Aapnu Gujarat
બ્લોગ

નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર લાગ્યું ગોડસેનું ગ્રહણ

શું તમે કદી નરેન્દ્ર મોદી અને અમિત શાહને લાચાર સ્થિતિમાં જોયા છે? તેઓ જે કરે છે છાતી ઠોકીને કરે છે અને એના પર કદી અફસોસ નથી કરતા. કોઈ મુદ્દે સ્પષ્ટીકરણ આપવાની જરૂર પણ ભાગ્યે જ અનુભવે છે.ગુજરાતમાં થયેલાં ૨૦૦૨ના રમખાણો હોય, સોહરાબુદ્દિન ફેક ઍન્કાઉન્ટર હોય, જજ લોયાની હત્યા હોય, અમિત શાહ સામે લાગેલા તમામ પ્રકારના આરોપ હોય, નોટબંધી હોય, ટોળા દ્વારા થયેલી ઘાતકી હત્યાઓ હોય કે પછી બૉમ્બ વિસ્ફોટ કેસના આરોપી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને ભોપાલ બેઠક પરથી ચૂંટણી લડાવવાનો નિર્ણય હોય-તમે કદીયે મોદી અને શાહને બૅકફૂટ પર નહીં જોયા હોય.નાથુરામ ગોડસે કદાચ એકલું એવું ઐતિહાસિક ચરિત્ર છે જેમણે ઉગ્ર અને આક્રમક રાજનીતિ કરનારા મોદી અને અમિત શાહ જેવા નેતાઓને બૅકફૂટ પર ધકેલી દીધા છે.મોદી-શાહે કહ્યું હતું કે પ્રજ્ઞા સિંહ ઠાકુરને ચૂંટણી લડાવવાનો નિર્ણય ભગવા આતંકવાદની વાત કરીને હિંદુ સંસ્કૃતિને બદનામ કરનારા સામે સાંકેતિક જવાબ આપવા માટે લેવાયો હતો.પ્રજ્ઞા સિંહ ઠાકુર અત્યારે પણ માલેગાંવ બ્લાસ્ટ કેસમાં આરોપી છે અને જામીન પર જેલની બહાર છે. આ ટીકાની એમની પર કોઈ અસર નહોતી પડી.હવે એ જ પ્રજ્ઞા સિંહ ઠાકુરને લીધે નરેન્દ્ર મોદી અને અમિત શાહને વારંવાર શરમ અનુભવવી પડે છે.પહેલા પ્રજ્ઞા સિંહ ઠાકુરે કહ્યું કે મુંબઈ હુમલામાં માર્યા ગયેલા પોલીસ અધિકારી હેમંત કરકરેને મેં શ્રાપ આપ્યો હતો.ગુરૂવારે એમણે ગાંધીની હત્યા કરનાર વિશે કહ્યું કે ગોડસે દેશભક્ત હતા, દેશભક્ત છે અને દેશભક્ત રહેશે.જે પાર્ટી દેશભકિત પર કૉપીરાઇટનો દાવો કરતી હોય, જેના નેતાઓ હાલતા-ચાલતા ગમે તેને દેશદ્રોહીનું સર્ટિફિકેટ પકડાવીને પાકિસ્તાનમાં વસવાની સલાહ આપી દેતા હોય એમના એક હાઇ-પ્રોફાઇલ ઉમેદવાર મહાત્મા ગાંધીની હત્યા કરનારને દેશભક્ત કહે તો એ સવાલ ઊભો થાય જ કે શું ભાજપ અને સંઘ પરિવારનો રાષ્ટ્રવાદ અને નાથુરામ ગોડસેનો રાષ્ટ્રવાદ એકસરખો છે?
