Aapnu Gujarat
બ્લોગ

પાણીનો સંગ્રહ કરીને જ જળસંકટ ટાળી શકાય

પાણીનું યોગદાન ફક્ત તરસ છીપાવવા કે આરોગ્ય પૂરતું જ સીમિત નથી. પરંતુ નોકરીઓ ઉભી કરવાથી માંડીને દેશના આર્થિક, સામાજિક વિકાસ તથા માનવજાતના વિકાસ માટે પણ અતિ મહત્વનું છે.કુદરતે આપણને માનવ જાત માટે તમામ સગવડોનું ચક્ર ગોઠવી આપ્યું છે. ખોરાક, પાણી, ખનિજ તેમજ રહેવા યોગ્ય વાતાવરણ કે જેમાં સમયસર ઋતુઓનું આગમન થાય છે. એ માટે આપણે કુદરત કે ભગવાનનો આભાર તો નથી માનતા! પણ, આપણને મળેલા આ તમામ અદ્ભૂત કુદરતી વારસાને ટકાવી રાખવાની દરકાર સુદ્ધાં નથી કરતા.માનવ વસતિ વધતી જાય છે. વસતિ વિકાસને લીધે જમીન તેમજ જંગલો ઘટી રહ્યાં છે. ઘર તેમજ ઔદ્યોગિક એકમોમાં પાણીનો વપરાશ વધી ગયો છે. જેના કારણે પાણીની તંગીનો સામનો આજે સમગ્ર વિશ્વ કરી રહ્યું છે. જંગલો ઘટવાને કારણે ઋતુઓમાં બદલાવ આવી રહ્યો છે. વર્ષાઋતુમાં વરસાદ નથી આવતો. તો શિયાળામાં શીતળતા નથી હોતી.નૅશનલ ઇન્સ્ટિટ્યુશન ફૉર ટ્રાન્સફૉર્મિંગ ઇન્ડિયા (નીતિ) આયોગના અહેવાલ મુજબ ભારત પણ અત્યારના દિવસોમાં ભયાનક જળસંકટનો સામનો કરી રહ્યું છે. આપણા મહાન વૈજ્ઞાનિક અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે અબ્દુલ કલામ પણ એક ગર્ભિત ચેતવણી આપી ગયા છે કે, ‘વિશ્વમાં આગામી યુદ્ધો પાણી માટે લડાશે.’ તેમના આ કથનનો સ્પષ્ટ અર્થ છે ભવિષ્યમાં સમગ્ર વિશ્વ જળસંકટનો સામનો કરશે.આપણને કુદરતી રીતે પ્રાપ્ત થતું શુદ્ધ જળ ક્યાંથી આવે છે. કેટલા વર્ષો સુધી આપણને એ પ્રાપ્ય થશે. એનો આપણે કોઈએ વિચાર કર્યો છે? આપણી પૃથ્વી ઉપર પીવાલાયક શુદ્ધ પાણીનું પ્રમાણ ફક્ત ૩% જ છે. જેમાંથી આપણને પૃથ્વી ઉપર કુલ પાણીમાંથી ૨.૫% થી ૨.૭૫% તાજું તેમજ ચોખ્ખું પાણી મળે છે. એમાંનું ૧.૭૫% – ૨% હિમક્ષેત્રમાંથી આવે છે જે બરફ અને સ્નો રૂપે જામેલું છે. ૦.૫-૦.૭૫% ધરતીની ઉપર તેમજ ભેજવાળી ધરતીમાં સમાયેલું છે. બાકીનું ૦.૦૧% જેટલું પાણી નદી, તળાવ, સરોવર તેમજ કળણ (ભેજવાળી પોચી જમીન કે જે જંગલોમાં જોવા મળે છે.)માંથી પ્રાપ્ત થાય છે.વરસાદનું પાણી તો આજના શહેરીકરણમાં ફુટપાથ તેમજ સિમેન્ટના રસ્તાઓને લીધે જમીનમાં ઊંડે સુધી ઉતરતું નથી. ગામડાંઓમાં તો પાણી રસ્તાઓ પરથી સીધું નદી તેમજ તળાવોમાં જાય છે. પણ વરસાદની ઋતુ જતાંવેત આ પાણી સૂકાઈ જાય છે. કહેવાય છે કે ઠાલાં બેઠાં ખાઈએ તો કુબેરજીનો ભંડાર પણ ખૂટી જાય છે. એટલે જરૂર છે આ વરસાદી પાણી સાચવવાની.એક ઉપાય તરીકે, પાણીની અછતને પહોંચી વળવા માટે વરસાદના પાણીનો સંગ્રહ કરી શકાય છે. જેમ બને તેમ વધુ લોકોએ આ બાબતે સજાગ થઈ જવું જોઈએ અને બને તેટલો વધુ પાણીના બચાવ તેમજ સંગ્રહ માટેનો વિચાર કરવો જોઈએ.