Aapnu Gujarat
બ્લોગ

૨૦૧૮ : લોકપ્રિય સરકારી સ્કીમ

વર્ષ ૨૦૧૮ની પૂર્ણાહૂતિ થઇ રહી છે ત્યારે વર્ષ ૨૦૧૮માં કેટલીક એવી યોજનાઓ જાહેર કરવામાં આવી હતી જેના કારણે સામાન્ય લોકોને મોટો ફાયદો થયો હતો. સાથે સાથે આરોગ્યની દ્રષ્ટિએ પણ ફાયદો થયો હતો. આ તમામ યોજનાઓ દેશમાં ચર્ચાના કેન્દ્રસ્થાને રહી હતી. આ યોજનાઓમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, નેશનલ પેન્શન સિસ્ટમમાં યોગદાનમાં વધારો, કેન્દ્ર વિટનેસ પ્રોટેક્શન સ્કીમને મંજુરી, ઉત્તરાખંડમાં ગંગોત્રી અને યમનોત્રી સહિત વિવિધ જગ્યાએ શરૂ કરાયેલી નવી ધાર્મિક યોજનાઓ, ક્લાઇમેન્ટ રિસર્ચ મોડલિંગ સ્કીમને મંજુરી, પીઝ ઓફ ડુઇંગ બિઝનેસ, ઓપરેશન ગ્રીન વ્યુહરચનાને મંજુરી, એમએસએમઇ સેક્ટરને મંજુરી આપે તેવી યોજના, હરિત દિવાળી-સ્વસ્થ દિવાળી યોજનાને મંજુરી, સ્વસ્થ ભારત યાત્રા યોજના, અર્બન લીડર્સ ફેલોશિપ યોજના, બાયોમેટ્રીક આધારિત ડિજિટલ પ્રોશેસિંગ યાત્રી સુવિધા જે જે એરપોર્ટ ઉપર શરૂ કરાઈ હતી તે, બોર્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાએ તમામનું ધ્યાન ખેંચ્યું હતું. વર્ષ ૨૦૧૮માં શરૂ કરાયેલી યોજના જે તમામને ધ્યાન દોરે તેવી હતી તે નીચે મુજબ છે.
પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્યમાન ભારત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આયુષ્યમાન ભારત હેઠળ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની સપ્ટેમ્બરમાં શરૂઆત કરી હતી. ઝારખંડના રાંચીમાં આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ સ્કીમનો ઉદ્દેશ્ય દેશભરમાં ૫૦ કરોડ લોકોને આવરી લેવાનો રહેલો છે જેમાં પાંચ લાખના ઇન્સ્યોરન્સ કવર હેઠળ લોકોને આરોગ્યની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. વાર્ષિક આરોગ્ય વિમા યોજનાનો લાખો લોકો લાભ ઉઠાવી ચુક્યા છે. વિશ્વની સૌથી મોટી આરોગ્ય સંભાળ યોજનાને મોદી કેર નામ પણ આપવામાં પણ આપ્યું હતું. આ યોજનાથી ૨૭થી ૨૮ જેટલા યુરોપિયન દેશોમાં જેટલી વસતી છે તેટલી વસતીને લાભ મળશે જેમાં કેનેડા, મેક્સિકો અને અમેરિકાનો પણ સમાવેશ થાય છે. ૨૫મી સપ્ટેમ્બર ૨૦૧૮થી આ સ્કીમ અમલી કરાઈ હતી. પ્રત્યેક પરિવાર પાંચ લાખ સુધીની મફત સારવારની સુવિધા આમા અપાઈ હતી. જો કે, તેલંગાણા, ઓરિસ્સા, કેરળ, પંજાબ અને દિલ્હી જેવા રાજ્યો આ સ્કીમમાં સામેલ થઇ શક્યા નથી તેમને પણ સામેલ કરવાના પ્રયાસ થઇ રહ્યા છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના
