Aapnu Gujarat
બ્લોગ

દેશમાં મોદી પછી સૌથી શક્તિશાળી છે અજિત ડોભાલ

દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને એક વધુ મહત્ત્વની જવાબદારી સોંપાઈ હતી. દેશની સ્ટ્રેટેજિક પોલિસી ગ્રૂપના વડા તરીકેની જવાબદારી પણ હવે અજિત ડોભાલ સંભાળી રહ્યાં છે. અત્યાર સુધી નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના એસપીજીની જવાબદારી કેબિનેટસચિવ સંભાળતા હતા અને એટલે જ કેબિનેટ સચિવ દેશના સૌથી શક્તિશાળી અને નંબર વન ઓફિસર ગણાતા હતા, પરંતુ આ સ્થાન અજિત ડોભાલને આપવામાં આવ્યું હતું આથી અજિત ડોભાલની દેશમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પછી સૌથી શક્તિશાળી વ્યક્તિ છે.
અજિત ડોભાલને જે નવી જવાબદારી સોંપવામાં આવી હતી તે ખૂબ જ મહત્ત્વની હતી.૧૯૯૯માં કારગિલ યુદ્ધ પછી નેશનલ સિક્યોરિટી કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી હતી. આ સિક્યોરિટી કાઉન્સિલ દેશમાં આંતરિક, બહારની અને આર્થિક સુરક્ષાના મુદ્દાઓ માટે રણનીતિ બનાવે છે. રાષ્ટ્રીય સિક્યોરિટી કાઉન્સિલમાં અજિત ડોભાલ સાથે ત્રણેય સેનાઓના વડાઓ, આઈબી ચીફ, નીતિઆયોગના ઉપાધ્યક્ષ, કેબિનેટસચિવ, આરબીઆઈના ગર્વનર, ગૃહસચિવ, વિદેશસચિવ, નાણાં ખાતાના સચિવ, ડિફેન્સ સેક્રેટરી, ડિફેન્સ પ્રોડક્શન યુનિટના હેડ, એટોમિક એનર્જીહેડ, સ્પેસ ડિપાર્ટમેન્ટ, નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના સચિવ, રક્ષામંત્રીના એડવાઇઝર, કેબિનટ સેક્રેટરિયેટના સેક્રેટરી, જેવા ૧૮ મહત્ત્વના ઓફિસરોનો સમાવેશ થાય છે. હવે જ્યારે અજિત ડોભાલ આ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલની બેઠક બોલાવશે ત્યારે આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો માટે લાગુ કરવાના રહેશે અને એટલે જ દેશના તમામ આઈએએસ, આઈપીએસ અધિકારીઓની ઉપર અજિત ડોભાલનું વર્ચસ્વ સ્થાપિત થઈ ગયું છે.એક રિટાયર્ડ આઈપીએસ ઓફિસર જ્યારે દેશના સર્વોચ્ચ ઓફિસર બનતા હોય ત્યારે ઘણાંનાં પેટમાં તેલ રેડાયું છે.
આઈપીએસ ઓફિસરની હાથ નીચે આઈએએસ ઓફિસરોને કામ કરવું પડે એ વાત જ ઘણાંને ખૂંચી રહી છે. અજિત ડોભાલ કેરળ કેડરના ૧૯૬૮ની બેચના આઈપીએસ ઓફિસર છે. અજિત ડોભાલે એક પોલીસઓફિસરથી શરૂ કરેલી કારકિર્દી આજે દેશના સર્વોચ્ચ બ્યૂરોક્રેટ્‌સ સુધી પહોંચી છે. તેમાં તેમનો પુરુષાર્થ, આગવી સૂઝ અને જોખમ જાતે ઉઠાવવાની નિષ્ઠા કારણભૂત છે. આજે અજિત ડોભાલની પ્રગતિથી અને તેમને મળેલા હોદ્દાની સરકારમાં બેઠેલા ઘણા બ્યૂરોક્રેટ્‌સ ટીકા કરે છે અને કહે છે કે ૨૦૧૯ની ચૂંટણી પહેલાં કરાયેલી આ નિમણૂક યોગ્ય નથી. કેટલાક રિટાયર્ડ બ્યૂરોક્રેટ્‌સનું કહેવું છે કે નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજિત ડોભાલને દેશમાં સૌથી શક્તિશાળી બ્યૂરોક્રેટ્‌સ બનાવવાનું સરકારનું પગલું કોઈ પણ દૃષ્ટિએ યોગ્ય નથી. સત્તાને એક જ જગ્યાએ કેન્દ્રિત કરવી એ લોકશાહી પરંપરા નથી. તેમનું કહેવું છે કે એક રિટાયર્ડ આઈપીએસ અધિકારીને એસપીજીના હેડ બનાવવાની વાત આઈએએસ અધિકારીઓ પચાવી નહીં શકે અને સરકારનું આ પગલું ફરી એક વાર આઈએએસ અને આઈપીએસ એસોસિયેશન વચ્ચે તણાવ ઊભો કરશે.
