Aapnu Gujarat
બ્લોગ

મમતા બેનરજીને પણ કહેવું પડે કે ચોલબે ના

મમતા બેનરજી અને ભાજપ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. છેલ્લા તબક્કાના પ્રચારમાં છેલ્લી કક્ષાની લડાઈ ચાલી રહી છે. શાબ્દિક પ્રહારોથી માંડીને શસ્ત્રોના પ્રહારો થઈ રહ્યા છે. ૨૦૧૯ની ચૂંટણીમાં યુપીમાં શું થશે તેના પર મોટો આધાર છે, પણ અસલી જંગ પશ્ચિમ બંગાળમાં લડાઈ રહ્યો છે એમ લાગે છે. મમતા બેનરજી ચોલબે ના એટલે કે કોઈની દાદાગીરી ચલાવી લેવામાં માનતા નથી. પણ સામે ભાજપ કેન્દ્રમાં સત્તા હોવાથી અને રિસોર્સીઝ હોવાથી અને પૂર્વ ભારતમાં ડાબેરી અને કોંગ્રેસે ખાલી કરેલી જગ્યા ભરી દેવાની ઈચ્છા હોવાથી બરાબર ટક્કર આપી છે.દરમિયાન વધુ એકવાર એવો બનાવ બન્યો કે મમતા બેનરજીને પણ કહેવું પડે કે ચોલબે ના, તમારી દાદાગીરી અને મનમાની ચોલબે ના.
અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય માટે આઝાદીના સાત દાયકા પછી નવેસરથી લડાઈ કરવી પડે તેવી સ્થિતિ દેશમાં ઊભી થઈ છે. એક બાજુ બધા મનફાવે તેવા અભિપ્રાયો મોકળા અને ગંદા મનથી સોશ્યલ મીડિયામાં મૂકતા થયા છે, પણ બીજી બાજુ એકબીજાની ટીકા સહન ના કરવાની રાજકીય નેતાઓની દાદાગીરી વધી રહી છે. રાજકીય નેતાઓ આમ તો જાડી ચામડીના હોય, પણ આજકાલ તેમની ત્વચા બહુ જ નાજુક થઈ ગઈ છે. જરાક આંગળી અડે ત્યાં ચકામા થઈ જાય છે.ભાજપના એક કાર્યકરે માત્ર એક પોસ્ટને શેર કરી હતી. એ વાત જુદી છે કે સોશ્યલ મીડિયાની ગંદકી જોવી પણ ના જોઈએ અને શેર પણ ના કરવી જોઈએ, પણ ગંદા હાથ તો ગંદકી ફેલાવનારા જ થવાના છે. જેમના વિશે મજાક થઈ, થોડી વધારે પડતી ટીકા થઈ હોય કે ક્યારેય અસ્થાને એવી ટીકા થઈ, તેમણે, ખાસ કરીને નેતાએ સહન કરી લેવાની હોય છે. પણ આજકાલ નેતાઓથી ટીકા સહન થતી નથી. અમે સોશ્યલ મીડિયામાં ગંદકી ફેલાવીશું, પણ અમારી ગંદી વાત તમારે કરવાની નહિ – આવો બેશરમ અભિગમ નેતાઓએ લીધો છે. ઘણા વર્ષો પહેલાં ઠાકરે વિશે મુંબઈમાં એક યુવતીએ મજાક કરી ત્યારે તેની તાત્કાલિક ઘરપકડ કરી લેવામાં આવી હતી. તેની સામે ભારે વિરોધ થયો હતો. તે પછીય નેતાઓ સુધર્યા નથી.તે પછીય સોશિયલ મીડિયામાં નેતાઓ વિશે કમેન્ટ કરનારા સામે, કાર્ટૂન દોરનારા સામે, જોક્સ મારનારા સામે કેસ થતા રહ્યા છે. લાંબી યાદી તેની છે, તે અત્યાર આપવી નથી, પણ કોલકાતામાં બનેલો કેસ તે યાદીમાં વધારો જ કરી રહ્યો છે. મમતાની સરકારે અગાઉ પણ કાર્ટૂનિસ્ટને જેલમાં પૂર્યા હતા. ફરી એકવાર મમતાની સરકારે તાત્કાલિક ભાજપના કાર્યકરની ધરપકડ કરી લીધી.
પ્રિયંકા શર્મા નામના યુવા મોરચાના કાર્યકરની ધરપકડ કરીને ૧૪ દિવસની કસ્ટડી લઈ લેવામાં આવી. પ્રિયંકા શર્માએ પ્રિયંકા ચોપરાનો મોર્ફ કરેલો ફોટો શેર કર્યો હતો. અમેરિકામાં ગાલા તરીકે ઓળખાતા કાર્યક્રમમાં ભાગ લેવા માટે એકદમ ભપકાદાર પોષાક પ્રિયંકા ચોપરાએ પહેર્યો હતો. વાળ કંઈક વિચિત્ર રીતે ઓળ્યા હતા. આ ગાલા અને તેમાં હાજર રહેતી હિરોઇનના વિચિત્ર વાળ અને ડાગલા જેવા વસ્ત્રોની તસવીરો છાપવાની વાત પણ વાહિયાત છે, પણ એ જુદો મુદ્દો છે.
