Aapnu Gujarat
ગુજરાત

બાળકીનું અપહરણ કરનારો ઝડપાયો

શહેરના રખિયાલ વિસ્તારમાં ગઇકાલે મોડી રાત્રે બે વર્ષની બાળકીનું અપહરણ કરીને એક પરપ્રાંતીય યુવક ફરાર થઇ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. બાળકીના ઘર પાસેથી યુવકે તેનું અપહરણ કર્યુ હતું. જોકે સ્થાનિકો તેને જોઇ જતાં થોડેક દૂર સુધી તેનો પીછો કરી તેને પકડી પાડવામાં આવ્યો હતો. લોકોનાં ટોળાંએ યુવકની પકડી પાડ્‌યા બાદ બાળકીને તેના પિતાને હવાલે કરી હતી અને અપહરણકર્તાને ઢોર માર મારીને પોલીસને હવાલે કર્યો હતો. અપહરણકર્તાએ દારૂના નશામાં ભાન ભૂલીને બાળકીનું અપહરણ કર્યુ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
રખિયાલ વિસ્તારમાં આવેલ કાસમ છીપાની ચાલીમાં રહેતા મુર્શિદહુસૈન શેખે રખિયાલ પોલીસ સ્ટેશનમાં એક યુવક વિરુદ્ધમાં અપહરણની ફરિયાદ કરી છે. જે મુજબ, મુર્શિદહુસૈન સિલાઇ કામ કરીને તેનું અને તેના પરિવારનું ગુજરાન ચલાવે છે. મુર્શિદહુસૈન તેની પત્ની અને બે વર્ષની પુત્રી સાથે રહે છે. ગઇકાલે રવિવારની રજા હોવાથી તે ઘરે હાજર હતો. દરમિયાનમાં મુર્શિદહુસૈનનો ભાઇ મુનાવર તેના ઘરે આવ્યો હતો અને તેની બે વર્ષની પુત્રીને બહાર ફરવા માટે લઇ ગયો હતો. રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ મુનાવર પુત્રીને ઘરની બહાર મૂકીને તેના કામથી જતો રહ્યો હતો. નાનકડી બાળકી ઘરના દરવાજા પાસે ઊભી હતી ત્યારે એક અજાણ્યો યુવક તેનું અપહરણ કરીને નાસી ગયો હતો. અડોશપડોશના લોકો આ યુવકને અપહરણ કરતાં જોઇ જતાં બુમાબુમ કરી હતી. લોકોએ યુવકનો પીછો કર્યો હતો અને થોડેક દૂર જઇને તેને પકડી પાડ્‌યો હતો અને તેની ચુંગાલમાંથી બાળકીને છોડાવી હતી. લોકોએ યુવકને ઢોરમાર માર્યો હતો ત્યારે મુર્શિદહુસૈન અને મુનાવર પણ ઘટના સ્થળે આવી ગયા હતા. બન્ને જણાએ અપહરણ કરનાર યુવકને ફટકાર્યો હતો અને ત્યારબાદ પોલીસ કંટ્રોલમાં ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. અપહરણની ઘટના અંગે રખિયાલ પોલીસને જાણ થતાં તે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને અપહરણ કરનાર યુવકની ધરપકડ કરીને પોલીસ સ્ટેશનમાં લાવી હતી. તો બીજી તરફ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ પોલીસ સ્ટેશનમાં આવી પહોંચ્યા હતા. પોલીસ યુવકની ધરપકડ કરીને તેની પૂછપરછ કરતા જાણવા મળ્યુ હતું કે તેનું નામ રાહુલ જોગીંદરરામ છે અને તે બિહારના સુર્યાહી ગામનો રહેવાસી છે. રાહુલ છેલ્લા થોડક સમયથી અમદાવાદ આવ્યો હતો અને છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. ગઇ કાલે તે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં હતો. જેના કારણે તે ભાન ભૂલીને બાળકીનું અપહરણ કર્યું હતું. બાળકીનું અપહરણ કરવા પાછળનું શું કારણ છે તે જાણવા માટે પોલીસે રાહુલની સઘન પૂછપરછ હાથ ધરી છે. હાલ તો રખિયાલ પોલીસે મુર્શિદહુસૈનની ફરિયાદ લઇને રાહુલ વિરુદ્ધમાં અપહરણના પ્રયાસનો ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી છે. રાહુલે ઝરિના સાથે કુકર્મ કરવાના ઇરાદે અપહરણ કર્યુ હતું કે પછી અન્ય કોઇ અપહરણ કરનાર ગેંગ સાથે સંકળાયેલો છે તે શોધવા માટે તપાસ શરૂ કરી છે.

Related posts

રાજ્યમાં ૨-૩ દિવસ કર્ફ્યું લાગી શકે

editor

વડોદરામાં ટાઈફોઈડના કેસમાં વધારો

aapnugujarat

રાજ્યમાં ખાનગી ટ્રાવેલ્સના ભાડામાં ૨૦૦ રૂપિયા સુધીનો ધરખમ વધારો

editor

Leave a Comment

UA-96247877-1