Aapnu Gujarat
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતમાં ગરમીનો કાળો કેર : ૧૭ વર્ષનો રેકોર્ડ તૂટ્યો

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીના પ્રકોપને લઇ નાગરિકો ત્રાહિમામ્‌ પોકારી ગયા છે ત્યારે હજુ પણ આગામી ત્રણ દિવસ સુધી હીટવેવની અસર ચાલુ રહેવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરાઇ છે. બીજીબાજુ, આજે રાજ્યમાં ગરમીનો છેલ્લા ૧૭ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો હતો. એપ્રિલ માસમાં ગરમીનો પારો આટલો ઉપર પહોંચ્યો હોય તેવી પ્રથમ ઘટના ૧૭ વર્ષ પછી સામે આવતાં ૧૭ વર્ષનો રેકોર્ડ તૂટયો છે. આજે મોડાસામાં બપોરના ગાળામાં રેકોર્ડ ઊંચી સપાટીએ તાપમાન પહોંચી ગયું હતું. મોડાસામાં બપોરના ગાળામાં પારો ૪૮ સુધી પહોંચ્યો હોવાના સમાચાર મળ્યા છે. બીજી બાજુ વાવમાં ૪૭, સુરેન્દ્રનગરમાં ૪૬ સુધી બપોરના ગાળામાં પારો પહોંચ ગયો હતો. અમદાવાદ શહેર માટે રેડ એલર્ટની જાહેરાત બે દિવસ માટે કરવામાં આવી છે. આજે અમદાવાદ શહેરમાં પણ લોકોની હાલત કફોડી બની ગઈ હતી. અમદાવાદમાં એપ્રિલ માસમાં આટલી ગરમી સૌપ્રથમવાર નોંધાઇ હોઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયું છે. સાથે સાથે ગરમીને લઇ અમ્યુકો દ્વારા ખાસ એકશન પ્લાનની પણ જાહેરાત કરવામાં આવી છે. બીજીબાજુ, હવામાન વિભાગે આગામી બેથી ત્રણ દિવસ સુધી અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાત રાજયમાં હીટવેવની આગાહી કરી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, ભાવનગર, વેરાવળ, પોરબંદર, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, કચ્છ અને દીવનો સમાવેશ થાય છે. બીજીબાજુ, કાળઝાળ અને બળબળતી ગરમીને લઇ નાગરિકોના આરોગ્ય પર પણ સીધી અસરો પડી રહી છે. ગરમીના કારણે ઈમરજન્સી કેસોમાં પણ વધારો નોંધાયો છે. ગરમીનો પારો ૪૩થી ૪૪ ડિગ્રી સુધી પહોંચી જતાં પેટમાં દુખાવા તેમજ ડિહાઈડ્રેશનના કેસોમાં વધારો નોંધાયો છે. ગરમીના કારણે ઇમરજન્સી સેવા ૧૦૮માં આવતા કોલની સંખ્યામાં ૨૦ ટકા જેટલો વધારો થયો છે. અમદાવાદમાં આગામી ચાર દિવસ ગરમીનો પારો ૪૪થી ૪૫ ડિગ્રી રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદ શહેરમાં આજે મહત્તમ તાપમાન ૪૩.૬ ડિગ્રી રહ્યું હતું. અમદાવાદમાં આવતીકાલે પારો ૪૫થી ઉપર જઈ શકે છે. લોકોને બહાર નીકળવા માટેની સલાહ પણ તંત્ર દ્વારા આપવામાં આવી છે. આજે રાજ્યના જે ભાગોમાં પારો ૪૫થી પણ ઉપર પહોંચ્યો હતો. તેમાં સુરેન્દ્રનગર, કંડલા પોર્ટ, રાજકોટનો સમાવેશ થાય છે. જ્યારે અમદાવાદમાં પણ ગરમીના પ્રમાણમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આગામી બે ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે. આનો મતલબ એ થયો કે આ વખતે પારો ૪૮ સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગની આગાહી બાદ લોકો વધુ સાવચેત બની ગયા છે. શહેરમાં જુદી જુદી વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. હવામાન વિભાગનું કહેવું છે કે લોકોએકામ વગર બપોરના ગાળામાં ઘરથી બહાર નીકળવું જોઈએ નહીં. સાથે સાથે સાથે વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહીનું સેવન કરવું જોઈએ. હળવા રંગના સુતરાઉ કપડા પહેરવા અને તડકામાં ફરવાનું ટાળવું જોઈએ.
ગુજરાતભરમાં ગરમીનો કાળો કેર જોવા મળી રહ્યો છે. ગુજરાતની રેકોર્ડ બ્રેક ગરમી વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ તરત જ એકશન પ્લાનને અમલી કરી દેવામાં આવ્યો છે. ઈમરજન્સીના વધતા જતા કેસો વચ્ચે શહેરના તમામ અર્બન સેન્ટર પર ઓઆરએસની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. બાગ બગીચાઓના પણ રાત્રે ૧૧ સુધી ખુલ્લા રાખવા અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ આંગણવાડીના ઓઆરએસના પેકેટ પહોંચવાની વ્યવસ્થા કરવામાં આવી છે. હીટ સ્ટોકના દર્દીઓને તરત સારવાર મળે તે માટે આઈસ પેકની વ્યવસ્થા કરાઈ છે. એએમટીએસના તમામ બસ ડેપોમાં પીવાના પાણીની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. શહેરમાં છ મોબાઈલ પાણીની પરબ પણ શરૂ કરવામાં આવી ચુકી છે. બીઆરટીએસના બસ સ્ટેન્ડ ઉપર ઓઆરએસ પેકેટનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એકશન પ્લાન હેઠળ વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે કન્સ્ટ્રકશન સાઇટ પર બાંધકામ મજૂરો માટે ૧૨થી ૪ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બાંધકામ મજૂરોનો સમય બપોરે ત્રણના બદલે ૪-૩૦ કરાયો છે. એસ્ટેટ વિભાગ દ્વારા કન્સ્ટ્રક્શન સાઈટો પર પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. બીજી બાજુ હેલ્થ સેન્ટરો પર અમ્યુકો દ્વારા ઠંડી છાશનું પણ વિતરણ કરવામાં આવનાર છે.

Related posts

સેટેલાઈટ દુષ્કર્મ કેસ : સીબીઆઈને તપાસ સોંપવા પિતાની માંગણી

aapnugujarat

ડુંગળી અને બટેટાની કિંમત વધારો

editor

સરકાર નપુંસક :દીકરીઓને કરાટે કલાસ કરાવવા હાર્દિક પટેલની અપીલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1