Aapnu Gujarat
ગુજરાત

ફલાવર શોની તારીખને લંબાવાઈ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત ફલાવર શોને આ વખતે જબરદસ્ત અને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડી રહ્યો છે. જાહેરજનતા અને ફુલ-છોડ પ્રેમી જનતાના અભૂતપૂર્વ ધસારાના કારણે અમ્યુકો સત્તાવાળાઓએ આ ફલાવર શોની તારીખ આખરે આજે લંબાવવાની જાહેરાત કરી હતી કે જેથી મહત્તમ લોકો તેને નિહાળવાનો લાભ લઇ શકે. આમ, તા.૨૨મી જાન્યુઆરીએ ફલાવર શોની પૂર્ણાહુુતિ થવાની હતી પરંતુ હવે પબ્લીકના ધસારાના કારણે તારીખ લંબાવાઇ હતી. જો કે, આ વધારેલી મુદત દરમ્યાન આગામી તા.૨૬ જાન્યુઆરીએ જાહેર રજા હોઇ અને તા.૨૭મી જાન્યુઆરીએ રવિવારની રજા હોઇ આ બે દિવસ માટે ફલાવર શોની એન્ટ્રી ફી સત્તાવાળાઓએ રૂ.૫૦ કરી દીધી છે, જયારે બાકીના દિવસો માટે એન્ટ્રી ફી રૂ.દસ યથાવત્‌ રહેશે. જો કે, રજાઓમાં બે દિવસ એન્ટ્રી ફી રૂ.૫૦ કરવાના અમ્યુકો સત્તાવાળાઓના નિર્ણયને પગલે સ્થાનિક જનતામાં ઉગ્ર રોષની લાગણી ફેલાઇ છે અને તે તાત્કાલિક ઘટાડવા સત્તાધીશો સમક્ષ ઉગ્ર માંગ કરી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સાતમા ફ્‌લાવર શોનું ગત તા.૧૬ જાન્યુઆરીથી આયોજન કરાયું છે. આ વખતે પુખ્તો માટે રૂ.૧૦ની એન્ટ્રી ફી રખાઇ હોવા છતાં અમદાવાદીઓને ફ્‌લાવર શોનું ઘેલું લાગ્યું છે. જેના કારણે સત્તાધીશોએ વધુને વધુ નાગરિકો ફ્‌લાવર શોની મુુલાકાત લઇ શકે તેવા આશયથી તેની આવતીકાલે પૂરી થનારી મુદતમાં વધારો કરી તા.૩૧મી જાન્યુઆરી સુધી ફલાવર શો લંબાવાયો છે. તંત્રનો ફ્‌લાવર શો તેના પ્રારંભના પહેલા જ દિવસથી લોકોને આકર્ષી રહ્યો છે. પાછલા તમામ ફ્‌લાવર શોમાં લોકો માટે મફત પ્રવેશની વ્યવસ્થા રખાઇ હતી. જેના કારણે ભારે ભીડ થવાથી અમુક વાર ફ્‌લાવર શોમાં ભારે અવ્યવસ્થા સર્જાતી હતી. જેને રોકવાના હેતુથી સત્તાવાળાઓએ બાળકો માટેની મફત પ્રવેશની જોગવાઇને જાળવી રાખીને પુખ્તો માટે રૂ.૧૦ની એન્ટ્રી ફી રાખી છે. તેમ છતાં ફ્‌લાવર શોની લોકપ્રિયતા અકબંધ રહી છે. ગઇ કાલના રવિવારના રજાના દિવસેે સવારથી જ મોટી સંખ્યામાં નાગરિકો ફ્‌લાવર શો જોવા માટે ઊમટી પડયા હતા.
સાંજના પ-૦૦ વાગ્યાના સુમારે તો એટલી બધી ભીડ થઇ ગઇ હતી કે તંત્રને તમામ ટિકિટ બારી બંધ રાખીને લોકોને મહેરબાની કરીને આવશો નહીં તેવી અપીલ કરવાની ફરજ પડી હતી. ગત તા.૧૬થી ર૦ જાન્યુઆરી સુધીના છેલ્લા પાંચ દિવસમાં સાત લાખથી વધુ લોકો દ્વારા ફ્‌લાવર શોનો લહાવો લેવાયો હોવાનો દાવો તંત્રે કર્યો છે. ફ્‌લાવર શોથી મ્યુનિસિપલ તિજોરીને રૂ.પ૦ લાખથી વધારેની આવક થઇ હોઇ ગઇકાલની જેમ આજથી લોકોની સુવિધા માટે ૧૦થી વધુ ટિકિટ બારી ખુલ્લી મુકાશે. જોકે રાતના ૯-૦૦ વાગ્યા બાદ ટિકિટ અપાશે નહીં.
આ દરમિયાન ફલાવર શોમાં મુલાકાતીઓ માટે પીવાનાં પાણી અને ટોઇલેટની વ્યવસ્થા સંતોષકારક ન હોવાથી ફરિયાદો ઊઠી છે.

Related posts

ચૂંટણી પ્રચાર વેળા હવામાં ફાયરીંગ કરવાનાં કેસમાં મંત્રી બચુ ખાબડના આગોતરા જામીન હાઇકોર્ટે મંજૂર રાખ્યાં

aapnugujarat

ડભોઈ જનતા નગરનો પ્રવેશ માર્ગ કાદવ કીચડમાં ગરકાવ

editor

સુરતમાં હીરાની પેઢી ખોટમાં જતાં ૧૦૦ રત્ન કલાકારોનો પગાર અટવાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1