Aapnu Gujarat
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતભરમાં હનુમાન જયંતિ પર્વની ભારે હર્ષોલ્લાસની સાથે ઉજવણી

આજે ચૈત્રી સુદ પૂનમ, હનુમાન જયંતિ અને રાજયોગ એમ અનોખા ત્રિવેણી સંગમના સુંદર યોગમાં વર્ષો પછી આજે આવેલી હનુમાનજયંતિની શહેર સહિત રાજયભરના હનુમાનજી મંદિરોમાં ભારે ભકિતભાવ અને ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરાઇ હતી. આજે હનુમાનજયંતિને લઇ સાળંગપુર કષ્ટભંજન દેવસ્થાન, ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામે સુપ્રસિધ્ધ ડભોડિયા હનુમાનજી, શાહીબાગના કેમ્પ હનુમાનજી, એસજી હાઇવે પરના મારૂતિ ધામ, ખાડિયાના બાલા હનુમાન, રખિયાલના સુપ્રસિધ્ધ નાગરવેલ હનુમાનજી મંદિર, મેમનગરના ભીડભંજન હનુમાનજી, થલતેજના પંચમુખી હનુમાનજી મંદિર, મેમનગર ગામના પંચમુખી હનુમાનજી મંદિર, સોલા રોડ ખાતેના કાંકરિયા હનુમાનજી, વેજલપુરના જીજ્ઞાસા સોસાયટી પાસેના ભીડભંજન હનુમાનજી મંદિર, લોદરા ખાતેના સુપ્રસિધ્ધ હનુમાનજી મંદિર સહિતના દાદાના મંદિરોમાં હનુમાનજી દાદાના જન્મોત્સવની ભવ્યાતિભવ્ય અને ધામધમૂપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. હનુમાનજી મંદિરોમાં આજે હનુમાનજી દાદાને સુંદર કેક, લાડુ, છપ્પનભોગ સહિતનો પ્રસાદ ધરાવાયો હતો. તો સાથે સાથે દાદાના હોમ, હવન, યજ્ઞ, સુંદરકાંડના પાઠ અને મહાઆરતીને લઇ શ્રધ્ધાળુ ભકતોમાં દાદાની ભકિતનો માહોલ છવાયો હતો. આજે હનુમાનજયંતિને લઇ રાજયભરના હનુમાનજી મંદિરોમાં દાદાનો વિશેષ સાજ-શણગાર અને મંદિરોમાં અનેક આકર્ષણો કરાયા હતા, જેને લઇ ભકતોની ભકિત અને ઉત્સાહમાં વધુ ઉમેરો થયો હતો. સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર, ગાંધીનગર જિલ્લાના ડભોડિયા હનુમાનજી મંદિર, સુરતના લંબે હનુમાનજી, લોદરાના સુપ્રસિધ્ધ હનુમાનજી સહિતના મંદિરોમાં આજે લાખો શ્રધ્ધાળુ ભકતો ઉમટયા હતા. દાદાના મંદિરોમાં આજે ભકતોએ દાદાના દર્શન માટે અને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા રીતસરની પડાપડી કરી હતી. સાળંગપુર કષ્ટભંજન દેવને આજે લાખો રૂપિયાની કિંમતનો બહુમૂલ્ય સોનાનો મુગટ, સોનાની ગદા અને હાર સહિતના આભૂષણો ચઢાવાયા હતા. તો, હનુમાનજયંતિને લઇ આજે દાદાનો ભવ્ય સાજ-શણગાર કરવામાં આવ્યો હતો. તો, દાદાના જન્મદિને આજે દાદાનો વિશેષ અભિષેક કરાયો હતો. આજે સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર ખાતે દાદાના લાખો ભકતો દર્શનાર્થે ઉમટયા હતા. આજે સવારે દાદાની મંગળાઆરતી, ત્યારબાદ સમૂહયજ્ઞ, છપ્પન ભોગનો અન્નકુટ, પ્રસાદ સહિતના આયોજન કરાયા હતા તો, ડભોડિયા હનુમાનજી મંદિર ખાતે આજે દાદાને ૧૧૧૧ તેલના ડબાનો ભવ્ય અભિષેક, ૧૫૧ કિલોની કેકના પ્રસાદ અને ૧૦૮ દિવાઓની મહાઆરતી સહિતના કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું હતું. આ વખતે હનુમાનજયંતી વર્ષો પછી રાજયોગમાં આવી હોઇ દાદાના ભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો. શહેરના શાહીબાગ કેમ્પ હનુમાનજી મંદિર ખાતે હનુમાનજયંતીના દિવસે આજે દાદાના ભવ્ય જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આજના પ્રસંગે કેમ્પ હનુમાનજી દાદાને ૫૦૦ કિલો દૂધના હલવાનો મહાપ્રસાદ ધરાવાયો હતો. ગાંધીનગર જિલ્લાના ડભોડા ખાતે સુપ્રસિધ્ધ ડભોડિયા હનુમાનજી મંદિરના પૂજારી રાજેશ પ્રવીણચંદ્ર મહેતા, શેખર જોષી(મહારાજ), ટ્રસ્ટી શકરાજી મંગાજી સોલંકી, રાજુભાઇ ગજ્જર સહિતના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાનજયંતિ મહોત્વસ ભારે ધામધૂમપૂર્વક અને ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો હતો. જેમાં સવારે ૫.