Aapnu Gujarat
બ્લોગ

પ્રથમ હિન્દુ સાંસદ તુલસી ગબ્બાર્ડ લડશે અમેરિકી પ્રમુખ પદની ચૂંટણી

હવે સત્તાવાર જાહેરાત થઈ છે. તુલસી ગબ્બાર્ડ, હવાઈ ટાપુ પરથી અમેરિકન સંસદમાં જીતનારા પ્રથમ હિન્દુ અને ૩૭ વર્ષની નાની વયના તુલસી ગબ્બાર્ડ સન ૨૦૨૦માં યોજાનારી અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં જંપલાવાના છે. ભારતીયો બહુ ખુશ થઈ જાય તે પહેલાં જણાવી દઈએ કે તુલસી ગબ્બાર્ડ મૂળ ભારતીય નથી. તુલસીના માતા ચૈતન્ય મહાપ્રભુ દ્વારા સ્થાપિત સંપ્રદાયના ભક્ત હોવાથી તેમણે હિન્દુ ધર્મ અપનાવ્યો હતો અને તેમના સંતાનાઓ પણ તે સ્વીકાર્યો છે. નિક્કી હેલી અને બોબી જિન્દાલ તથા જેવા મૂળ ભારતીય પરિવારના સંતાન, પણ ધર્મ બદલીને ખ્રિસ્તી થનારા નેતાઓ પણ છે. કમલા હેરિસ પણ ચૂંટણી લડવાનું વિચારી રહ્યું છે.આ બધા વચ્ચે તુલસી ગબ્બાર્ડે સીએનએન ટીવી પરના એક કાર્યક્રમમાં કહ્યું કે તેમણે ૨૦૨૦માં પ્રમુખપદની ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. તેમણે કહ્યું કે એકાદ અઠવાડિયામાં તેઓ સત્તાવાર રીતે જાહેરાત કરશે.તુલસી ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય છે. તેઓ જો ચૂંટણી લડે અને જીતે તો પ્રથમ મહિલા અમેરિકન પ્રમુખ બની શકશે. ૩૭ વર્ષના હોવાથી સૌથી યુવાન પ્રમુખ પણ બનશે. સાથે જ પ્રથમ હિન્દુ પ્રમુખ પણ બની શકે છે. જોકે હજી ઘણા જો અને તો છે, કેમ કે ડેમોક્રેટિક પાર્ટીમાંથી તેમના બીજા હરિફો પણ હશે. ભારતીય રાજકારણથી વિરુદ્ધ અમેરિકામાં રાજકીય પક્ષોમાં વધારે આંતરિક લોકશાહી છે. સૌપ્રથમ તો ડેમોક્રેટિક પાર્ટીમાં જ તેમણે પોતાની ઉમેદવારી પાકી કરાવવી પડે. તે માટે પ્રાયમરી યોજાતી હોય છે. પ્રાયમરી એટલે જુદા જુદા રાજ્યોમાં પક્ષની શાખા હોય તેમાં મતદાન થાય. તેમાં એકથી વધુ દાવેદાર હોય. બધા રાજ્યોમાં પ્રાયમરી થઈ જાય, પછી જે દાવેદારને સૌથી વધારે કાર્યકરોનું સમર્થન મળ્યું હોય તે પ્રમુખપદના ઉમેદવાર બને.તુલસી ગબ્બાર્ડે હવાઇ ટાપુમાંથી ચૂંટાઈને આવ્યા છે. મજાની વાત એ છે કે તેઓ સેનામાં કામ કરી ચૂક્યા છે. ઇરાકમાં યુદ્ધ દરમિયાન તેમણે ત્યાં કામગીરી બજાવી હતી. અમેરિકામાં સેનામાં કામ કરનારા એ વાતનું ગૌરવ લેતા હોય છે અને તેમને વૉર વેટરન તરીકે માન મળતું હોય છે. નાની વયે અમેરિકન સંસદમાં જીતીને તેમણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. એટલું જ નહિ તેમને હાલમાં વિદેશી બાબતોની સમિતિમાં સભ્યપદ પણ મળેલું છે. સંસદમાં ચૂંટાતા પહેલાં તેમણે હવાઈમાં સ્થાનિક ધોરણે પણ ચૂંટણી લડવાનો અને જીતવાનો અનુભવ લીધો હતો.અમેરિકાના લોકો સામે અત્યારે બહુ બધા પડકાર ઊભા થયા છે. મને તેની ચિંતા થાય છે અને તે સમસ્યાઓના ઉકેલ માટે હું મદદરૂપ થવા માગું છું,એવું તેમણે સીએનએનના કાર્યક્રમમાં કહ્યું હતું. જોકે તેમની સામે બીજા ઘણા હાઇ પ્રોફાઇલ દાવેદારો ઊભા થવાના છે. તેમાં ઘણા મહિલાઓ નેતાઓ પણ હશે. ડોનાલ્ડ ટ્રમ્પ સામે પ્રથમવાર હિલેરી ક્લિન્ટને ઉમેદવારી કરી ત્યારે અમેરિકાને પ્રથમ મહિલા પ્રમુખ મળશે તેવી શક્યતા ઊભી થઈ હતી. જોકે હિલેરી ક્લિન્ટન જીતી શક્યા નહિ.