૧૯૯૯માં જ્યારે એસપીજીની સ્થાપના કરવામાં આવી ત્યારે સરકાર તરફથી જે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું તેમાં જણાવાયું હતું કે કેબિનેટ સેક્રેટરી તેની અધ્યક્ષતા કરશે, પરંતુ ત્યારબાદ મોદી સરકારે ૧૧ સપ્ટેમ્બરે નોટિફિકેશન બહાર પાડી અને ૮ ઓક્ટોબરે તેને ગેજેટમાં પ્રકાશિત કરી જાહેરાત કરી દીધી હતી કે નેશનલ સિક્યોરિટી એડવાઇઝર હવે એસપીજીના ચેરમેન રહેશે.સરકારે જ્યારે અજિત ડોભાલને પદ આપી દીધું જ છે ત્યારે તેનો વિરોધ જાહેરમાં કરવાની આજના કોઈ બ્યૂરોક્રેટ્‌સની તાકાત નથી. હકીકત એ છે કે અજિત ડોભાલ તેમની સમગ્ર કારકિર્દીમાં જે કામગીરી તેઓએ કરી છે તે કામગીરી બેજોડ છે. આ એ અજિત ડોભાલ છે કે જેમણે ખુલ્લેઆમ પાકિસ્તાનને ધમકી આપી હતી કે મુંબઈને ખૂંચવી લેવાની વાત કરનાર જાણી લે કે અમે તમારું બલૂચિસ્તાન લઈ લઈશું. જાસૂસ તરીકે અજિત ડોભાલે પાકિસ્તાનમાં સાત વર્ષ સુધી મુસલમાન બનીને દેશ માટે જાન હથેલી પર લઈને કામગીરી કરી હતી.
આ અજિત ડોભાલના જાસૂસી કિસ્સાઓ જેમ્સ બોન્ડને પણ ચડી જાય તેવા છે. ૧૯૬૮ની બેચમાં આઈપીએસ ઓફિસર ડોભાલ ૧૯૭૨માં ભારતીય જાસૂસી સંસ્થા આઈબીમાં જોડાયા હતા.પંજાબમાં જ્યારે ઓપરેશન બ્લૂ સ્ટાર ભારતીય સેનાએ કર્યું હતું ત્યારે સેનાને મહત્ત્વની જાણકારી જાસૂસ બનીને અજિત ડોભાલે પૂરી પાડી હતી. આના માટે તે પાકિસ્તાનમાં જાસૂસ બન્યા હતા. ખાલિસ્તાનીઓનો વિશ્વાસ જીતીને તેમની તૈયારીઓની જાણકારી મેળવી લીધી હતી. ૧૯૯૯માં ઈન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ કાઠમાંડુથી હાઇજેક કરાવવામાં આવી હતી ત્યારે દેશ તરફથી મુખ્ય નેગોશિયેટર બનીને તેમણે કંદહાર લઈ જવાયેલી આ ફ્લાઇટના તમામ મુસાફરોને છોડાવ્યાં હતાં. અજિત ડોભાલે કાશ્મીરમાં પણ મહત્ત્વની કામગીરી કરીને આતંકવાદી સંગઠનોના એક લીડરને તોડીને તેની પાસેથી માહિતી કઢાવી હતી. ૧૯૮૦ના દાયકામાં ડોભાલ ઉત્તરપૂર્વમાં સક્રિય રહ્યા હતા અને મિઝો નેશનલ ફ્રન્ટના નેતા લાલ ડેંગાના છ કમાન્ડરોનો વિશ્વાસ જીતી લઈ લાલ ડેંગાને ભારત સરકાર સાથે વાતચીત કરવા મજબૂર કર્યા હતા. ૧૯૯૧માં ખાલિસ્તાન લિબરેશન ફ્રન્ટ દ્વારા અપહરણ કરાયેલા રોમાનિયાના એલચીને બચાવવાની સફળ યોજનામાં અજિત ડોભાલનો હાથ હતો. અજિત ડોભાલની કામગીરીમાં એક મહત્ત્વની ઘટના મ્યાનમારમાં ભારતીય સેનાએ કરેલી ર્સિજકલ સ્ટ્રાઇક છે. પૂર્વોત્તર ભારતમાં સેના પર હુમલો થતાં અજિત ડોભાલે મ્યાનમારમાં ઘૂસીને આતંકવાદીઓ પર હુમલો કરી દીધો હતો, જેમાં ૩૦ જેટલા આતંકવાદીઓ મોતને ભેટયા હતા. છેલ્લે ભારતે પાકિસ્તાન ઓક્યૂપાઇડ કાશ્મીરમાં કરેલ ર્સિજકલ સ્ટ્રાઇક પાછળનું ભેજું પણ અજિત ડોભાલનું હોવાનું કહેવાય છે.