Aapnu Gujarat
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતમાં ૪૮ કલાકમાં ભારે વરસાદની આગાહી

સમગ્ર ગુજરાતમાં ગઇકાલથી મેઘરાજાનું વિધિવત્‌ આગમન થઇ ગયુ છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ૪૮ કલાકમાં ગુજરાત રાજયના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી ચાર દિવસમાં ચોમાસું સક્રિય રીતે આગળ વધશે. વરસાદની આગાહીને પગલે રાજ્યભરમાં એનડીઆરએફ સહિતની રાહત અને બચાવ ટીમોને પણ તંત્ર દ્વારા સતર્ક અને સાબદી કરી દેવામાં આવી છે. બીજીબાજુ, અમદાવાદ શહેર સહિત રાજયભરમાં આગામી ચાર દિવસ સુધી મેઘરાજાની મીઠી મહેર ચાલુ રહેવાની પણ પૂરી શકયતા છે. હવામાન વિભાગ દ્વારા ૪૮ કલાક સુધી ગુજરાત રાજયના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીને પગલે આ વિસ્તારોના જિલ્લા વહીવટી તંત્ર પણ સાબદા થઇ ગયા છે. કંટ્રોલ રૂમથી તમામ જિલ્લા સાથે સંકલન શરૂ કરાયુ છે. જો કે, હવામાન વિભાગની આગાહીને પગલે સરકાર દ્વારા તમામ જિલ્લા વહીવટી તંત્રને પણ સતર્ક રહેવા સૂચના પણ આપી દેવાઇ છે. તો સાથે સાથે એનડીઆરએફ, ફયરબ્રિગેડ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિતની રાહત અને બચાવ ટીમોને પણ સતર્ક અને સાબદા રહેવાની સૂચનાઓ જારી કરાઇ છે. હાલ ગુજરાતમાં એનડીઆરએફની ૧૦ ટીમો કાર્યરત છે જેમાં વડોદરામાં ૪, સુરત અને અમરેલીમાં એક-એક, ગાંધીનગરમાં ૩, હિંમતનગરમાં એક ટીમ તૈનાત કરાઈ છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આગામી ચાર દિવસમાં રાજયભરમાં ચોમાસું સક્રિય રીતે આગળ વધશે અને તા.૨૬મી સુધીમાં સમગ્ર ગુજરાતમાં સારો કહી શકાય તેવો વરસાદ પડશે. હાલમાં ઉત્તર કોંકણથી દક્ષિણ ગુજરાત સુધીના વિસ્તારમાં એક સાઈક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ થઈ ગયું છે. તેમજ કેરળથી દક્ષિણ ગુજરાતના સમુદ્ર તટમાં પણ ઓફશોર ટર્કની સ્થિતિ છવાયેલી જોવા મળી છે. આ બંને સિસ્ટમ ચોમાસાને આગળ વધવા માટે મદદરૂપ થશે. બીજીબાજુ, તા.૨૭મીએ સુરત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો, અમદાવાદ શહેર સહિતના રાજયના મોટાભાગના વિસ્તારોમાં આગામી ચાર દિવસ સુધી મેઘરાજાની મીઠી મહેર ચાલુ રહેવાની શકયતા છે. ગઇકાલે રાજયના ૯૭ તાલુકાઓમાં વરસાદ નોધાયા બાદ આજે રાજયના કેટલાક વધુ તાલુકાઓમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી લીધી હતી, જેને લઇ રાજયભરમાં એકંદરે ઠંડુ અને આહ્લાદક વાતાવરણ જોવા મળી રહ્યું છે. સિઝનના આરંભમાં ઉમરગામ તાલુકામાં ૮ કલાકમાં ૬ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે ડાંગ અને સુરત જિલ્લામાં પણ વરસાદે હાજરી પુરાવી ૧થી ૨ ઇંચ સુધી ખાબક્યો હતો. આ સાથે જ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. મેઘરાજાની મહેરને પગલે ગરમી અને ઉકળાટથી છૂટકારો મળતા રાજયના પ્રજાજનોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ગગડીને ૩૩.૪ ડિગ્રી રહ્યું હતું.
રાજ્યના અનેક ભાગોમાં વરસાદ થયો હતો જેમાં વડોદરા, સુરત, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, મહુવાનો પણ સમાવેશ થાય છે. અમદાવાદમાં વરસાદી માહોલના કારણે તાપમાનમાં એકાએક નોંધપાત્ર ઘટાડો થયો છે. ગુજરાતમાં મોનસુનની એન્ટ્રી થઇ ગયા બાદ કૃષિ સમુદાય અને સરકારને પણ રાહત થઇ છે. આગામી દિવસોમાં વધુ ધોધમાર વરસાદનો દોર રહે તેવી શક્યતા છે. કારણ કે હવામાન વિભાગ તરફથી ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી ચુકી છે.

Related posts

ભારત-શ્રીલંકાની વચ્ચે આજે એકમાત્ર ટ્‌વેન્ટી જંગ ખેલાશે

aapnugujarat

રાહુલ ગાંધીના ૫૫ લાખ નવ કરોડમાં કઈ રીતે ફેરવાયા : સંબિત પાત્રા

aapnugujarat

ઉન્નાવ ગેંગરેપ : સેંગર સામે આક્ષેપોને સમર્થન મળ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1