Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કોલકાતામાં કોહરામ : અમિત શાહના રોડ શોમાં ભારે હિંસા

પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન આજે જોરદાર હોબાળો થયો હતો. ભારે હિંસા ભડકી ઉઠી હતી. આગ અને તોડફોડના બનાવો બન્યા હતા. રોડ શો દરમિયાન આગ અને પથ્થરબાજીના બનાવમાં મોટી સંખ્યામાં ભાજપના સમર્થકો અને પત્રકારોને ઇજા થઇ હતી. જુદી જુદી જગ્યાઓ ઉપર પોલીસ અને ભાજપના સમર્થકોમાં જોરદાર ઝપાઝપી થતાં સમગ્ર કોલકાતામાં કોહરામની સ્થિતિ મચી ગઈ હતી જેના પરિણામ સ્વરુપે પોલીસને લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી. એમ માનવામાં આવે છે કે, અમિત શાહે રોડ શો દરમિયાન ટ્રક ઉપર પથ્થરો ફેંકવામાં આવ્યા હતા જેના કારણે હિંસાની શરૂઆત થઇ ગઈ હતી. ચૂંટણી પહેલા અમિત શાહે મંગળવારના દિવસે આજે રોડ શો કરવાની શરૂઆત કરી હતી. રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો પહોંચી પણ રહ્યા હતા. આ ગાળા દરમિયાન જ એકાએક હિંસાની શરૂઆત થઇ હતી. આ રોડ શોમાં જુદી જુદી જગ્યાઓએ ભાજપના સમર્થકોની સાથે ટીએમસી અને ડાબેરી કાર્યકરો વચ્ચે હિંસા જારી રહી હતી છતાં પણ થોડાક સમય સુધી રોડ શો જારી રહ્યો હતો. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, અમિત શાહના રોડ દરમિયાન જ્યારે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા હતા ત્યારે હિંસાની શરૂઆત થયા બાદ સ્થિતિ વણસી ગઈ હતી. ભાજપના અનેક કાર્યકરોને ગંભીર ઇજા થઇ હતી જ્યારે રોડ શોનો કાફલો કોલેજ સ્ટ્રીટ ઉપર કોલકાતા યુનિવર્સિટીની બહારથી પસાર થઇ રહ્યો હતો ત્યારે ભાજપ અને ડાબેરીઓના વિદ્યાર્થી સંગઠનોના કાર્યકરો વચ્ચે અથડામણની શરૂઆત થઇ ગઇ હતી. અનેક જગ્યાઓ ઉપર આગ ચાંપવામાં આવી હતી ત્યારબાદ પોલીસની ટીમો આગ ઉપર કાબૂ મેળવવામાં લાગી ગઈ હતી. રોડ શો દરમિયાન વણસી ગયેલી સ્થિતિના પરિણામ સ્વરુપે વિદ્યાસાગર કોલેજમાં બનેલી ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિને પણ તોડી પાડવામાં આવી હતી. અધિકારીઓએ કહ્યું હતું કે, રોડ શો દરમિયાન એક કોલેજના હોસ્ટેલથી અમિત શાહના કાફલા પર પથ્થરબાજી પણ કરવામાં આવી હતી ત્યારબાદ ભાજપના કાર્યકરોએ ઇમારતને ઘેરી લઈને જવાબી કાર્યવાહી કરી હતી. કોલેજની બહાર પણ હિંસા ભડકી ઉઠી હતી. ભાજપના રોડ શોથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના પોસ્ટરોને ઉતારી લેવાની ઘટના પણ જોવા મળી હતી. આ ઘટના બાદ ટીએમસી અને ભાજપના સમર્થકો વચ્ચે હિંસા થઇ હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે આને બંગાળમાં લોકશાહીની હત્યા તરીકે ગણાવીને આની ઝાટકણી કાઢી છે. ભાજપે આક્ષેપ કર્યો છે કે, સરકારી મશીનરીનો ભરપુર દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. અમિત શાહના રોડ શોને લઇને આજે સવારથી જ ઉત્તેજના ફેલાઈ ગઈ હતી. અમિત શાહે ગઇકાલે જ પડકાર ફેંકતા કહ્યું હતું કે, તેઓ કોલકાતા પહોંચી રહ્યા છે. ધરપકડ કરવા માટે પણ પડકાર ફેંકવામાં આવ્યો હતો. પશ્ચિમ બંગાળમાં આ વખતે દરેક તબક્કાની ચૂંટણીમાં વ્યાપક હિંસા થઇ છે. દરેક દોરમાં ઉંચુ મતદાન થયું હોવા છતાં ભારે હિંસા થઇ છે જેના કારણે જુદા જુદા પ્રશ્નો ઉઠી રહ્યા છે. દરેક તબક્કામાં મજબૂત સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં હિંસા થઇ રહી છે. બંગાળમાં લોકસભાની ચૂંટણીને લઇ તમામની નજર હવે કેન્દ્રિત થઇ ગઇ છે. સાતમાં અને અંતિમ તબક્કામાં બંગાળની બાકી સીટ પર મતદાન થનાર છે. બંગાળમાં આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહે સૌથી વધારે તાકાત લગાવી દીધી છે. જાણકાર લોકો માની રહ્યા છે કે, બંગાળમાં આ વખતે મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીને મોટો ફટકો પડવાની શક્યતા દેખાઈ રહી છે. મમતા બેનર્જી દ્વારા આ વખતની ચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારકોને પણ પ્રચાર કરવાથી રોકવાના પ્રયાસ કર્યા છે. ભાજપ પ્રમુખ અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હેલિકોપ્ટરને ઉતરાણની મંજુરી નહીં આપવાને લઇને પણ અગાઉ હોબાળો થયો હતો. આજે એકાએક હિંસા શરૂ થઇ ગઇ છે. ઉપરાંત મમતા બેનર્જીએ મોદી માટે પણ વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો છે તે પહેલા જ્યારે સીબીઆઈની ટુકડી ચૂંટણી પહેલા પોલીસ અધિકારી રાજીવની પુછપરછ માટે પહોંચી ત્યારે સીબીઆઈની ટુકડીને પણ રોકવામાં આવી હતી અને તેમની સાથે ખરાબ વર્તન કરાયું હતું. અમિત શાહના રોડ શોને અંતે રદ કરવાની ફરજ પડી હતી.

Related posts

પક્ષનું નામ ભલે ચોરી ગયા પણ મારી અટક કોઈ નહીં છીનવી શકેઃ ઉદ્ધવ

aapnugujarat

મોદી કેબિનેટના મંત્રી રામદાસ આઠવલેની ભવિષ્યવાણી, યૂપી અને મહારાષ્ટ્રમાં ઘટશે એનડીએની સીટ

aapnugujarat

કેદારનાથમાં ભારે વરસાદ અને હિમવર્ષા : શ્રદ્ધાળુઓ અટવાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1