Aapnu Gujarat
બ્લોગ

૨૦૧૯માં નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીની કસોટી

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના રાહુલ ગાંધીની ૨૦૧૯માં કસોટી થવાની છે. આ વર્ષમાં દેશની લોકસભાની ચૂંટણી આવી છે, તેની સાથે સાથે આઠ રાજ્યોની ચૂંટણી પણ નિર્ધારિત છે. હાલ દેશમાં નરેન્દ્ર મોદી વર્સિસ ઓલ જેવો માહોલ છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ માટે આ ચૂંટણી જંગ સૌથી વધુ મહત્વનો સાબિત થાય તેમ છે. ભારતના ચૂંટણી પંચે લોકસભાની સામાન્ય ચૂંટણીની સાથે દેશના આઠ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પણ નિર્ધારિત કરી છે. આ રાજ્યો પૈકી ચારથી પાંચ વિધાનસભાની ચૂંટણી લોકસભાની સાથે કરવાનો ચૂંટણી પંચનો પ્લાન છે. ૨૦૧૯નું વર્ષ મોદીયુક્ત ભાજપ અને રાહુલ યુક્ત કોંગ્રેસ માટે બળાબળના પારખાં કરાવશે.લોકસભા સાથે સિક્કીમ, અરૂણાચલ પ્રદેશ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર ઝારખંડ અને જમ્મુ-કાશ્મિર વિધાનસભાની પણ ચૂંટણી યોજાઈ શકે છે.ભારતમાં એક તબક્કે એનડીએ પાસે ૨૧ રાજ્યોની બહુમતિ હતી પરંતુ ભાજપના હાથમાંથી આંધ્રપ્રદેશ, જમ્મુ-કાશ્મિર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જેવા રાજ્યો જતાં રહેતાં દેશના રાજ્યોમાં શાસનની સંખ્યામાં ચોંકાવનારો ઘટાડો થયો છે. હાલ દેશના ૨૯ રાજ્યો પૈકી ૧૬ રાજ્યોમાં ભાજપ અને એનડીએની સરકાર છે. હવે ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે તેની સાથે સાથે ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર સહિત આઠ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ ૨૦૧૯ના વર્ષમાં થવાની છે. આ વખતે લોકસભાની ચૂંટણી અતિ મહત્વની બની રહેવા સંભવ છે, કારણ કે મેદાનમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ વિરૂદ્ધ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી છે. બીજી પાર્ટીના ઉભરતા નેતાઓમાં અખિલેશ યાદવ, માયાવતી અને મમતા બેનરજી મોદીને બીજીવાર સત્તામાં આવતા રોકવાના પ્રયાસો કરી શકે છે.દેશમાં આજે નોટબંધીની નેગેટીવ અસરો, ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સની માયાજાળ, મોંઘવારી, બેકારી અને કથળતી જતી આર્થિક સ્થિતિ લોકસભામાં પ્રચાર મુદ્દા બની રહેવા સંભવ છે. કોંગ્રેસ અને વિપક્ષ પાસે મોટું હથિયાર રાફેલ ડીલ છે, તો ભાજપ પાસે હજી પણ કોંગ્રેસ સરકારના કૌભાંડો તેમજ પરિવારવાદના મુદ્દા જીવંત છે. ૨૦૧૪માં નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટરના કેન્ડિડેટ હોવાથી ગુજરાત અને રાજસ્થાને ભાજપને તમામ બેઠકો જીતાડી આપી હતી. આ વખતે માહોલ અલગ છે. ઉત્તરપ્રદેશમાં સપા અને બસપાનું ગઠબંધન ભાજપને ભારે પડી શકે છે, તો પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી વાઘણની જેમ નરેન્દ્ર મોદી અને અમિત શાહની પાછળ પડ્યાં છે. બિહારમાં લાલુ પ્રસાદની પાર્ટીની સ્થિતિ સુધરતી જાય છે.