Aapnu Gujarat
ગુજરાતતાજા સમાચાર

કોંગ્રેસ એ ભ્રષ્ટાચારનો પર્યાય બની ગઈ છે : નરેન્દ્ર મોદી

આજરોજ ગુજરાતના પનોતાપુત્ર અને દુનિયામાં ભારત દેશનો ડંકો વગાડનાર એવા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત લોકસભા ચૂંટણીના પ્રથમ પ્રચાર પ્રવાસની શરૂઆત સૌરાષ્ટ્રના જુનાગઢ ખાતેથી કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જુનાગઢ ખાતે એક વિશાળ જનમેદનીને સંબોધતાં જણાવ્યું હતું કે, સોરઠ અને કાઠીયાવાડની ધરતી એ હરી અને હરની ભૂમિ છે. સૌરાષ્ટ્રની ધરતી એ દાન, ધર્મ અને સંતોની તપસ્યાની ભૂમી છે. ગીરના સાવજ અને કેસર કેરીની ભૂમિ છે. ૨૦૧૪ના લોકતંત્ર મહોત્સવમાં ગુજરાતની જનતાએ દેશની સેવા અર્થે જે જનાદેશ આપ્યો હતો તેમાં ભાજપા અને એનડીએની સરકારે કરેલા કામોનો હિસાબ આજે ગુજરાતની જનતા સમક્ષ આપવા આવ્યો છું. કેન્દ્રમાં ભાજપાની સરકાર ઉપર એકપણ ભ્રષ્ટાચારનો દાગ લાગેલ નથી. પ્રધાનમંત્રીએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ એ ભ્રષ્ટાચારનો પર્યાય બની ગઇ છે, ત્યારે તેમના ખાતામાં તુગલઘ રોડ ભ્રષ્ટાચારી ગોટાળાના નામથી ભ્રષ્ટાચારના વધુ એક કૌભાંડનો ઉમેરો થયો છે. મધ્યપ્રદેશમાં સરકાર બન્યાંને માત્ર ૬ મહિના પણ નથી થયાંને કોંગ્રેસના મુખ્યમંત્રીના સગાસંબંધીઓ અને તેઓના સૌથી અંગત કહેવાતાં કર્મચારીઓ પાસેથી નોટોના બંડલો ને બંડલો નિકળવા માંડ્‌યા છે. મધ્યપ્રદેશ તો એક માત્ર સેમ્પલ છે, આપસૌ એ વિચારવાનું છે કે, આ સેમ્પલમાં જો આવું થઇ શકતું હોય તો જો ભુલેચૂકે પણ દેશનું સુકાન કોંગ્રેસના હાથમાં આવે તો તેઓ દેશની શું હાલત કરે ? કોંગ્રેસે ગર્ભવતી મહિલાઓને અપાતી નાણાંકિય મદદના પૈસા પણ લૂંટી લીધા છે. ગરીબોનો કોળીયો ઝૂંટવીને નેતાઓના પેટ ભર્યા છે. કોંગ્રેસ માત્ર પૈસા લુંટવા માટે જ સત્તામાં આવે છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ તેમજ કર્ણાટક કોંગ્રેસના એટીએમ મશીન બની ગયા છે. નહેરૂ-ગાંધી પરિવારે હંમેશાથી ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે નફરત રાખી છે. તેઓએ ગુજરાતના પનોતા પુત્ર સરદાર સાહેબનું હંમેશા અપમાન અને અવગણના કરી હતી. જો સરદાર સાહેબ ન હોત તો આજે જુનાગઢ ક્યાં હોત, તેમના વિના સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ અને આજનું અખંડ ભારત શક્ય ન બન્યુ હોત. સિધ્ધાંતોથી જીવવાવાળા મોરારજી દેસાઇની સરકારને પણ કોંગ્રેસે તોડી નાંખી હતી. હવે આ લોકોને તકલીફ છે કે એક ચ્હાવાળો સળંગ પાંચ વર્ષ સફળતા પૂર્વક સરકાર કેવીરીતે ચલાવી શક્યો ? