં ૨૪૯ પોઈન્ટનો ઉછાળો

શેરબજારમાં આજે કારોબારના પ્રથમ દિવસે જોરદાર તેજીનું મોજુ ફરી વળ્યું છે. એચડીએફસી ટિ્‌વન્સ અને લાર્સન એન્ડ ટુબ્રોમાં જોરદાર તેજી જામી હતી. આજે કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૨૪૯ પોઇન્ટ ઉછળીને ૩૯૬૮૩ની સપાટીએ રહ્યો હતો.
તાતા સ્ટીલ, યશ બેંક, એનટીપીસી, લાર્સન એન્ડ ટુબ્રો અને એક્સિસ બેંકમાં સૌથી વધુ ઉછાળો રહ્યો હતો. બીએસઈના ૩૦ શેર પૈકી ૧૨ શેરમાં મંદી રહી હતી. બ્રોડર નિફ્ટીમાં આજે કારોબારના અંતે ૧૧૯૦૦ની સપાટી કુદાવી દીધી હતી. કારોબારના અંતે બ્રોડર નિફ્ટી ૮૧ પોઇન્ટ ઉછળીને ૧૧૯૨૫ની ઉંચી સપાટીએ રહ્યો હતો. માર્કેટ બ્રીડ્‌થ લેવાલની તરફેણમાં રહેતા ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. આજે આશરે ૧૩૩૧ શેરમાં તેજી રહી હતી જ્યારે ૪૭૦ શેરમાં મંદી રહી હતી. સેક્ટરલ ઇન્ડેક્સમાં ૧૧ ઇન્ડેક્સ પૈકી આઠમાં તેજી રહી હતી. નિફ્ટી મેટલ, નિફ્ટી રિયાલીટી, નિફ્ટી પીએસયુ બેંકમાં બે ટકાથી વધુનો ઉછાળો રહ્યો હતો. બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૧.૧ ટકાનો ઉછાળો અથવા ૧૬૯ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૫૧૧૪ રહી હતી. બીએસઈ સ્મોલકેપઇન્ડેક્સમાં ૨૬૦ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૪૯૫૯ રહી હતી તેમાં ૧.૮ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આજે નિચલી સર્કિટમાં મનપસંદ બેવરેજના શેર લોક રહ્યા હતા. તેમાં ૨૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. કાઉન્ટરમાં જોરદાર વેચવાલીના ઓર્ડર આપવામાં આવ્યા હતા. લ્યુપીનના શેરમાં ૨.૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. પેજ ઇન્ડસ્ટ્રીના શેર બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચી જતાં તેમાં ૧૦ ટકાનો ઘટાડો રહ્યો હતો. પેજ ઇન્ડસ્ટ્રીના શેર આજે કારોબારના અંતે ૧૦.૪ ટકાના ઘટાડા સાથે બંધ થતાં પહેલા ભારે અફડાતફડી રહી હતી. બજેટ ઉપરાંત શેરબજારમાં હવે મોનસુનની ચાલ, આરબીઆઈની પોલિસી સમીક્ષા, લિક્વિડીટી વધારવાના વિકલ્પો, ક્રૂડ ઓઇલની કિંમતો અને કારોબારીઓને વધુ રાહત આપવા સહિતના પાસાઓ ઉપર નજર રહેશે. છેલ્લા એક સપ્તાહમાં સેંસેક્સ અને નિફ્ટીમાં ચાર ટકાનો વધારો થઇ ચુક્યો છે જે ૨૦૧૯માં હજુ સુધીનો સૌથી મોટો સાપ્તાહિક ઉછાળો છે. એશિયન બજારની વચ્ચે પણ આ તમામમાં તેજી નવી આશા જગાવે છે. જાણકાર લોકોનું કહેવું છે કે, નિફ્ટી ૧૨૫૦૦ની સપાટી સુધી પહોંચી શકે છે. આના માટે પણ મોદીના નેતૃત્વમાં ગઠબંધન સરકારની પ્રચંડ બહુમતિને જવાબદાર ગણવામાં આવે છે. યુટીઆઈ એસેટ મેનેજમેન્ટમાં ઇક્વિટી હેડનું કહેવું છે કે, એનડીએ સરકારની આ શાનદાર જીતથી તેજીનો માહોલ રહી શકે છે. બિઝનેસ અને કન્ઝ્‌યુમર