દેશના ત્રણ મોટા રાજ્યોમાં ભાજપની હાર થઇ છે. મહારાષ્ટ્રમાં શિવસેના ભાજપથી ખફા છે. સરવાળે દેશની પાર્ટીઓમાં નરેન્દ્ર મોદી વર્સિસ ઓલ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. લોકસભા એ મોદી માટે અસ્તિત્વનો જંગ હોઇ શકે છે પરંતુ કોંગ્રેસ માટે ડુ ઔર ડાય જેવો છે. મોદીનો ચૂંટણી રોડ મેપ ગુજરાતથી બને છે અને તે દિલ્હી પહોંચે છે. પરંતુ આ વખતે મોદીએ તેમનો રોડ મેપ ઉત્તરપ્રદેશથી શરૂ કર્યો છે. ભાજપે ન્યૂ ઇન્ડિયાના નારામાં ભારતના રાજ્યોને કેન્દ્રસ્થાને રાખ્યા છે.આગામી લોકસભાની ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળ સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે લડાઇના મુખ્ય મેદાન તરીકે ઉપસી રહ્યું છે. થોડા દિવસ પહેલાં મમતા બેનરજી દ્વારા આયોજિત મેગા રેલીમાં ૨૩ જેટલા રાજકીય પક્ષોના કદાવર નેતાઓએ હાજરી આપીને મોદી સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો તો હવે ભાજપના અધ્યક્ષ અમિત શાહ પશ્ચિમ બંગાળમાં સભાઓ ગજવવા પહોંચી ગયા છે. આ ક્રમમાં અમિત શાહે મંગળવારે માલદા ખાતે સભા સંબોધિત કરી અને હવે ૨૩ જાન્યુઆરીએ ઝારગ્રામ અને બીરભૂમ તેમજ ૨૪ જાન્યુઆરીએ નાદિયા અને દક્ષિણ ૨૪ પરગનામાં રેલી યોજવાના છે.ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપનું મુખ્ય ટારગેટ ઉત્તર ભારત હતું. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે મહત્તમ બેઠકો ઉત્તર અને પશ્ચિમ ભારતમાં મેળવી હતી. પરંતુ પાંચ વર્ષ બાદ માહોલ બદલાયો છે અને ઉત્તર તેમજ પશ્ચિમ ભારતમાં ભાજપના વળતા પાણી છે. આટલા માટે જ ભાજપે પોતાની રણનીતિ બદલી છે અને પૂર્વ તેમજ પૂર્વોત્તર ભારત ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. તાજેતરમાં જ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળેલી કારમી હાર આનો પુરાવો છે. એમાંયે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જેવા હિન્દી બેલ્ટના મહત્ત્વના ગણાતા રાજ્યોમાં ભાજપે સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે.ખરેખર તો ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી બાદ ભાજપનો જનાધાર સતત ઘટતો રહ્યો છે. ૨૦૧૪ની મોદી લહેરમાં ભાજપને મધ્યપ્રદેશમાં મળેલા મતોની ટકાવારી ૫૪.૭૬ હતી જે તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ઘટીને ૪૧ ટકા થઇ ગઇ છે. એ જ રીતે રાજસ્થાનમાં ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને ૫૫.૬૧ ટકા મતો મળ્યા હતાં જે ડિસેમ્બરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ઘટીને માત્ર ૩૮.૮ ટકા થઇ ગયાં. છત્તીસગઢમાં ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપને લગભગ ૪૯ ટકા મત મળ્યા હતાં જે હાલની વિધાનસભા ચૂંટણીમાં ઘટીને ૩૩ ટકાએ આવી ગયા. થોડા ભૂતકાળમાં નજર કરીએ તો ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરિયાણામાં ૩૪.