Aapnu Gujarat
બ્લોગ

મમતા બેનર્જી અને ભાજપનો સંઘર્ષ

મંગળવારે ભાજપના અધ્યક્ષ અમિત શાહે કોલકાતામાં રોડ-શો યોજ્યો હતો, દરમિયાન હિંસા ફાટી નીકળી હતી.આ મુદ્દે ભાજપ અને તૃણમૂલ કૉંગ્રેસ દ્વારા એકબીજાની ઉપર આરોપ-પ્રતિઆરોપ થઈ રહ્યા છે.આમ તો, કેન્દ્ર અને ભાજપની વિરુદ્ધ મમતાની ઝુંબેશ તો ૨૦૧૪માં એનડીએ સરકારના સત્તામાં આવ્યા બાદથી જ ચાલી રહી છે.પરંતુ ખાસ કરીને છેલ્લા દોઢ-બે વર્ષ દરમિયાન તેઓ અર્જુનની ભૂમિકામાં આવી ગયાં છે.હવે તેમને માછલીની આંખ સિવાય કંઈ બીજું નથી સૂઝતું. માછલીની આંખ એટલે કે વડા પ્રધાનની ખુરશી. તેઓ હવે આ લક્ષ્યને વીંધવામાં જોતરાયાં છે.મમતાએ પોતે તો હમણાં સુધી આ વિષયમાં સીધું કંઈ નથી કહ્યું, પરંતુ તેમની પાર્ટીના તમામ નેતા અને કાર્યકર્તા માને છે કે તેઓ જ દેશના આગામી વડાં પ્રધાન બનશે.
ગત વર્ષે ૨૧ જુલાઈની રેલી દરમિયાન તમામ નેતાઓએ એક સૂરમાં આ વાત દોહરાવી હતી.મમતાની રાજકીય સફર ૨૧ વર્ષની ઉંમરે ૧૯૭૬માં મહિલા કૉંગ્રેસનાં મહાસચિવપદથી શરૂ થઈ હતી. વર્ષ ૧૯૮૪માં ઇંદિરા ગાંધીની હત્યા પછી થયેલી લોકસભાની ચૂંટણીમાં પહેલી વાર મેદાનમાં ઊતરેલા મમતાએ ભાકપાના દિગ્ગજ નેતા સોમનાથ ચેટરજીને પછાડીને પોતાની સંસદીય સફર શરૂ કરી હતી.
રાજીવ ગાંધી વડા પ્રધાન હતા એ વખતે તેમને યુવા કૉંગ્રેસનાં રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યાં હતાં.કૉંગ્રેસવિરોધી લહેરમાં ૧૯૮૯માં તેઓ લોકસભા ચૂંટણી હારી ગયાં હતાં, પરંતુ મમતાએ હતાશ થવાને બદલે પોતાનું સંપૂર્ણ ધ્યાન બંગાળની રાજનીતિ ઉપર કેન્દ્રિત કરી લીધું.૧૯૯૧ની ચૂંટણીમાં તેઓ લોકસભા માટે ફરીથી ચૂંટાયાં. એ પછી તેમણે ક્યારેય પાછું ફરીને જોયું નથી.એ વર્ષે ચૂંટણી જીત્યા પછી પી. વી. નરસિમ્હા રાવ મંત્રીમંડળમાં તેમણે યુવા કલ્યાણ અને ખેલ મંત્રાલયની જવાબદારી સંભાળી.પરંતુ કેન્દ્રમાં ફક્ત બે મહિના સુધી મંત્રીપદે રહ્યાં બાદ મમતાએ કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં કોલકાતા બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં એક વિશાળ રેલીનું આયોજન કર્યું અને મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું.તેમની દલીલ હતી કે તેઓ રાજ્યમાં ભાકપાના (ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટી) અત્યાચારના શિકાર કૉંગ્રેસીઓની સાથે રહેવા ઇચ્છે છે.
મમતાના રાજકીય જીવનમાં અગત્યનો વળાંક ત્યારે આવ્યો જ્યારે ૧૯૯૮માં કૉંગ્રેસ ઉપર ભાકપા સામે હથિયાર હેઠાં મૂકી દેવાના આરોપ મૂકીને તેમણે પોતાની નવી પાર્ટી તૃણમૂલ કૉંગ્રેસની રચના કરી.મમતાની પાર્ટીએ ટૂંક સમયમાં જ કૉંગ્રેસ પાસેથી રાજ્યના મુખ્ય વિપક્ષી પક્ષની ગાદી છીનવી લીધી.રાજકીય કારકિર્દીની શરૂઆતથી જ મમતાનો એકમાત્ર હેતુ બંગાળની સત્તામાંથી ડાબેરીઓને દૂર કરવાનો હતો. એ માટે તેમણે ઘણી વાર પોતાના સહયોગી બદલ્યા.ક્યારેક તેમણે કેન્દ્રમાં એનડીએનો છેડો પકડ્યો તો ક્યારેક કૉંગ્રેસનો.
