Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ વી.એસ. હોસ્પિટલમાં ઘોર બેદરકારી સામે આવી : કર્ણાટક મોકલવાનો મૃતદેહ બાવળા મોકલી દીધો

અમદાવાદની વાડીલાલ સારાભાઈ (વીએસ) હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ(શબ ઘર)માં મૃતદેહોની અદલા બદલી થઈ જવાનો કિસ્સો સામે આવતાં જોરદાર વિવાદ અને હંગામો સર્જાયો હતો. બે દિવસ અગાઉ બાવળામાં ભરબજારે જેની હત્યા થઈ હતી તે મિતલ જાદવના મૃતદેહને બદલે હોસ્પિટલના સ્ટાફે નસરીનબાનૂ નામની એક મુસ્લિમ મહિલાનો મૃતદેહ તેના પરિવારને સોંપી દીધો હતો. મિતલના પરિવારે નસરીનબાનૂના પેક કરાયેલા મૃતદેહને ધોલેરા પાસે તેમના પૈતૃક ગામે લઈ જઈ દફનાવી પણ દીધો હતો. હવે જ્યારે શુક્રવારે નસરીનના પરિવારજનો તેના મૃતદેહને કર્ણાટક મોકલવાની વ્યવસ્થા થઈ જતાં વીએસ હોસ્પિટલમાં તેને લેવા પહોંચ્યા ત્યારે નસરીનનો મૃતદેહ ગાયબ હતો. નસરીનના પરિવારજનો અને સગાઓએ વીએસ હોસ્પિટલ આખી જાણે માથે લીધી હતી અને જોરદાર હોબાળો મચાવ્યો હતો. આખરે મોડી સાંજે દફનવિધિ થઇ ગયેલી નસરીનનો મૃતદેહ બહાર કાઢી, મિત્તલનો અસલ મૃતદેહ તેના પરિજનોને સોંપી વીએસ હોસ્પિટલ સત્તાવાળાઓએ વિવાદ ખાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વિપક્ષ કોંગ્રેસના સભ્યો અને અન્ય આગેવાનોએ આ મામલામાં કસૂરવારો વિરૂધ્ધ ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરતાં મામલો ગરમાયો હતો. વીએસ હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારીને લઇ, ગર્ભવતી નસરીનબાનૂનો મૃતદેહ મિતલ સમજીને તેના પરિવારજનોને અપાયા બાદ તેની ધોલેરા પાસેના ગામે દફનવિધિ કરાઈ હતી. હવે ડેડબોડી બદલાઇ ગયાના સમગ્ર કાંડનો પર્દાફાશ થતાં વીએસ હોસ્પિટલનો સ્ટાફ પોલીસ અને નસરીનબાનૂના પરિવારજનોને લઈને ધોલેરા પાસેના સ્મશાનમાંથી કબર ખોદીને તેનો મૃતદેહ બહાર કાઢવા પહોંચ્યા હતા. બીજીતરફ મિતલના પરિવારને પણ આ બાબતની જાણ કરી દેવાતા તેઓ પણ ધોલેરા પાસેના તેમના પૈતૃક ગામે પહોંચ્યા હતા. વીએસ હોસ્પિટલના શબઘરમાં મૃતદેહ બદલાઈ જવાની અતિ ગંભીર ભૂલ થયાનું જણાયા પછી પણ હોસ્પિટલ સુપરિન્ટેન્ડેન્ટ ડો.મનીષ પટેલે તો કોઈપણ જવાબદારી સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ આખી ઘટનામાં હોસ્પિટલની કોઈ ભૂલ નથી, આમાં તો પટાવાળાનો વાંક છે, જેની ભૂલથી ડેડબોડી બદલાઈ ગઈ છે. પરિવારે પણ બોડી આઈડેન્ટિફાય કરવી જોઈતી હતી. જ્યારે મેયર બીજલ પટેલે આ ઘટનામાં વીએસ તંત્રની ભૂલ સ્વીકારતા કહ્યું હતું કે, પરિવારજનોએ ડેડબોડીની ઓળખ કર્યાની સહી કરી તે પછી તેની સોંપણી કરાઈ હતી. બીજી તરફ કર્ણાટકની જે નસરીન નામની મહિલાનો મૃતદેહ બાવળાની મિતલ સમજીને આપી દેવાયો હતો તેના પરિવારજનોએ આજે વીએસ હોસ્પિટલને માથે લીધી હતી. હોસ્પિટલ સંકુલમાં તેમના પરિવારજનો તથા અન્ય સગા આવી ગયા બાદ જોરદાર હોબાળા અને ધરણાંના દૃશ્યો સર્જાયા હતા અને તેમણે નસરીનનો મૃતદેહ ન મળે ત્યાં સુધી ઊભા થવાનો ઈનકાર કરી દીધો હતો. જેના કારણે વીએસ સંકુલમાં વાતાવરણ ઉગ્ર અને તંગ બની ગયું હતું. આ બધા હોબાળા વચ્ચે બાવળાની મિતલ કે જેની બે દિવસ પૂર્વે હત્યા થઈ હતી તેનો મૃતદેહ તો હજી પણ વીએસ હોસ્પિટલના શબ ઘરમાં જ પડેલો છે. ધોલેરા પાસેના ગામમાંથી નસરીનનો મૃતદેહ કબર ખોદી, બહાર કાઢીને પાછો લાવ્યા બાદ મિતલનો મૃતદેહ તેના પરિવારને સોંપવાની ઔપચારિકતા પૂર્ણ કરાઇ હતી. નસરીનનો મૃતદેહ સોંપતા પહેલા ધોલેરાના સ્થાનિક ડેપ્યુટી કલેકટર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં પૂરતી ખરાઇ બાદ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરાઇ હતી.

Related posts

स्कुल संचालकों की मनमानी के खिलाफ अभिभावकों के धरने

aapnugujarat

પાટડી તથા ધ્રાગધ્રાના રણ વિસ્તારમા વાવાઝોડાના લીધે 1800 અગરીયાઓનુ સ્થળાંતર

editor

સુર્યોદય થતા પહેલા અને સુર્યાસ્‍ત થયા બાદ રેતી ખનન પર પ્રતિબંધ

editor

Leave a Comment

UA-96247877-1