Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારતાજા સમાચાર

શ્રીલંકા ૮ બ્લાસ્ટથી હચમચ્યું : ૨૧૫થી વધુનાં મોત

ચર્ચ અને હોટલોને ટાર્ગેટ બનાવી બ્લાસ્ટ કરાયા : મૃતાંક વધવાની શક્યતા : ભારત સહિત દુનિયાનાં ઘણાં દેશોએ હુમલાની કરેલી નિંદા

એક પછી એક આઠ પ્રચંડ બોમ્બ ધડાકાઓના કારણે આજે સમગ્ર શ્રીલંકા હચમચી ઉઠ્યું હતું. સાથે સાથે દુનિયાભરમાં પણ ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. સિરિયલ બ્લાસ્ટમાં ૨૧૫થી વધુ લોકોના મોત થયા છે. જેમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિકોના પણ મોત થયા છે. હુમલાખોરોએ ચર્ચ અને હોટલોને ટાર્ગેટ બનાવીને આ વિનાશક હુમલા કર્યા હતા.
સિરિયિલ બોમ્બ બ્લાસ્ટથી સમગ્ર શ્રીલંકા હચમચી ઉઠ્યું હતું. મોતનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. હજુ સુધી મોતનો આંકડો ૨૧૫ સુધી પહોંચી ચુક્યો છે અને આંકડો હજુ ઉપર જઈ શકે છે કારણ કે ઘાયલ થયેલાઓની સંખ્યા ૪૫૦થી પણ વધુ આંકવામાં આવી છે. જે પૈકી અનેકની હાલત ગંભીર જણાવવામાં આવી છે.
શ્રીલંકાના ઈતિહાસમાં થયેલા હજુ સુધીના સૌથી વિનાશક હુમલા તરીકે આને જોવામાં આવે છે જેની જવાબદારી હજુ સુધી કોઈપણ સંગઠને સ્વીકારી નથી પરંતુ એમ માનવામાં આવે છે કે તેમાં કટ્ટરપંથી સંગઠનોનો હાથ હોઈ શકે છે. માર્યા ગયેલાઓમાં ૪૦થી વધુ વિદેશી નાગરિકો છે જેમાં અમેરિકા અને અન્ય દેશોના નાગરિકો સામેલ છે. કોલંબો નેશનલ હોસ્પિટલના સૂત્રોએ કહ્યું છે કે માર્યા ગયેલા વિદેશીઓમાં અમેરિકી, બ્રિટીશ અને નેધરલેન્ડના નાગરિકો સામેલ છે. સત્તાવાર રીતે હજુ સુધી આ સંદર્ભમાં કોઈ માહિતી અપાઈ નથી. આ બ્લાસ્ટની સાથે જ શ્રીલંકામાં સંચારબંધી લાગુ કરી દેવામાં આવી છે. ૨૩મી એપ્રિલ સુધી સ્કુલ અને કોલેજો તથા સરકારી સંસ્થાઓમાં રજાની જાહેરાત કરી દેવામાં આવી છે. શ્રીલંકન પોલીસના તમામ જવાનોની રજા રદ કરી દેવામાં આવી છે. શ્રીલંકામાં આજે સવારે એક પછી એક બ્લાસ્ટનો સીલસીલો શરૂ થયો હતો. ત્રણ ચર્ચ અને કેટલીક હોટલોને ટાર્ગેટ બનાવવામાં આવી હતી. પ્રથમ બ્લાસ્ટ કોલંબોમાં સેન્ટએન્ટની ચર્ચ અને બીજો બ્લાસ્ટ પાટનગરની બહાર નેગોમ્બો વિસ્તારમાં સેબેસ્ટીયન ચર્ચમાં કરાયો હતો. ત્રીજો બ્લાસ્ટ પૂર્વીય શહેર બાટીકોલોવામાં ચર્ચામાં થયો હતો. ઉપરાંત જે હોટલોને ટાર્ગેટ બનાવીને હુમલા કરવામાં આવ્યા હતા તેમાં સાંગરીલા, સીનામોન અને કિંગ્સબેરીનો સમાવેશ થાય છે. ઈસ્ટરની પ્રાર્થના માટે ચર્ચમાં લોકો એકત્રિત થઈ રહ્યા હતા ત્યારે પ્રથમ બ્લાસ્ટ સવારે ૮.૪૫ વાગે થયો હતો. ત્યારબાદ એક પછી એક બ્લાસ્ટની શરૂઆત થઈ હતી.
