Aapnu Gujarat
ગુજરાત

બિનઅનામત જ્ઞાતિ આયોગ, નિગમો શોભાના ગાંઠિયા છે

રાજય સરકાર દ્વારા બિનઅનામત જ્ઞાતિઓ માટે આયોગ અને નિગમની રચના તો કરી પરંતુ તેને એક વર્ષ ઉપરનો સમય વીતી ગયો હોવાછતાં તેની કોઇ અસરકારક કે પરિણામલક્ષી કામગીરી સામે આવી નથી, જેને પરિણામે, આ આયોગ અને નિગમો જાણે શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે. બિન અનામત જ્ઞાતિઓના લોકોને શિક્ષણ, રોજગારી સહિતના ક્ષેત્રમાં લાભો અપાવવાની માંગણીઓ સાથે આજે અમદાવાદ શહેરમાં બિન અનામત સમાજ એકતા મંચ(ફેડરેશન ઓફ સોશ્યલ વેલ્ફેર એન્ડ રિફોર્મ્સ)ના નેજા હેઠળ પાટીદાર સમાજ, બ્રહ્મસમાજ, જૈન સમાજ, લોહાણા સમાજ, સિંધી સમાજ, વૈષ્ણવ વણિક સમાજ, ભાવસાર સમાજ અને સોની સમાજના આગેવાનો અને પદાધિકારીઓ એકત્ર થયા હતા અને સરકાર સમક્ષ ઉપરોકત સંવેદનશીલ મુદ્દાને લઇ ઉગ્ર માંગણી કરી હતી. સરકાર દ્વારા આ સમગ્ર મામલે જો તાકીદે હકારાત્મક નિર્ણય લઇ ૩૦ દિવસમાં માંગણીઓ નહી સ્વીકારાય તો, બિન અનામત સમાજ એકતા મંચ દ્વારા રાજયભરમાં જિલ્લા-તાલુકા મથકોએ ઉગ્ર દેખાવો અને આંદોલનનો માર્ગ અપનાવાશે એમ ફેડરેશન ઓફ સોશ્યલ વેલ્ફેર એન્ડ રિફોર્મ્સના પ્રુમખ શંકરભાઇ પટેલ, ઉપપ્રમુખ સુરેશભાઇ પટેલ અને સેક્રેટરી હરેશભાઇ પટેલે જણાવ્યું હતું.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા બિન અનામત વર્ગમાં સમાવિષ્ટ કરેલી ૮૦ જેટલી જ્ઞાતિઓની કાયમી સમસ્યા કે પ્રશ્નોના નિરાકરણ માટે આ ફેડરેશનની સ્થાપના કરવામાં આવી છે. બિનઅનામત જ્ઞાતિઓને કોઇપણ રીતે અને કોઇપણ પ્રકારે અન્યાય ના થાય તે માટે ફેડરેશનની સ્થાપના કરાઇ છે. બિન અનામત આયોગ અને નિગમમાં જે રૂ.૫૦૦ કરોડનું ભંડોળ ફાળવ્યું છે અને તેમાંથી હજુ ચાર કરોડ જ વપરાયા છે. વળી, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના અંતર્ગત આનંદીબહેન મુખ્યમંત્રી હતા ત્યારે દર વર્ષે એક હજાર કરોડ રૂપિયા આ પ્રકારના વિદ્યાર્થીઓ માટે ફાળવવાની વાત હતી પરંતુ હજુ સુધી તેમાંથી ૧૭૦ કરોડ જ વપરાયા છે અને રૂ.૮૩૦ કરોડ એમ ને એમ પડી રહ્યા તો, જે પડી રહે તે આગળના વર્ષે વપરાય(કેરી ફોરવર્ડ થાય) તેવી વ્યવસ્થા કરવી જોઇએ. બિનઅનામત આયોગ અને નિગમને રાજયના શિક્ષણ વિભાગ હેઠળ લાવવામાં આવે તેવી ખાસ અમારી માંગણી છે. સરકારે ઉતાવળે બિન અનામત આયોગ અને નિગમની રચના તો કરી દીધી પરંતુ તેમાં સ્ટાફ, માળખાકીય વ્યવસ્થા અને પ્રોસેસીંગની કોઇ નક્કર વ્યવસ્થા જ કરાઇ નથી. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં વાર્ષિક આવક મર્યાદા આઠ લાખ સુધીની કરવા અને તેમાં થતા ફેરફારોને બિનઅનામત જ્ઞાતિઓને પણ લાગુ પાડવા તેમ જ ધોરણ-૧૨માં નિયત કરાયેલી ૬૦ ટકાની જગ્યાએ ૫૦ ટકાની મર્યાદા રાખવા પણ અમારી માંગણી છે. સરકાર દ્વારા આયોગ અને નિગમ અંતર્ગત જે જાહેરાતો કે ફંડની જાહેરાત કરાઇ છે, તેના સાચા અને વાસ્તવિક લાભો હજુ સુધી તેના લાભાર્થીઓ સુધી પહોંચી રહ્યા નથી. જેને લઇ બિન અનામત જ્ઞાતિઓમાં નારાજગી લાગણી ફેલાઇ છે. ફેડરેશન ઓફ સોશ્યલ વેલ્ફેર એન્ડ રિફોર્મ્સના પ્રુમખ શંકરભાઇ પટેલ, ઉપપ્રમુખ સુરેશભાઇ પટેલ અને સેક્રેટરી હરેશભાઇ પટેલે ચીમકી ઉચ્ચારી હતી કે, આગામી ૩૦ દિવસમાં જો સરકાર દ્વારા ફેડરેશનની માંગણીઓ નહી સ્વીકારાય તો, તમામ સમાજ સાથે ચર્ચા કરી આગામી દિવસોમાં આંદોલનાત્મક રણનીતિ ઘડી કાઢવામાં આવશે અને રાજયવ્યાપી આંદોલનના મંડાણ કરવામાં આવશે.

Related posts

બિટકોઇન કેસ : જતીન પટેલ છ દિવસના રિમાન્ડ પર

aapnugujarat

સાબરકાંઠાની જાદર પોલીસે દારૂ ઝડપ્યો

aapnugujarat

ડી.જી.વણઝારા અલગ પક્ષ બનાવી ચૂંટણી લડશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1