પ્રધાનમંત્રી આવાસ યોજના પણ અસરકારક રીતે આગળ વધી રહી છે. શહેરી અને ગ્રામિણ વિસ્તારોમાં આ સ્કીમ હેઠળ ગરીબ લોકોને આવાસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. અમલીકરણના ત્રણ વર્ષના ગાળાની અંદર જ આ યોજના હેઠળ ૫૧ લાખ મકાનોને મંજુરી અપાઈ હતી. નિર્માણના જુદા જુદા તબક્કામાંથી પસાર થઇ ગયા બાદ ૪૦ લાખથી વધુ આવાસોની ફાળવણી થઇ ચુકી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ૨૦૨૨ સુધી શહેરી વિસ્તારોમાં તમામ ગરીબ લોકોને પોષાય તેવી કિંમતે આવાસ આપવાના ઇરાદા સાથે શરૂ કરવામાં આવી છે. આ સ્કીમ હેઠળ દેશભરમાં બે કરોડ આવાસનું નિર્માણ કરાશે. સરકારે એક લાખથી લઇને ૨.૩૦ લાખની વચ્ચે સબસિડી આ યોજના હેઠળ પુરી પાડી છે. તેમને મકાનની સુવિધા સરળતાથી મળે તે હેતુસર ચોક્કસ કેટેગરી હેઠળ આ સબસિડી એક લાખથી ૨.૩૦ લાખ વચ્ચે અપાઈ રહી છે. આ યોજના શરૂ કરવામાં આવ્યા બાદથી તેના હેઠળ વિવિધ રાજ્યોમાં ખુબ ઝડપથી આવાસનું નિર્માણ થઇ રહ્યું છે.
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના
કેન્દ્ર સરકાર, નાબાર્ડ અને નેશનલ વોટર ડેવલપમેન્ટ એજન્સી દ્વારા પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ ૯૯ પ્રાથમિકતાના સિંચાઈ પ્રોજેક્ટોના કેન્દ્ર સરકારના હિસ્સાના ફંડિંગ માટે સુધારવામાં આવેલા કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા. સુધારવામાં આવેલા એમઓયુ હેઠળ સિંચાઈની સુવિધાઓ આપવામાં આવી રહી છે. આ સ્કીમ શરૂ કરવામાં આવ્યા બાદથી તેના હેઠળ મોટી સંખ્યામાં લોકોને લાભ મળી રહ્યા છે. દરેક ખેતરને પાણીનો મુખ્ય ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે. ઉપરાંત પાણીના જતનની ટેકનોલોજી હેઠળ પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
તમામ ગરીબ પરિવાર સુધી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના
કેન્દ્ર સરકારે દેશમાં તમામ ગરીબ પરિવારોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની સુવિધા આપવાનો નિર્ણય કર્યો હતો. મફત કુકિંગ ગેસ કનેક્શન આપવાના હેતુ સાથે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરાઇ છે જે સરકારના ફ્લેગશીપ પ્રોગ્રામ પૈકી એક છે. આ સ્કીમ હેઠળ ૨૦૨૨ સુધી ૮૦ કરોડ પરિવાર સુધી મફત એલપીજી કનેક્શન પહોંચાડવાનો રહેલો છે. આ સ્કીમને લંબાવવામાં આવ્યા બાદ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાથી દરેક ગરીબ પરિવાર લાભ લઇ શકશે. સાત ઓળખી કાઢવામાં આવેલી કેટેગરી અથવા તો અન્ય કેટેગરીના ભાગરુપે ગરીબ પરિવાર રહે તે જરૂરી નથી. આ યોજના મે ૨૦૧૬માં શરૂ કરવામાં આવ્યા બાદ તેને તમામ ગરીબ પરિવાર સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો હતો.
