Aapnu Gujarat
શિક્ષણ

ધોરણ ૧૨ સાયન્સ : વિદ્યાર્થીઓ તેમજ શાળાઓના પરિણામમાં ઘટાડો

ધોરણ ૧૨ સાયન્સના આજે જાહેર થયેલા પરિણામના વિશ્લેષણ દરમ્યાન એક વાત સ્પષ્ટ આંખે ઉડીને વળગે તેવી રીતે સામે આવી છે કે, ગુજરાતમાં રૂપાણી સરકારના શાસન દરમ્યાન શિક્ષણ તંત્ર ખાડે જઈ રહ્યું છે. રાજયમાં શિક્ષણનું સ્તર કથળ્યું છે ખાસ કરીને બોર્ડના પરિણામો ગંભીર સંકેત કરી રહ્યા છે. જેને લઇ ખુદ બોર્ડના સભ્ય પ્રિયવદન કોરાટે પણ આ સમગ્ર મામલે ભારે ચિંતા વ્યકત કરી બોર્ડને એક પત્ર પાઠવી મહત્વના સૂચનો અને પગલા લેવા અનુરોધ કર્યો છે. એકબાજુ, ગુજરાત સરકાર શિક્ષણ સુધારણા માટે કરોડો રૂપિયા ખર્ચ કરી રહી હોવાના દાવા કરી રહી છે. વર્ષ દરમિયાન શાળા પ્રવેશોત્સવથી લઈ ગુણોત્સવ સુધીના વિવિધ કાર્યક્રમો કરી મુખ્યમંત્રીથી લઈ મુખ્યસચિવ સુધીના અધિકારીઓ અને નેતાઓ ગુજરાતભરની શાળાઓમાં ઉત્સવો કરવા માટે પહોંચતા હોવા છતાં પણ આજના ધોરણ-૧૨ સાયન્સના પરિણામમાં ૧૦ ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓ વધી છે, જ્યારે ૧૦૦ ટકા પરિણામ લાવતી શાળાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ પરીક્ષાની ચોરી અટકાવવા માટે પરીક્ષાર્થીઓ પર સીસીટીવીથી લઈ સજ્જડ સુરક્ષા ગોઠવે છે, છતાં પણ આ વર્ષે પરીક્ષામાં કોપી કેસની સંખ્યા ગત વર્ષની તુલનાએ ત્રણ ગણી વધી છે. એટલું જ નહી, ગત વર્ષે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૧,૩૪,૩૫૨ હતી, તેમાં પણ ચાલુ વર્ષે ૧૦,૪૯૨ વિદ્યાર્થીના ઘટાડા સાથે આ વર્ષે ૧,૨૩,૮૬૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સૌથી ચોંકાવનારી અને આઘાતજનક વાત એ છે કે, રાજ્યમાં ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાઓ ૪૨થી ઘટીને ૩૫ થઈ ગઈ છે, જ્યારે ૧૦ ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓમાં લગભગ ૯૦ ટકાનો વધારો થઈ ૨૬થી વધીને ૪૯ થઈ છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં શિક્ષણ પાછળ ૧.૧૩ લાખ કરોડનો ખર્ચ કર્યો છે. રાજ્યમાં હાલની સ્થિતિએ ૧.૪૨ ટકા ડ્રોપ આઉટ રેશિયો નોંધાયો છે. આજના ધોરણ-૧૨ સાયન્સના પરિણામ બાદ ખુદ બોર્ડના સભ્ય પ્રિયવદન કોરાટે બોર્ડને એક પત્ર પાઠવી સમગ્ર મામલે ભારે ચિંતા વ્યકત કરી છે અને કેટલાક મહત્વના સૂચનો પણ કર્યા છે.

Related posts

૨૧ દિવસના વેકેશન બાદ સ્કૂલ-કોલેજોમાં ધમધમાટ

aapnugujarat

ધોરણ-૧૦ના પૂરક પરીક્ષા ૮ જુલાઈથી શરૂ થશે

aapnugujarat

રાજ્યમાં દિવાળી વેકેશન પછી બીજુ સત્ર ૧૫૦-૧૫૫ દિવસથી વધુ લાંબુ હોઈ શકે છે

editor

Leave a Comment

UA-96247877-1