Aapnu Gujarat
બ્લોગ

રાહુલ માટે વાયનાડ સૌથી સલામત

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠી ઉપરાંત કેરળની વાયનાડ બેઠક પરથી પણ ચૂંટણી લડશે.છેલ્લા કેટલાય દિવસોથી આ અંગે અટકળો બાંધવામાં આવી રહી હતી. રવિવારે કૉંગ્રેસના નેતા એ.કે. ઍન્ટનીએ ઔપચારિક જાહેરાત કરતા કહ્યું કે રાહુલ ગાંધી બે બેઠકો પરથી ચૂંટણી લડશે.દિલ્હીમાં પક્ષના વડા મથકે તેમણે કહ્યું કે કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડવાનો નિર્ણય દક્ષિણ ભારતનાં ચાર રાજ્યો આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં કૉંગ્રેસને મજબૂત કરવા માટે લેવાયો છે.તેમણે જણાવ્યું કે કેરળ, કર્ણાટક અને તામિલનાડુમાંથી વારંવાર રાહુલ ગાંધીને દક્ષિણની બેઠક પરથી ચૂંટણી લડવા માટે માગ કરાતી હતી.કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે વાયનાડની પસંદગી તેના ભૌગોલિક અને સાંસ્કૃતિક સ્વરૂપને ધ્યાને રાખીને કરાઈ છે.સુરજેવાલાએ કહ્યું, આજે એક સુખદ દિવસ છે. રાહુલજીએ અનેક વખત કહ્યું છે કે અમેઠી તેમની કર્મભૂમિ છે. અમેઠી સાથેનો તેમનો સંબંધ પરિવારના સભ્ય જેવો છે. એટલે તેઓ અમેઠી છોડી શકે એમ નથી.નોંધનીય છે કે કેરળની તમામ લોકસભા બેઠકો પર ૨૩ એપ્રિલે મતદાન થશે. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રવિવારે દક્ષિણ ભારતમાં જ ચૂંટણી સભા કરી રહ્યા છે. તેઓ આંધ્રપ્રદેશમાં વિજયવાડા અને અનંતપુર સાથે બેંગ્લુરુમાં પણ જાહેર સભાને સંબોધી રહ્યા છે.વર્ષ ૨૦૦૮માં અસ્તિત્વમાં આવેલો વાયનાડ સંસંદીય વિસ્તાર કૉંગ્રેસની સુરક્ષિત બેઠકોમાંનો એક ગણવામાં આવે છે.વાયનાડ લોકસભા અંતર્ગત વિધાનસભાની સાત બેઠકો આવે છે. જેમાંથી ત્રણ વાયનાડ જિલ્લામાં, ત્રણ મલ્લાપુર જિલ્લામાં અને એક કોઝીઝોડ જિલ્લામાં સમાવિષ્ટ છે.વર્ષ ૨૦૦૯ અને ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી વખતે અહીંથી કૉંગ્રેસના એમ.આઈ. શાનવાસ જીત્યા હતા. જોકે, વર્ષ ૨૦૧૮માં તેમના નિધન બાદ આ બેઠક ખાલી છે.આ બેઠક પર બન્ને ચૂંટણીમાં કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા(સીપીઆઈ) બીજા નંબરે રહી હતી.જોકે, વર્ષ ૨૦૦૯માં કૉંગ્રેસના ઉમેદવારની જીતનું અંતર ૧૫૩,૪૩૯ લાખ મતોનું હતું. જ્યારે વર્ષ ૨૦૧૪માં આ અંતર માત્ર ૨૦,૮૭૦ મતોનું જ હતું.ભારતીય જનતા પક્ષના ઉમેદવાર ૨૦૦૯માં ચોથા નંબરે રહ્યા હતા અને તેમને માત્ર ૩૧,૬૮૭ મત(૩.૮૫) મળ્યા હતા.૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપ અહીં ત્રીજા નંબરે રહ્યો હતો. એ વખતે ભાજપના ઉમેદવારને ૮૦,૭૫૨(૮.૮૩) મતો મળ્યા હતા.હાલની લોકસભાની ચૂંટણીમાં વાયનાડમાં રાહુલ ગાંધીની ટક્કર સીપીઆઈ ઉમેદવાર પી.પી. સુનીર સાથે થશે.તેઓ હાલમાં સત્તાધારી ગઠબંધન એલ.ડી.એફ.ના ઉમેદવાર છે. કેરળની તમામ બેઠકો પર ૨૩ એપ્રિલે મતદાન થવાનું છે.રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના અમેઠી સંસદીય વિસ્તારથી ત્રણ વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં તેમણે ભાજપનાં નેતા સ્મૃતિ ઈરાનીને હરાવીને અમેઠી સીટ પોતાના નામે કરી હતી.કૉંગ્રેસી કાર્યકર્તાઓમાં પાર્ટીના આ નિર્ણયથી ઉત્સાહ દેખાય છે અને પાર્ટી દાવો કરી રહી છે કે દક્ષિણ ભારતમાં કૉંગ્રેસની પકડને વધારે મજબૂત કરવા માટે રાહુલ ગાંધીએ આ નિર્ણય કર્યો છે.જોકે, ભાજપ તેને ’ડરમાં લેવાયેલો નિર્ણય’ ગણાવે છે.ભાજપના અધ્યક્ષ અમિત શાહ કહી ચૂક્યા છે કે રાહુલ ગાંધી ભાજપના ડરથી ભાગી રહ્યા છે.આ તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા બેઠકની પસંદગી કરવા મુદ્દે રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો હતો અને ધર્મના આધારે પસંદગી કરાઈ હોવાનું પણ કહ્યું હતું.પરંતુ સોશિયલ મીડિયા પર એક વર્ગ એવો પણ છે કે જે જમણેરી લોકોના આ તર્ક સાથે અસહમત છે. આ લોકોનું કહેવું છે કે વાયનાડ સંસદીય ક્ષેત્રમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓની વસતી હિંદુઓ કરતાં ઓછી છે.માહિતી અનુસાર વાયનાડ જિલ્લામાં હિંદુઓની વસતી મુસ્લિમો કરતાં ઘણી વધારે નોંધાઈ હતી.વર્ષ ૨૦૧૧ સુધી વાયનાડ જિલ્લામાં આશરે ૫૦% હિંદુ અને આશરે ૩૦% મુસ્લિમ વસતી હતી.પરંતુ વાયનાડ જિલ્લાની જનસંખ્યા વાયનાડ સંસદીય ક્ષેત્રના મતદાતાઓની સંખ્યા તરીકે બતાવવી ખોટી છે.વાયનાડ લોકસભા બેઠકમાં મુસ્લિમ વસતી ધરાવતા મલાપ્પુરમ જિલ્લાનો ખૂબ મોટો વિસ્તાર પડે છે.આ વિસ્તારમાં મુસ્લિમ લીગ પાર્ટીની પકડ છે. આ જ કારણે વાયનાડ સંસદીય ક્ષેત્રમાં મુસ્લિમોની સંખ્યા વધારે છે.વર્ષ ૨૦૧૧માં મલાપ્પુરમ જિલ્લામાં મુસ્લિમોની વસતી હિંદુઓ કરતાં ઘણી વધારે નોંધાઈ હતી.સરકારી આંકડા અનુસાર આ જિલ્લામાં આશરે ૭૪% મુસ્લિમ અને આશરે ૨૪% હિંદુ રહે છે.પરંતુ મલાપ્પુરમ જિલ્લાનો એક ચતુર્થાંશ વિસ્તાર જ વાયનાડ લોકસભા સીટ સાથે જોડાયેલો છે.વાયનાડ લોકસભા સીટમાં આવતા ત્રણ જિલ્લાના મતદારોને જો જોડી દેવામાં આવે તો અહીં ૧૩,૨૫,૭૮૮ મતદાતા છે.