ટ્રમ્પ પહેલાં ઓબામા જીત્યા ત્યારે પ્રથમવાર અમેરિકામાં બિનગોરા નેતા જીત્યા હતા. તેથી હવે અમેરિકાને દોઢસો વર્ષના ઇતિહાસમાં પ્રથમ મહિલા પ્રમુખ ક્યારે મળે છે તેની રાહ જોવાઈ રહી છે. તેના માટેનું વાતાવરણ બની રહ્યું છે. તેથી જ આ વખતે એકથી વધુ મહિલા દાવેદારો ચર્ચામાં રહેશે.ડેમોક્રેટ અને રિપબ્લિક બંને પક્ષોમાંથી ઘણા મહિલા નેતાઓ તૈયારી કરવા લાગ્યા છે. નિક્કી હેલી અને કમલા હેરિસ જેવા ભારતીય મૂળના નેતાઓના નામો પણ ચર્ચામાં છે. સેનેટર એલિઝાબેથ વૉરેને પણ દાવેદારી કરી શકાય કે કેમ તેની ચકાસણી માટે સમિતિની રચના કરી છે. એક નાનકડી આડવાત કે ગબ્બાર્ડે ૨૦૧૬માં પ્રાયમરી વખતે હિલેરી ક્લિન્ટનને સમર્થન આપ્યું નહોતું. તેમણે બર્ની સેન્ડર્સને સમર્થન આપ્યું હતું. આ વખતે બર્ની સેન્ડર્સ પણ દાવેદારી કરવાના છે, ત્યારે તુલસી એ હવે તેમની સામે પણ સ્પર્ધા કરવી પડશે.તુલસી એવું નામ સાંભળીને તે મૂળ ભારતીય હશે એવું ઘણાને લાગે, પરંતુ તેના કે તેની કુટુંબના મૂળિયા ભારતમાં નથી. ફક્ત તેનું નામ તુલસી છે અને તેનું કુટુંબ ચૈતન્ય મહાપ્રભુ દ્વારા સ્થાપિત વૈષ્ણવ સંપ્રદાય સાથે સંકળાયેલું છે એટલું જ ભારતીય કનેક્શન છે. તેમના પિતા માઇક ગબાર્ડ કેથોલિક છે, પણ માતા કેરોલ ગૌડિય વૈષ્ણવ સંપ્રદાયથી આકર્ષાયા હતા. તેથી તેમણે પોતાના પાંચેય સંતાનોના નામ ભારતીય પરંપરા યાદ અપાવે તેવી રીતે રાખ્યા હતા – તુલસીની એક બહેન વૉશિંગ્ટનમાં રહે છે તેનું નામ ભક્તિ છે. તેનો સૌથી નાનો ભાઈ વૃંદાવન તેની જેમ લશ્કરમાં જોડાયેલો છે. બીજા બે ભાઈઓના નામ પણ જય અને નારાયણ હતા.તુલસીએ બહુ નાની ઉંમરે રાજકારણમાં પ્રવેશ કર્યો તેના કારણે પણ તેનું નામ જાણીતું થયું હતું. તે માત્ર ૨૧ વર્ષની હતી ત્યારે હવાઇ ટાપુની વિધાનસભામાં જીતી હતી. તે અને તેના પિતા બંને સાથે ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. બાદમાં કુટુંબની બીજી પરંપરા પ્રમાણે તે સેનામાં જોડાઈ ગઈ હતી. ૨૦૦૪માં તુલસી સેનામાં જોડાઈ અને કુવૈત લડવા ગયેલી અમેરિકન સેનામાં સામેલ થઈ હતી. તેને યાદ છે કે તેના પિતાએ તેને સેનામાં મોકલી ત્યારે રડ્યા નહોતા, પણ તે કુવૈતથી સલામત પાછી આવી ત્યારે રડ્યા હતા. કુવૈતનો તેનો અનુભવ અને અફઘાનિસ્તાનમાં અમેરિકન દળોની કામગીરીને કારણે તેને ઇસ્લામી જેહાદી ત્રાસવાદનો સારો અભ્યાસ છે. તે માને છે કે અમેરિકા સામે રિયલ ખતરો ઇસ્લામી જેહાદી ત્રાસવાદનો છે. પણ તુલસી માને છે કે અમેરિકાએ તેનો સામનો કરવા માટે યુદ્ધ કરવાની જરૂર નથી. અમેરિકા ઠેર ઠેર સેના મોકલીને દખલગીરી કરે છે તેના કારણે ઇસ્લામી જેહાદીઓ ઉશ્કેરાતા હોવાનું માને છે. તેથી તેને દલીલ છે કે અમેરિકાએ એક તો સેના મોકલીએ દખલ ન કરવી જોઈએ. બીજું સિરિયામાં પ્રમુખ અસદ સોવિયેટ તરફી છે એટલે અમેરિકા તેની સામે પડ્યું છે. અસદની વિરુદ્ધ અમેરિકાની કામગીરીને કારણે અસદ વિરુદ્ધ લડતા આઇએસઆઇ અને અલ કાયદા જેવા ત્રાસવાદી જૂથોને ફાવતું મળ્યું છે. આવા જેહાદી જૂથોને ખતમ કરવા અમેરિકાએ ધ્યાન આપવું જોઈએ એમ તુલસી માને છે.