આપણા ભારતીય પ્રાચીન ગ્રંથોમાં વરસાદના પાણીના સંગ્રહ તેમજ જાળવણી કરવાની પદ્ધતિનો ઉલ્લેખ છે. આ જ પદ્ધતિનો સુપેરે અમલ પ્રાચીન ભારતીય સભ્યતામાં જોવા મળે છે. એનું ઉત્તમ ઉદાહરણ મોહેન્જોદરો તેમજ હડપ્પાની પાણીની પાઈપ લાઈન તેમજ ડ્રેનેજ પદ્ધતિમાં જોવા મળ્યું છે. જે ૫,૦૦૦ વર્ષ અગાઉ પણ અતિ અદ્યતન હતું. એ ટેક્નિક પુરવાર કરતું શહેર છે ઢોલાવીરા! જે મુખ્યત્વે રણપ્રદેશ છે.બીજું ઉદાહરણ આપણા પ્રાચીન કિલ્લાઓમાં જોવા મળે છે. કિલ્લાઓ ઊંચાઈ ઉપર આવેલાં હોવા છતાં, ત્યાં ઉપર કૂવા, પાણીના ટાંકા તેમજ તળાવ બનેલા જોવા મળે છે. અને આ રીતે પાણી માટેની સુંદર વ્યવસ્થા જોવા મળે છે. આપણા પૂર્વજોનું આ તકનિકી કૌશલ્ય આપણે પણ શીખવા જેવું છે.પ્રાચીન સમયના પશ્ચિમી રાજસ્થાનમાં પણ દરેક ઘરની છત ઉપરથી પાણી સીધું જમીનની અંદર બનાવેલી પાણીની ટાંકીમાં જાય એવી વ્યવસ્થા હતી. મધ્ય પ્રદેશના બુરહાનપુરમાં, કર્નાટકાની ગોલકુંડા અને બીજાપુરમાં તેમજ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જીલ્લામાં તો જમીનની અંદર સુરંગોમાંથી માટીના પાઈપો દ્વારા શહેરના દરેક સ્થળે પાણી પહોંચાડવાની અદ્ભુત વ્યવસ્થા હજુ પણ છે.હવે જો કે આજના ટાઉનપ્લાનરો ઘણાં ઠેકાણે આવી વ્યવસ્થા સાથે નવા બાંધકામો બાંધી રહ્યાં છે. તેમજ આ બાબતે લોકોને જાગૃત પણ કરી રહ્યાં છે. પણ જનજાગૃતિ જોઈએ તેટલી નથી.રણકાંઠાના ગ્રામજનો માટે પાણીના ટીપાંનું પણ મૂલ્ય હોય છે. કચ્છના રણને અડીને ભારત-પાકિસ્તાન સરહદે આવેલ પાટણ જિલ્લાનું ‘એવાલ’ ગામ પાણીની અછત અનુભવતા તમામ ગ્રામજનો અને શહેરીજનોને પ્રેરણા પૂરી પાડે તેવું છે. ૬૩૩ની જનસંખ્યા ધરાવતા આ ગામમાં માત્ર ૧૪૯ મકાનો જ છે. વરસાદ અહીં ઓછો પડે છે, ભૂગર્ભજળ નીચાં છે અને ગામમાં એક જ જર્જરિત કૂવો છે. એક જમાનામાં ગામમાં પાણીની ભયંકર અછત હતી, આજે ગામ પાણીમાં રમી રહ્યું છે. એવું તો આ ગામે શું કર્યું ? તેમણે બીજું કંઈ નહિ પણ વરસાદી પાણીનો સંગ્રહ કર્યો. ગામમાં દરેક મકાનમાં વરસાદી પાણી સંગ્રહ કરવાની વ્યવસ્થા છે. મકાન પર વરસતું વરસાદી પાણી એક જગ્યાએ ભેગું થાય છે. પાઈપલાઈન દ્વારા તે પાણી મકાનની બાજુમાં બનાવેલી ફિલ્ટર ટાંકી સુધી પહોંચે છે અને ત્યાંથી તે પાણી પાંચ કે દસ હજાર લિટરની બનાવેલી અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પહોંચે છે. ગામમાં આવી હવાચુસ્ત ૭૭ ટાંકીઓ છે. ચોમાસા દરમિયાન વરસાદનું પાણી અહીં સંગ્રહ થાય છે અને ગામલોકો આખું વર્ષ આરામથી આ શુદ્ધ અને સાત્ત્વિક પાણીનો વપરાશ કરે છે.અમરેલીથી આઠ કિલોમીટરના અંતરે આવેલું ઈશ્ર્‌વરીયા ગામ. ગામની વસ્તી તો ૨૦૦૦ લોકોની આસપાસ છે પણ શિક્ષણનું પ્રમાણ ૮૦ ટકા ઉપર છે. ગામમાં પીવાના પાણીનો કોઈ આધારભૂત સ્રોત નથી. ભૂગર્ભજળ ૯૦ ફૂટ ઊંડું છે અને તેની ગુણવત્તા પણ નીચી કક્ષાની છે. પાણીની સમસ્યાથી કંટાળીને એક દિવસ ગ્રામજનો એક નિર્ણય લે છે. ગામના દરેક મકાનમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય તેવી વ્યવસ્થા હોવી જોઈએ. આજે ગામના દરેક મકાનમાં આ વ્યવસ્થા છે. દરેક મકાનમાં ૧૦૦૦ લીટરની અન્ડરગ્રાઉન્ડ ટાંકી છે. જ્યાં વરસાદનું પાણી સંગ્રહાય છે. ગામલોકોને પાણીની સમસ્યા લઈ હવે કોર્પોરેશન, નગરપાલિકા કે સરકારી અધિકારીઓ પાસે જવું પડતું નથી. હેંડપંપ ચાલુ કરો એટલે ૨૪ કલાક શુદ્ધ પાણી ગામલોકોને મળી રહે છે.