સવાલ એ પણ છે કે શું ગોડસેની દેશભકિત અને નરેન્દ્ર મોદીની દેશભકિત એકસરખી છે?પ્રજ્ઞા સિંહના નિવેદનથી એક વાત સ્પષ્ટ હતી કે એમાં કોઈ હા-નાની ગુંજાશ નહોતી બચી.સવાલોથી બચવા માટે મોદીને ટેલિવિઝન ઇન્ટરવ્યૂમાં કહેવું પડ્યું કે ગાંધીના નિવેદન અંગે એમણે માફી માગી લીધી છે એ અલગ વાત છે પરંતુ હું એમને કદી મનથી માફ નહીં કરી શકું.એમણે એ જ ટેલિવિઝન ઇન્ટરવ્યૂમાં કહ્યું આ ખૂબ ખરાબ છે. દરેક રીતે નફરતને લાયક છે, ટીકાને લાયક છે. કોઈ પણ સભ્ય સમાજમાં આવો વિચાર અને ભાષા સ્વીકાર ન કરી શકાય.પરંતુ ભાષાને મામલે ખુદ નરેન્દ્ર મોદીનો રૅકોર્ડ કંઈ ખાસ ઉજ્જવળ નથી રહ્યો.ચૂંટણી દરમિયાન સંવાદી ભાષાનું સ્તર નીચે પાડવાનો એમના પર પણ આરોપ છે.આખરે જ્યારે તેઓ એમનાં ભાષણોમાં કૉંગ્રેસની વિધવાનો ઉલ્લેખ કરતાં હતા તો કોના તરફ ઇશારો કરતા હતા?ડિસ્લેક્સિયાવાળાં બાળકો વિશે પૂછાયેલા સવાલમાં જ્યારે તેઓ ૪૦-૫૦ વર્ષના બાળકોના ઇલાજની વાત કરીને મશ્કરી કરતા હતા ત્યારે ઇશારો કોની તરફ હતો?ગુજરાતના મુખ્ય મંત્રીપદે હતા ત્યારે ’અમે બે અમારા પાંચ કે પછી રસ્તા પર પંચર કરનારાઓ પર ટોણાંઓ મારતા હતા ત્યારે એમના નિશાના પર કયો ગરીબ પંચર કરનારો હતો?જ્યારે તેઓ એમની ચૂંટણી સભાઓમાં મિયાં શબ્દ પર ભાર આપીને પાકિસ્તાનના મુર્શરફને લલકારતા હતા કે પછી એ વખતના મુખ્ય ચૂંટણી અધિકારી જે. એમ. લિંગ્દોહ પર હુમલો કરતી વખતે વારંવાર એમનું આખુ ખ્રિસ્તી નામ જૅમ્સ માઇકલ લિંગ્દોહ બોલતા હતા, એ શું બાળકોનું સામાન્ય જ્ઞાન વધારવા માટે હતું?આને લીધે પ્રજ્ઞા ઠાકુરના નિવેદનને નફરત લાયક બતાવવું અને એમને મનથી માફ ન કરવાનું એલાન એ નરેન્દ્ર મોદીના વ્યકિતત્વ અને એમની બ્રાન્ડની રાજનીતિની વિરુદ્ધ જાય છે.નામ લીધા વગર નરેન્દ્ર મોદીએ કેટલીક વાર ભાજપના સુબ્રમ્ણ્ય સ્વામી જેવા નેતાઓની નરમ ટીકા જરૂર કરેલી છે પરંતુ એમણે કદી ભાજપના ઉગ્ર નિવેદનબાજોને માફી માગવા માટે મજબૂર નથી કર્યા.કાં તો તેઓ વિવાદાસ્પદ નિવેદનો પર મૌન સાધી લે છે અથવા તો સામાન્યીકરણ દ્વારા સાંકેતિક ભાષામાં પોતાને આવા નિવેદનોથી અસહમત દર્શાવવાની કોશિશ કરે છે.પરંતુ ઉગ્ર હિંદુત્વના આઇકન બનેલાં પ્રજ્ઞા સિંહ ઠાકુર પાસેથી માફી મંગાવવી એ એમની મજબૂરી બની ગઈ હતી.કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જે રીતે સામ પિત્રોડાને જાહેરમાં આડા હાથે લીધા અને એમના ૧૯૮૪ના શીખ રમખાણોના નિવેદન પર માફી માગવાનું કહ્યું એ પછી પ્રજ્ઞા સિંહ ઠાકુરના નિવેદન પર ઢાંકપિછોડો કરવાની ગુંજાશ નહોતી બચી.લોકસભાની ચૂંટણી સમયે મહાત્મા ગાંધીની હત્યા કરનાર નાથુરામ ગોડસેને દેશભક્ત કહીને પ્રજ્ઞા ઠાકુરે મોદીના કરેલા પર લગભગ પાણી જ ફેરવી દીધું હતું.મોદી અને શાહ કદી સ્વીકાર નહીં કરે પરંતુ પ્રજ્ઞા ઠાકુરના આવા નિવેદન પછી એમને ચૂંટણીમાં ઉતારવાના નિર્ણય પર એમને પસ્તાવો જરૂર થયો હશે.આ આખો વિવાદ એવા સમયે થયો છે જ્યારે છેલ્લા તબક્કાનું મતદાન બાકી છે અને ભાજપ પ્રજ્ઞા ઠાકુરની ઉમેદવારીનો નિર્ણય ખોટો હતો એમ દર્શાવવા નથી માગતું.એથી જ શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં થયેલી પત્રકાર પરિષદમાં જ્યારે પત્રકારોએ આ સવાલ કર્યો તો અમિત શાહે પ્રજ્ઞા ઠાકુરની ઉમેદવારીને ભગવા આતંક પર આરોપ લગાવનારા સામેનો સત્યાગ્રહ કહ્યો. જેમના બળ પર મોદી અને અમિત શાહ આ સત્યાગ્રહ કરી રહ્યા છે એ શસ્ત્રવિહિન ગાંધીની હત્યા કરનારને દેશભક્ત માને છે.જોકે, પ્રજ્ઞા ઠાકુર જ નહીં કેન્દ્રિય મંત્રી અનંત કુમાર હેગડે અને મધ્ય પ્રદેશના મીડિયા સંયોજક નલિન કતીલે પણ ગોડસે વિશે એવા વિવાદસ્પદ નિવેદનો આપ્યા છે જેને અમિત શાહ નજરઅંદાજ નહીં કરી શકે.એમને ખબર છે કે ગાંધીના હત્યારાનું મહિમામંડન કરનાર આ દેશની જનતાની નજરમાં કેટલી ઝડપથી ફેંકાઈ જાય છે.એટલે જ એમણે તરત જ ત્રણે નેતાઓ પાસેથી જવાબ માગ્યો છે અને દસ દિવસમાં સ્પષ્ટીકણ આપવાનું કહ્યું છે.ભાજપના નેતા અનંત કુમાર હેગડે પણ ગાંધી વિશેનો દષ્ટિકોણ બદલવાની વકીલાત કરી રહ્યા હતા.એમનું કહેવું હતું કે આ ચર્ચા પર ગોડસે ખુશ થશે. પાછળથી એમણે ટ્ટીટ ડિલીટ કરી દીધી અને કહ્યું કે એમનું ટ્ટિટર અકાઉન્ટ હૅક કરી લેવામાં આવ્યું હતું. પ્રજ્ઞા ઠાકુરે પણ માફી માગી લીધી છે.ગોડસેના ગુણ ગાઈને પાછળથી માફી માગી લેવાનો આ સિલસિલો નવો નથી.ભાજપના સંસદસભ્ય સાક્ષી મહારાજે મોદી સરકાર બની તેના થોડા જ મહિનામાં સંસદભવનની બહાર પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે જો ગાંધી દેશભક્ત હતા તો ગોડસે પણ દેશભક્ત હતા. આ નિવેદન પર વિવાદ થતાં સાક્ષી મહારાજે માફી માગી હતી.એના થોડા સમય પછી હરિયાણાની ભાજપ સરકારમાં મંત્રી અનિલ વિજે નરેન્દ્ર મોદીને ગાંધી કરતા પણ મોટી બ્રાન્ડ ગણાવ્યા અને કહ્યું કે અત્યારે ગાંધીને ખાદી ગ્રામોદ્યોગના કેલેન્ડર પરથી હટાવ્યા છે, ધીમેધીમે ચલણી નોટ પરથી પણ હટાવી દઈશું.