Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લોકપાલની નિયુક્તિની માંગણી સાથે રાલેગણ સિદ્ધિમાં અણ્ણા હજારેનાં અનશનનો પ્રારંભ

સામાજિક કાર્યકર અણ્ણા હજારેએ ફરી એક વખત આંદોલન અને અનશનની શરૂઆત કરી છે. આજે સવારના ૧૦ વાગ્યાથી મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં આવેલા પોતાના ગામ રાલેગણ સિદ્ધિમાં અણ્ણાએ અનશનનો પ્રારંભ કર્યો છે. લોકપાલની નિયુક્તિના મુદ્દે અણ્ણાએ હવે કેન્દ્રની મોદી સરકાર સામે રણશિંગું ફૂંક્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને લોકાયુક્ત નિયુક્ત કરવાની માગણી કરી હતી.અણ્ણાએ જણાવ્યું હતું કે લોકપાલ કાયદો બન્યાને પાંચ વર્ષ થઈ ગયાં છતાં પણ મોદી સરકાર વારંવાર બહાનાબાજી કરી રહી છે. મોદી સરકારના દિલમાં નિયુક્તિની ભાવના હોત તો શું તેમાં પાંચ વર્ષ લાગ્યાં હોત. મારાં અનશન કે આંદોલન કોઈ વ્યક્તિ કે પક્ષ વિરુદ્ધ નથી, સમાજ અને દેશની ભલાઈ માટે હું વારંવાર આંદોલન કરતો રહ્યો છું, એ પ્રકારનું જ આ આંદોલન છે.થોડા દિવસ પહેલાં પીએમ મોદીને લખેલા એક પત્રમાં અણ્ણાએ આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકાર દેશવાસીઓ સાથે વિશ્વાસઘાત કરી રહી છે. લોકપાલ અને લોકાયુક્ત જેવા મહર્ત્ત્વપૂર્ણ કાયદા પર અમલ થઈ રહ્યો નથી અને સરકાર વારંવાર આ મુદ્દે જુઠ્ઠું બોલી રહી છે તે હું સહન કરી શકતો નથી. આ માટે હું મહાત્મા ગાંધીની પુણ્યતિથિ (૩૦ જાન્યુઆરી)થી આંદોલન કરીશ.અણ્ણા હજારેએ સ્પષ્ટપણે જણાવી દીધું છે કે આ વખતે કોઈ રાજનૈતિક દળ તેમના આ આંદોલનમાં સામેલ થશે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ, શાંતિ ભૂષણ અને કુમાર વિશ્વાસ જેવા કેટલાક જૂના સાથીઓ અણ્ણાના આંદોલનને સમર્થન આપવા રાલેગણ સિદ્ધિ આવે તેવી શક્યતા છે.ઉલ્લેખનીય છે કે આ અગાઉ વર્ષ ર૦૧૧-૧રમાં અણ્ણા હજારેની આગેવાનીમાં રાજધાની દિલ્હીના રામલીલા મેદાન ખાતે તત્કાલીન યુપીએ સરકાર સામે મોટું આંદોલન કરવામાં આવ્યું હતું. આ આંદોલનમાં સામેલ અનેક ચહેરાઓ હવે દેશની રાજનીતિમાં આવી ગયા છે, તેમાં દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટી (આપ)ના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલનો પણ સમાવેશ થાય છે. તેઓ એક જમાનામાં અણ્ણાના ખાસ વિશ્વાસુ અને સૌથી નજીકના કાર્યકર હતા. અણ્ણાના અન્ય એક ખાસ વ્યક્તિ કિરણ બેદી પુડ્ડુચેરીના રાજ્યપાલ તરીકે ફરજ બજાવે છે.
લોકપાલ બિલ ૧૩ ડિસેમ્બર, ર૦૧૩ના રોજ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. ચાર દિવસ બાદ ૧૭ ડિસેમ્બરે આ બિલ રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું, તેના આગળના દિવસે એટલે કે ૧૮ ડિસેમ્બર, ર૦૧૩ના રોજ આ બિલ લોકસભામાંથી પણ પસાર થયું હતું, પરંતુ હજુ સુધી લોકપાલ નિયુક્ત કરવામાં આવ્યા નથી.લોકપાલની નિયુક્તિ અંગેના મામલે ગત ગુરુવારે સુપ્રીમ કોર્ટે આગામી સુનાવણી માટે ૭ માર્ચની તારીખ નક્કી કરી હતી. આ સાથે જ સુપ્રીમ કોર્ટે સરકાર પાસે લોકપાલની નિયુક્તિ માટે કરવામાં આવેલા પ્રયત્નનો એક વિસ્તૃત અહેવાલ પણ માગ્યો છે. સુપ્રીમે લોકપાલ સર્ચ કમિટીને આદેશ આપ્યા છે કે તે લોકપાલ અને તેના સભ્યોનાં નામની પસંદગી કરવાનું કામ ફેબ્રુઆરીના અંત સુધીમાં પૂરું કરી નાખે.

Related posts

શેરબજારમાં મંદી : સેંસેક્સમાં ૨૩૬ પોઇન્ટનો ઘટાડો

aapnugujarat

पुलवामा में आतंकियों ने किया हमला

editor

Anti-Corruption Bureau issued notice to former CM Mehbooba Mufti regarding appointments of J&K Bank

aapnugujarat

Leave a Comment

UA-96247877-1