Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મમતા શાસનમાં અત્યાચાર વધ્યો છે : માલ્દા અને પૂર્ણિયામાં પ્રચાર વેળા રાહુલ આક્રમક દેખાયા

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે બિહાર બાદ પશ્ચિમ બંગાળના માલ્દામાં પણ આક્રમક ચૂંટણી પ્રચાર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પ્રહાર કર્યા હતા. સભા દરમિયાન જનતાની વચ્ચે રાહુલે ચોકીદાર ચોર હૈના નારા લગાવ્યા હતા. સાથે સાથે રાહુલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પણ ઝાટકણી કાઢી હતી.
રાહુલે કહ્યું હતું કે, ચોકીદારે વચન આપ્યું હતું કે, રોજગાર મળશે, ખેડૂતોને લાભ થશે પરંતુ કંઇ પણ થયું નથી. એક બાજુ નરેન્દ્ર મોદી ખોટા નિવેદન કરે છે. બીજી તરફ મમતા બેનર્જી ખોટા વચનો આપે છે. પશ્ચિમ બંગાળમાં માત્ર એક વ્યક્તિ સમગ્ર પ્રદેશને ચલાવે છે. તે કોઇની વાત સાંભળતા નથી. એક વ્યક્તિને સમગ્ર પ્રદેશ ચલાવવાની તક આપવી જોઇએ નહીં.
સભામાં ઉપસ્થિત લોકોને રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, સીપીએમની સરકારે રાજ્યના લોકો જોઇ ચુક્યા છે. ત્યારબાદ મમતા બેનર્જીની સરકાર આવી હતી. આ સરકારમાં પણ અત્યાચાર થઇ રહ્યા છે. કોંગ્રેસના લોકોને માર મારવામાં આવે છે. બંગાળની પ્રગતિ માટે કોંગ્રેસની સરકાર જરૂરી દેખાઈ રહી છે. કોંગ્રેસ પ્રમુખે ફરી એકવાર દોહરાવ્યું હતું કે, મોદીએ સામાન્ય લોકોના પૈસા લઇને અમીરોને આપી દીધા છે. પાંચ વર્ષમાં ચોકીદાર ચોર બની ગયા છે. ખેડૂતોના ઘરમાં ચોકીદાર હોતા નથી. કોંગ્રેસ પ્રમુખે કહ્યું હતું કે, અહીં વિચારધારાની લડાઈ ચાલી રહી છે. છેલ્લા પાંચ વર્ષના ગાળામાં મોદીએ ૧૫ લોકોના ૩૦૦૦ કરોડ રૂપિયા માફ કર્યા છે. મમતા બેનર્જી, અરુણ જેટલી અને મોદી લોકોના દેવા માફ કરતા નથી. દિલ્હીમાં સરકાર કોંગ્રેસની બનશે ત્યારબાદ લોકોના દેવા ઝડપથી માફ થશે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, નોટબંધી કરીને મોદીએ રોજગારને ખતમ કરવાનું કામ કર્યું હતું. નાના દુકાનદારો ખતમ થઇ ગયા હતા. અમારી સરકાર આવ્યા બાદ ગબ્બરસિંહ ટેક્સને ખતમ કરીને સામાન્ય ટેક્સ લાગૂ કરવામાં આવશે. કોંગ્રેસ પાર્ટી સરકારી હોદ્દાઓને તાત્કાલિકરીતે ભરવાનું કામ કરશે. ગરીબી સામે લડત ચલાવશે. સામાન્ય લોકોને પ્રોસેસ કરવાની ફેક્ટ્રી ખેતરોની નજીક લગાવવામાં આવશે. લોકો સાથે ભાવનાત્મક મુદ્દા સ્થાપિત કરવાના પ્રયાસ કરતા રાહુલે કહ્યું હતું કે, દેશમાં જ્યારે પણ કોંગ્રેસની સરકાર બનશે ત્યારે લોકોની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં આવશે. આ કોઇ રાજકીય સંબંધો નથી. શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઓછી આવક વાળા લોકોના ખાતામાં સીધા પૈસા ઉમેરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે,વર્ષ ૨૦૧૯ લોકસભા ચૂંટણી માટે રાજકીય ગરમી ચરમસીમા પર છે ત્યારે પૂર્ણિયામાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર કરીને વડાપ્રધાન મોદી સહિત કેન્દ્ર સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. બેરોજગારી, ખેડૂતોની સમસ્યા, ખેડૂતોની દેવા માફી અને રાફેલના બહાને મોદી ઉપર પ્રહાર કર્યા હતા. રાહુલે સંઘ અને ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, તેઓ મોદી અથવા તો સંઘથી અથવા તો ભાજપથી ભયભીત નથી. માત્ર સચ્ચાઈ લડાઈ તેઓ લડી રહ્યા છે. દરરોજ લોકોના પૈસા લુંટવામાં આવી રહ્યા છે. મોદી દેશના ૧૫ લોકોની ચિંતા કરી રહ્યા છે. ગરીબ લોકોની ચિંતા કરી રહ્યા નથી.
રાહુલે આ ગાળા દરમિયાન આક્ષેપ કરતા કહ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષથી મોદીએ ફ્લોપ ફિલ્મો ચલાવી છે. લોકો મન કી બાત સાંભળી સાંભળીને થાકી ગયા છે. ભાજપ સરકારને બદલવાનો સમય આવી ગયો છે. રાહુલે કહ્યું હતું કે, આના માટે તમામ લોકોના સાથની જરૂર છે. આ ગાળા દરમિયાન રાહુલે કહ્યું હતું કે, ભાજપ, મોદી અને સંઘથી તેઓ ભયભીત નથી.
રાહુલે એમ પણ કહ્યું હતું કે, મોદીએ બે કરોડ લોકોને રોજગારી આપવાની વાત કરી હતી પરંતુ રોજગાર આપવામાં આવ્યા નથી. ખેડૂતોની દેવા માફી પણ કરવામાં આવી નથી. બિહારના લોકોને પોતાની પાર્ટી તરફ આકર્ષિત કરતા રાહુલે કહ્યું હતું કે, જો તેમની સરકાર આવશે તો લઘુત્તમ આવક માટે એક રુપરેખા તૈયાર કરવામાં આવશે. આ રુપરેખા હેઠળ જે લોકો આવશે તેના બેંક ખાતામાં સીધી રકમ જમા કરવામાં આવશે જ્યારે ભાજપના લોકો અમીરોને પૈસા આપી શકે છે તો અમે ગરીબોને પૈસા કેમ આપી શકીએ નહીં.
રાહુલે સંઘ ઉપર પણ પ્રહાર કર્યા હતા. પોતાની સરકારોની પ્રશંસા કરતા કહ્યું હતું કે, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશમાં ખેડૂતોની સ્થિતિ સુધરી રહી છે. સરકાર બન્યા બાદ લોન માફી થઇ રહી છે. રાફેલ ડિલના બહાને મોદી ઉપર પ્રહાર કર્યા હતા. છેલ્લા પાંચ વર્ષમાં ચોકીદાર ચોર બની ગયા છે.

Related posts

બિહારમાં પણ ‘પદ્માવતી’ પર પ્રતિબંધ, નીતિશે કહ્યું- ભણસાલી તમામ પક્ષોને સંતુષ્ટ કરે

aapnugujarat

दिल्ली-एनसीआर : ‘गर्मी का कहर’, अभी नहीं मिलेगी राहत

aapnugujarat

પીએનબી કાંડ : નિરવ સામે પ્રથમ ચાર્જશીટ દાખલ થઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1