ઘાયલ થયેલા તમામ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કોલંબો નેશનલ હોસ્પિટલના મોટાભાગના લોકોને ખસેડવામાં આવ્યા હતા. ત્રણ ફાઈવસ્ટાર હોટલો અને એક ચર્ચમાં પણ હુમલા કરાયા હતા. બ્લાસ્ટ બાદ શ્રીલંકાના વડાપ્રધાને સુરક્ષા સમિતિની તાકીદની બેઠક યોજી હતી. શ્રીલંકાના પ્રમુખ મેથરીપાલા સીરીસેનાએ કહ્યું છે કે આ સિરિયલ બ્લાસ્ટ બાદ અમે આઘાતમાં છીએ. તમામ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી રહી છે. બીજી બાજુ નાણામંત્રી મંગલા સમરવીરાએ ટ્‌વીટ કરીને કહ્યું છે કે હુમલામાં મોટી સંખ્યામાં નિર્દોષ લોકોના મોત થયા છે. આ હુમલો પૂર્ણ તૈયારીની સાથે કરાયો છે જેથી હત્યા કરીને અરાજકતા ફેલાવી શકાય. દરમિયાન, બ્લાસ્ટના સંદર્ભમાં વ્યાપક દરોડાનો દોર શરૂ કરાયો છે. જેના ભાગરૂપે મોટી સંખ્યામાં લોકોની ધરપકડ પણ કરાઈ છે. દરોડાની કાર્યવાહી આગળ જારી રહે તેમ મનાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સહિત દુનિયાભરના દેશોએ શ્રીલંકા બોમ્બ બ્લાસ્ટની જોરદાર નિંદા કરી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્‌વીટ કરીને કહ્યું છે કે શ્રીલંકામાં થયેલા ભીષણ બ્લાસ્ટની તેઓ કઠોર રીતે નિંદા કરે છે. અમારા ક્ષેત્રમાં આવી બર્બરતા માટે કોઈ જગ્યા નથી. ભારત દુઃખની સાથે આ ઘડીમાં મજબૂતી સાથે શ્રીલંકાની સાથે ઉભું છે. હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવાર પ્રત્યે તેમની સંવેદના છે. સાથે સાથે ઘાયલ થયેલા લોકો વહેલીતકે સ્વસ્થ થાય તેના માટે તેઓ પ્રાર્થના કરે છે. ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ આ બ્લાસ્ટની નિંદા કરી છે. અન્ય પક્ષોના મોટા નેતાઓએ પણ નિંદા કરી છે. બ્રિટનના વડાપ્રધાન ટેરીઝામેનું કહેવું છે કે શ્રીલંકાની હોટલો અને ચર્ચ પર કરવામાં આવેલા હુમલા ખોફનાક છે. આ ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવાર પ્રત્યે તેમની સહાનુભૂતિ છે. આ પ્રકારના ત્રાસવાદી લોકો સામે તમામને એકસાથે રહીને આગળ આવવાની જરૂર છે. કોઈપણ ધર્મ સાથે જોડાયેલા લોકો કોઈ પ્રસંગવેળા દહેશતમાં ન રહે તેવી સ્થિતિ સર્જવાની જરૂર છે. સાથે સાથે માલદીવના પ્રમુખ ઈબ્રાહીમ મોહંમદે પણ આજે શ્રીલંકામાં થયેલા બોમ્બ બ્લાસ્ટની નિંદા કરી છે. તેમણે કહ્યું છે કે આ ભયાનક હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવાર સાથે તેમની સહાનુભૂતિ રહેલી છે. દુઃખની આ ઘડીમાં તમામ લોકો શ્રીલંકા સાથે છે. આતંકવાદ સામેની લડાઈમાં તમામ લોકો એકસાથે છે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને પણ ટ્‌વીટ કરીને હુમલાની નિંદા કરી છે. ઈમરાને કહ્યું છે કે ઈસ્ટર રવિવારના દિવસે શ્રીલંકામાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાની તેઓ નિંદા કરે છે. અમેરિકા અને વિશ્વના અનેક દેશના લોકોએ પણ બોમ્બ બ્લાસ્ટને કઠોર શબ્દોમાં વખોડીને નિંદા કરી છે. શ્રીલંકાના પ્રમુખ મેથરીપાલા સીરીસેનાએ કહ્યું છે કે હાલમાં અમે આઘાતમાં છીએ. હુમલાની જવાબદારી હજુ સુધી કોઈ સંગઠને લીધી નથી.

Related posts

ઓકલેન્ડ ક્રિકેટ ટેસ્ટમાં ત્રીજા દિવસે ૧૭ બોલ ફેંકાયા

aapnugujarat

मोदी कैबिनेट का बड़ा फैसला, ई-सिगरेट की बिक्री और उत्पादन किया बैन

aapnugujarat

देश के दक्षिणी, पूर्वी और मध्य भारत में अच्छी हुई बारिश

aapnugujarat

Leave a Comment

UA-96247877-1