તુલસીના આવા વિચારોના કારણે પણ તુલસી અમેરિકામાં વસેલા મૂળ ભારતીયો અને એનઆરઆઇ લોકોને પસંદ છે. હકીકતમાં લોસ એન્જલસમાં એક કાર્યક્રમો યોજાયો હતો તેમાં એનઆરઆઇ મોટી સંખ્યામાં હતા. તે કાર્યક્રમમાં ડૉ. સંપત શિવાંગીએ જ જાહેરાત કરી હતી કે આપણા તુલસીબહેન કદાચ આગામી ચૂંટણી લડશે. મિસિસિપ્પી રાજ્યના મેડિકલ બોર્ડમાં ડૉ. સંપત સભ્ય છે અને મૂળે રિપબ્લિક પાર્ટીના છે, છતાં ડેમોક્રેટ તુલસીને તેમણે ટેકો આપ્યો. અમેરિકામાં ઓબામા પ્રમુખ બન્યા તે ઐતિહાસિક હતું, કેમ કે અમેરિકન માતા અને આફ્રિકન પિતાનું તેઓ સંતાન હતા. માત્ર ગોરા પુરુષો જ અમેરિકાના પ્રમુખ બને તે પરંપરા તેમણે તોડી. આધુનિક ગણાતું અમેરિકા સ્ત્રીઓને રાજકારણમાં સ્થાન આપવાની બાબતમાં ભારત સહિતના દક્ષિણ એશિયાના દેશોથી ઘણું પાછળ છે. હિલેરી ક્લિન્ટનને મજબૂત ટેકો હોવા છતાં તેઓ જીતી શક્યાં નહીં.હિલેરી અને બિલ ક્લિન્ટનને પણ ભારતીય સમુદાય સાથે સારું બનતું હતું. તુલસીને પણ સારું બને છે. સાથે જ બીજા પર ભારતીય નામો અમેરિકાના રાજકારણમાં ગાજવા લાગ્યા છે. નિકી હેલીએ હાલમાં જ અમેરિકાના યુએન ખાતેના પ્રતિનિધિ તરીકેના પદેથી રાજીનામું આપ્યું છે. તે વખતે મનાતું હતું કે નિકી હેલી પણ ૨૦૨૦માં ટ્રમ્પની સામે ખડા થશે. નિકી ટ્રમ્પના જ પક્ષમાં છે. નિકીએ જોકે સ્પષ્ટતા કરી છે તે ૨૦૨૦માં ટ્રમ્પને ટેકો આપશે, પરંતુ તે ૨૦૨૪માં તે પ્રમુખપદની રેસમાં હોઈ શકે છે. મજાની વાત એ છે કે નિકી મૂળ ભારતીય છે. તે પંજાબી પરિવારની પુત્રી છે, પણ તેણે હિન્દુ ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે. તેની સામે ભગવદ ગીતાનું ચિંતન અને શાકાહારી જીવનશૈલીથી આકર્ષાઇને ગબાર્ડ પરિવાર હિન્દુ બન્યો છે. એક મૂળ ભારતીય બોબી જિન્દાલનું નામ પણ ભવિષ્યના મોટા નેતા તરીકે ચગે છે. તેણે પણ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે અને પોતાને મૂળ ભારતીય પરિવારના નહીં, પણ અસલ અમેરિકન માને છે.તુલસી, નિકી કે બોબી જે પણ અમેરિકના રાજકારણમાં આગળ વધશે, એક વાત નક્કી છે કે અમેરિકાના રાજકારણમાં ભારતીયપણાનો દબદબો રહેવાનો છે. કેનેડામાં ચાર શીખો પ્રધાન બન્યા છે. બ્રિટનમાં પણ ભારતીય સમુદાય નાનો હોવા છતાં રાજકારણમાં મહત્ત્વની હાજરી ધરાવતો રહ્યો છે.તુલસીને ફાયદો એ છે કે બહુ નાની ઉંમરે તે રાજકારણ શરૂ કરી શકી. તેણે સેનામાં કામ કર્યું છે, જેને અમેરિકામાં બહાદુરી અને દેશપ્રેમની નિશાની માનવામાં આવે છે. અમેરિકા દરેક ધર્મના લોકોને અને વસાહતીઓને એક સમાન ગણવામાં માને છે. તુલસીનું ઉદાહરણ તેમાં પણ બંધ બેસે તેમ છે. તે હિન્દુ છે, પણ રેસની રીતે યુરોપિયન કોકેશિયન છે.

Related posts

ચોકીદાર ચોર હૈનો નારો ભાજપને જ લાભ પહોંચાડશે

aapnugujarat

शर्म आती है ऐसे नेता पर और सीना चौड़ा होता है मेरे ऐसे जाँबाज जवानों पर..!

aapnugujarat

EVENING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1