Aapnu Gujarat
ગુજરાત

મહિલા કોન્સ્ટેબલના પ્રેમ પ્રકરણનો વિવાદ : ડીવાયએસપી પંચાલના નામે મહિલા તબીબે આપેલ ધમકી

ભુજ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ તેના જ સાથી કોન્સ્ટેલબ કર્મચારી સાથે પ્રેમ પ્રકરણમાં નાસી ગયા બાદ આ સમગ્ર પ્રકરણમાં ભુજ ડીવાયએસપી દ્વારા યુવતીને ભગાડી જનાર કોન્સ્ટેબલને છાવરવાના પ્રયાસ અને મહિલા કોન્સ્ટેબલ યુવતીના પરિવારજનો પાસેથી રૂ.પાંચ લાખની લાંચ માંગવાના પ્રકરણનો સમગ્ર મામલો વધુ વકરતો જાય છે. એકબાજુ, ભાગી ગયેલી મહિલા કોન્સ્ટેબલ પુત્ર પરિવારજનોને હજુ સુધી મળી નથી પરંતુ ઉલ્ટાનું સામા પક્ષ તરફથી યુવતીના પરિવારજનોને ડીવાયએસપી જે.એન.પંચાલ અને તેમના માણસો અથવા તો ઓળખીતાઓ દ્વારા એક યા બીજા પ્રકારે ધાક-ધમકી અને ડરાવી-ધમકી માનસિક ત્રાસ અને પજવણી ચાલુ રખાયા છે. હવે આ સમગ્ર મામલામાં પાટણ ખાતે રહેતા યુવતીના ભાઇ માહિર દેસાઇ અને તેમની મોટી બહેનને પાટણની મહિલા ડોકટર ડો.હસુમતી મનનભાઇ પટેલે ફોન પર એકસીડન્ટમાં મરાવી નાંખવાની અને હવે આ કેસમાં શાંતિથી બેસી રહેવા ખતરનાક ધમકી આપતાં જોરદાર વિવાદ સામે આવ્યો છે. ડો.હસુમતી પટેલે ફોનમાં તેના પતિ મનન પટેલની પહોંચ ઉપર સુધી હોવાનો દમ પણ માર્યો છે. જેને પગલે ગભરાઇ ગયેલા પરિવારજનોની સુરક્ષા અને સલામતી માટે યુવતીના ભાઇ માહીર દેસાઇએ પાટણ ડીએસપી, રાજયના ડીજીપી અને કચ્છ-ભુજના રેન્જ ડીઆઇજી સહિતના સત્તાવાળાઓને લેખિત ફરિયાદ કરી છે, જેને પગલે હવે મહિલા કોન્સ્ટેબલના પ્રેમ પ્રકરણનો મામલો વધુ ગરમાયો છે. યુવતીના ભાઇ માહીર દેસાઇએ પાટણના સેવન ઇલેવન કોમ્પલેક્ષમાં ઓમ કલીનીક ધરાવતા ડો.હસુમતી પટેલ, તેમના પતિ મનન પટેલ સહિતના લોકો વિરૂધ્ધ ઉચ્ચ પોલીસ સત્તાધીશોને કરેલી ફરિયાદ ગંભીર આરોપ લગાવ્યો છે કે, ડો.હસુમતી પટેલે તા.૧૭-૧-૧૯ના રોજ તેને ફોન કરી ધમકી આપી હતી કે, તુ શાંતિથી ઘર ઝાલીને બેસી જજ નહીતર તને એકસીડન્ટમાં મરાવી નાંખીશ, કોઇને ખબર પણ નહી પડે અને તારી બહેનને ભુલી જજે. તેની જવાબદારી મારી શિરે છે કેમ કે, મારે ડીવાયએસપી,ભુજ જે.એન.પંચાલ સાહેબના સંબંધ સારા છે અને તેઓએ મને જણાવેલ કે, આ લોકોને કંઇપણ થવું જોઇએ નહી પણ કોઇપણ રીતે આ લોકોને શાંત કરી દો, કંઇપણ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી મારી છે. માહીરે આ જ પ્રકારની ધમકી ડો.હસમુતી પટેલ દ્વારા તેની મોટી બહેનને અપાઇ હોવાની વાત પણ ફરિયાદમાં કરી છે. ફરિયાદી ભાઇએ સત્તાધીશો સમક્ષ ગુહાર લગાવી છે કે, આ પ્રકરણમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને અસમાજિક તત્વોની મિલીભગત હોઇ તેમની અને તેમના પરિવારજનોની જાન જોખમમાં છે અને આરોપીઓ ગમે તે હદે જઇ શકે તેમ છે, તેથી સમગ્ર મામલાને ગંભીરતાથી લઇ આ પ્રકરણમાં કાયદેસર કાર્યવાહી કરવા અનુરોધ છે. ઉલ્લેખનીય છે કે, ચકચારભર્યા આ પ્રકરણમાં રબારી સમાજની પુત્રી અને તેના પરિવારજનોની પડખે ગોપાલક રચનાત્મક સમિતિ(ગોરસ સમિતિ) ચિત્રમાં આવી હતી. થોડા દિવસ પહેલાં ગુજરાત પ્રદેશ ગોરસ સમિતિના પ્રમુખ જીતુ રાયકાની આગેવાની હેઠળ સમાજના આગેવાનો અને હોદ્દેદારોએ ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થઇ આ સમગ્ર મામલે રાજયના ડીજીપીને વિગતવાર આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. સાથે સાથે આ કેસમાં ભ્રષ્ટાચારી ડીવાયએસપી જે.એન.પંચાલ વિરૂધ્ધ તાત્કાલિક કાયદાનુસાર પગલાં લેવા અને યુવતીના પરિજનોને પોલીસના ત્રાસમાંથી મુકિત અપાવવા માંગણી કરાઇ હતી. જો કે, આશ્ચર્યની વાત એ છે કે, હજુ સુધી ઉચ્ચ પોલીસ સત્તાધીશો દ્વારા આ સમગ્ર મામલામાં કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઇ હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

Related posts

ગુજરાતમાં ૪૮ કલાકમાં ભારે વરસાદની આગાહી

aapnugujarat

વટવામાં ભાઈબીજનાં દિવસે પતિ-પત્ની વચ્ચે ઝઘડો : પત્નીએ આપઘાત કર્યો

aapnugujarat

શહેરમાં ચિકનગુનીયાના કેસમાં ૬૮ ગણો વધારો થતાં તંત્ર ચિંતિત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1