Aapnu Gujarat
ગુજરાત

હાલોલ-પાવાગઢ રોડ પર ટક્કરથી બાઇક બસને ટકરાતા દંપત્તિના મોતથી ભારે ચકચાર

વડોદરા શહેરથી ૪૦ કિ.મી.દૂર હાલોલ ખાતે પાવાગઢ રોડ પર સર્જાયેલા એક વિચિત્ર અકસ્માતમાં છકડાની ટક્કરથી બાઇક લકઝરી બસને અથડાતાં બાઇક પર સવાર દંપત્તિનું કરૂણ મોત નીપજયું હતુ, જયારે તેમની છ વર્ષની બાળકીને ગંભીર ઇજાઓ પહોંચતા તે હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાઇ હતી. અકસ્માતના આ બનાવને પગલે તેમ જ દંપત્તિના મોત અને બાળકી અનાથ બનતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકની લાગણી પ્રસરી ગઇ હતી. વડોદરા શહેરથી ૪૦ કિ.મી.દૂર હાલોલ ખાતે પાવાગઢ રોડ પર છકડાએ બાઇકને ટક્કર મારી હતી. છકડાની ટક્કરના કારણે બાઇક સામે આવતી લક્ઝરી બસ સાથે અથડાયુ હતું. આ અકસ્માતમાં બાઇક પર જતાં પરિવાર પૈકી યુવકનું ઘટના સ્થળે જ મોત થયુ હતું. જ્યારે યુવકની પત્ની અને ૬ વર્ષની બાળકીને ગંભીર ઇજાઓ સાથે વડોદરા ખસેડાઇ હતી જ્યાં પત્નીનું મોત થયુ હતું. ઇજાગ્રસ્ત બાળકી હાલ સારવાર હેઠળ છે. કાલોલ તાલુકાનાં મલાવ ગામ પાસે આવેલા મેદાપુરા ગામનાં જેતપુર ફળીયામાં રહેતો જિતેન્દ્ર રયજી પરમાર(ઉ.વ.૨૮) તેની પત્ની રેખા(ઉ.વ.૨૫)અને પુત્રી વનીતા(ઉ.વ.૬)ને લઇને બાઇક પર આજે બપોરે હાલોલ તાલુકાના જેપુરા ગામમાં રહેતા સંબંધીને મળવા જતાં હતાં. તેઓ હાલોલમાં પાવાગઢ રોડ પર સીંધવાવ માતાજીના મંદિર પાસેથી પસાર થતાં હતા ત્યારે પાછળથી પુરપાટ ધસી આવેલા એક છકડાએ જિતેન્દ્રની બાઇકને ટક્કર મારી હતી. આ દરમ્યાન જ સામેથી સ્કૂલનાં બાળકોનાં પ્રવાસની એક લક્ઝરી બસ પણ આવી રહી હતી. છકડાની ટક્કરે જિતેન્દ્રની બાઇક લક્ઝરી બસ સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં જિતેન્દ્રનું ઘટના સ્થળે જ મોત થયુ હતું જ્યારે રેખા બેભાન હતી પરંતુ શ્વાસ ચાલી રહ્યાં હોવાંથી તેને તથા તેની ઇજાગ્રસ્ત બાળકીને સારવાર માટે એસએસજી હોસ્પિટલ લાવવામાં આવ્યાં હતાં. અહીં સારવાર મળે તે પહેલા જ પત્ની રેખાનું મોત થયું હતું. જ્યારે ૬ વર્ષની બાળકી વનીતા હાલ સારવાર હેઠળ છે. છકડા ચાલકની એક ભુલના કારણે બે જણનાં મોત થયાં હતાં જ્યારે એક છ વર્ષની બાળકી અનાથ થઇ ગઇ હતી. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે શોક અને અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી.

Related posts

રાજેન્દ્ર ત્રિવેદીની વિધાનસભા અધ્યક્ષ તરીકે કરાયેલ પસંદગી : આવતીકાલે ફોર્મ ભરશે

aapnugujarat

નર્મદા જિલ્‍લામાં તા. ૧ લી થી તા.૧૪ મી ઓગષ્ટ સુધી મહિલા સશક્તિકરણ પખવાડીયાની થનારી ઉજવણી

aapnugujarat

મહિલાઓને ઈસ્યૂ કરાયેલી દારુની પરમિટમાં થયો વધારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1