નોંધાયેલા મતદારોની સંખ્યા આ ક્ષેત્રમાં રહેતા લોકોની જનસંખ્યા કરતા ઘણી ઓછી છે.કેરળના ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર વાયનાડ સીટ પર ૨૦૧૪ની લોકસભા ચૂંટણી બાદ આશરે ૭૫,૦૦૦ નવા મતદાતા જોડાયા છે.પરંતુ તેમાંથી હિંદુ મતદાતા કેટલા છે અને મુસ્લિમ મતદાતા કેટલા છે? તેનો કોઈ ઔપચારિક આંકડો ચૂંટણીપંચ પાસે હાજર નથી.’ડેટા નેટ’ નામની એક ખાનગી વેબસાઇટે ધર્મના આધારે ભારતના વિભિન્ન સંસદીય ક્ષેત્રોનો ડેટા તૈયાર કર્યો છે.ડૉક્ટર આર. કે. ઠકરાલ આ વેબસાઇટના ડાયરેક્ટર છે કે જેઓ ’ઇલેક્શન એટલસ ઑફ ઇન્ડિયા’ નામનું એક પુસ્તક પણ લખી ચૂક્યા છે.તેમણે જણાવ્યું કે વર્ષ ૨૦૦૧ અને ૨૦૧૧ની વસતીગણતરીના આંકડા અનુસાર, ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ૨૦૦૮ના સીમાંકન રિપોર્ટ અને ગ્રામ્યસ્તર પર જાહેર કરવામાં આવેલી મતદાતાઓની યાદીને આધાર બનાવીને તેમણે ડેટા તૈયાર કર્યો છે.ઠકરાલે જણાવ્યું કે મોટાભાગની ગ્રામીણ વસતી ધરાવતી વાયનાડ લોકસભા ક્ષેત્રમાં હિંદુઓ અને મુસ્લિમોની વસતી લગભગ એકસમાન છે.તેમના અનુમાન પ્રમાણે આ લોકસભા ક્ષેત્રમાં હિંદુ અને મુસ્લિમ, બન્ને ૪૦-૪૫% વચ્ચે છે અને ૧૫% કરતાં વધારે ખ્રિસ્તી સમાજના લોકો વસે છે.વર્ષ ૨૦૦૯ અને ૨૦૧૪ની લોકસભા ચૂંટણીનાં પરિણામો પર નજર કરીએ તો વાયનાડમાં કૉંગ્રેસ પાર્ટીની ટક્કર કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા સાથે રહી છે.વાયનાડ લોકસભા સીટ કેરળનાં ૨૦ સંસદીય ક્ષેત્રોમાંથી એક છે જેને વર્ષ ૨૦૦૯માં કુલ સાત વિધાનસભા સીટને એક કરીને બનાવવામાં આવ્યો હતો.વાયનાડ સીટના કેટલાક ભાગ તામિલનાડુ અને કર્ણાટકની સરહદમાં આવે છે.વાયનાડ જિલ્લો કેરળમાં સૌથી વધારે જનજાતીય વસતી ધરાવતો જિલ્લો માનવામાં આવે છે.તેની અસર વાયનાડ લોકસભા ક્ષેત્ર પર પણ દેખાય છે જેમાં ૯૦% કરતાં વધારે ગ્રામીણ વસતી છે.વાયનાડ લોકસભા ક્ષેત્રમાં ૮૦ કરતાં વધારે ગામડાં છે અને માત્ર ૪ ગામ છે.ચૂંટણીપંચના અનુસાર ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ૯,૧૪,૨૨૬ મત (૭૩.૨૯% મતદાન) પડ્યા હતા જેમાંથી ૩,૭૭,૦૩૫ (૪૧.૨૦%) મત કૉંગ્રેસ પાર્ટીને મળ્યા હતા.તો બીજા નંબર પર રહી ચૂકેલી કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાને ૩,૫૬,૧૬૫ (૩૯.૩૯%) મત મળ્યા હતા.૨૦૧૪માં જ્યારે ભાજપે દેશના બાકી વિસ્તારોમાં સારું પ્રદર્શન કર્યું હતું, ત્યારે વાયનાડમાં ભાજપને આશરે ૮૦ હજાર મત મળ્યા હતા અને પાર્ટી ત્રીજા સ્થાન પર રહી હતી.