૦૦ વાગ્યે દાદાની આરતી, ત્યારબાદ મારૂતિ યજ્ઞ, એ પછી દાદાને ૧૧૧૧ તેલના ડબાનો અભિષેક, સવારે ૯.૦૦ વાગ્યાથી બેન્ડવાજા સાથે ડભોડિયા હનુમાનજી દાદાની શોભાયાત્રા, ૧૧-૪૫ વાગ્યે દાદાની ધજારોહણ અને બપોરે ૧૨.૦૦ વાગ્યે દાદાની મહાઆરતી અને ત્યારબાદ ૧૫૧ કિલોની કેક દાદાને પ્રસાદરૂપે અર્પણ કરાઇ હતી. આ જ પ્રકારે લોદરા સ્થિત ચમત્કારિક હનુમાનજી દાદાના મંદિરે પણ વિશેષ આરતી, પ્રસાદ અને પૂજા-યજ્ઞનું આયોજન કરાયું હતું. રખિયાલ રોડ પરના સુપ્રસિધ્ધ નાગરવેલ હનુમાનજી મંદિર, મેમનગરના સુભાષચોક ખાતે પણ ભીડભંજન હનુમાનજી મંદિર અને વિવેકાનંદ ચોક ખાતે પંચમુખી હનુમાનજી મંદિર ખાતે ખાસ મારૂતિ યજ્ઞ અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. થલતેજ સ્થિત અંજની માતાજીના અનોખા મંદિર ખાતે પણ દાદાના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ હતી.
આજે અમદાવાદ શહેર સહિત રાજયભરના હનુમાનજી મંદિરોમાં હનુમાનજયંતિને લઇ તેલ-સિંદૂરના ચોળો, અભિષેક, મહાઆરતી, પ્રસાદ, અન્નકુટ ભોગની સાથે સાથે પવિત્ર સુંદરકાંડ, રામપારાયણ, રામધૂન, હનુમાનચાલીસા પાઠ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ ભવ્ય આયોજન કરાયું હતુ. દાદાના ભકતોએ હનુમાનજયંતિના આજના દિને દાદાની આકરી પૂજા-તપશ્ચર્યા કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા. મોડી રાત સુધી શહેર સહિત રાજયભરના મંદિરો દાદાના દર્શન માટે ઉમટેલા શ્રધ્ધાળુ ભકતોની ચહલપહલથી ધમધમતા રહ્યા હતા. મોડી રાત સુધી લાખો શ્રધ્ધાળુ ભકતોએ દાદાના દર્શન માટે પડાપડી કરી હતી, જેને લઇ દાદાની ભકિત અને આરાધનાનો માહોલ છવાયો હતો. દરમિયાન અમદાવાદના અમરાઈવાડી-રખિયાલ રોડ ઉપર આવેલ પ્રાચીન શ્રી નાગરવેલ હનુમાન મંદિર ખાતે આજે ચૈત્ર સુદ પુનમને તા.૧૯-૦૪-૨૦૧૯ને શુક્રવારના રોજ શ્રી હનુમાન જયંતિ નિમિત્તે અનેક ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુપ્રસિધ્ધ અને ચમત્કારિક શ્રી નાગરવેલ હનુમાનજી દાદાની આજે હનુમાનજયંતિ નિમિતે ૧૧ હજાર દિવડાઓની મહાઆરતી ઉતારવામાં આવી હતી. એકસાથે ૧૧ હજાર દિવડાઓની મહાઆરતીનો અલૌકિક નજારો માણવા અને તેનો લાભ લેવા હજારો શ્રધ્ધાળુ ભકતોએ ભારે મંદિર પ્રાંગણમાં ભારે પડાપડી કરી હતી. શ્રી નાગરવેલ હનુમાનજી દાદાની ૧૧ હજાર દિવાઓની મહાઆરતીનો લાભ લઇ દાદાના ભકતોએ જાણે ધન્યતાનો અનુભવ કર્યો હતો. જય શ્રી રામ, જય બજરંગ બલી, જય શ્રી નાગરવેલ હનુમાનજીના જયઘોષથી મંદિર પટાંગણ ગુંજી ઉઠયું હતું. શ્રી નાગરવેલ હનુમાનજી મંદિરના મહંત શ્રી રંગાનાથાચાર્યજી મહારાજે ભાવિકભકતોને આશીર્વચન પણ આપ્યા હતા.

Related posts

असम में बारिश और बाढ़ से जुड़ी घटनाओं में तीन लोगों की मौत

aapnugujarat

નર્મદા ડેમે સૌપ્રથમવાર ક્રેસ્ટ લેવલ પાર કરી ૧૨૧.૯૨ મીટરની સપાટી વટાવી

aapnugujarat

FPI દ્વારા ફેબ્રુઆરી માસમાં ૧૦૦૦૦ કરોડ પરત ખેંચાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1