Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મમતા બેનર્જીની પગ નીચેની જમીન સરકી ગઈ છે : મોદી

બંગાળ, ત્રિપુરા અને મણિપુરમાં મોદીનો ઝંઝાવાતી પ્રચાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લોકસભા ચૂંટણીને લઇને આક્રમક ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. મોદીએ આજે પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મણિપુરમાં ચૂંટણી રેલી કરીને કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો ઉપર આકરા પ્રહારો કર્યા હતા. સૌથી પહેલા મોદીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ગઢમાં ઝંઝાવતી પ્રચાર કરીને મમતા ઉપર પ્રહાર કર્યા હતા. મોદીએ કુચબિહારમાં રેલીને સંબોધતા મમતા બેનર્જી સરકારને જોરદારરીતે ઝાટકણી કાઢતા મમતાને સ્પીડબ્રેકર દીદી તરીકે ગણાવીને પ્રહાર કર્યા હતા. મોદીએ ઉમેર્યું હતું કે, કુચબિહારની રેલીમાં મોટી સંખ્યામાં લોકો ન પહોંચી શકે તે માટે તમામ પ્રયાસો મમતા દ્વારા કરવામાં આવ્યા હતા પરંતુ સફળતા મળી નથી. મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ સાબિતી આપે છે કે, મમતા બેનર્જીની પગ નીચેની જમીન હવે સરકી રહી છે. ભાજપની વધતી જતી તાકાતથી મમતા બેનર્જીની ઉંઘ હરામ થઇ ગઇ છે. કેન્દ્ર સરકારની વિકાસ યોજનાઓના લાભ ન મળે તેવા પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. મોદીએ કહ્યું હતું કે, મમતા બેનર્જી હચમચી ઉઠ્યા છે જેથી તેમના કાર્યક્રમમાં ન પહોંચે તેવા પ્રયાસ થઇ રહ્યા છે. સ્પીડબ્રેકર દીદી ગણાવીને મોદીએ કહ્યું હતું કે, કેન્દ્રની યોજનાઓ ઉપર દરેક વખતે બ્રેક લગાવવાના પ્રયાસ કરવામાં આવે છે. મમતા બેનર્જી હવે એવા લોકોનો સાથ આપી રહ્યા છે જે ભારતમાં બે વડાપ્રધાન ઇચ્છે છે. વડાપ્રધાને ઉમેર્યું હતું કે, જો કેન્દ્ર સરકારની યોજનાઓને મમતાએ ન રોકી હોત તો આજે અનેક સુવિધાઓનો લાભ રાજ્યના લોકોને મળ્યો હોત. હવે દીદીને બોધપાઠ ભણાવવા માટે ૨૦૧૯ની આ લોકસભા ચૂંટણી આવી છે. કેન્દ્રમાં જેમ અમાર સરકાર મજબૂત થશે તેમ દીદી પણ અહીના લોકોના વિકાસ માટે મજબૂર થઇ જશે. તેમને ઝુંકવાની ફરજ પડશે. તેમની મનમાની ચાલી શકશે નહીં. કુછબિહારમાં ભાષણ દરમિયાન મોદીના નિશાના પર મમતા બેનર્જી રહ્યા હતા. દરેક મામલા પર તેમના ઉપર પ્રહાર કર્યા હતા. ચા બગીચાઓમાં કામ કરતા લોકોની હાલત ખરાબ થઇ રહી છે. ચા બગીચામાં શિક્ષણ અને આરોગ્ય સાથે જોડાયેલી યોજનાઓને રોકવામાં આવી રહી છે. મોદીએ સંરક્ષણના મુદ્દા ઉપર ફરીવાર વાત કરી હતી અને કહ્યું હતું કે દુશ્મનના ઘરમાં ઘુસીને જવાબઆપનાર સરકાર હવે કેન્દ્રમાં આવી છે. મા માટી અને માનુષને લઇને મમતાને ઘેરતા કહ્યું હતું કે, આ નારો હવે માત્ર જુઠ્ઠાણા તરીકે દેખાઈ આવે છે. રાજકીય ફાયદાઓ માટે ઘુસણખોરોને બચાવીને દીદીએ માટીની સાથે વિશ્વાસઘાત કર્યો છે. ટીએમસીના ગુંડાઓના હાથમાં બંગાળના લોકોને આપીને માનુષની તમામ આશાઓ ઉપર પાણી ફરેવી દીધું છે. કુચબિહાર ઉપરાંત ત્રિપુરા અને મણિપુરમાં પણ મોદીએ પોતાની આગવી શૈલીમાં વિરોધ પક્ષો ઉપર પ્રહાર કર્યા હતા. ત્રિપુરામાં ઉદયપુરમાં થયેલી જનસભામાં મોદીએ કોંગ્રેસ અને ડાબેરીઓ ઉપર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ અને સાથી પક્ષો મળીને મધ્યમ વર્ગને સજા કરવાની યોજના કરી ચુક્યા છે. કોંગ્રેસ અને ડાબેરીઓ ત્રિપુરા અને કેરળમાં કુશ્તી લડે છે પરંતુ દિલ્હીમાં મોદીને ગાળો આપવા માટે એક થઇ જાય છે. કોંગ્રેસના ઘોષણાપત્રને બોગસ તરીકે ગણાવીને કહ્યું હતું કે, ૫૦થી ૬૦ પાનાના ઘોષણાપત્રમાં એક પણ વખત મધ્યમ વર્ગનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ચોકીદારને હરાવવા માટે નામદાર ભારતના ટુકડા કરવાની ઇચ્છા ધરાવતા લોકોની સાથે ઉભેલા દેખાય છે જે લોકોની પાસે ડઝન જેટલા સાંસદો હતા તે આજે થાકી ગયા છે. મણિપુરમાં રેલી વેળા પણ મોદીએ ત્યાંની સરકાર અને વિરોધીઓ ઉપર પ્રહાર કર્યા હતા.

Related posts

સબરીમાલમાં સૌપ્રથમ પ્રવેશનાર બન્ને મહિલાઓને ૨૪ કલાક સુરક્ષા : સુપ્રીમ

aapnugujarat

રાહુલની તાજપોશીનો તખ્તો તૈયાર થયો : આજે કારોબારીની મિટિંગ

aapnugujarat

ગુડગાંવ દુનિયાનું સૌથી પ્રદુષિત શહેર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1