Aapnu Gujarat
ગુજરાત

સ્વાઇન ફ્લુ મુદ્દે બધી વિગત આપવાનો ગુજરાત હાઈકોર્ટનો હુકમ

રાજયભરમાં વકરી રહેલી સ્વાઇન ફલુની ગંભીર અને ચિંતાજનક સ્થિતિને લઇ આજે ગુજરાત હાઇકોર્ટે એક તબક્કે રાજય સરકારને ફટકાર લગાવી હતી અને માર્મિક ટકોર કરી હતી. હાઇકોર્ટે સરકાર અને અમ્યુકોને માર્મિક ટકોર કરતાં જણાવ્યું કે, રાજય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ કયા પ્રકારના સમન્વયથી કામ કરે છે?હાઇકોર્ટે સ્વાઇન ફલુને કાબૂમાં લેવા અને તેને અટકાવવા માટેના સરકાર સહિતના સંબંધિત સત્તાવાળાઓ દ્વારા અત્યાર સુધી શું પગલા લેવાયા તે સહિતની બાબતો પરત્વે સરકારપક્ષને મહત્વની પૃચ્છા કરી આવતીકાલે રાજય સરકાર અને અમ્યુકો સત્તાવાળાઓને સ્વાઇન ફલુની સ્થિતિ અને લેવાયેલા પગલા અંગેનો વિગતવાર અહેવાલ રજૂ કરવા આદેશ કર્યો હતો. રાજયમાં વકરી રહેલી સ્વાઇન ફુલની સ્થિતિને લઇ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી રિટ અરજીમાં અરજદારપક્ષ તરફથી હાઇકોર્ટનું ધ્યાન દોરાયું હતું કે, સરકારી તંત્ર અને મ્યુનિસિપલ સત્તાવાળાઓના સંકલનના અભાવે અને સરકારી હોસ્પિટલો તેમ જ દવાખાનાઓમાં યોગ્ય અને ત્વરિત સારવાર ઉપલબ્ધ નહી હોવાના કારણે સ્વાઇન ફલુના દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે અને તેના લીધે સ્વાઇન ફલુથી મોતનો આંક પણ વધી રહ્યો છે. વાસ્તવમાં સરકારી હોસ્પિટલો અને દવાખાનાઓમાં સ્વાઇન ફલુના દર્દીઓની સારવાર માટે પૂરતો સ્ટાફ કે તેના પરિક્ષણ માટે પૂરતી માત્રામાં લેબોરેટરી કે પરિક્ષણની વ્યવસ્થા જ નથી. સરકાર અને સત્તાવાળાઓની બેદરકારી અને ઉપેક્ષાને કારણે નિર્દોષ નાગરિકો સ્વાઇન ફલુના ભરડામાં હોમાઇ રહ્યા છે. આ સંજોગોમાં હાઇકોર્ટે સરકાર સહિતના સત્તાવાળાઓને જરૂરી આદેશો કરવા જોઇએ. દરમ્યાન કેસની સુનાવણીના તબક્કે હાઇકોર્ટે પણ સ્વાઇન ફલુને લઇ રાજયમાં હાલ પ્રવર્તી રહેલી સ્થિતિને લઇ ભારે ચિંતા વ્યકત કરી હતી. હાઇકોર્ટે સરકારપક્ષને ટકોર કરી હતી કે, સ્વાઇન ફલુનો વાયરસ કેવી રીતે ફેલાય છે તે જાણી શકાયું નથી પરંતુ તંત્ર દ્વારા તેને અટકાવવા માટેના શું પગલા લેવાયા તેની પર ભાર મૂકી શકાય. જો સરકાર અને તંત્ર બરોબર રીતે કામ કરતું હોય તો સ્વાઇન ફલુની સ્થિતિ આટલી બધી વકરી કેવી રીતે. હાઇકોર્ટે સ્વાઇન ફલુગ્રસ્ત વિસ્તારોમાં તેના વાઇરસને ડામવા અને દર્દીઓને બચાવવા તેમ જ લોકોના આરોગ્યના રક્ષણ માટે સરકાર-સત્તાવાળાઓ દ્વારા શું પગલા લેવાયા તે સહિતની તમામ વિગતો આવતીકાલે રજૂ કરવા હાઇકોર્ટે સરકારને હુકમ કર્યો હતો.

Related posts

પાવાગઢ પોલીસે પાંસ શખ્સોને પિસ્તોલ – કારતુસ સાથે ઝડપ્યા

editor

વિરમગામના સિધ્ધનાથ મહાદેવ ખાતે સામાજીક સમરસતા મહાયજ્ઞ યોજાયો

aapnugujarat

કચરાના ઢગ દૂર કરી સ્વસ્થ ગુજરાતનું નિર્માણ કરાશે : મુખ્યમંત્રી રૂપાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1