મૂળ મુદ્દા પર આવીએ પ્રિયંકાની એ તસવીરમાં તેનો ચહેરો હટાવીને મમતા બેનરજીનો ચહેરોએ કોઈએ લગાવ્યો હતો. એમ જ મજાક ખાતર તે તસવીર ફરતી થઈ. પ્રિયંકા શર્માએ તેને શેર કર્યો. તેના ફોલોઅર્સમાંથી કેટલાકે જોયો હશે અને તેમણે પણ શેર કર્યો હશે. વાત ત્યાં પૂરી થઈ જવી જોઈતી હતી. તસવીર કંઈ બહુ અભદ્ર પણ નથી. તસવીર સાથે કશું લખવામાં પણ નથી આવ્યું. પણ આળી ચામડીના મમતાના એક ટેકેદારે તરત જ પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી.
પ્રિયંકા સામે આઈપીસીની બદનક્ષીની કલમ ૫૦૦ અને અભદ્ર અને વાંધાજનક તસવીર મૂકવા અંગેની આઈટી એક્ટની કલમ ૬૬એ અને ૬૭એ હેઠળ કેસ પણ દાખલ કરી દેવાયો. પોલીસે ત્વરિત કામગીરી કરી. પ્રિયંકાની ધરપકડ કરી અને ૧૪ દિવસના રિમાન્ડ પણ મેળવી લીધા.આ માટે પોલીસને બદનામ કરવાને બદલે મમતા બેનરજીની સરકારની ટીકા કરવી જોઈએ, કેમ કે પોલીસ સત્તાધીશોના દબાણમાં કામ કરે છે. ગુજરાતમાં પણ પોલીસ ભાજપનું જ કહ્યું કરે છે. ફરિયાદ મમતા બેનરજીએ નહોતી લખાવી. થર્ડ પાર્ટીએ લખાવી હતી એટલે વાત જ અસ્થાને હતી. બદનક્ષી થઈ હોય તે વ્યક્તિએ ફરિયાદ નોંધાવવી પડે. બીજું આઈટી એક્ટની ૬૬એનો દુરુપયોગ સત્તાધીશો દ્વારા થતો રહ્યો છે. તેથી સુપ્રીમ કોર્ટે જ કહ્યું છે કે આ કલમનો ઉપયોગ કરવો નહિ. સોશ્યલ મીડિયામાં કોઈ વ્યક્તિ કશુંક મૂકે તેના કારણે ગુનો થઈ જતો નથી. અભિવ્યક્તિ સ્વાતંત્ર્યમાં નેતાઓની મજાક ઉડાવવાનો, તેમની નિષ્ફળતાની આકરી ટીકા કરવાનો, તેમના દંભને ખુલ્લો પાડવાનો, તેમના કારસ્તાનો કેવા હાનીકારક છે તે જણાવવાનો નાગરિકોને અધિકાર છે. આમ છતાં બંગાળની પોલીસે તે કલમનો ઉપયોગ કરીને ધરપકડ કરી લીધી.મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને સુપ્રીમ કોર્ટે ધારણા મુજબ તરત જામીન આપી દીધા. પણ સુપ્રીમ કોર્ટના ન્યાયધીશોએ લીધેલું વલણ પણ આશ્ચર્ય ઉપજાવે તેવું છે. તરત જામીન તો આપી દીધા, પણ એવું કહ્યું કે પ્રિયંકાએ જાહેરમાં મમતા બેનરજીની માફી માગી લેવી. શા માટે ભઈ? માફી શેની માગવાની? ગુનો થયો જ નથી, ત્યારે માફી શાની? પ્રિયંકાના વકીલે પણ આવા ચુકાદાનો વિરોધ કર્યો ત્યારે ન્યાયાધીશોએ કહ્યું કે આ એક કેસ પૂરતી આ વાત છે. અહીં બંને પક્ષે રાજકીય માણસો છે. પ્રિયંકા પણ રાજકીય વ્યક્તિ છે અને હરિફ પક્ષની છે. તેથી નાગરિકો અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય માણે તે જુદી વાત છે અને રાજકીય પક્ષો તેનો દુરુપયોગ ના કરે તે પણ જોવાનું રહે છે. પ્રથમ દૃષ્ટિએ વાત વાજબી લાગશે, પણ આવું અર્થઘટન કરવું યોગ્ય છે. રાજકીય વ્યક્તિઓ પણ નાગરિક જ છે અને તેમને પણ અભિવ્યક્તિનો અધિકાર છે. તેમાં રાજકીય હેતુ ભળે છે તે વાત સાચી, પણ તેના માટે ભેદ ના કરી શકાય. રાજકીય માણસોએ કરેલા આક્ષેપોને નાગિરકો ગંભીરતાથી લેતા નથી. રાજકીય માણસોને બકવાસ કરવાની આદત હોય છે તે નાગરિકો જાણે છે, તેથી તેમને બકવાસ કરવા દેવાની છૂટ હોવી જોઈએ.ચુકાદામાં મામલો થોડી વાર ગૂંચવાયો હતો. પ્રથમ માફી માગવાની વાત કર્યા બાદ ન્યાયાધીશોએ કહ્યું કે ઠીક છે જાહેરમાં માફી માગવાની વાતને જામીનની શરતો સાથે જોડવામાં આવશે નહિ.
