Aapnu Gujarat
બ્લોગ

લોકસભા ચૂંટણીમાં ૬૦% સાંસદો બીજી વખત ચૂંટાવામાં નિષ્ફળ

લોકસભાની ચૂંટણી-૨૦૧૯ માટે હવે બે તબક્કાનું મતદાન બાકી છે, જે અંતર્ગત ૧૨૩ લોકસભા બેઠક પર થનારા મતદાન માટે ચૂંટણી પ્રચાર જોરમાં છે. ૨૦૧૪ની ચૂંટણીમાં ૫૪૩ સાંસદો પૈકી ૩૧૧ સાંસદો(૫૭.૨૭ ટકા) પ્રથમ વખત ચૂંટાઈને લોકસભામાં પહોંચ્યા હતાં. પરંતુ હવે સૌની નજર આ ૩૧૧ સાંસદો પર છે, જે પૈકી કેટલા સાંસદ ફરી ચૂંટાઈને લોકસભામાં પહોંચે છે કે નહીં ?
ભારતમાં છેલ્લા ૬૮ વર્ષમાં લોકસભાની કુલ ૧૬ ચૂંટણી યોજાઈ છે, જેમાં ૪૮૪૩ નેતા સંસદમાં પહોંચવામાં સફળ રહ્યાં છે. પરંતુ આ પૈકી મોટી સંખ્યામાં સાંસદો બીજી વખત ચૂંટાઈને લોકસભામાં પહોંચી શક્યા નથી, બીજી વખત જીતવાનું માત્ર સપનું જ રહી ગયું. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી ચાર વખત લોકસભા ચૂંટણી જીતી ચૂક્યા છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેટલાય સાંસદો એવા છે, જે ૨૩મી મેના પરિણામની રાહ જોશે, જે બીજી વખત ચૂંટણી જીતીને સંસદમાં પહોંચવાના સપનાં જોઈ રહ્યાં છે.
૨૦૧૯ની ચૂંટણીમાં અત્યાર સુધી ૪૨૦ જેટલી બેઠકો પર મતદાન થઈ ગયું છે. એવામાં ભારતના સાત દાયકા લાંબા સંસદીય ઈતિહાસમાં નેતાઓનું ચૂંટણી પ્રદર્શન રસપ્રદ છે.એક અભ્યાસ અનુસાર, ૧૯૫૧ થી ૨૦૧૯ વચ્ચે ૪૮૬૫ સાંસદ લોકસભામાં પહોંચ્યા, જેમાં ૨૨ સાંસદો નોમિનેટ કરાયા હતાં. આ રીતે ૪૮૪૩ સાંસદો ચૂંટાઈને નીચલા ગૃહમાં પહોંચવામાં સફળ રહ્યાં છે.
સૌથી મહત્વની વાત એ છે કે ૧૯૫૧થી લોકસભામાં પ્રતિ પાંચમાંથી ત્રણ નેતા બીજી વખત ચૂંટાઈને સંસદમાં જવામાં નિષ્ફળ રહ્યાં છે. બીજા શબ્દોમાં કહીએ તો ૪૮૪૩ સાંસદોમાંથી ૨૮૪૦(૫૮.૬૪ ટકા) સાંસદો પોતાનો પ્રથમ કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ બીજી વખત ક્યારેય સંસદમાં જઈ શક્યા નથી.
છેલ્લા ૬૮ વર્ષમાં લોકસભા માટે ૨૦૦૩ સાંસદ એક કરતાં વધુ વખત ચૂંટણી જીતવામાં સફળ રહ્યાં છે. આ પૈકી પણ ૫૦ ટકા સાંસદો ત્રીજી વખત લોકસભામાં ચૂંટાઈને જઈ શક્યા નથી. અર્થાત આ સાંસદોને ત્રીજી ટર્મ મળી નથી. જ્યારે ૫૦૨ સાંસદો એવા છે જે ત્રણ વખત ચૂંટણી જીતી શક્યા છે જ્યારે ૨૫૯ સાંસદો ચાર વખત ચૂંટાઈ શક્યા છે. જોકે ચાર કરતાં વધુ વખત વિજય હાંસલ કરનારા સાંસદોની સંખ્યામાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે.
ફક્ત ચાર નેતા એવા છે કે જેમણે ૧૦ કે તેથી વધુ વખત લોકસભા ચૂંટણીમાં વિજય મેળવ્યો છે. ત્રણ સાંસદ એવા છે જેમણે ૧૦ વખત વિજય હાંસલ કરીને રેકોર્ડ સર્જ્યો છે તો સૌથી વધુ ૧૧ વખત વિજય મળવનારા એક સાંસદ અને ડાબેરી નેતા ઈન્દ્રજીત ગુ્‌પ્તાનો વિક્રમ અકબંધ છે. જ્યારે પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયી, લોકસભા સ્પીકર સોમનાથ ચેટર્જી અને કોંગ્રેસ નેતા પીએમ સઈદ ૧૦-૧૦ વખત ચૂંટણી જીત્યા છે. આ સિવાય નવ નેતા એવા છે કે જેમણે નવ વખત સાંસદ તરીકે પ્રતિનિધિત્વ કર્યું છે. ૧૮ નેતા એવા છે કે જેમણે આઠ વખત ચૂંટણી જીતી છે. જ્યારે ૩૪ સાંસદો સાત ટર્મ માટે સાંસદ રહ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બંધારણની કલમ ૩૩૧ અનુસાર, રાષ્ટ્રપતિ બે એંગ્લો ઈન્ડિયન સમુદાયના લોકોને લોકસભા માટે પસંદ કરે છે. જે પૈકી હમણાં સુધી ૨૨ સાંસદ નોમિનેટ થયા છે, જેમાંથી મોટા ભાગનાને એક ટર્મ જ મળી છે. ૨૦૧૪ની ચૂંટણીમાં ૫૪૩ પૈકી ૩૧૧ નેતા પહેલીવાર સાંસદ બન્યા હતાં, જેમાં સૌથી વધુ ભાજપના ૧૬૦, એઆઈડીએમકેના ૩૩, તૃણમૂલના ૨૧ સાંસદો સામેલ છે. હવે જોવાનું એ રહ્યું કે આ ૩૧૧ પૈકી કેટલાક સાંસદ બીજી વખત ચૂંટાય છે કે નહીં?

Related posts

‘ઈસરો’એ વિશ્વમાં ગર્વથી ભારતનુ માથુ ઉંચુ કરી દીધુ…..

aapnugujarat

મહિલા મુદ્દે દેશમાં ઘમાસાણ

aapnugujarat

ચીનનું આક્રમક વલણ ભારત માટે ખતરનાક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1