૧૯૯૮થી ૨૦૦૧ સુધી તેઓ એનડીએ સાથે રહ્યાં.ઑક્ટોબર, ૨૦૦૧માં મમતાએ કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી એનડીએ સરકારમાં રેલ મંત્રીનું પદ સંભાળ્યું.પરંતુ તહલકા કાંડને લીધે ફક્ત ૧૭ મહિના પછી રાજીનામું આપીને સરકારથી અલગ થઈ ગયાં. એ પછી તેમણે કૉંગ્રેસ સાથે હાથ મિલાવ્યો.જાન્યુઆરી ૨૦૦૪માં થોડા દિવસો માટે ફરી કેન્દ્રમાં મંત્રી બન્યાં, પરંતુ એ જ વર્ષે થયેલી લોકસભા ચૂંટણીમાં એનડીએના હારી જવાને લીધે મમતાનો એ સમયગાળો ટૂંકો રહ્યો.વર્ષ ૨૦૦૬માં તેમણે એક વાર ફરી કૉંગ્રેસનો હાથ પકડ્યો અને લગભગ છ વર્ષ સુધી કૉંગ્રેસ સાથે જોડાયેલાં રહ્યાં.૨૦૦૪ની લોકસભા ચૂંટણીમાં તૃણમૂલ કૉંગ્રેસને રાજ્યની ૪૨માંથી ફક્ત એક જ બેઠક મળી હતી. એ બેઠક પણ મમતાની જ હતી.પરંતુ એ પછી સિંગુર અને નંદીગ્રામમાં ખેડૂતોના પક્ષમાં જમીન અધિગ્રહણ વિરોધી લડાઈ દ્વારા મમતા ગરીબોના બેલી તરીકે ઊભરી આવ્યાં.આ જ કારણ હતું કે ફરી ૨૦૦૯ની લોકસભા ચૂંટણીઓમાં તૃણમૂલની બેઠકોની સંખ્યા એકથી વધીને ઓગણીસ સુધી પહોંચી ગઈ.
મમતા રેલવે મંત્રી બનનારાં દેશનાં પહેલા મહિલા હતાં. ઉપરાંત તેણી કેન્દ્રમાં કોલસા, માનવ સંસાધન વિકાસ રાજ્યમંત્રી, યુવા બાબતો અને ખેલ તથા મહિલા અને બાળવિકાસનાં રાજ્ય મંત્રી તરીકે પણ રહ્યાં હતાં.વર્ષ ૨૦૧૨માં ટાઇમ પત્રિકાએ તેમને વિશ્વના ૧૦૦ સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં સામેલ કર્યાં હતાં.કેન્દ્રમાં બીજી વાર રેલવે મંત્રી બન્યાં પછી તેમણે બંગાળ ઉપર નવી ટ્રેનો અને પરિયોજનાઓની વર્ષા કરી દીધી હતી.એ દરમિયાન તેમનો મોટા ભાગનો સમય રાજ્યમાં જ પસાર થતો હતો. એ જ કારણથી તેમને બંગાળનાં રેલવે મંત્રી કહેવામાં આવતાં હતાં.
રેલવે મંત્રી તરીકે તેમનો કાર્યકાળ લોકોને લલચાવનારી જાહેરાતો અને કાર્યક્રમો માટે જાણીતો રહ્યો છે.પરંતુ તેમણે રેલવેની ખરાબ આર્થિક હાલતને સુધારવા માટે કોઈ પગલાં લીધાં નહીં. એટલે તેમને વિપક્ષની કડક ટીકાઓ પણ સહન કરવી પડી.પરંતુ મમતા ટીકાઓની પરવા કર્યા વગર પોતાના ગંતવ્ય સ્થાન તરફ આગળ વધતાં રહ્યાં.અંતે વર્ષ ૨૦૧૧માં બંગાળના ડાબેરીઓના લગભગ સાડા ત્રણ દશક લાંબા શાસનનો અંત આણીને મમતાએ પોતાનું લક્ષ્ય હાંસલ કરી જ લીધું.