૮૪ ટકા વોટ મળ્યા હતાં જે માત્ર પાંચ મહિના બાદ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ઘટીને ૩૩.૨૦ ટકા થઇ ગયાં હતાં. એ જ રીતે ઝારખંડમાં ભાજપનો ગ્રાફ ૪૦.૭૧ ટકાથી નીચે ઉતરીને ૩૧.૨૬ ટકા થઇ ગયો.જમ્મુ-કાશ્મીરમાં પણ એ જ રીતે ભાજપના મતોની ટકાવારી ૩૨.૬૫ ટકાથી ઘટીને ૨૨.૯૮ પર પહોંચી ગઇ. દિલ્હીમાં ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપે તમામ સાતેય બેઠકો ઉપર વિજય મેળવ્યો હતો પરંતુ ૨૦૧૫માં યોજાયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના સપાટામાં ભાજપના મતોની ટકાવારી લોકસભાના ૪૬.૬૩ ટકા મતોથી ઘટીને ૩૨.૧૯ ઉપર સંકોચાઇ ગઇ. એ જ રીતે ૨૦૧૫માં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં લાલુપ્રસાદ યાદવ, નીતીશ કુમાર અને કોંગ્રેસના જોડાણે ભાજપના મતોની ટકાવારીમાં પાંચ ટકાનું ગાબડું પાડી દીધું. આસામમાં ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને જબ્બર ફાયદો મળ્યો હતો પરંતુ વિધાનસભા ચૂંટણીમાં મતોની ટકાવારી ૩૬.૮૬ ટકાથી ઘટીને ૨૯.૫૦ ટકા થઇ ગઇ. ૨૦૧૭ની ફેબુ્રઆરીમાં યોજાયેલી ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ૪૦૩માંથી ૩૧૨ બેઠકો મેળવી પરંતુ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીની સરખામણીમાં મતોની ટકાવારીમાં ત્રણ ટકાનો ઘટાડો નોંધાયો.ઉત્તરપ્રદેશમાં ભલે અત્યારે ભાજપની યોગી સરકાર હોય પરંતુ તાજેતરમાં જ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી તેમજ રાષ્ટ્રીય લોકદળ વચ્ચે થયેલા જોડાણ બાદ ભાજપની હાલત કફોડી છે. ગત લોકસભાની ચૂંટણી વખતે સમાજવાદી પાર્ટી તેમજ બહુજન સમાજ પાર્ટી જુદાં જુદાં ચૂંટણી લડયાં હતાં જેનો સીધો ફાયદો ભાજપને મળ્યો હતો. બે વર્ષ પહેલાં યોજાયેલી ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ૩૧૨ બેઠકો સામે સમાજવાદી પાર્ટીને ૪૭ તેમજ બહુજન સમાજ પાર્ટીને ૧૯ બેઠકો ભલે મળી હોય પરંતુ મતોની ટકાવારીની દૃષ્ટિએ જોતાં ભાજપને મળેલા ૩૯.૭ ટકા મતો સામે સમાજવાદી પાર્ટીને ૨૨ ટકા તેમજ બહુજન સમાજ પાર્ટીને ૨૨.૨ ટકા મત મળ્યાં હતાં. એ સંજોગોમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીનું જોડાણ મતોની ટકાવારીની દૃષ્ટિએ ભાજપને આંટી જાય એમ છે.એવી જ સ્થિતિ બિહારની પણ છે. ગત લોકસભા ચૂંટણીમાં એનડીએએ બિહારની કુલ ૪૦ બેઠકોમાંથી ૩૧ બેઠકો અંકે કરી હતી જેમાંથી ભાજપની એકલાની બાવીસ બેઠકો હતી. જોકે એ પછી ૨૦૧૫માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં લાલુપ્રસાદ યાદવના આરજેડી અને નીતીશ કુમારના જેડીયૂના જોડાણ સામે ભાજપની કારમી હાર થઇ હતી. બાદમાં નીતીશ કુમારે લાલુપ્રસાદ સાથે છેડો ફાડીને ભાજપના ટેકાથી સરકાર ભલે બનાવી હોય પરંતુ રાજ્યમાં ભાજપની સ્થિતિ સારી કહી શકાય એવી નથી. ખાસ વાત એ કે બિહારમાં એનડીએના સહયોગીઓ એક પછી એક ભાજપનો સાથ છોડી રહ્યાં છે. નીતીશ કુમારને ભલે ભાજપે મોટા ભાઇના સ્થાને રાખીને કે રામવિલાસ પાસવાનને રાજ્યસભાની ઓફર આપીને મનાવી લીધાં હોય પરંતુ તેજસ્વી પ્રસાદની આગેવાની હેઠળના આરજેડી તેમજ કોંગ્રેસ અને રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના ઉપેન્દ્ર કુશવાહા તેમજ હિન્દુસ્તાન અવામ મોરચાના જીતનરામ માંઝીનો મુકાબલો કરવો આસાન નહીં રહે.