નેશનલ પેન્શન વ્યવસ્થાના યોગદાનમાં વધારો
કેન્દ્રીય કેબિનેટે આ વખતે એક મહત્વપૂર્ણ નિર્ણય લઇને નેશનલ પેન્શન વ્યવસ્થામાં તેના તરફથી આપવામાં આવતા યોગદાનને ૧૦ ટકાથી વધારીને ૧૪ ટકા કરવાનો નિર્ણય કર્યો હતો. આના લીધે ૧૮ લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓને સીધો ફાયદો થઇ રહ્યો છે. ઉચ્ચ સરકારી યોગદાન જે કર્મચારીઓને આપવામાં આવે છે તેના લીધે સરકાર ઉપર જંગી બોજ પડશે પરંતુ સરકારે આ યોગદાનને ૧૦ ટકાથી વધારીને ૧૪ ટકા કર્યો હતો. આ યોજના હેઠળ પેન્શનની વ્યવસ્થામાં સરકાર દ્વારા આપવામાં આવતા યોગદાનનો આંકડો ૧૦ ટકાના બદલે ૧૪ ટકા થઇ જશે. આ સ્કીમનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ નાગરિકોને નિવૃત્ત આવક ઉપલબ્ધ કરાવવાનો છે. આ યોજના હેઠળ વ્યક્તિગત યોગદાન પણ ખાતામાં કર્મચારીઓના રહેશે.
વિટનેશ પ્રોટેક્શન સ્કીમ
કેન્દ્ર સરકારની વિટનેસ પ્રોટેક્શન સ્કીમને સુપ્રીમ કોર્ટ દ્વારા લીલીઝંડી આપી દેવામાં આવી હતી. આને અમલી કરવા માટે તમામ રાજ્ય સરકારોને સૂચના આપવામાં આવી હતી. સાક્ષીઓના રક્ષણની માંગ કરતી અરજીના સંદર્ભમાં સુનાવણી કરતી વેળા સુપ્રીમે આને મંજુરી આપી હતી. કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા આ સ્કીમ તૈયાર કરાઈ હતી. આમા મુખ્ય વિશેષતા એ છે કે, સાક્ષીઓનું સંપૂર્ણપણે રક્ષણ કરવામાં આવશે. આ સ્કીમ આ વિષય ઉપર સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં બંધારણની કલમ ૧૪૧-૧૪૨ હેઠળ કાયદો બન્યા બાદ અમલી થશે. આમા રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. એક વર્ષના ગાળાની અંદર વિટનેસ ડિપોઝિશન કોમ્પ્લેક્ષ સ્થાપિત કરવા માટે કહેવામાં આવ્યું છે. ૧૮ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશનો આમા સહકાર કરાયો છે જેના ભાગરુપે ખર્ચની રિકવરી, રેકોર્ડ જાળવવામાં આવશે. જાનને ખતરા કેવા પ્રકારના છે તે અંગે પણ નોંધ લેવાશે.
પ્રસાદ સ્કીમથી શ્રદ્ધાળુઓ ખુશખુશાલ
કેન્દ્ર સરકારે પ્રસાદ માટેની જે સ્કીમ છે તેને વધુ વિસ્તૃત કરી હતી જેમાં ઉત્તરાખંડમાં ગંગોત્રી અને યમનોત્રી, ઉત્તરપ્રદેશમાં અમરકંટક, ઝારખંડમાં પારસનાથનો આમા સમાવેશ કરવામાં આવ્યો હતો. દેશમાં ધાર્મિક સ્થળો અને હેરિટેજ સ્થળો વિકસિત કરવાના ઇરાદા સાથે આ પ્રસાદ સ્કીમ શરૂ કરાઈ હતી. ટ્યુરિઝમ મંત્રાલય દ્વારા આને શરૂ કરવામાં આવ્યા બાદ આને વધુ વિસ્તૃત બનાવી દેવામાં આવી છે જેના ભાગરુપે વિવિધ સ્થળો ઉપર પરિવહનની સુવિધા, ઇકો ફ્રેન્ડલી મોડલ લાઇટિંગ, પીવાના પાણીની સુવિધાનો સમાવેશ થાય છે.
