Aapnu Gujarat
ગુજરાત

AMTSનું ૪૮૮.૦૮ કરોડનું બજેટ મંજુર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એએમટીએસનું વર્ષ ૨૦૧૯-૨૦નું બજેટ રેવન્યુ ખર્ચ રૂ.૪૭૨.૩૦ કરોડ અને કેપીટલ ખર્ચ રૂ. ૧૫.૭૮ કરોડ મળીને કુલ રૂ.૪૮૮.૦૮ કરોડનું બજેટ આજે એએમટીએસ કમીટીની બેઠકમાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. ટ્રાન્સપોર્ટ મેનેજરે મૂકેલા રૂ.૪૮૧.૯૮ કરોડના બજેટમાં ટ્રાન્સપોર્ટ કમીટીએ રૂ.૬.૧૦ કરોડનો સુધારો કરવાથી કુલ બજેટ રૂ.૪૮૮.૦૮ કરોડનું મંજૂર થયું હતું. એએમટીએસના બજેટની સૌથી આશ્ચર્યજનક અને નોંધનીય વાત એ હતી કે, શહેરમાં નગરજનોની વધેલી વસ્તી સામે એએમટીએસ દ્વારા એક પણ નવી બસ મૂકવાની જાહેરાત થઇ નથી. એટલું જ નહી, ગત વર્ષના બજેટ કરતાં આ વખતના બજેટની રકમ ઓછી જોગવાઇ કરાઇ છે. કરકસરના ભાગરૂપે અમ્યુકો પરનું આર્થિક ભારણ ઘટાડવાનો પ્રયાસ કરાયો હોય તેમ જણાય છે. દરમ્યાન આ અંગે એએમટીએસના ચેરમેન અતુલ ભાવસારે જણાવ્યું હતું કે, એએમટીએસની વિવિધ પ્રકારની જવાબદારીઓ અને કામગીરીના નિભાવ માટે ખાસ અલાયદુ એસ્ટેટ સેલ ઉભુ કરવાનું આયોજન કરાયું છે. સાથે સાથે શહેરમાં વિવિધ બસ સ્ટેન્ડ, ટર્મિનસ પર રીક્ષાઓ અને અન્ય વાહનો ઉભા રહેતા હોવાથી બસોને બસ સ્ટેન્ડ સુધી પહોંચવામાં તકલીફ પડતી હોઇ આ સમગ્ર મામલે શહેર પોલીસ કમિશનર સાથે ચર્ચા વિચારણા કરી આ સમસ્યાનો કાયમી નિકાલ લાવવાની દિશામાં આયોજન કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ(એએમટીએસ)ના બજેટ અંગે ચેરમેન અતુલ ભાવસાર અને મેયર શ્રીમતી બીજલબહેન પટેલે જણાવ્યું હતું કે, એએમટીએસના કુલ રૂ.૪૭૨.૩૦ કરોડના રેવન્યુ બજેટમાં કોઇ ફેરફાર સૂચવાયો નથી. જો કે, કેપીટલ બજેટમાં રૂ.૬.૧૦ કરોડના વધારા સાથે રૂ.૧૫.૭૮ કરોડનું સૂચવાયું છે. આમ ૨૦૧૯-૨૦ના વર્ષના કુલ બજેટ રૂ.૪૮૧.૯૮ કરોડને બદલે ટ્રાન્સપોર્ટ કમીટીએ રૂ.૬.૧૦ કરોડાના સુધારા સાથે કુલ બજેટ રૂ.૪૮૮.૦૮ કરોડનું મંજૂર કરાયું છે. અમદાવાદ શહેરમાં સને તા.૧-૪-૧૯૪૭થી થયેલી એએમટીએસ એ દેશની પ્રથમ ટ્રાન્સપોર્ટ સેવા હતી, જે છેલ્લા ૭૨ વર્ષોથી સતત કાર્યરત છે. શહેરના નગરજનોની સેવા માટે એક સમયે ૩૮ રૂટો પર ૧૧૨ બસોની સેવા ઉપલબ્ધ હતી, જેની સામે આજે શહેરમાં વધેલા વિસ્તાર ૪૭૦ કિ.મી.ને ધ્યાનમાં રાખીને ખાનગી ઓપરેટરોની ૬૦૬ બસો અને અમ્યુટ્રાસની ૧૩૫ બસો મળી કુલ ૭૪૧ જેટલી બસો દોડાવવામાં આવી રહી છે. એએમટીએસ અને બીઆરટીએસ બસોના રૂટોનો અભ્યાસ કરવા માટે ખાસ પ્રકારે એએમટીએસ અને બીઆરટીએસના અધિકારીઓની એક કમીટીની રચના કરી ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને પ્રવાસીઓને વધુ ત્વરિત અને અસરકારક સેવા આપવા માટેનો અહેવાલ તૈયાર કરાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખાનગી બસ સંચાલનમાં જે કંઇ અનિયમિતતા કે ક્ષતિઓ હશે તેનું મોનીટરીંગ કરી તેના નિરાકરણની દિશામાં અસરકારક પ્રયાસો હાથ ધરવાનું પણ નક્કી કરાયું છે. શહેરમાં ફરતી તમામ બસોમાં સમય સારણી મૂકવામાં આવશે. સાથે સાથે વિવિધ રૂટોનો ટ્રીપવાઇઝ વકરો(નફો) ચેક કરી તેની ફ્રિકવન્સી અને ટાઇમટેબલમાં જરૂરિયાત પ્રમાણે સુધારો અને ફેરફાર પણ કરાશે. એએમટીએસના હાલ ૧૪૭ ઓપરેશનલ રૂટો સંચાલનમાં છે. આ સિવાય રાહતભર્યા નિર્ણયમાં, મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળામાં તેમ જ ખાનગી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને અટીરા, ઇસરો, ફિઝીકલ રિસર્ચ લેબોરેટરી(પીઆરએલ), કોમ્યુનીટી સાયન્સ સેન્ટર(સીએસસી) જેવી સંસ્થાઓના શૈક્ષણિક પ્રવાસ માટે રાહત દરે બસો આપવાનું ઠરાવાયું છે.

Related posts

વાસણ-ધાણધા રોડપર યુવક વિજડીપી પર ચઢી ગયો, માનસિક અસ્વસ્થ હોવાનું અનુમાન

editor

નરોડા વિસ્તારમાં મહામંડલેશ્વરના પાંચ લાખ રોકડા-દાગીનાની ચોરી થઇ

aapnugujarat

વડોદરાના સ્મશાનોમાં પોલીસ બંદોબસ્ત

editor

Leave a Comment

UA-96247877-1