૧૯૯૩માં યુવા કૉંગ્રેસ અધ્યક્ષ હતાં એ દરમિયાન રાજ્ય સચિવાલય રાઇટર્સ બિલ્ડિંગ અભિયાન દરમિયાન પોલીસની ગોળીથી ૧૩ યુવકોનાં મૃત્યુ થયાં હતાં.એની સામે પ્રદર્શન દરમિયાન રાજ્ય સચિવાલયમાં પોલીસવાળાઓ સાથે ધક્કામુક્કીમાં મમતાની સાડી ફાટી ગઈ હતી.તેમણે એ દિવસથી સોગંદ લીધા હતા કે હવે ડાબેરી મોરચાનું શાસન સમાપ્ત થયા પછી જ તેઓ રાઇટર્સ બિલ્ડિંગમાં પગ મૂકશે.મમતાએ પોતાના એ સોગંદ લગભગ ૧૮ વર્ષ સુધી નિભાવ્યા. તેમણે વર્ષ ૨૦૧૧માં મુખ્ય મંત્રી તરીકે સોગંદ લીધા બાદ જ એ ઐતિહાસિક ઇમારતમાં ફરી વાર પગ મૂક્યો.કેન્દ્ર અને રાજ્ય બંને જગ્યાઓએ પોતાનું સ્થાન જમાવ્યા બાદ મમતાએ ૧૮ સપ્ટેમ્બર, ૨૦૧૨ના રોજ કેન્દ્રની તત્કાલીન યૂપીએ (યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ) સરકારમાંથી સમર્થન પાછું લઈ લીધું.મમતાના સાદગીભર્યા આ ચમકદાર રાજકીય સફરની એક કાળી બાજુ પણ છે. તેમનું આ પાસું વર્ષ ૨૦૧૧માં સત્તામાં આવ્યા બાદ ધીરે-ધીરે બહાર આવ્યું છે.ઘણી વાર કેટલાક નિર્ણયોથી તેમની છબી એક તાનાશાહ તરીકે આકાર પામી છે, જે પોતાની ટીકા સહન નથી કરી શકતા.સત્તામાં આવ્યા બાદ એક વર્ષની અંદર જ સોશિયલ મીડિયા ઉપર એક કહેવાતા અપમાનજનક કાર્ટૂન ફોરવર્ડ કરનારા જાદવપુર વિશ્વવિદ્યાલયના એક પ્રોફેસર અંબિકેશ મહાપાત્રની ધરપકડ કરવામાં આવી હતી.શારદા અને રોઝ્‌વેલી ચિટફંડ કૌભાંડ બહાર આવ્યા બાદ સીબીઆઈ તપાસમાં તૃણમૂલ કૉંગ્રેસના ઘણા નેતાઓ ઉપર ગાજ વરસી હતી.પાર્ટીના ઓછામાં ઓછા ચાર સાંસદોની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ મમતાએ એમાંના મોટા ભાગના નેતાઓનો બચાવ કર્યો.તેમની દલીલ હતી કે કેન્દ્ર સરકાર સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન) અને ઈડી (ઍન્ફૉર્સમૅન્ટ ડાયરેક્ટ્રેટ) જેવી સંસ્થાઓનો હથિયાર બનાવીને રાજકીય બદલાની ભાવનાથી તેમનો ઉપયોગ કરી રહી છે.શારદા સ્ટિંગ બાબતે લાખોની રકમ લેતા તૃણમૂલના લગભગ એક ડઝન સાંસદો, મંત્રીઓ અને નેતાઓના વીડિયો બહાર આવ્યા પછી પણ મમતા અંત સુધી એને રાજકીય કાવતરું ગણાવતાં રહ્યાં છે.મમતાનાં લગભગ આઠ વર્ષ લાંબા કાર્યકાળમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં બે તબક્કાઓ વચ્ચે સાંપ્રદાયિક હિંસાની ઘણી ઘટનાઓ પણ બની.રાજ્યના ધૂલાગઢ અને ઉત્તર ૨૪-પરગણા જિલ્લામાં સાંપ્રદાયિક હિંસાની ઘણી ઘટનાઓ પણ બની. પરંતુ મમતા એને હુલ્લડ અથવા સાંપ્રદાયિક હિંસા માનવાને બદલે સ્થાનિક ઝઘડામાં ખપાવતા રહ્યાં છે.મમતા બેનરજી ઉપર સૌથી ગંભીર આરોપ એ છે કે તેમણે લઘુમતીઓનું તુષ્ટિકરણ કર્યું. આમ તો, આની પાછળ રાજકીય સમીકરણ ભારે પડી રહ્યું છે.રાજ્યની વસતીમાં લગભગ ૩૦ ટકા મુસલમાન છે અને લોકસભા અને વિધાનસભાની ઘણી બેઠકો ઉપર તેમના વોટ નિર્ણાયક છે.પહેલાં એ વર્ગ ડાબેરી મોરચાની સાથે હતો, પરંતુ પછીથી એ મમતા બેનરજીના સમર્થનમાં આવી ગયો છે.મમતાએ મુસ્લિમ સમુદાય માટે સત્તામાં આવ્યા પછીથી સરકારી ખજાનો ખોલી દીધો હતો.