કારોબાર સરળ કરવા સંબંધિત સ્કીમ
ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરીને કારોબાર કરવા આડે આવતી સમસ્યાઓને દૂર કરવાના ઇરાદા સાથે શરૂ કરવામાં આવેલી ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને વધુ વિસ્તૃત કર દેવામાં આવી હતી. આ સ્કીમ શરલૃ કરતા પહેલા પસંદગીના ભારતીય સીઈઓ અને વિદેશી કંપનીઓના નિષ્ણાતોના અભિપ્રાય લેવાયા હતા. વર્તમાન ટેકનોલોજીનો ઉપયોગ કરીને જટિલ સમસ્યાઓને ઉકેલવા માટે યુવા ભારતીયો, સ્ટાર્ટ અપ અને અન્ય પ્રાઇવેટ કંપનીઓની મદદ લેવાનો ઉદ્દેશ્ય આની હેઠળ રખાયો હતો. ભારતને કારોબાર કરવાના સંદર્ભમાં સૌથી સરળ સ્થળ બનાવી દેવાના ઇરાદા સાથે આની શરૂઆત કરવામાં આવી છે. સરકારે એવી ખાતરી પણ કરી છે કે, બિઝનેસ કારોબારનું વાતાવરણ વધુ મૈત્રીપૂર્ણ બને. આર્ટીફિશિયલ ઇન્ટેલીજન્સ, ઇન્ટરનેટ, ડેટા નિરીક્ષણ, બ્લોકચેઇન અને અન્ય ટેકનોલોજીનો ઉપયોગ આમા કરાયો છે. આ સ્કીમ બાદ કારોબાર સરળ કરવાના રિપોર્ટમાં ભારતે કુદકો લગાવીને વિશ્વ રેંકિંગમાં આગેકૂચ કરી હતી.
ઓપરેશન ગ્રીનને મંજુરી
ફુડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી દ્વારા ઓપરેશન ગ્રીન માટેની ઓપરેશન વ્યૂહરચનાને મંજુરી આપવામાં આવી હત. ટામેટા, ડુંગળી અને બટાકાના પુરવઠાને સ્થિર કરવાના ઇરાદા સાથે બજેટ ૨૦૧૮-૧૯માં ઓપરેશન ગ્રીનની જાહેરાત કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં ટામેટા, ડુંગળી અને બટાકા ખુબ જ સરળરીતે તમામ લોકોને ઉપલબ્ધ બને તે હેતુસર આને મંજુરી આપવામાં આવી હતી. ભાવમાં કોઇપણ ઉથલપાથલ વગર પોષાય તેવી કિંમતે આ તમામ ઉપયોગી ચીજો મળી રહે તેનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો હતો. આ વ્યૂહરચના હેટળની સહાયતા માટે પણ ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા હતા. ખેડૂતોને પણ લાભ થાય તેનો પણ મુખ્ય હેતુ હતો. ટામેટા, ડુંગળી અને બટાકાની પાકના ભાવ, ડિમાન્ડ અને સપ્લાય અંગેના ડેટા પણ આ સ્કીમ હેઠળ એકત્રિત કરીને રાહત આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૨ના અંત સુધી ખેડૂતો આવક બે ગણી થાય તેનો હેતુ આની પાછળ રાખવામાં આવ્યો છે.
એમએસએમઈ સેક્ટર માટે ખાસ કાર્યક્રમ
માઇક્રો, સ્મોલ, મિડિયા એન્ટરપ્રાઇઝ (એમએસએમઈ) પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમના ભાગરુપે મોદીએ ૧૨ ચાવીરુપ પહેલ કરી હતી. નાના, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ સાહસિકોને મદદરુપ થવાના ઇરાદા સાથે આની શરૂઆત કરવામાં આવી હતી. આ સેક્ટરને તમામ જરૂરી સુવિધા મળે તેનો પણ હેતુ હતો તેમાં ટેકનોલોજી અપગ્રેડેશન, માર્કેટમાં સુવિધાઓ, ક્રેડિટના મુલ્યાંકન, સરળરીતે કારોબાર, કર્મચારીઓની સુરક્ષા પર પણ ધ્યાન અપાયું હતું. કર્મચારીઓને પુરતી તક મળી રહે તે ઇરાદા સાથે આની શરૂઆત કરવામાં આવી હતી. રોજગારીની તક આપવામાં સૌથી આગળ રહેલા એમએસએમઈ સેક્ટરને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આના ભાગરુપે દેશભરમાં ૧૦૦ જિલ્લાઓને આવરી લઇને આની શરૂઆત કરાઈ છે. લોન પોર્ટલની પણ આના લીધે શરૂઆત થઇ છે. તમામ જીએસટી નોંધાયેલા એમએસએમઈ માટે વિશેષ સુવિધાઓ અપાઈ રહી છે.