પાછળથી એમણે એવું કહ્યું કે એમના નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું.અનિલ વિજને સંઘે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાંથી ભાજપમાં મોકલેલા છે અને તેમની સમગ્ર રાજકીય દીક્ષા સંઘની શાખાઓમાં થઈ છે.ભાજપના નેતાઓ જ નહીં આરએસએસના દિવંગત સરસંઘચાલક પ્રોફેસર રાજેન્દ્ર સિંહ ઉર્ફ રજ્જૂ ભૈયા પણ માનતા કે ગોડસે અખંડ ભારતના વિચારથી પ્રભાવિત હતા. એમની માન્યતા ખોટી નહોતી પણ એમની રીત ખોટી હતી.ભાજપ સહિત સમગ્ર આરએસએસ અને તેમની સાથે સંકળાયેલાં સંગઠનો મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને લઈને કાયમ અસમંજસની સ્થિતિમાં રહે છે. ના તો તેઓ ખુલીને ગોડસેની પૂજા કરી શકે છે કે ન તો ખુલીને ટીકા.મોદી અને શાહના નિવેદનો પર ધ્યાન આપો તો એમાં પણ મહાત્મા ગાંધીની પ્રશંસા અને ભકિતભર્યા શબ્દો મળી આવશે પરંતુ નાથુરામ ગોડસે અને ગાંધીહત્યાની પ્રેરણા આપનાર વિચારો સામેની ટીકામાં કડક શબ્દો ભાગ્યે જ મળે.સંઘ, ભાજપ અને નરેન્દ્ર મોદીના ઘણા સમર્થકો સોશિયલ મીડિયામાં ખુલીને ગોડસેના પક્ષમાં જોવા મળે છે. આમાંથી ઘણા લોકોને તો ખુદ વડા પ્રધાન મોદી ટ્ટિટર પર ફોલો કરે છે.ગોડસે અને એમની વિચારધારાની ખુલીને ટીકા કરીને મોદી અને શાહ પોતાના આ સમર્થકોને ગુમાવવા નથી માગતા.એટલે જ એમની વાતોમાં ગાંધીભકિત તો દેખાય છે પણ ગોડસેના વિચાર સામે સાફ વલણ જોવા નથી મળતું.સંઘ પરિવારનો એક પક્ષ ગોડસેની સામે નતમસ્તક થવા માગે છે પણ ગાંધીનું વિરાટ વ્યક્તિત્વ એમને એવું કરવા નથી દેતું.આમ છતાં ભાજપના નેતાઓ અનેકવાર એમનો ગોડસે પ્રેમ છુપાવી નથી શકતા અને તેને લીધે આખા પક્ષને બદનામી વહોરવી પડે છે.આખરે ફાંસી થયાના ૭૦ વર્ષે પણ ગોડસેને લઈને ભાજપ આટલો લાચાર અને મજબૂર કેમ છે?ગાંધીજી ૧૯૧૫માં દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા ત્યારથી મુખ્ય ત્રણ હેતુ તેમનું જીવનકાર્ય હતું : હિંદુ-મુસલમાન એકતા, અસ્પૃશ્યતા નિવારણ અને રાજકીય આઝાદી.તેમાંથી પહેલા બંને હેતુઓ સામે કેટલાક રૂઢિચુસ્ત, ઉગ્રવાદી હિંદુઓનો આકરો વિરોધ હતો.ગાંધીજીના આવતા પહેલાંના કોમવાદી રાજકારણમાં, મુસ્લિમ કોમવાદને અંગ્રેજોનો રાજ્યાશ્રય મળ્યો હતો.