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, જ્યારે પાડોશી દેશ આપણા પર આતંકી હુમલો કરે ત્યારે આપણે શું માત્ર જોતા રહેવું જોઇએ ? કે શું તેઓને આવા કૃત્ય સામે જડબાતોડ જવાબ આપવો જોઇએ? ભાજપા સરકારે ઉરી અને પુલવામા ઉપર થયેલા આતંકી હુમલાઓ બાદ સર્જીકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરી જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતના આ જવાબથી કોંગ્રેસ તેના સબૂતો માંગે છે. ભૂતકાળમાં કોંગ્રેસ અને યુ.પી.એ.ના શાસનમાં થયેલા આતંકી હુમલાઓ સામે તેમણે કોઇ કાર્યવાહી કરી નહોતી જ્યારે આજે આપણે આતંકવાદીઓને આતંકીઓના અડ્ડાઓ ઉપર હુમલા કરી પાડોશીને પાઠ ભણાવીએ છીએ, મોદી ગરીબી, ભ્રષ્ટાચાર અને આતંકવાદ હટાવવાની વાત કરે છે જ્યારે કોંગ્રેસ અને ગઠબંધન મોદી હટાવવાની વાત કરે છે. દેશની જનતા આવા મહામીલાવટી ઠગબંધનને ઓળખી ગઇ છે. આ દેશની જનતા રાષ્ટ્રવાદને વરેલી છે અને એટલે જ ભાજપા સરકાર દ્વારા દેશહિત માટે કરવામાં આવેલી કાર્યવાહીને જનતાએ ગૌરવભેર સ્વીકારી છે. પ્રધાનમંત્રીએ જનતાને પુછ્યુ હતુ કે, શું તમે ઇચ્છો છો કે દેશમાં બે પ્રધાનમંત્રી હોય ? કાશ્મીર માટે બીજા વડાપ્રધાનની માંગણી કરનારાઓને કોંગ્રેસ ખુલ્લેઆમ ટેકો આપી શું સાબિત કરવા માંગે છે ? કોંગ્રેસ અને ભાજપાની તુલના કરશો તો ભાજપા પાસે સફળ સરકારનો ટ્રેક રેકોર્ડ છે જ્યારે કોંગ્રેસ પાસે માત્ર ઘસાયેલી ટેપ રેકર્ડ છે. ભાજપાના ટ્રેક રેકોર્ડમાં સૌનો સાથ સૌનો વિકાસની સાથે દેશની આર્થિક સમૃધ્ધિ અને સુરક્ષા છે જ્યારે કોંગ્રેસની ટેપ રેકર્ડમાં માત્ર મોદીને હટાવવા અને વોટબેંક માટે પોકળ વાયદાઓ અને ભ્રષ્ટાચાર સીવાય કંઇ જ વાગતું નથી. પાણીની ભવિષ્યની જરૂરીયાતોને ધ્યાનમાં રાખી આવનારી પેઢી માટે સુચારૂંરૂપે પીવાનું અને સિંચાઇનું પાણી મળી રહે તેવા સુયોજન માટે દેશમાં પ્રથમવાર ભાજપા સરકાર દ્વારા જળશક્તિ મંત્રાલયનું ગઠન કરવામાં આવશે. ભાજપાની સરકારે પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના થકી પાંચ લાખ રૂપિયાની સુધીની નિશુલ્ક સારવાર દેશના ૫૦ કરોડ લોકોને આપવાનું લક્ષ્ય નિર્ધાર કર્યુ છે. અત્યાર સુધી ૨૫ લાખ લોકો આ યોજનાનો લાભ લઇ ચૂક્યા છે. ઉજ્જવલા યોજના દ્વારા દેશની કરોડો ગરીબ મહિલાઓને ગેસ કનેક્શન આપવામાં આવ્યુ છે. મહિલાઓના સન્માન અને ગૌરવની રક્ષા માટે શૌચાલય અભિયાન દ્વારા ઘરે-ઘરે શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યુ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યુ હતુ કે, જૂનાગઢ, સોમનાથ અને કચ્છનો વિકાસ થતાં કરોડો સહેલાણીઓ અને શ્રધ્ધાળુઓ અહીની મુલાકાતે આવી રહ્યા છે. જુનાગઢમાં ગીરના સિંહને જોવા લાખો ટુરીસ્ટો બુકીંગ કરાવે છે. જ્યારે સોમનાથદાદાના દર્શન કરવા એક કરોડથી વધુ શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે. તેવી જ રીતે કચ્છના રણ જોવા માટે લાખો ટુરિસ્ટો દરવર્ષે આવતા હોય છે. એના થકી નાના રોજગારવાળાને રોજીરોટી મળી રહે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટિના નિર્માણ દ્વારા સરદાર પટેલની વિરાટ પ્રતિભાના દર્શન સમગ્ર દુનિયાને થયા છે. ભારત સરકારે આ બજેટમાં માછીમારો માટે અગલ મંત્રાલય બનાવવાનું નક્કી કર્યુ છે. તેમના કલ્યાણ માટે જેમ કિસાન ક્રેડિટ કાર્ડ છે તેવું જ સાગરખેડુ ક્રેડિટ કાર્ડ લાવીને માછીમારોને આર્થિક લાભ પહોંચાડશે. માછીમારો માટે આધુનિક બોટ ખરીદવા માટે સબસીડી આપવામાં આવશે, જેના મારફતે દરિયામાં દૂર સુધી જઇ માછીમારી કરીને તેઓ એકસપોર્ટ કરી શકશે. ૧૦ હજાર કરોડની મત્સ્ય યોજના લાવવા માટે અમે પહેલ કરી છે. વડાપ્રધાનએ દેશમાં પહેલી વખત મતદાન કરવા જતાં દરેક નવયુવાનને હાકલ કરી જણાવ્યુ હતુ કે, ૨૧મી સદીના નવા ભારતના નિર્માણ અર્થે અવશ્ય મતદાન કરવા માટે અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે, દેશહિતને ધ્યાનમાં રાખીને ‘‘તમારો વોટ – સબળ ભારતના નિર્માણ માટે’’, ‘‘તમારો વોટ – સક્ષમ ભારતના નિર્માણ માટે’’, ‘‘તમારો વોટ – શક્તિશાળી ભારતના નિર્માણ માટે’’ ‘‘તમારો વોટ – દેશની સેનાની સુરક્ષા માટે’’ અનિવાર્ય છે. દેશના પ્રધાનસેવક નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે, દેશમાં ગરીબી, બેકારી, ભ્રષ્ટાચાર, અન્યાય, કુરિવાજો સામે લડવાવાળો પ્રત્યેક નાગરિક ચોકીદાર છે, ઉજ્જવળ ભારતના નિર્માણ માટે આવો આપણે સૌ દેશના ચોકીદાર બની સક્ષમ અને સમૃધ્ધ ભારતના નિર્માણમાં સહયોગી બનીએ. દેશનો પ્રત્યેક નાગરિક જો પોતાને દેશનો ચોકીદાર ગણે તો આ દેશમાંથી ભ્રષ્ટાચારીઓએ ઉચાળા ભરવા પડશે આટલું જણાવીને ભારત માતા કી જય અને વંદે મારતમ્‌ ના નારા સાથે સભાનું સમાપન કર્યુ હતુ.

Related posts

ચૂંટણી પહેલા સબ્સિડી ટ્રમ્પ કાર્ડ રમવા માટે મોદી સરકાર તૈયાર

aapnugujarat

આજે મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી વડોદરા શહેરની મુલાકાતે

aapnugujarat

અમરનાથ દર્શન માટે ૨૩૩ શ્રદ્ધાળુની ટુકડી રવાના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1