હરિત દિવાળી-સ્વસ્થ દિવાળી
હરિત દિવાળી-સ્વસ્થ દિવાળીની પહેલને ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વાયુ અને ધ્વનિ પ્રદૂષણને રોકવાના ઇરાદા સાથે આની શરૂઆત કરવામાં આવી હતી. ફટાકડા ફોડવાના કારણે દિવાળીની ઉજવણી બાદ દેશભરમાં પ્રદૂષણની જે સ્થિતિ સર્જાતી હતી તેને રોકવાના હેતુસર આની શરૂઆત કરવામાં આવી હત. નુકસાનકારક ફટાકડાઓને લઇને બાળકોને થતાં નુકસાનને રોકવામાં પણ તે ઉપયોગી સાબિત થઇ છે. આ વખતે પાન ઇન્ડિયામાં તેને વિસ્તૃત કરીને તેની ચળવળને આગળ વધારવામાં આવી હતી. વાયુ પ્રદૂષણના કારણે દેશમાં આરોગ્યને લઇને પણ શ્રેણીબદ્ધ ફરિયાદો પણ ઉઠી હતી જેના લીધે હરિત દિવાળી અને સ્વસ્થ દિવાળીની દિશામાં વિશેષ પહેલ કરવામાં આવી હતી.
ફુડ સુરક્ષા માટે સ્વસ્થ ભારત યાત્રા
સુરક્ષિત ભોજનની ચીજવસ્તુઓ અને આરોગ્યપ્રદ ચીજવસ્તુઓના સંદર્ભમાં લોકોને જાગૃત કરવાના ઇરાદા સાતે ૧૬મી ઓક્ટોબરના દિવસે વર્લ્ડ ફુડ ડેના પ્રસંગે સ્વસ્થ ભારત યાત્રા નામથી રાષ્ટ્રીય ચળવળ શરૂ કરવામાં આવી હતી. ફુટ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નેતૃત્વમાં રાજ્યોના સહકાર સાથે આની શરૂઆત કરવામાં આવી હતી. આ હેઠળ પાન ઇન્ડિયા સાયકલ રેલીનું આયોજન ભોજનની ચીજવસ્તુઓની ગુણવત્તાના સંદર્ભમાં હાથ ધરવામાં આવી હતી. ભોજનમાં ભેળસેળને રોકવા અને આરોગ્યની ચીજ સ્વસ્થ રહે તે ઇરાદા સાથે આની શરૂઆત થઇ હતી. આના ભાગરુપે દર વર્ષે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય ઇટ રાઇટ ઇન્ડિયા રાખવામાં આવ્યો છે. આના ભાગરુપે ૨૭મી જાન્યુઆરી ૨૦૧૯ના દિવસે રાષ્ટ્રીય પાટનગરમાં પણ એક કાર્યક્રમ યોજાશે.
રોડ સેફ્ટી લર્નર્સ લાઇસન્સ
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા યુથ રોડ સેફ્ટી લર્નર્સ લાયસન્સ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી. દેશમાં આ પ્રકારના પ્રથમ કાર્યક્રમ તરીકે આને જોવામાં આવે છે. જેના ભાગરુપે પ્રથમ વખત ડ્રાઇવિંગ કરતા યુવાનોને વિશેષરીતે ટ્રેનિંગ આપવામાં આવે છે. આડેધડ ડ્રાઇવિંગને રોકવા, માર્ગ અકસ્માતોને રોકવા તથા માર્ગ સુરક્ષાના સંદર્ભમાં જાગૃત્તિ જગાવવાનો આની પાછળ હેતુ રહેલો છે. ઉપરાંત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષ ૨૦૨૦ સુધી માર્ગ અકસ્માતોની સંખ્યાને ૫૦ ટકા સુધી ઘટાડી દેવાનો પણ રહેલો છે. શૈક્ષણિક વ્યવસ્થામાં આને સામેલ કરવાની વાત પણ ચાલી રહી છે. ભારત માર્ગ અકસ્માતોની દ્રષ્ટિએ વિશ્વમાં સૌથી આગળ છે. દર ચાર મિનિટમાં એક અકસ્માત થાય છે. મોતનો આંકડો પણ ઉંચો છે.