તેની હરીફાઈમાં હિંદુ કોમવાદ પણ પાછળ ન હતો. મુસ્લિમ હિત માટે મુસ્લિમ લીગ અને હિંદુ હિત માટે હિંદુ મહાસભા જેવી સંસ્થાઓ ગાંધીજીના આગમન પહેલાં સ્થપાઈ ચૂકી હતી.બંને કોમી સંસ્થાઓના સભ્યો સર્વધર્મસમભાવમાં માનતી રાષ્ટ્રીય કૉંગ્રેસના સભ્ય પણ બની શકતા હતા.ગાંધીજીના આવ્યા પછી ઘણા સમય સુધી હિંદુ હિતનું રાજકારણ કૉંગ્રેસની સાથે હાથમાં હાથ મિલાવીને ચાલી શક્યું.કારણ કે હિંદુ હિતના મુખ્ય બે પ્રકાર હતા : પંડિત મદનમોહન માલવિય જેવા નેતાઓ હિંદુહિતની વાત કરતા, પણ મુસ્લિમોનો કે બીજા ધર્મીઓનો વિરોધ કરતા ન હતા.તેમના પ્રત્યે દુશ્મનાવટ રાખતા કે ફેલાવતા ન હતા. બીજા ફાંટામાં, દેશપ્રેમ બરાબર હિંદુહિત બરાબર મુસ્લિમદ્વેષ—એવું સમીકરણ હતું.ગોડસે અને શરૂઆતનાં વર્ષોને બાદ કરતા, તેના ગુરુ વિનાયક સાવરકર બીજા પ્રકારના હિંદુહિત કે દેશપ્રેમની ’સમજ’વાળા હતા. એટલે, હિંદુ-મુસ્લિમ એકતાની વાત કરતા અને તેના માટે વખત આવ્યે જાનની બાજી લગાડતા ગાંધીજી તેમને હિંદુદ્રોહી-દેશદ્રોહી લાગતા હતા.દ્વેષ-ધીક્કારના પાયા પર સંકુચિત હિંદુહિત-સંકુચિત દેશપ્રેમની ઇમારત ઊભી કરવા ઇચ્છતો ગોડસે જેવાઓનો આખો સમુદાય હતો. તેમની વિચારધારાના વિરોધાભાસ, જૂઠાણાં અને સગવડીયાં અર્ધસત્યો વિશિષ્ટ હતાં. જેમ કે,કૉંગ્રેસથી અલગ રહીને, અંગ્રેજ સરકાર સામે એકેય નોંધપાત્ર આંદોલન ન કરવા છતાં કે નોંધપાત્ર બલિદાનો ન આપવા છતાં, એ સમૂહ જોરશોરથી દેશપ્રેમનો દાવો કરી શકતો હતો અને ગાંધીજી સહિત ઘણા કૉંગ્રેસી નેતાઓને દેશવિરોધી-દેશદ્રોહી ઠરાવી શકતો હતો.આઝાદીની લડત દરમિયાન વિનાયક સાવરકર કદાચ એકમાત્ર એવા નેતા હશે, જે જેલમાંથી માફીપત્રો લખીને છૂટ્યા હોય.છતાં, સાવકરનો ’વીર’ તરીકે જયજયકાર કરવામાં તેમને કશો વિરોધાભાસ લાગતો ન હતો.અહીં સાવરકરની વાત એટલા માટે પણ કરવી જોઈએ, કારણ કે તે ગોડસેના ગુરુસ્થાને હતા. ગોડસે અગાઉ એક છાપું કાઢતો હતો, તેના મથાળે સાવરકરનો ફોટો છપાતો હતો. સ
ાવરકર ગાંધીહત્યામાં સંગીન મનાતા, છતાં ટેકનિકલ રીતે નિર્દોષ છૂટેલા આરોપી હતા.આંદામાનની સૅલ્યુલર જૅલમાં સાવરકર પર થયેલા જુલમો કોઈ પણ ભારતીયને કમકમાટી અને રોષ ઉપજાવે એવા છે.પરંતુ એ હકીકતને સાવરકરના મૂલ્યાંકનમાં વાપરતી વખતે યાદ રાખવું પડે કે આંદામાનમાં બધા કેદીઓ પર આવા અત્યાચાર થતા હતા.તેમાંથી માફીપત્રો લખીને, અંગ્રેજોની શરતો કબૂલ રાખીને, રાજકારણમાં ભાગ નહીં લેવાની બાંહેધરી આપીને છૂટી જનારા સાવરકર એકલા જ હતા.