Aapnu Gujarat
ગુજરાત

વોટબેંક મેળવવા માટે કોંગ્રેસે હવે ઓબીસી ટ્રમ્પ કાર્ડ રમ્યું

હાલ રાજ્ય સહિત સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીને લઇને વાયરો વાઇ રહ્યો છે. તમામ પક્ષો લોકસભાની સીટો પર પોતાના સક્ષમ અને મજબૂત ઉમેદવારો શોધવામાં વ્યસ્ત છે. ત્યારે ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણીનો ફિવર જોરદાર ચાલી રહ્યો છે. કોંગ્રેસમાં ઉમેદવારોની ખેંચતાણના કારણે તેઓ મૂંઝવણમાં છે. બીજી બાજુ રાજ્યમાં ઓબીસી વોટબેંક મેળવવા માટે કોંગ્રેસે તૈયારીઓ કરી નાંખી છે. કોંગ્રેસે ઓબીસી મતો અંકે કરવા દરેક જિલ્લાઓમાં ઓબીસી ચેરમેનોની નિમણૂક કરી દીધી છે. કોંગ્રેસે ગુજરાતમાં ઓબીસી ટ્રમ્પકાર્ડ ખોલીને તમામ જિલ્લામાં ઓબીસી ચેરમેનોની નિમણૂંક કરી દીધી છે. જો કે, દરેક જિલ્લામાં ઓબીસી ચેરમેનોની નિમણૂંકોમાં પણ કોંગ્રેસ ભાંગરો વાટયો હોવાની રાજકીય ચર્ચા તેજ બની છે કારણ કે, ગાંધીનગર જિલ્લામાં તાલુકા પંચાયતના બાગી અને સસ્પેન્ડેડ સભ્યને કોંગ્રેસે ઓબીસી ચેરમેન તરીકે નિમણૂંક કરી દીધી છે. કોંગ્રેસે જાતે સસ્પેન્ડ કરેલા મહોતજી ઠાકોરની કરી ગાંધીનગર જિલ્લા ઓબીસી વિભાગના પ્રમુખ તરીકે નિમણૂક કરી છે. ઉલ્લેખનીય છે કે, ઢૂંઢર ઘટના સમયે પરપ્રાંતિયો માટે વિવાદાસ્પદ પોસ્ટ ફેસબૂક પર પોસ્ટ કરતા તેઓની અડાલજ પોલીસે ધરપકડ કરી હતી. ત્યારે કોંગ્રેસે આ નિમણૂંકો ઉતાવળે કરી દીધી હોવાની વાત પણ સામે આવી રહી છે. બીજીબાજુ, ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ભાજપે અમિતભાઇ શાહને જાહેર કરતા બેબાકળી બનેલી કોંગ્રેસે ભાંગરો વાટયો હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતના તમામ જિલ્લામાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે તાલુકા પંચાયતમાં સત્તાથી વિમુખ રાખવા સહિત જિલ્લા પ્રમુખ પર ભ્રષ્ટાચારના આરોપ સર કોંગ્રેસે પાર્ટીમાંથી મહોતજી ઠાકોર સહિત ૬ સભ્યોન સસ્પેન્ડ કર્યા હતા. રાજકારણ સાથે જોડાયેલા સૂત્રોના મતે, કોંગ્રેસ ભાજપના તમામ સીટો પર પોતાના ઉમેદવાર નક્કી થાય તેના બાદ પોતાના ઉમેદવારોને રણભૂમિમાં ઉતારવા માંગે છે.
જેના કારણે તેઓ ભાજપના ઉમેદવાર સામે સક્ષમ ઉમેદવાર ઉભો રાખી શકે. લોકસભાના ઉમેદવારોને લઈ કોંગ્રેસમાં હાલ જોરદાર કોકડું ગૂંચવાયેલું છે. પક્ષનું મોવડીમંડળ તેના નિરાકરણ માટે શકય એટલા પ્રયાસો કરી રહ્યું છે કે જેથી લોકસભા ચૂંટણીમાં સારા પરિણામ અને મહત્તમ બેઠકો મેળવી શકાય.

Related posts

ડિમોલિશન-ગેરકાયદે પાર્કિંગ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ આક્રમક

aapnugujarat

જોધલપીર વંશજ લાલદાસ બાપુનો અવતરણ દિવસ ઉજવાયો

editor

સુસ્કાલ ગામમાં વિદેશી દારૂ ઝડપાયો

editor

Leave a Comment

UA-96247877-1