વકીલે થોડી દલીલો કરી તેથી વળી ન્યાયાધીશોનો વિચાર બદલાયો અને કહ્યું કે ના માફી માગવી રહી અને હવે લેખિતમાં ખાતરી આપો કે માફી માગશો. તો જ જામીન આપશું. વળી પાછી બાદમાં સ્પષ્ટતા કરાઈ કે ના માફી માગવાની શરત નથી, પણ માફી માગી લેવામાં આવે તો ઠીક રહેશે.સુપ્રીમ કોર્ટના વિદ્વાન ન્યાયાધીશો પાસેથી આવી અપેક્ષા નહોતી. ન્યાયાધીશો પાસેથી સ્પષ્ટ અપેક્ષા હતી. બંગાળના સત્તાધીશોને અને બંગાળની પોલીસને ઠપકો આપવાની જરૂર હતી કે તમે મનફાવે તેવા કેસ કરીને કોઈને કસ્ટડીમાં મૂકી શકો નહિ. આઈટીની કલમનો ઉપયોગ કરવાની મનાઈ છે, ત્યારે કેમ તેનો ઉપયોગ કર્યો તેનો પણ ખુલાસો કરવાની જરૂર હતી.આગળ વધીને ન્યાયાધીશોએ માત્ર જામીન આપી દેવાના હતા અને કેસ આગળ વધે કે નહિ, બંગાળ પોલીસ તપાસ કરી શકે કે નહિ તે બાબત છોડી દેવાની જરૂર હતી. ફરિયાદ ગેરવાજબી છે એવું સુપ્રીમ કોર્ટ કહે તેવી અપેક્ષા પણ ના હોય, કેમ કે કેસની વિગતો પાછળ પ્રાથમિક તબક્કે સમય બગાડવાની સુપ્રીમ કોર્ટે જરૂર નથી. સુપ્રીમ કોર્ટે વધારે અગત્યના કાર્યો કરવાના છે. તેથી માત્ર કોઈ કમેન્ટ વિના જામીન આપી દેવાયા હોત અને આગળની કાર્યવાહી વાજબી કાનૂની પ્રક્રિયાથી થાય તેટલું જ કરવાની જરૂર હતી.દરમિયાન આ મુદ્દે ભારે હોબાળા પછી મમતા સરકાર અને તેમની પોલીસને પણ ભાન થયું હશે કે કાચું કપાયું છે. દરમિયાન બંગાળ પોલીસે સ્થાનિક કોર્ટને જાણ કરી દીધી કે કેસ પાછો ખેંચી લેવામાં આવે છે. સરવાળે આ કેસ હાલમાં પૂર્ણ થયો છે, પણ તેના કારણે વધુ એકવાર અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને સોશ્યલ મીડિયાના ઉપયોગની ચર્ચા કરવી જરૂરી બની છે. સોશ્યલ મીડિયામાં હવે ભાગ્યે જ કશું પોઝિટિવ રહ્યું છે. સોશ્યલ મીડિયા માત્ર ગંદી ગટર રહી ગઈ છે એટલે લોકોએ તેનો તદ્દન બહિષ્કાર કરવાની જરૂર છે. તમારા ફોટા અને તમારી વિદ્વતા પ્રગટ કરતા સુવાક્યો અને વિચારો તમારા મિત્રોને સીધા ઇમેઇલમાં મોકલી આપોનેપ તે લોકો જોઈ લેશે.સોશ્યલ મીડિયામાં મૂકીને શા માટે રિસોર્સીઝનો, તમારા અને બીજાના સમય અને શક્તિનો વ્યય કરો છો? ને શા માટે વિદેશી મલ્ટિનેશનલ કંપનીને કરોડો રૂપિયાની કમાણી કરાવો છો? લોકતંત્રમાં જરૂરી એવા પરંપરાગત અને નક્કર પત્રકારત્વની કબર ખોદી નાખવાનું કામ શા માટે કરી રહ્યા છો. સોશ્યલ મીડિયા અસલી મીડિયાની કબર ખોદીને તેને તેમાં દાટી દેવા માગે છે, જેથી પોતાની મોનોપોલી થઈ જાય અને માહિતીના સ્રોત પર માત્ર બે ચાર કંપનીઓનો જ કબજો થઈ જાય. માટે સાવધાન.

Related posts

ચોકીદાર ચોર હૈનો નારો ભાજપને જ લાભ પહોંચાડશે

aapnugujarat

કોંગ્રેસનાં વધુ એક કદાવર નેતા આશા પટેલની વિકેટ પડી

aapnugujarat

૫૦ વર્ષમાં એક પણ મહિનામાં ગરમીમાં ઘટાડો જોવા મળ્યો નથી : સ્ટડી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1