વિમાની મથકે યાત્રીઓના બાયોમેટ્રીક ડિજિટલ પ્રોસેસ
ઉડ્ડયન મંત્રાલય દ્વારા વિમાની મથકે યાત્રીઓની બાયોમેટ્રીક આધારિત ડિજિટલ પ્રોસેસિંગ ઉપર પોલિસી રજૂ કરી હતી. આનો મુખ્ય હેતુ પેપરલેસ અને અડચણમુક્ત વિમાની યાત્રાનો રહેલો છે. આની શરૂઆત બેંગ્લોર અને હૈદરાબાદ વિમાની મથકે પ્રાયોગિક ધોરણે ફેબ્રુઆરી ૨૦૧૯ના અંત સુધી થઇ રહી છે. મોડેથી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એપ્રિલ ૨૦૧૯ સુધી કોલકાતા, વારાણસી, પુણે વિજયવાડામાં પણ આની શરૂઆત કરશે. આ સ્કીમ હેઠળ ડિપાર્ટચર વખતે માત્ર એક જ વખત વેરિફિકેશન કરવામાં આવે છે. પ્રથમ વખત આઇડીનો ઉપયોગ કરીને પ્રવાસની મંજુરી આપવામાં આવે છે. યાત્રીઓને આના માટે કોઇ વધારે તકલીફ પડશે નહીં.
ઉદ્યોગ સાહસિક અભિલાષા યોજના
સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ઉદ્યમ અભિલાષા નામથી સ્કીમ શરૂ કરવામાં આવી હતી. ૨૮ રાજ્યોમાં નીતિ આયોગ દ્વારા ઓળખી કાઢવામાં આવેલા ૧૧૫ જિલ્લાઓમાં આની શરૂઆત પ્રાથમિક ધોરણે કરવામાં આવી હતી. યુવાનો સુધી પહોંચીને તેમને જરૂરી ટ્રેનિંગ અને માર્ગદર્શનનો હેતુ રહેલો છે. ઉદ્યોગ સાહસિકોમાં કયા પ્રકારના રોજગારની જરૂર છે તે સંદર્ભમાં માહિતી આપવામાં આવે છે.
બોર્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ
બોર્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ મેનેજમેન્ટ સ્કીમ હેઠળ ૬૦ પ્રોજેક્ટો માટે ૮૬૦૬ કરોડ રૂપિયાને મંજુરી અપાઈ હતી. પાકિસ્તાન, ચીન, નેપાળ, ભૂટાન, મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવનાર ૧૭ રાજ્યોમાં સ્થિત ૧૧૧ જિલ્લાઓમાં આ પ્રોજેક્ટો અમલી કરવામાં આવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સરહદના ૫૦ કિલોમીટરની હદમાં રહેતા લોકોની વિકાસની જરૂરિયાતોને પહોંચી વળવાના ઇરાદા સાથે આ સ્કીમ શરૂ કરવામાં આવી છે. ભારત પાકિસ્તાન સાથે ૩૩૨૩, ચીન સાથે ૩૪૮૮, નેપાળ સાથે ૧૭૫૧, ભુટાન સાથે ૬૯૯, મ્યાનમાર સાથે ૧૬૪૩, બાંગ્લાદેશ સાથે ૪૦૯૬ કિલોમીટરની સરહદ ધરાવે છે. આ સ્કીમમાં માર્ગો, સ્કુલો, પ્રાથમિક આરોગ્ય સંભાળ કેન્દ્રોના નિર્માણનો સમાવેશ થાય છે. ઉપરાંત બોર્ડર ટ્યુરિઝમ, ગ્રામિણ ટ્યુરિઝમ, સ્વસ્થતા મિશન, રમતગમતની પ્રવૃત્તિઓના વિકાસનો સમાવેશ થાય છે. સરહદી વિસ્તારમાં રહેતા લોકોને તમામ જરૂરી સુવિધાનો હેતુ પણ આમા રખાયો છે. ઉપરાંત ગ્રામિણ વિસ્તારોમાં હેલિપેડના નિર્માણની બાબતને પણ આમા આવરી લેવામાં આવી છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના
સુકન્યા સમૃદ્ધિ યોજનાના ભાગરુપે પણ કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે જેના ભાગરુપે બાળકીઓને વધારે લાભ મળી શકશે. આ સ્કીમના લાભ વધુ લોકો સુધી પહોંચે તેના હેતુ સાથે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં જરૂરી લઘુત્તમ વાર્ષિક ડિપોઝિટની રકમ ઘટાડવામાં આવી છે. સરકારે આમા સુધારો કર્યો છે. બેટી બચાવો, બેટી પઢાવો સ્કીમના ભાગરુપે આની શરૂઆત કરવામાં આવ્યા બાદ સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ રુલ્સમાં સુધારા કરાયા છે.