પશ્ચિમ ભારતમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભાજપની સ્થિતિ સારી રહી છે પરંતુ ૨૦૧૭ના અંતમાં યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે જે રીતે કમબેક કર્યું એ ભાજપ માટે ચિંતાનો વિષય છે. એમાંયે ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહરાજ્ય હોવા છતાં ભાજપને રાજ્યમાં ફરી સરકાર બનાવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ભાજપની ૯૯ બેઠકો સામે કોંગ્રેસે ૮૦ બેઠકો મેળવીને ગુજરાતમાં ભાજપ માટે કઠણાઇ ઊભી કરી હતી. હાલ રાજ્યની ૨૬ લોકસભા બેઠકોમાંથી તમામ ઉપર ભાજપનો કબજો છે પરંતુ જો વિધાનસભા ચૂંટણીનું પુનરાવર્તન થાય તો ભાજપે અડધોઅડધ બેઠકો ગુમાવવાનો વારો આવે એમ છે. તો મહારાષ્ટ્રમાં હાલ ભલે શિવસેનાના ટેકાથી ફડણવીસ સરકાર ચાલી રહી હોય પરંતુ લોકસભાની ચૂંટણીમાં શિવસેનાએ ભાજપનો સાથ ન આપવાની જાહેરાત કરી છે. તો બીજી બાજુ કોંગ્રેસ અને એનસીપી વચ્ચેના જોડાણને એકલે હાથે પહોંચી વળવા ભાજપ સક્ષમ નથી.દક્ષિણ ભારતની વાત કરીએ તો ગત લોકસભાની ચૂંટણીમાં આંધ્રપ્રદેશમાં ભાજપને ચંદ્રબાબુ નાયડૂના ટીડીપી સાથે ગઠબંધનનો ફાયદો મળ્યો હતો પરંતુ હવે ટીડીપી ભાજપ સાથે નથી ઉલટું ભાજપવિરોધી મહાગઠબંધનમાં સામેલ છે જે જોતાં આંધ્રપ્રદેશમાં ભાજપનો ગજ વાગવો મુશ્કેલ છે. તો તેલંગાણા અને તામિલનાડુમાં ભાજપ હજુ સુધી પોતાનું સ્થાન જમાવી શક્યો નથી. કેરળમાં ભાજપની સ્થિતિ થોડી મજબૂત જરૂર બની છે પરંતુ હજુ પણ ડાબેરીઓને મુકાબલો આપી શકવાની સ્થિતિમાં નથી. માત્ર કર્ણાટકમાં ભાજપની હાજરી છે પરંતુ ત્યાં પણ કોંગ્રેસ અને જેડીએસના જોડાણને ટક્કર આપવી પડે એમ છે. પૂર્વોત્તરની વાત કરીએ તો આ રાજ્યોમાં ભાજપે છેલ્લા પાંચ વર્ષોમાં સારો દેખાવ કર્યો છે. થોડા વર્ષો પહેલાં ત્રિપુરાને બાદ કરતા સમગ્ર પૂર્વોત્તર ભારત કોંગ્રેસનો ગઢ મનાતું હતું. ત્રિપુરામાં ડાબેરીઓનું વર્ચસ્વ હતું. છેલ્લા ચાર જ વર્ષમાં ભાજપે આ ક્ષેત્રમાંથી કોંગ્રેસ અને ડાબેરીઓનો સફાયો કરવામાં સફળતા મેળવી છે.પૂર્વોત્તરમા ૮ રાજ્યોની કુલ મળીને ૨૫ લોકસભા બેઠકો છે જેમાં ૧૩ બેઠકો સાથે આસામ મોખરે છે. જોકે તાજેતરમાં સિટીઝનશીપ બિલને લઇને રાજ્યમાં ભાજપ વિરુદ્ધનો માહોલ ઊભો થયો છે જે લોકસભાની ચૂંટણીમાં પક્ષને નુકસાન કરાવે એમ છે.પૂર્વના બે રાજ્યો પશ્ચિમ બંગાળ અને ઓડિશા ભાજપ માટે ભારે મહત્ત્વના પુરવાર થાય એમ છે. ઓડિશાની વાત કરીએ તો રાજ્યની ૨૧ બેઠકોમાંથી ૨૦ બેઠકો ઉપર બીજુ જનતા દળ (બીજેડી)નો કબજો છે અને માત્ર એક બેઠક ભાજપ પાસે છે. જોકે છેલ્લા ૧૯ વર્ષથી રાજ્યમાં સત્તા ઉપર રહેલા બીજેડી માટે એન્ટિઇન્કમ્બન્સીનો માહોલ છે અને ભાજપ આ સ્થિતિનો લાભ લેવા ધારે છે.