ભાજપની સરકાર બની ત્યારબાદ ૨૦૧૪માં દેશના પાંચમા અજિત ડોભાલની નેશનલ સિક્યોરિટી એડવાઇઝર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ સમય દરમિયાન ચીન સાથે ડોકા લા વિવાદ ઉકેલવાની ભૂમિકા હોય કે અમેરિકા સાથે આપણી દોસ્તીમાં થયેલો વધારો હોય આ તમામ અને આવી ઘણી બાબતોમાં અજિત ડોભાલની ભૂમિકા મહત્ત્વની રહી છે. અજિત ડોભાલ દેશના એક માત્ર નાગરિક છે કે જેમને શાંતિના સમયમાં આપવામાં આવતા બીજા સૌથી મોટા એવોર્ડ ર્કીતિચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. આજે જ્યારે અજિત ડોભાલ એસપીજીના વડા બન્યા છે ત્યારે તે કોઈની લાગવગથી નહીં પરંતુ પોતાની ખંત અને નિષ્ઠાનાં પરિણામે બન્યા છે.ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ ગણવામાં આવે છે. એવું નથી કે મોદીના વડા પ્રધાન બન્યા બાદ ડોભાલ ભાજપની નજીક આવ્યા છે. ડોભાલને લાલકૃષ્ણ અડવાણી પણ બહુ મહત્ત્વ આપતા હતા.કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી ડોભાલ પર કોઈ નેતાની માફક નિશાન તાકી રહ્યા છે. ડોભાલની ઓળખાણ એક ચબરાક જાસૂસ અને સંરક્ષણ વિશેષજ્ઞ તરીકેની છે.જોકે, તાજેતરમાં જ ભારત પર થયેલા આતંકવાદી હુમલા અને પડોશીઓ સાથે ખરાબ થયેલા સંબંધોને કારણે ડોભાલની નીતિઓ પર સવાલ પેદા થયા છે.અજિત ડોભાલ પોતે સાત વર્ષ સુધી પાકિસ્તાન રહી ચૂક્યા છે. જોકે, એ સમયે તેમના બૉસ રહેલા અને આઈબી તેમ જ રૉના પૂર્વ પ્રમુખ એ.એસ. દુલત જણાવે છે કે ડોભાલ ત્યાં ભારતીય ઉચ્ચાયોગમાં કાયદેસર પોસ્ટિંગ પર હતા, અન્ડરકવર એજન્ટ તરીકે નહીં.ડોભાલ વિશે એવું પણ કહેવાય છે કે તેમણે ૯૦ના દાયકામાં કાશ્મીરના ખતરનાક ઉગ્રવાદી કુકા પારેનું બ્રૅઇનવોશ કરીને તેને કાઉન્ટર ઇન્સર્જન્ટ બનવા માટે મનાવી લીધો હતો. ૧૯૯૯ના કંદહાર વિમાન અપહરણ દરમિયાન તાલિબાન સાથે વાતચીત કરનારા ભારતીય દળમાં પણ અજિત ડોભાલ સામેલ હતા.’રૉ’માં ડોભાલના પૂર્વ ચીફ દુલત કહે છે, એ વખતે ડોભાલ મારી સાથે સતત સંપર્કમાં હતા. એ એમને જ આભારી હતું કે તેમણે હાઈજેકર્સને મુસાફરોને મુક્ત કરવા માટે તૈયાર કરી લીધા હતા. શરૂઆતમાં તેમની માગ ભારતીય જેલોમાં બંધ ૧૦૦ ઉગ્રવાદીઓને મુક્ત કરાવવાની હતી. જોકે, આખરે માત્ર ત્રણ ઉગ્રવાદીઓ જ છોડવામાં આવ્યા હતા.