રાહુલ ગાંધી માટે વાયનાડ બેઠક જ કેમ પસંદ કરવામાં આવી? તેનું એક કારણ એવું પણ છે કે વાયનાડ કૉંગ્રેસનો મજબૂત ગઢ રહ્યો છે.કૉંગ્રેસ નેતા એમ. આઈ. શનવાસ છેલ્લી બે ચૂંટણીઓ જીતી ચૂક્યા છે અને અહીં ભાજપ તો રેસમાં પણ નથી.૨૦૧૪માં એમ. આઈ. શનવાસે સીપીઆઈને હરાવીને આ બેઠક કબજે કરી હતી.એટલું જ નહીં, ૨૦૦૯માં પણ એમ. આઈ. શનવાસે સીપીઆઈના રહમતુલ્લાને હરાવ્યા હતા. નોંધનીય છે કે ૨૦૦૮માં પુનઃસીમાંકન બાદ આ બેઠક અસ્તિત્વમાં આવી છે.આ બેઠક કન્નુર, મલ્લાપ્પુરમ અને વાયનાડ મતવિસ્તાર મળીને બની છે.વાયનાડમાં છેલ્લી ચૂંટણીનો વોટ શૅર જોઈએ તો કૉંગ્રેસને ૪૧.૨૧ ટકા મત મળ્યા હતા, જ્યારે ભાજપને લગભગ ૯ ટકા મળ્યા, અને સીપીઆઈને લગભગ ૩૯ ટકા મત મળ્યા હતા.વોટ શૅરમાં કૉંગ્રેસને ભાજપથી ઓછી પણ સીપીઆઈથી વધુ ચિંતા છે.સીપીઆઈ મજબૂત ટક્કર આપી શકે છે, પણ કેરળમાં ડાબેરીઓ તરફ પણ લોકોનો મોહભંગ થતો જોવા મળી રહ્યો છે.કૉંગ્રેસના સૂત્રોના મતે આ બેઠક પસંદ કરવા પાછળનો હેતુ પાર્ટીના અંતરિક ક્લેશને ખતમ કરવાનો પણ છે.કેરળ કૉંગ્રેસના બે દિગ્ગજ નેતા રમેશ ચેન્નીથ્લા અને ઓમાન ચાંડી વચ્ચે વાયનાડ સીટ બાબતે મતભેદ હતો.વાયનાડ બેઠક પરથી કોણ ઊભું રહેશે એ નક્કી થઈ શકતું નહોતું. હવે રાહુલ ગાંઘીને મેદાન પર ઉતારીને તેનો હલ કાઢવામાં આવ્યો છે.
કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓનું માનવું છે કે કેરળમાં ચૂંટણી લડવા પાછળ વધુ એક સંદેશ છુપાયેલો છે.કૉંગ્રેસ કોશિશ કરે છે કે તેઓ પોતાનું વર્ચસ્વ સમગ્ર દેશમાં સ્થાપિત કરે અને લડત માત્ર ભાજપ સાથે જ નહીં પણ એવા દરેક પક્ષ સામે આપે જે કૉંગ્રેસનો વિરોધ કરે છે.વર્ષ ૨૦૧૪માં રાહુલ ગાંધી અમેઠીથી સતત ત્રીજી વખત સાંસદ બન્યા હતા. તેમણે પોતાના પ્રતિસ્પર્ધી ભાજપનાં સ્મૃતિ ઈરાનીને ૧,૦૭,૦૦૦ મતોથી હરાવ્યાં હતાં. જ્યારે ૨૦૦૯માં કૉંગ્રેસ અધ્યક્ષનું જીતનું અંતર ૩,૫૦,૦૦૦ મતથી પણ વધારે હતું.ત્યારબાદથી ભાજપે ઉત્તર પ્રદેશમાં કાયદેસર રીતે પોતાનો પ્રભાવ ઊભો કર્યો. તેનું પરિણામ બે વર્ષ પહેલાં ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં જોવા મળ્યું.ભાજપે ઉત્તર પ્રદેશમાં ૪૦૪ વિધાનસભા બેઠકોમાંથી ૩૧૨ પર કબજો કર્યો. અમેઠીની લોકસભા બેઠક હેઠળ વિધાસભાની પાંચ બેઠકો આવે છે. જેમાં તિલોઈ, જગદીશપુર, અમેઠી અને ગૌરીગંજ બેઠકોનો સમાવેશ થાય છે.જ્યારે રાયબરેલી જિલ્લાની સલોન વિધાનસભા બેઠક આવે છે. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં આ ૫માંથી ૪ બેઠકો પર ભાજપ અને માત્ર એક બેઠક પર સમાજવાદી પાર્ટીનો વિજય થયો.જોકે, સપા-કૉંગ્રેસ ગઠબંધન કરીને ચૂંટણીમાં ઊતર્યાં હતાં. છતાં જીતી ન શક્યાં.સપાએ ગૌરીગંજ બેઠક જીતી, પરંતુ કૉંગ્રેસને એક પણ બેઠક મળી નહીં.રાહુલ ગાંધી આ પહેલાં માત્ર અમેઠીથી ચૂંટણી લડતા હતા. રાહુલ ગાંધી ત્રણ વખતથી ઉત્તર પ્રદેશની અમેઠી લોકસભા બેઠકના સાંસદ રહ્યા છે.એવા સમાચાર છે કે અમેઠીથી સ્મૃતિ ઈરાની રાહુલ ગાંધીને ટક્કર આપી રહ્યા છે. તે ઉપરાંત મેનકા ગાંધી સુલ્તાનપુરથી ચૂંટણી લડ્યા બાદ અમેઠી પર પણ તેની અસર થઈ શકે છે.આ જોઈને જ રાહુલ ગાંધીએ બે બેઠકો પરથી ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે.ઇંદિરા અને સોનિયા પણ દક્ષિણ ભારતમાંથી ચૂંટણી લડી ચૂક્યા છે.એવું નથી કે કૉંગ્રેસના ટોચના નેતાઓ પહેલી વખત એક સાથે બે બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા છે.ઇંદિરા ગાંધી ૧૯૭૮માં કર્ણાટકની ચિકમંગલૂર બેઠક પરથી લોકસભાની પેટાચૂંટણી જીત્યાં હતાં.જ્યારે સોનિયાએ ૧૯૯૯માં કર્ણાટકની બેલ્લારી બેઠક પર જીત મેળવી હતી. તેમણે સુષમા સ્વરાજને હરાવ્યાં હતાં.બે બેઠકો પર ચૂંટણી લડવામાં હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું પણ નામ ગણી શકાય છે. તેઓ પણ ૨૦૧૪માં વારાણસી અને વડોદરા એમ બે બેઠકો પરથી લોકસભા ચૂંટણી લડ્યા હતા.તેમણે બંને બેઠકો પર જીત હાંસલ કરી હતી. જોકે, બાદમાં તેમણે વડોદરા બેઠક છોડીને વારાણસી બેઠક પસંદ કરી હતી.હવે કૉંગ્રેસ એ પ્રયત્નમાં છે રાહુલ ગાંધી બંને બેઠકો પર જીતે. અમેઠીમાં રાહુલ ગાંધીની સીધી ટક્કર ભાજપના સ્મૃતિ ઈરાની સાથે છે.જ્યારે વાયનાડમાં કૉંગ્રેસના ગઠબંધનવાળા પક્ષ યુનાઇટેડ ડેમૉક્રેટિક ફ્રંટનો સામનો લેફ્ટ ડેમૉક્રેટિક ફ્રંટ સાથે છે. આ બંને બેઠકો પર રાહુલ ગાંધી જીતે અને કઈ બેઠક રાખશે એ તો સમય જ કહેશે.જો કે અનુમાન એવું પણ લગાવવામાં આવી રહ્યું છે કે રાહુલ અમેઠીની બેઠક ભવિષ્યમાં પોતાનાં બહેન પ્રિયંકા ગાંધીને આપી શકે છે.

Related posts

ગુજરાત ચૂંટણી : હાર્દિક, અલ્પેશ , જિગ્નેશની ત્રિપુટી ફ્લોપ પુરવાર થશે

aapnugujarat

વર્ષ ૨૦૪૦ સુધી દુનિયાનાં ઘણાં દેશોમાં પાણીની તંગી સર્જાશે

aapnugujarat

બાલ્ટીક સમુદ્રના તળિયે ઉડતી રકાબી “યુએફઓ”ના અવશેષો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1