Aapnu Gujarat
ગુજરાત

હાર્દિક કોંગ્રેસમાં જોડાવાને લઇ રાજકીય હલચલ વધુ તીવ્ર થઇ

ગુજરાતમાં હવે લોકસભા ચૂંટણીનું રણશિંગુ ફુંકાઈ ચૂકયું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા હવે તડજોડની રાજનીતિ પણ થવા માંડી છે. ભાજપ-કોંગ્રેસની આ ખેંચતાણ વચ્ચે પાટીદાર આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ તા.૧૨મી માર્ચે વિધિવત્‌ રીતે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાઇ જાય તેવો તખ્તો ગોઠવાયો છે. ચારેક દિવસ પહેલાં રાજકોટમાં પાસની કોર કમીટીની મળેલી મહત્વની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવાયો હતો. જેથી હવે હાર્દિક પટેલના તા.૧૨મી માર્ચે કોંગ્રેસમાં જોડાવાને લઇ ગુજરાત રાજકારણની રાજકીય ગતિવિધિ તેજ બની ગઇ છે. એકબાજુ, કોંગ્રેસ હાર્દિકને આવકારવા તૈયાર છે તો બીજીબાજુ, ભાજપ પાટીદારોમાં હાર્દિકનું કોઇ વજન ના રહે તે પ્રકારની વ્યૂહાત્મક રણનીતિ સાથે આગળ વધી રહ્યું છે. સૂત્રોના મતે, છેલ્લી ઘડીયે કોઇ ફેરફાર કે રાજકીય ભૂકંપ ના સર્જાય તો, હાર્દિક પટેલનું કોંગ્રેસમાં જોડાવાનું નક્કી છે. બીજીબાજુ, હાર્દિક પટેલના કોંગ્રેસમાં જોડાવાને લઇ પાટીદાર સમાજમાં મિશ્ર પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. હાર્દિક પટેલ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધીની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કરે તેવી પૂરી શકયતા છે, તેથી હાર્દિકને કોંગ્રેસમાં આવકારવાને લઇને પણ ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જો હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઇ જાય તો, લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને એક મજબૂત યુવા નેતા મળે અને લોકસભા ચૂંટણીમાં ખાસ કરીને પાટીદારોના મત કોંગ્રેસની ઝોળીમાં ખેંચી લાવે તેવી ચર્ચા ચાલી રહી છે. છેલ્લા કેટલાક સમયથી પાસ કન્વીનર હાર્દિક પટેલ હવે કોંગ્રેસમાં ખરેખર જોડાઈ જવાનો છે અને ચૂંટણી પણ લડવાનો છે એવી ચર્ચાઓએ જોર પકડ્‌યું છે. છેલ્લા કેટલાક દિવસથી આ સમગ્ર મામલે પાસ અને કોંગ્રેસમાં પણ આંતરિક ગતિવિધિઓ ચાલી રહી હોવાની વિગતો સામે આવી રહી છે. જેને પગલે હવે હાર્દિક પટેલ કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક છે તે તા.૧૨મી માર્ચના દિવસે જ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાય તેવી પૂરી શકયતા છે. આ સાથે તેઓ લોકસભાની ચૂંટણી જામનગરથી લડશે તેવું પણ મનાઇ રહ્યું છે. તા.૧૨મી માર્ચે અડાલજમાં મળનારી જાહેર સભામાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીની હાજરીમાં હાર્દિક કોંગ્રેસમાં જોડાય તેવું મનાઇ રહ્યું છે. જામનગર અને રાજકોટ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રેલી અને જાહેર સભા કરતા હાર્દિકે છેવટે જામનગરથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જો હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાય તો લોકસભાની ચૂંટણીમાં તે ભાજપના પાટીદારોના મતો તોડે નહી તે માટે ભાજપ અત્યારથી જ હાર્દિકની સામે પાટીદાર સમાજના અગ્રણીઓ અને મોભીઓને હાથ પર લઇ પાટીદારોના મતો ભાજપમાં સુરક્ષિત પાડવાની કૂટનીતિમાં જોતરાયું છે. તા.૧૨મી માર્ચે કોંગ્રેસની વર્કિંગ કમીટીની મહત્વની બેઠક અને સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની જાહેરસભા પણ હોઇ એ દિવસ મહત્વનો મનાઇ રહ્યો છે. એ દિવસે કોંગ્રેસ તરફથી ચૂંટણીલક્ષી વચનોની મહત્વની જાહેરાત થાય તેવી પણ શકયતા છે.

Related posts

M.O.D.I. ફેસ્ટની પૂર્વ તૈયારી : સાંસદશ્રીએ લોક આમંત્રણ પ્રચાર રથને કરાવ્યુ પ્રસ્થાન : વડોદરાના પ્રદર્શન મેદાન પર ત્રણ દિવસનો સુશાસન સિધ્ધિ ઉત્સવ ઉજવાશે

aapnugujarat

GIFT CITYમાં દારૂ પીવાની મળી છૂટ

aapnugujarat

પાવીજેતપુર નગરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારનાર હોમિયોપથી દવા ૧૧,૦૦૦થી વધુ લોકોને અપાઇ

editor

Leave a Comment

UA-96247877-1