આત્મવિશ્વાસ અકબંધ રહેશે. ચૂંટણીને લઇને પહેલા કારોબારી દુવિધાભરી સ્થિતિમાં હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીમાં શાનદાર દેખાવ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે ધડાકા સાથે સત્તામાં વાપસી કરી લીધી છે. સતત બીજી અવધિમાં પ્રચંડ બહુમતિ સાથે સત્તામાં આવ્યા બાદ હવે એનડીએ સરકાર અર્થતંત્રમાં નવા પ્રાણ ફુંકવા માટે દમદાર પગલા લઇ શકે છે. જેના કારણે શેરબજારમાં તેજી રહેવાના સંકેત દેખાઇ રહ્યા છે. હાલમાં ટોપના અર્થશાસ્ત્રીઓને આવરી લઇને કરવામાં આવેલા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે જુલાઇમાં સામાન્ય બજેટ રજૂ કરવામાં આવનાર છે. આ બજેટમાં અર્થતંત્રને મજબુત કરવા માટે કેટલાક નક્કર પગલા લેવામાં આવી શકે છે. જુલાઇમાં બજેટ રજૂ કરવામાં આવે તે પહેલા સુધી નિફ્ટીમાં ૫-૧૦ ટકા સુધીનો ઉછાળો આવે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. અડધાથી વધારે અર્થશાસ્ત્રીઓ માની રહ્યા છે કે નિફ્ટી ત્યાં સુધીમાં તો ૧૨૫૦૦ની સપાટી પર પહોંચી શકે છે. ૨૫ ટાક લોકોનુ કહેવુ છે કે વર્ષ ૨૦૧૯-૨૦ માટે પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવે ત્યાં સુધી નિફ્ટી ૧૩૦૦૦ સુધી પહોંચી શકે છે.
જો કે આશરે ૧૪ ટકા લોકોનુ કહેવુ છે કે નિફ્ટી ૧૨૦૦૦ સુધી પહોંચી જવાની શક્યતા છે. ૧૧ ટકા અર્થશાસ્ત્રીઓનુ કહેવુ છે કે નિફ્ટી ઘટીને ૧૧૫૦૦ પર પહોંચી શકે છે. બજેટ બાદ નિફ્ટીમાં કોઇ મોટા ફેરફાર થવાની શક્યતા નથી પરંતુ ૩૧મી ડિસેમ્બર સુધી નિફ્ટી ૧૩૦૦૦ સુધી પહોંચી શકે છે . કેટલાક નિષ્ણાંતો એમ પણ માને છે કે આંકડો ૧૩૫૦૦ સુધી પણ જઇ શકે છે.
ફંડ મેનેજરોનું કહેવું છે કે, રાજકીય મોરચા પર સ્થિરતા પરત ફરવાથી મિડ અને સ્મોલકેપથી જોડાયેલા સેન્ટીમેન્ટમાં સુધારો થશે જે માર્ચ મહિનાથી જ માર્કેટ રેલીથી દૂર છે.
મિડકેપ ઇન્ડેક્સ ૨૦૧૯માં હજુ સુધી ત્રણ ટકા સુધી નીચે પહોંચી ચુક્યો છે જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ દર વર્ષે આધાર પર યથાસ્થિતિમાં છે. ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ દ્વારા ખરીદદારીનો માહોલ જામ્યો છે. ચૂંટણી પરિણામોની જાહેરાત થયા બાદ ગયા ગુરુવારના દિવસે સેંસેક્સમાં જોરદાર તેજી જામી હતી. શુક્રવારના દિવસે ૨૦૦૦ કરોડના શેર અને ગુરુવારના દિવસે ૧૪૦૦ કરોડના શેર ખરીદવામાં આવ્યા હતા. માર્ચથી એફપીઆઈ દ્વારા ૫૪૦૦૦ કરોડ રૂપિયાના શેર ભારતીય બજારમાં ખરીદવામાં આવ્યા છે.

Related posts

લેમનટ્રી આઈપીઓ આજે લોન્ચ થશે

aapnugujarat

ઇસરો નિષ્ફળતાને ભુલી નવા લોન્ચની તૈયારીમાં

aapnugujarat

जम्मू-कश्मीर, हिमाचल प्रदेश और उत्तराखंड में बर्फबारी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1