ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-૧૦ અને ૧૨ ની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા અનુક્રમે તા. ૮ જૂલાઇથી અને તા.૧૨ જૂલાઇથી શરૂ થશે. ધોરણ-૧૦ની પૂરક પરીક્ષામાં અમદાવાદ સહિત રાજયભરના આશરે ચાર લાખથી વધુ વિદ્યાર્થીઓ બેસે તેવી શકયતા છે. ધોરણ-૧૦ની પૂરક પરીક્ષા તા.૮ જૂલાઇથી તા.૧૧ જૂલાઇ દરમ્યાન લેવાશે, જયારે ધોરણ-૧૨ની પૂરક પરીક્ષા તા.૧૨મી જૂલાઇથી શરૂ થશે. ધો-૧૦ની પૂરક પરીક્ષા બે ભાગમાં લેવાશે. જેમાં પ્રથમ ભાગમાં પાર્ટ -એ માં ઓએમઆર પધ્ધતિથી ૬૦ મિનિટના સમયગાળામાં ૫૦ પ્રશ્નો પૂછાશે. જયારે પાર્ટ-બીમાં બે કલાકના સમયગાળામાં ટૂંકા-લાંબા વર્ણનાત્મક પ્રશ્નો, નિબંધો વગેરેના જવાબો વિદ્યાર્થીઓએ આપવાના રહેશે. પૂરક પરીક્ષાનું પરિણામ જૂલાઇના છેલ્લા સપ્તાહ સુધીમાં જાહેર કરી દેવાય તેવી શકયતા છે. જેથી એક બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થી પૂરક પરીક્ષામાં પાસ થઇને આગળના વર્ષમાં અભ્યાસ કરી શકે. પૂરક પરીક્ષા લગભગ ૩૫ જેટલા પરીક્ષા કેન્દ્રો પર લેવાનું બોર્ડનું આયોજન છે. ઉલ્લેખનીય છે કે, ધોરણ-૧૦ ના વિદ્યાર્થીઓ ગણિત, વિજ્ઞાનમાં સારૂ પ્રદર્શન કરી શકયા ન હોવાના કારણે ૨.૨૩ લાખ વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં, ૨.૩૮ લાખ ગણિતમાં અને ૨.૧૩ લાખ વિદ્યાર્થીઓ અંગ્રેજી દ્વિતીય ભાષામાં નાપાસ થયા હતા. જયારે રિપીટર અને ખાનગી વિદ્યાર્થીઓની સંખ્યા કે જેઓ એક વિષયમાં નાપાસ થયા છે, તેમની સંખ્યા ૨૩,૩૧૯ની છે. દરમિયાન, ધોરણ-૧૦નું પરિણામ જાહેર થયા બાદ આજથી ધોરણ-૧૧ સાયન્સની પ્રવેશ કાર્યવાહી શરૂ કરાઇ હતી. જેમાં શાળાઓ દ્વારા પોતાની શાળાની પસંદગી યાદી તૈયારી કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. શાળાઓ દ્વારા એ પછી બહારની અન્ય શાળાના વિદ્યાર્થીઓને મેરિટના ધોરણે પ્રવેશ અપાશે.
આગળની પોસ્ટ