છેલ્લા થોડા વર્ષોથી ભાજપે ઓડિશામાં પોતાને સ્થાપવા માટે ઘણી મહેનત પણ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચાર વખત ઓડિશાની મુલાકાત લઇ ચૂક્યાં છે. એવું પણ સંભળાય છે કે તેઓ આગામી ચૂંટણી ઓડિશાની ધાર્મિક રાજધાની મનાતા પુરીથી લડી શકે છે. જોકે આ તમામમાં પશ્ચિમ બંગાળ ભાજપ માટે સૌથી વધારે મહત્ત્વ ધરાવે છે. પરંતુ અહીંયા તેમણે બંગાળની વાઘણ ગણાતા મમતા બેનરજીનો સામનો કરવો પડે એમ છે. ખરેખર તો વાત એ છે કે મમતા બેનરજી ભાજપ અને ખાસ તો અમિત શાહ પ્રત્યે ભારે અણગમો ધરાવે છે. ભાજપ અધ્યક્ષની પશ્ચિમ બંગાળની મુલાકાતોનો તે અગાઉ પણ ભારે વિરોધ કરી ચૂક્યાં છે. આમ તો મમતાદીદીનો ભાજપ પ્રત્યેનો અણગમો અકારણ નથી કેમકે તેમની સરકારના કેટલાય મંત્રીઓને મોદી સરકાર અંતર્ગત કામ કરતી સીબીઆઇ અને ઇડી જેવી એજન્સીઓ દરોડા પાડીને અને જેલમાં મોકલીને પરેશાન કરી ચૂકી છે. બીજી બાજુ છેલ્લા થોડા વર્ષોથી ભાજપ અધ્યક્ષ અમિત શાહની પશ્ચિમ બંગાળની મુલાકાતો વધી રહી છે. રાજકીય વિશ્લેષકો અનુસાર અમિત શાહની પશ્ચિમ બંગાળની મુલાકાતો રાજકીય રીતે ખૂબ મહત્વની છે. આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ પશ્ચિમ બંગાળમાં મહત્તમ બેઠકો જીતવાની ખેવના રાખે છે. હાલ પ.બંગાળમાં ભાજપના માત્ર બે જ સાંસદ છે અને ભાજપ આ બે બેઠકોને બાવીસના આંકડા સુધી પહોંચાડવા માગે છે.આમ તો પ. બંગાળમાં ૩૫ વર્ષથી ડાબેરીઓનું શાસન હતું જેને મમતા બેનરજીના તૃણમૂલ કોંગ્રેસે તોડયું. હાલ મમતા દીદીના વર્ચસ્વના કારણે ડાબેરીઓનું વર્ચસ્વ નહીવત્‌ રહી ગયું છે અને કોંગ્રેસ પણ હાંસિયામાં ધકેલાઇ ગઇ છે. એવા સંજોગોમાં ભાજપ માટે રાજ્યમાં સ્થાન જમાવવાનો સુવર્ણ અવસર છે. એક સમય હતો કે જ્યારે પ.બંગાળમાં ભાજપને કોઇ પૂછવાવાળું નહોતું. પરંતુ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપને રાજ્યમાં માત્ર બે પરંતુ મહત્વની કહી શકાય તેવી દાર્જિલિંગ અને આસનસોલ બેઠકો પર વિજય મળ્યો. એ સિવાય અન્ય ૩ બેઠકો પર ભાજપ બીજા સ્થાને રહ્યો. એ પછી ૨૦૧૬ની વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપે પહેલી વખત રાજ્યમાં ખાતું ખોલાવ્યું અને ૩ બેઠકો પર જીત મેળવી. ગયા વર્ષે સ્થાનિક પંચાયતોની ચૂંટણીમાં તો ભાજપ ડાબેરી પક્ષોને પાછળ મૂકીને મોટા ભાગની બેઠકો પર બીજા સ્થાને રહી હતી. જોકે એ પણ હકીકત છે કે ભાજપ ભલે રાજ્યમાં બીજા સ્થાને આવી ગઇ હોય પરંતુ ડાબેરીઓ અને કોંગ્રેસના તૂટેલા વોટ જ તેને મળ્યાં છે. તમામ પ્રયાસો છતાં હજુ પણ ભાજપને મમતા બેનરજીની વોટબેંકમાં ભાગ પડાવવામાં સફળતા નથી મળી.
અને તૃણમૂલ કોંગ્રેસની વોટબેંક અંકે કર્યા વગર પશ્ચિમ બંગાળમાં ભાજપનો ગજ વાગવાનો નથી.

Related posts

evening tweets

aapnugujarat

પુર્વોત્તરમાં કોંગ્રેસની પીછેહટ,કેસરિયાની બોલબાલા

aapnugujarat

લાખો રૂપીયા તને મુબારક, બસ મારે તો માત્ર મારા પતિનો પ્રેમ જ જોઇએ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1