ડોભાલના વધુ એક સાથી સીઆઈએસએફના પૂર્વ મહાનિદેશક કે.એમ.સિંહ જણાવે છે, ઇન્ટેલિજન્સ બ્યુરોમાં મારા માનવા અનુસાર ઑપરેશનના મામલે અજિત ડોભાલથી સારો અધિકારી કોઈ નથી આવ્યો.૧૯૯૨માં તેઓ આઈબીમાં કામ કરવા માટે દિલ્હી આવ્યા હતા. બે વર્ષ બાદ તેઓ મિઝોરમ ચાલ્યા ગયા. ત્યાં તેઓ પાંચ વર્ષ રહ્યા અને આ પાંચ વર્ષ દરમિયાન ત્યાં રાજકીય પરિવર્તન થયું. એનો શ્રેય અજિત ડોભાલને આપી શકાય.કે.એમ.સિંહ વધુમાં જણાવે છે, ૮૦ના દાયકામાં પંજાબની સ્થિતિ ખરાબ હતી. તેઓ પંજાબ ગયા અને બ્લેકથંડર ઑપરેશનમાં તેમનું જે યોગદાન રહ્યું તેનું વર્ણન કરવું બહુ મુશ્કેલ છે. ભારતીય પોલીસમાં ૧૩-૧૫ વર્ષની નોકરી કર્યા બાદ જ પોલીસ ચંદ્રક મળે છે. આ અનોખા એવા અધિકારી હતા કે જેમને મિઝોરમમાં સાત વર્ષની નોકરી બાદ જ પોલીસ ચંદ્રક એનાયત કરાયું હતું.સૈન્યમાં કીર્તિ ચક્ર બહુ મોટું સન્માન ગણવામાં આવે છે અને સૈન્યની બહારના લોકોને એનાયત નથી કરાતું. અજિત ડોભાલ એક માત્ર એવા પોલીસ અધિકારી છે કે કીર્તિ ચક્ર એનાયત થયું છે.ડોભાલને ઓળખતા લોકોનું માનવું છે કે ૨૦૦૫માં નિવૃત થયા બાદ તેઓ ગુપ્તચર વર્તૂળોમાં ભારે સક્રિય હતા. ઑગસ્ટ ૨૦૦૫ના વિકિલીક્સના કૅબલમાં ઉલ્લેખ છે કે ડોભાલે દાઉદ ઇબ્રાહિમ પર હુમલો કરવાની યોજના બનાવી હતી. જોકે, મુંબઈ પોલીસના કેટલાક અધિકારીઓને કારણે અંતિમ ઘડીએ તેને અંજામ નહોતો આપી શકાયો.હુસૈન ઝૈદીએ પોતાના પુસ્તક ’ડોંગરી ટૂ દુબઈ’માં આ ઘટનાનું વિસ્તારથી વર્ણન કર્યું છે.જ્યારે નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારે અજિત ડોભાલને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બનાવાયા તો લોકોને આશ્ચર્ય નહોતું થયું.એ બાદ મોદી સરકારમાં તેમની પકડ એવી જામી હતી કે લોકો કહેવા લાગ્યા હતા કે તેમણે ગૃહમંત્રી રાજનાથસિંહ અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની અસર ઘટાડી દીધી છે.એ મામલે કોઈ શંકા નથી કે તેમની દેખરેખમાં ભારતને કેટલીક મોટી સફળતા મળી. પછી તે ફાધર પ્રેમકુમારને આઈએસની ચુંગાલમાંથી મુક્ત કરાવવાનું હોય કે શ્રીલંકામાં શ્રીલંકામાં છ માછીમારોને ફાંસી આપવાના એક દિવસ પહેલાં જ માફ આપવાનું હોય કે દેપસાંગ અને દેમચોક વિસ્તારમાંથી ચાઈનીઝ કૅમ્પને હટાવવાનું હોય, ડોભાલની ચારેય તરફ વાહવાહી થઈ.જોકે, કેટલીય બાબતોમાં તેમને નિષ્ફળતા પણ સાંપડી.
નેપાળ સાથે ચાલતા પ્રશ્નો, નાગાલૅન્ડના આદિવાસો સાથે વાતચીત પર ઊઠેલા પરશ્નો. પાકિસ્તાન સાથે નિષ્ફળ વાતચીત અને પઠાણકોટના હુમલાએ અજીત ડોભાલને સવાલોથી ઘેરી લીધા છે.હાલ ડોભાલ નિશાના પર છે. જો તેમના નેતૃત્વમાં પણ ભારતની પ્રૉ એક્ટિવ સામરિક વિચારધારા ન વિકસે તો એ તેમના કામથી બનાવેલાં જબરદસ્ત ટ્રૅક રિકૉર્ડ પર ડાઘ લગાવી શકે છે.ડોભાલ કદાચ ક્યારેય આવું થવા દેવા ઇચ્છશે નહીં.

Related posts

અમેરિકામાં ‘શટડાઉન’

aapnugujarat

આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ ખતરાજનક બની રહેશે

aapnugujarat

શ્રધ્ધાંજલી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1