કોઈ પણ નેતાની જેમ સાવરકરનાં ઘણાં પાસાં હતાં. તેમનો મુસ્લિમદ્વેષ અને ગાંધીવિરોધ ગોડસે પ્રકારના અનુયાયીઓએ અપનાવ્યો, પરંતુ સાવરકરના અસ્પૃશ્યતાનિવારણ કે નાસ્તિકતા અંગેના પ્રગતિશીલ વિચાર કહેવાતા હિંદુહિતરક્ષકોને મંજૂર ન હતા.કોમી હુલ્લડો થાય ત્યારે ગાંધીજી બંને પક્ષોને કહેવા જેવું કહેતા હતા, તેનાં અનેક ઉદાહરણ નોંધાયેલાં છે.સાથોસાથ, ગાંધીજી એવું પણ માનતા હતા કે વધુમતી ધરાવતા હિંદુઓએ લઘુમતી મુસ્લિમો પ્રત્યે ઉદારતાપૂર્વક વર્તન કરીને તેમનો વિશ્વાસ જીતવા કોશિશ કરવી જોઈએ.ગાંધીજીએ કરેલી મુસ્લિમોની (કે છેલ્લા વર્ષમાં કરેલી પાકિસ્તાનની) ટીકા નજરઅંદાજ કરીને, ગોડસેના સમુદાયવાળા સતત એવું જ કહેતા રહ્યા કે ગાંધીજી મુસ્લિમોને પંપાળી રહ્યા છે. માટે તે હિંદુઓના દુશ્મન છે. રામનું નામ જપતા, ’ગીતા’ને ટાંકતા, ઉદાત્ત હિંદુ ધર્મના પ્રતિનિધિ ગાંધીજી ગોડસેને હિંદુઓના શત્રુ લાગતા હતા, કારણ કે ગોડસેજૂથ માટે મુસ્લિમદ્વેષ અને હિંદુહિત અભિન્ન હતાં.એકના ટેકે જ બીજું ઊભું રહી શકે એવી તેમની રચના હતી.ગોડસેમંડળી તરફી સામાન્ય પ્રચાર એવો કરવામાં આવે છે કે કોંગ્રેસ દ્વારા મુસ્લિમના તુષ્ટિકરણની નીતિ, ભાગલા માટે ગાંધીજીની જવાબદારી અને પાકિસ્તાનને તેના હિસ્સાના પંચાવન કરોડ રૂપિયા આપવા માટે ગાંધીજીએ કરેલા આગ્રહ-ઉપવાસને કારણે ગોડસેએ ગાંધીજીની હત્યા કરી.પરંતુ ગાંધીચરિત્રકાર નારાયણ દેસાઈએ આધારો આપીને નોંધ્યું છે કે ૧૯૪૪થી ગોડસેએ અને તેના જેવી વિચારધારા ધરાવતા લોકોએ ગાંધીજી પર હુમલાના પ્રયાસ કર્યા હતા.(મારું જીવન એ જ મારી વાણી-૪, નારાયણ દેસાઈ, પૃ. ૪૬૪-૪૬૫)ભાગલા રોકવા માટે છેવટ સુધી પ્રયાસો કરનાર ગાંધીજીને ભાગલા માટે જવાબદાર ઠેરવવા અને એ કારણને તેમની હત્યા માટે ખપમાં લેવું, એ પણ વિચારાધારાકીય જૂઠાણાનો હિસ્સો હતો.આઝાદીની આસપાસની કોમી તંગદીલીથી દોઢેક દાયકા પહેલાં, ૧૯૩૪માં પણ પૂનાના કેટલાક રૂઢિચુસ્ત હિંદુઓએ ગાંધીજીની કાર પર બૉમ્બ ફેંકીને તેમની હત્યાનો પ્રયાસ કર્યો હતો.એ વખતે તેમનો રોષ અસ્પૃશ્યતાનિવારણની ઝુંબેશ સામે હતો.ગાંધીજીની હત્યા કરનારા ગોડસે અને તેને સીધો કે આડકતરો સાથ આપનાર સાવરકર સહિતની કાવતરાબાજ મંડળી ગાંધીહત્યાને ’ગાંધીવધ’ ગણાવતી હતી.હિંદુ ધર્મ અને દેશપ્રેમની વાતો કરનારા આ લોકો અને તેમની વિચારધારા એક ઉત્તમ હિંદુની જ નહીં, વીસમી સદીના એક મર્યાદાસભર છતાં ઉત્તમ મનુષ્યની હત્યાને ’વધ’ ગણાવે, એ તેમની બિમાર માનસિકતાનું પ્રતિબિંબ ગણાય.