વરસાદી પાણીના સંગ્રહમાં મધ્યપ્રદેશનું દેવાસ શહેર એક બીજું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એક દાયકા અગાઉ દેવાસ પાણીના ભીષણ સંકટમાં ફસાયેલું હતું. લોકો પાણી માટે મારામારી કરતા, આ સંકટે જ ૧૯૯૯માં ગામલોકોને વરસાદી પાણીના સંગ્રહની પ્રેરણા આપી. ‘ભૂગર્ભજળ સંવર્ધન મિશન’ નામનું એક અભિયાન શહેરમાં ચલાવાયું. લોકોએ સાથે મળીને કામ કર્યું. શહેરમાં એક હજાર કરતાં વધારે વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરોનું નિર્માણ કરવામાં આવ્યું, જેના થકી કુલ મળીને આજે એક લાખ પંદર હજાર ક્યુબિક મીટર (એક ક્યુબિક મીટર = ૧૦૦૦ લીટર) પાણી ભૂગર્ભ જળભંડારમાં ઉતારવું શક્ય બન્યું. પરિણામ એ આવ્યું કે શહેરમાં ભૂગર્ભજળ ઘટતું અટકી ગયું.ગુજરાતના વનસંપત્તિ અને સમૃદ્ધિ ધરાવતા ડાંગ જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસતો હોવા છતાં ઢાળવાળા ડુંગર અને ખડકાળ ભૌગોલિક વિસ્તાર હોવાને કારણે જમીનની પાણી સંગ્રહ કરવાની શક્તિ ખૂબ ઓછી છે, જેના કારણે ઉનાળા દરમિયાન ગ્રામવિસ્તારમાં પાણીની તંગી રહે છે. પુષ્કળ વરસાદ છતાં પાણીની તંગી ? આ તો કેવું? આથી પાણીની આ તંગીને નિવારવા માટે ગુજરાત પાણી પુરવઠા વિભાગ આહવા (ડાંગ) દ્વારા એક કાર્યક્રમ ઘડાયો. નક્કી કરવામાં આવ્યું કે ગ્રામજનો માટે વરસાદી પાણીનો સંગ્રહ કરવો અને લોકોને આ સંદર્ભે જાગ્રત કરવા. પાણી પુરવઠા વિભાગે ૩૫૬૭ આદિજાતિ લાભાર્થીઓને તેમના ઘરની છત પર જે વરસાદી પાણી પડતું હતું તેનો સંગ્રહ કરવા તેમના જ ઘરઆંગણે ભૂગર્ભ ટાંકા બનાવી આપ્યા. ઘરની વ્યક્તિ પ્રમાણે ૧૦,૦૦૦, ૧૨,૦૦૦, ૧૫,૦૦૦ લીટરના આ ટાંકા બનાવવામાં આવ્યા છે. ચોમાસું જોરદાર હોય કે ન હોય આ ગામમાં હવે પાણીની અછત વર્તાતી નથી.પાણીની વિકરાળ સમસ્યાને ભૂગર્ભ ટાંકા કે તળાવ કે વરસાદી પાણીનો સંગ્રહ કરી દૂર કરનારાં પ્રેરણારૂપ ઉદાહરણો વિશ્ર્‌વમાં અનેક છે. જળ એજ જીવન છે. કુદરતે આપણને જીવન અને તેને જીવવા માટે સગવડો આપી જ છે. પાણી પણ તે આપે જ છે. બસ આપણે તેને સાચવવાનું છે. ક્યાંક ને ક્યાંક જળ વ્યવસ્થાપ્નમાં આપણે કાચા પડીએ છીએ. તેને ઠીકઠાક કરીએ તો જળસંકટ રહેશે નહીં.

Related posts

જન્માષ્ટમી – પ્રભુ પ્રેમીઓના આનંદની પરાકાષ્ઠા

aapnugujarat

डूंगरपुर उपद्रव किसी बड़े आंदोलन की आहट तो नहीं..?

editor

અહીંયા વ્યક્તિના શોક સભામાં પીરસવામાં આવે છે ચરસવાળી કેક, અને ત્યારબાદ…

aapnugujarat

Leave a Comment

UA-96247877-1