ખેલો ઇન્ડિયા સ્કોલરશીપ
કેન્દ્રીય રમતગમત મંત્રાલય હેઠળ સ્પોટ્‌ર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ખેલો ઇન્ડિયા ટેલેન્ટ ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ સ્કોલરશીપ માટે ૭૩૪ એથ્લિટોને પસંદ કરાયા છે. સાઈની પસંદગીની હાઈ પાવર કમિટિની પણ આમા ભૂમિકા છે. આ સ્કીમ હેઠળ એથ્લિટોમાં સરકારી એક્રીટેડેટ એકેડેમીમાં ટ્રેનિંગ આપવામાં આવશે. ત્રિમાસિક આધાર પર પોકેટ ખર્ચને પહોંચી વળવા ૧૨૦૦૦૦ રૂપિયાના વાર્ષિક સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવશે. હાઈપાવર કમિટિએ પ્રથમ વખત આ સ્કીમમાં રસ દર્શાવ્યો છે. ભારતમાં જમીની સ્તર પર રમત-ગમતને પ્રોત્સાહન આપવાનો આની પાછળ ઉદ્દેશ્યો રહેલા છે. આની અસર પણ દેખાઈ રહી છે અને ભારતે જુદી જુદી રમતોમાં એક પછી એક ઉલ્લેખનીય સફળતા હાંસલ કરી છે.
એલઇડી બલ્બ સ્કીમ
એલઇડી બલ્બ સ્કીમની ચર્ચા પણ દેશભરમાં જોવા મળી છે. આ સ્કીમના અમલીકરણથી વિજળીના બિલમાં ઘટાડો થયો હોવાના અહેવાલ પણ સતત મળી રહ્યા છે. વૈશ્વિક એલઇડી માર્કેટમાં ભારતની હિસ્સેદારી આના લીધે ૦.૧ ટકાથી વધીને ૧૨ ટકા સુધી પહોંચી ચુકી છે. વાર્ષિક એલઇડી સ્થાનિક ઉત્પાદનનો આંકડો ૩૦ લાખ બલ્બથી વધીને ૬ કરોડ બલ્બ સુધી પહોંચ્યો છે. આના લીધે ૬૦૦૦૦ કરોડ લોકોને નોકરીની સુવિધા મળી ચુકી છે. આ સ્કીમ હેઠળ વિજળીની બચત સૌથી મહત્વપૂર્ણ બાબત સાબિત થઇ છે. ૧૫૫૮૮ કરોડ રૂપિયાની ઉર્જાની બચત થઇ છે.

Related posts

સ્પોર્ટર : બાય બાય ૨૦૧૮ – વેલકમ ૨૦૧૯

aapnugujarat

તુમ્હારી સુલુ દ્વારા વિદ્યાનું ધમાકેદાર પુનરાગમન

aapnugujarat

सीधी बस हादसा, इन लाशों का जिम्मेदार कौन?

editor

Leave a Comment

UA-96247877-1