પરંતુ એ માનસિકતા ફક્ત બીમાર નહીં, ચેપી પણ હતી. ગાંધીહત્યાના માંડ દોઢેક મહિના પછી ટોચનાં ગાંધીજનોની એક બેઠકમાં વિનોબા ભાવેએ કહ્યું હતું કે ગાંધીહત્યારાઓ જે વિચારધારાના હતા, એ સંગઠન બહુ ફેલાયેલું હતું અને તેનાં મૂળ ઊંડે સુધી પહોંચી ગયાં હતાં.એ સંગઠનવાળા બીજાઓને વિશ્વાસમાં નથી લેતા. ગાંધીજીનો નિયમ સત્યનો હતો. એમ લાગે છે કે એમનો (સંગઠનવાળનો) નિયમ અસત્યનો હોવો જોઈએ.આ અસત્ય એમની ટેક્નિક–એમના તંત્ર–અને એમની ફિલૉસૉફીનો ભાગ છે.’ગુરુજી’ તરીકે ઓળખાતા ગોળવેલકરનો એક લેખ ટાંકીને વિનોબાએ કહ્યું હતું કે એ લોકોની હિંદુ ધર્મની સમજ પ્રમાણે, તેમનો આદર્શ અર્જુન છે, જે ગુરુજનો પર આદર-પ્રેમ રાખવા છતાં ને તેમને પ્રણામ કરવા છતાં તેમની હત્યા પણ કરે.આ મંડળી તેની વિકૃત સમજ પ્રમાણે એવું ઠસાવતી હતી કે આ પ્રકારની હત્યા સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ જ કરી શકે.વિનોબાએ કહ્યું હતું, ’આ દંગોફિસાદ કરનાર ઉપદ્રવકારીઓની જમાત નથી. આ ફિલૉસૉફરોની જમાત છે. એમનું એક તત્ત્વજ્ઞાન છે અને એ પ્રમાણે નિશ્ચય સાથે તેઓ કામ કરે છે.ગાંધીજીના ઘણા વિચારો સાથે અસંમતિ કે તેનો વિરોધ હોઈ શકે. પરંતુ તેમને હિંદુદ્રોહી ને દેશદ્રોહી ગણવા, તેમની હત્યાથી દેશની સેવા થશે એમ માનવું, તેમની હત્યા દેશભક્તનું કાર્ય છે એવું ઠસાવવું–આ માનસિક અસ્વસ્થતાનું સૂચક છે.વિચારધારાનો આધાર હોવા માત્રથી હત્યા ’વધ’ બની જતી નથી ને ગોડસે દેશભક્ત બની જતો નથી. પરંતુ ગાંધીજી વિશેની ગેરસમજણો ઉપરાંત બંધિયાર ગાંધીવાદ-ગાંધીવાદીઓથી અકળાયેલા લોકો પણ ગાંધીદ્વેષમાં ને પછી ગોડસે પ્રત્યે સહાનુભૂતિમાં પલોટાતા રહ્યા છે.
ગોડસેવાદી વિચારધારાના રાજકીય પ્રતિનિધિઓએ ગાંધીજીને ખરાબ ચિતરવામાં કોઈ કસર નથી છોડી.પરંતુ ગાંધીજીની બધી માનવીય મર્યાદાઓ સહિત તેમનું કર્તૃત્વ એટલું મોટું છે કે હવેના રાજકીય હિંદુત્વના ખેલાડીઓ ગોડસેને વખોડી શકતા નથી, તેમ ગાંધીજીને છોડી પણ શકતા નથી.

Related posts

ભાજપની જીત અઘરી ખરી કોંગ્રેસ પણ જીતના લાડવાથી હજુ દૂર

aapnugujarat

હવે ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડ પર ભાજપની નજર

aapnugujarat

राष्ट्रीय स्वयं सेवक संघ ( RSS )

aapnugujarat

Leave a Comment

UA-96247877-1