આમાં મોલવીઓને માસિક ભથ્થું આપવું, મદરસાઓને આર્થિક સહાયતા આપવી, ઉર્દૂ વિશ્વવિદ્યાલયની સ્થાપના અને આ સમુદાયના વિકાસ માટે થોકબંધ યોજનાઓ શરૂ કરવાનું સામેલ છે.મોહરમના પ્રદર્શનોને કારણે વર્ષ ૨૦૧૬માં તેમણે દુર્ગાપૂજાના વિસર્જન ઉપર પણ પ્રતિબંધ લાદી દીધો હતો.ત્યારે કોલકાતા હાઈકોર્ટે સરકારના નિર્ણયને એક પક્ષીય અને લઘુમતી સમુદાયના તુષ્ટિકરણનો પ્રયત્ન કહીને સરકારને ઠપકો આપ્યો હતો.ન્યાયમૂર્તિ દીપંકર દત્ત વાળી એક-સભ્યની પીઠે છઠ્ઠી ઑક્ટોબર, ૨૦૧૬ના રોજ પોતાના ચુકાદામાં કહ્યું હતું કે એક સમુદાયને બીજાની હરીફાઈમાં ઊભો કરનારો આવો કોઈ પણ નિર્ણય ન લેવાવો જોઈએ. અદાલતે ધર્મ અને રાજનીતિના ઘાલમેલની પ્રવૃત્તિને ખતરનાક ગણાવી હતી.મમતા એક રાજનેતા હોવા ઉપરાંત એક કવિ, લેખક અને ચિત્રકાર પણ છે.ગત વિધાનસભા ચૂંટણીમાં તેમણે પોતાનાં પેઇન્ટિંગ્સ વેચીને પાર્ટીના ચૂંટણી અભિયાન માટે લાખો રૂપિયા એકત્ર કર્યા હતા.પેઇન્ટિંગ્સના ખરીદદારો પર પણ સવાલો ઊઠ્યા અને વિપક્ષે મમતાને પણ આરોપીના પાંજરામાં ઊભા કરી દીધાં. ખરીદદારોમાં રાજ્યની ઘણી ચિટફંડ કંપનીઓના માલિકો સામેલ હતા.રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે રાજ્યમાં લાંબા ગાળાનો દાવ રમ્યા બાદ મમતા હવે રાષ્ટ્રીય રાજનીતિમાં અગત્યની ભૂમિકા નિભાવવા માટે આતુર છે.એક વિશ્લેષક વિશ્વનાથ ઘોષ જણાવે છે, વર્ષ ૨૦૧૬માં બીજી વાર બંગાળની સત્તામાં પરત આવ્યા બાદ મમતાની રાજકીય મહત્ત્વાકાંક્ષા વધુ જોર લગાવી રહી છે.તૃણમૂલ કોંગ્રેસના તમામ નેતા સમર્થક પણ એમ જ ઇચ્છે છે. આ મહત્ત્વાકાંક્ષાને કારણે જ લગભગ ગત વે વર્ષથી તેણી તમામ વિપક્ષી નેતાઓને ભાજપાની વિરુદ્ધ એક કરવાના પ્રયત્નોમાં લાગેલા છે.કોલકાતામાં આ મહિનાની શરૂઆતમાં મમતાના ધારણાસ્થળ ઉપર પહોંચેલા આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી ચંદ્રાબાબુ નાયડુએ તો કહ્યું પણ ખરું કે તૃણમૂલ કૉંગ્રેસ આ વખતે રાજ્યની તમામ ૪૨ લોકસભા બેઠકો જીતશે અને ચૂંટણી પછી કેન્દ્રમાં આગામી સરકારના ગઠનમાં દીદી એક મહત્ત્વની ભૂમિકા ભજવશે.મમતાની નીકટતમ રહેલા ભૂતપૂર્વ પરિવહન મંત્રી મદન મિત્ર દાવો કરે છે કે દીદીનું વડાં પ્રધાન બનવાનું નક્કી છે, પરંતુ સવાલ એ પણ છે કે તેઓ આખરે કોને ભરોસે પશ્ચિમ બંગાળની રાજનીતિ છોડીને આવશે.

Related posts

માતા – પિતા રહે સાવધાન… ૪૫ હજારથી વધુ બાળકો ‘સ્ક્રીન એડિક્શન’ બિમારીનો ભોગ બન્યા

aapnugujarat

કાળઝાળ ગરમી હાર્ટ અટેક ખતરાને વધારી દે છે :રિપોર્ટ

aapnugujarat

ધૂમ્રપાન બાળકોમાં બહેરાશ લાવી શકે : અભ્યાસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1